You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ ડિસ્કવરીના કાર્યક્રમમાં કહ્યું કે તેઓ હિમાલયમાં શું કરવા ગયા હતા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ડિસ્કવરી ચેનલ પર આવતા મૅન વર્સિસ વાઇલ્ડ શોમાં જોવા મળ્યા હતા.
ઉત્તરાખંડમાં આવેલા જિમ કોર્બેટ પાર્કમાં આ કાર્યક્રમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં તેઓ કાર્યક્રમના પ્રેઝન્ટર બૅયર ગ્રીલ્સ સાથે જંગલો ખૂંદતા જોવા મળ્યા હતા.
મોદીએ આ કાર્યક્રમમાં પોતાના બાળપણથી લઈને પ્રકૃતિના સંરક્ષણ સુધીની વાતો કરી હતી.
જંગલ અને નદીઓ પાર કરતા કરતા બૅયર ગીલ્સને નરેન્દ્ર મોદી પોતાના જીવનની કેટલીક વાતો કરે છે.
આ વાતોમાં મોદીએ હિમાલયમાં શું કર્યું હતું તેની પણ કેટલીક વાતો કરી હતી.
મોદીએ હિમાલયમાં શું કર્યું હતું?
આ શોમાં રક્ષણ માટે ભાલો બનાવતા બનાવતા બૅયર ગ્રીલ્સ મોદીને સવાલ કરે છે કે તમે જ્યારે યુવાન હતા ત્યારે તમે ઘણો સમય પર્વતોમાં પસાર કર્યો હતો?
જેના જવાબમાં મોદી કહે છે કે હા હિમાલયમાં. મોદી આ અંગે આગળ વાત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "મેં 17-18 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને હું હિમાલયમાં જતો રહ્યો હતો."
"હું એમ જ વિચારી રહ્યો હતો કે શું કરું, શું ના કરું. જિંદગીમાં કોઈ નિર્ણય કરવાનો હતો. જે પહેલાં દુનિયાને સમજવા માગતો હતો."
"હું આધ્યાત્મિક દુનિયાને જોવા માગતો હતો. જે માટે હિમાલયમાં ગયો. પ્રકૃતિ મને પસંદ હતી."
"હિમાલયમાં હું લોકોને મળતો હતો, તે લોકોની વચ્ચે જ રહેતો હતો. એ ખૂબ જ સરસ સમય હતો. મેં ઘણો સમય ત્યાં વિતાવ્યો."
"મારી જિંદગીની આજે પણ એ તાકાત છે. મોટા તપસ્વીઓને પણ મળવાનું થયું. ઓછામાં ઓછી વસ્તુઓથી જિંદગી જીવનારા લોકો, જેમણે કોઈ કાર્બન ફૂટપ્રિન્ટ છોડી જ નથી. આવા લોકોની વચ્ચે રહેવાની તક મળી."
મોદીએ કાર્યક્રમમાં બીજું શું કહ્યું?
આ ઉપરાંત મોદીએ આ કાર્યક્રમમાં પોતાના બાળપણની વાતો પણ કરી હતી.
મોદીએ એમ પણ કહ્યું હતું કે છેલ્લાં 18 વર્ષમાં આ કાર્યક્રમનું શૂટિંગ તેમના માટે વેકેશન હતું.
તેમણે કહ્યું, "મારું ફોકસ હંમેશાં વિકાસ હોય છે, તમારી સાથેની આ ટ્રીપ મારું 18 વર્ષોમાં પ્રથમ વેકેશન છે."
બૅયર ગીલ્સે મોદીને પૂછ્યું કે તમે મોટી રેલીઓ પહેલાં ડરો છો? મોદી આ કાર્યક્રમમાં તેમનો જવાબ આપતા કહે છે કે તેમણે ક્યારેય ડર અનુભવ્યો જ નથી.
આ કાર્યક્રમમાં મોદીએ બૅયર ગ્રીલ્સને તુલસી વિવાહની પરંપરા પણ સમજાવી હતી.
કોણ છે બૅયર ગ્રીલ્સ?
બૅયર ગ્રીલ્સની સત્તાવાર વેબસાઇટ મુજબ તેમનો જન્મ 7 જૂન, 1974ના રોજ યુકેના લંડન ખાતે થયો હતો.
જન્મના એક અઠવાડિયા પછી તેમનું નામકરણ થયું. બૅયર નામ તેમને મોટી બહેને આપ્યું છે.
બૅયરના પિતા મિકી ગ્રીલ્સ રૉયલ મરીન કમાન્ડો અને રાજકારણી હતા. તેમણે બૅયરને પર્વતારોહણ અને નૌકાવિહાર કરતા શીખવ્યાં હતાં.
બૅયરના ઍડવેન્ચર પ્રત્યેના પ્રેમ માટે તેમના પિતા દ્વારા મળેલી તાલીમ જવાબદાર છે.
પિતા સાથે દરિયાકાંઠે ડુંગરો ચઢવા અને હોડી બનાવવી એ તેમનાં સૌથી યાદગાર સંસ્મરણો છે.
બૅયર યુકેની સ્પેશિયલ ફોર્સિસ રિઝર્વની 21મી રેજિમૅન્ટ એસએએસમાં ત્રણ વર્ષની સઘન તાલીમ લીધી.
દક્ષિણ આફ્રિકામાં ફ્રી ફૉલ પૅરાશૂટિંગ કરતી વખતે એક ભૂલના કારણે તેમનો ગંભીર અકસ્માત થયો અને તેમની કરોડરજ્જુમાં ત્રણ ફ્રૅક્ચર થયાં હતાં.
ડૉક્ટરો કહ્યું હતું કે તેઓ કદાચ ક્યારેય ચાલી શકશે નહીં. આ સમય બૅયરના જીવનનો સૌથી કપરો સમય હતો.
જોકે, પીડાનો સામનો કરીને બૅયર એક જ વર્ષની અંદર ઊભા થયા અને નેપાળનો સૌથી ઊંચો પહાડ આમા ડેબલ્મ સર કર્યો હતો.
16 મે, 1998ના રોજ એમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. 23 વર્ષે સૌથી નાની ઉંમરના એવરેસ્ટ સર કરનાર તરીકે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો