શાહ ફૈઝલ : વિદેશ જવા માગતા કાશ્મીરના નેતા અને પૂર્વ IASની દિલ્હી ઍરપૉર્ટ પર અટકાયત

કાશ્મીરના પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈઝલની પબ્લિક સેફ્ટી ઍક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા 'પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર, દિલ્હીમાંથી અટકાયાત કરાયા બાદ તેમને કાશ્મીરના શ્રીનગર મોકલી દેવાયા, જ્યાં 'P.S.A.' અંતર્ગત તેમની અટકાયત કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા પ્રમાણે શાહ ફૈઝલ તુર્કીના ઇસ્તંબૂલ જવા માગતા હતા.

પૂર્વ અધિકારી શાહ ફૈઝલે ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી રાજીનામું આપ્યા બાદ 'જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ પાર્ટી'ના નામે રાજકીય પક્ષની સ્થાપના કરી હતી.

આશંકા વ્યક્ત કરી હતી

જમ્મુ અને કાશ્મીરમાથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ શાહ ફૈઝલે બીબીસીને આશંકા વ્યકત કરી હતી કે અન્ય રાજનેતાઓની જેમ ટૂંક સમયમાં તેમની પણ અટકાયત કરવામાં આવશે. તેમણે કાશ્મીરમાં ભયનો માહોલ હોવાનું પણ જણાવ્યું હતું.

બીબીસીના કાર્યક્રમ 'હાર્ડ ટૉક'ના પ્રસ્તુતકર્તા સ્ટિફન સૅકરે શાહ ફૈઝલનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.

જેમાં વર્ષ 2009ના યૂપીએસસીના ટૉપર શાહ ફૈઝલે કહ્યું હતું, 'કાશ્મીરના 80 લાખ લોકો છેલ્લા કેટલાય દિવસથી કેદ જેવી સ્થિતિમાં છે.'

તેમણે જણાવ્યું હતું, "જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી કર્ફ્યુ લગાવાયો છે.""કાશ્મીરના 80 લાખ લોકો આટલા દિવસોથી કેદની સ્થિતિમાં છે. રસ્તાઓ સૂમસામ છે. બજાર બંધ છે. એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવું ભારે મુશ્કેલ છે."

"સંચારસુવિધા સંપૂર્ણ રીતે ઠપ છે. ટેલિફોન, મોબાઇલ કામ નથી કરી રહ્યા. બહાર રહેતા કાશ્મીરીઓ પોતાના પ્રિયજનો સાથે વાત નથી કરી શકતા."

"ખોરાકની અછત છે અને લોકોને ખબર નથી પડી રહી કે શું ઘટી રહ્યું છે. સુરક્ષાદળોની અભૂતપૂર્વ તહેનાતી કરાઈ છે."

"ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે. લોકો પોતાના સંબંધીઓને મળવામાં અસમર્થ છે. અલગતાવાદી હોય કે ભારતસમર્થક નેતા હોય, બધાની અટકાયત કરી લેવાઈ છે."

ફૈઝલે ઉમેર્યું હતું, "4 ઑગસ્ટે બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં સામેલ નેતાઓમાંથી મારા એકલાની જ અટકાયત નથી કરાઈ."

"ઘરેથી બહાર નીકળી ગયા બાદ પોલીસ એક કરતાં વધુ વખત મારી ઘરે આવી હતી."

"પણ હું ઍરપૉર્ટ અને ત્યાંથી દિલ્હી કઈ રીતે પહોંચ્યો એ જાતે જ એક કહાણી છે."

"બની શકે કે સંચારસુવિધાઓ ઠપ હોવાને લીધે તેઓ પોતાના વરિષ્ઠોને મારા બહાર જતા રહેવા અંગે જાણ ન કરી શક્યા હોય."

"મને આશંકા છે કે જ્યારે હું જઈશ, અન્ય લોકોની જેમ મારી પણ અટકાયત કરી લેવાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો