શું છે પહલુ ખાન હત્યા કેસ, જેમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટી ગયા

રાજસ્થાનની એક સ્થાનિક કોર્ટે પહલુ ખાનની હત્યા મામલે તમામ છ આરોપીઓને મુક્ત કરી દીધા છે.

કોર્ટે આ મામલાના આરોપીઓ વિપિન યાદન, રવિન્દ્ર કુમાર, કાલુરામ, દયાનંદ, યોગેશ કુમાર અને ભીમ રાઠીને પુરાવાના અભાવે મુક્ત કરી દીધા છે.

હરિયાણાના નૂંહના પહલુ ખાનની રાજસ્થાનના અલવર જિલ્લામાં ભીડે ઢોરમાર મારીને હત્યા કરી નાખી હતી.

આ ઘટનામાં તેમના પુત્ર અને અન્ય લોકોને પણ ઈજા પહોંચી હતી. એ વખતે તેઓ જયપુરમાંથી ગાય ખરીદીને પોતાના ગામે પરત ફરી રહ્યા હતા.

રાજસ્થાન પોલીસે આ વર્ષે જૂન મહિનામાં પહલુ ખાન વિરુદ્ધ ગૌતસ્કરીના મામલે ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમના બે પુત્રોને પણ સહ-આરોપી બનાવાયા હતા.

શું છે પહલુ ખાન કેસ?

ટોળા દ્વારા પહલુ ખાનની હત્યા કરાયા બાદ પોલીસે આ મામલો દાખલે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ સાથે જ પોલીસે પહલુ ખાન સાથે ગાડીમાં સવાર અઝમત અને રફીક વિરુદ્ધ તસ્કરીનો ગુનો પણ નોંધ્યો હતો.

આ સિવાય ડ્રાઇવર અર્જુન યાદવ અને તેમના પિતા જગદીશને પણ ગૌતસ્કરી મામલે આરોપી બનાવાયા હતા.

અર્જુન ગાય લઈને આવી રહેલી ગાડીના ડ્રાઈવર હતા અને જગદીશ એ ગાડીના માલિક હતા.

પોલીસનું કહેવું હતું કે પહલુ ખાન પાસે ગાય ખરીદવાના દસ્તાવેજો નહોતા એટલે આ ગૌતસ્કરીનો મામલો હતો.

પહલુ ખાનના સંબંધીઓ આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ તપાસમાં નામજોગ મુખ્ય આરોપી વિરુદ્ધ પુરાવા ન મળવાની વાત કરીને ક્લિનચિટ આપી દીધી છે અને મૃતક તથા તેમના સાથીઓને ગૌતસ્કરીના આરોપી બનાવી દીધા છે.

માનવાધિકાર સંગઠનોની ટીકા

આ ઘટના બની ત્યારે અલવરમાં રાજકીય પક્ષો લોકસભાની પેટાચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા હતા.

ભાજપના સાંસદ મહંતચાંદ નાથનું સપ્ટેમ્બર-2017માં અવસાન થયા બાદ આ પેટાચૂંટણી યોજાઈ રહી હતી.

કથિત ગૌરક્ષકો દ્વારા પહલુ ખાનની હત્યા બાદ માનવાધિકાર સંગઠનોએ સરકારની ભારે ટીકા કરી હતી.

પોલીસે આ મામલે નવ વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો હતો, પરંતુ બાદમાં પુરાવાના અભાવે તેમાંથી છને પોલીસે ક્લીનચિટ આપી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો