ઇમરાન ખાને કહ્યું, 'ભારતને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે'

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની વિધાનસભાના વિશેષ સત્રમાં સંબોધન કર્યું હતું.

આ સંબોધનમાં તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવીને નરેન્દ્ર મોદીએ પોતાનું 'છેલ્લું કાર્ડ' રમ્યું છે.

તેમણે ઉમેર્યું કે હિટલરે નાઝીઓ માટે 'ફાઇનલ સૉલ્યુશન' દ્વારા જેવું કર્યું હતું, આ કંઈક એવું જ છે.

આ વખતે પાકિસ્તાન પોતાના સ્વતંત્રતા દિવસ 14 ઑગસ્ટના રોજ 'કાશ્મીર એકજૂટતા દિવસ'ની ઉજવણી પણ કરી રહ્યું છે.

પાકિસ્તાને આ પગલું ભારત તરફથી જમ્મુ-કાશ્મીર રાજ્યને મળેલા વિશેષ દરજ્જાને છીનવી લેવા અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દેવાના વિરોધમાં ઉઠાવ્યું છે.

બુધવારના રોજ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના રાષ્ટ્રપતિ સરદાર મસૂદ ખાન અને વડા પ્રધાન રાઝા ફારુક હૈદરે તેમની આગેવાની કરી. તેમને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવ્યું.

ઇમરાન ખાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની વિધાનસભાને સંબોધિત કરતા કહ્યું:

"RSSએ પોતાની વિચારધારાની પ્રેરણા હિટલરની નાઝી પાર્ટી પાસેથી લીધી છે. નરેન્દ્ર મોદી નાનપણથી તેના સભ્ય છે."

"તેઓ માને છે કે હિંદુ કોમ શ્રેષ્ઠ છે. તેઓ માને છે કે મુસ્લિમોએ આપણા પર રાજ કર્યું છે, હવે તેમની સામે બદલો લેવો જોઈએ."

ભારતને પાઠ ભણાવીશું

ઇમરાને કહ્યું, "કાશ્મીર દ્વારા મોદીએ 'છેલ્લું કાર્ડ' રમ્યું છે. મોદીએ વ્યૂહાત્મક બ્લંડર કરી નાખ્યું છે."

"આ મોદી અને ભાજપને ખૂબ ભારે પડશે, કેમ કે આ રીતે તેમણે કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી નાખ્યું છે."

ઇમરાન ખાને કહ્યું, "પહેલાં કાશ્મીર મામલે વાત કરવું અઘરું હતું. હવે દુનિયાની નજર કાશ્મીર પર છે."

"હવે આપણા પર છે કે આપણે તેને કેવી રીતે આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવીએ છીએ."

"હું આપણી સંસદમાં જવાબદારી લઉં છું કે હું કાશ્મીરની દુનિયામાં અવાજ ઉઠાવનારો ઍમ્બૅસૅડર છું."

ખાને ઉમેર્યું, 'નરેન્દ્ર મોદી તમે એક કોમને ગુલામ બનાવીને ન રાખી શકો. તમારી ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. હવે તમને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.'

'મોદી અને ભાજપને ભારે પડશે'

ઇમરાન ખાને કહ્યું છે કે આ વિચારધારા ન માત્ર મુસ્લિમોને, પણ ખ્રિસ્તીઓને પણ નફરત કરે છે.

RSSએ પોતાના સંગઠનમાં જોડાયેલા લોકોના મગજમાં એ વાત ઠસાવી દીધી છે કે 'જો મુસ્લિમોએ દેશ પર 600 વર્ષ સુધી રાજ ન કર્યું હોત, તો ભારત મહાન દેશ હોત.'

નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક વલણ દાખવતા ઇમરાન ખાને કહ્યું કે આ વિચારધારાએ મહાત્મા ગાંધીની હત્યા કરી. આ જ વિચારધારાએ આગળ જતાં મુસ્લિમોનો નરસંહાર કર્યો.

"છેલ્લા પાંચ વર્ષમાં જે કાશ્મીરમાં અત્યાચાર કરવામાં આવ્યા, તે આ જ વિચારધારાના કારણે કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ આ જે કાર્ડ રમ્યું છે, આ તેમનું છેલ્લું કાર્ડ હતું."

"આ 'ફાઇનલ સૉલ્યુશન' છે. હિટલરે પણ નાઝીઓ માટે 'ફાઇનલ સૉલ્યુશન' બનાવ્યું હતું."

'ફાઇનલ સૉલ્યુશન' શું છે?

'ફાઇનલ સૉલ્યુશન' એ નાઝી-જર્મનીની એક સુનિયોજિત નીતિ હતી, જે અંતર્ગત બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના યહૂદીઓના નરસંહારની યોજના તૈયાર કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે 'ફાઇનલ સૉલ્યુશન' નાઝીનેતા ઍડોલ્ફ આઈકમાનના ભેજાની પેદાશ હતી.

આ માટે યહૂદીઓના સામૂહિક હત્યાની પરિયોજનો તૈયાર કરાઈ હતી, જેને સ્થાનિક સ્તરથી લઈને નાઝી-હાઈ કમાન્ડે પોતપાતાની રીતે વિકસાવી હતી.

આ માટે તૈયાર કરાયેલી 'કિલિંગ સ્ક્વૉડ'એ યુહૂદી સમુદાયનો નરસંહાર કર્યો હતો.

આ નીતિ અંતર્ગત માત્ર બે દિવસમાં યુક્રેનની રાજધાની કિવમાં 33,771 યુહીદીઓને ગોળીએ દેવાયા હતા.

સ્થાનિક નાઝી નેતાઓ પાસે યહૂદીઓને કેદ રાખવા માટે પૂરતાં 'ઘૅટો' કે પૂરતી સુવિધા ન હોવાથી પણ મોટા પાયે સામૂહિક હત્યાઓ કરવામાં આવી હતી.

આ નીતિના અમલના એક વર્ષ બાદ સુનિયોજીત રીતે મોબાઇલ ટ્રકમાં અને ગૅસ-ચેમ્બરમાં ગૂંગળાવીને પણ લાખો યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો