કાશ્મીર : ''જો મને ખબર હોત કે એ અજિત ડોભાલ છે તો હું એમને કદી મળત જ નહીં''

જમ્મુ-કાશ્મીરમાં એનએસએ અજિત ડોભાલ સાથે મુલાકાત કરનાર કાશ્મીરીનું કહેવું છે કે ''એમને ખબર જ નહોતી કે તેઓ અજિત ડોભાલ છે.''

કલમ 370ની નાબૂદી પછી જમ્મુ-કાશ્મીરમાં તણાવ વચ્ચે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલનો શોપિયનમાં નાગરિકો સાથે વાતચીતનો એક વીડિયો વાઇરલ થયો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ વાઇરલ વીડિયોમાં અજિત ડોભાલ જેમની સાથે સંવાદ કરતા દેખાયા તેમનું નામ મગરાય છે.

મગરાયનું કહેવું છે કે ''મને એમ હતું કે જાકીટ પહેરેલ તે વ્યક્તિ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંગના આસિટન્ટ હશે. મને ખબર જ નહોતી કે તે એનએસએ અજિત ડોભાલ છે.''

''હું જ્યારે એમની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મને મેં જોયું કે ડીજીપી સાહેબ અને એસપી સાહેબ ખૂબ આદરમાં ઊભા છે પછી મને લાગ્યું કે એ પર્સનલ આસિટન્ટ તો નહીં જ હોય. એટલે મે એમને પૂછ્યું કે સાહેબ મને તમારી ઓળખાણ આપો.''

''તો તેમણે કહ્યું કે તેઓ મોદીજીના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર છે.''

મગરાયએ એમ પણ કહ્યું કે ''જો મને ખબર હોત કે મારે અજિત ડોભાલને મળવાનું છે તો હું ન જાત, મને ઢસડીને લઈ ગયા હોત તો પણ ન જાત.''

કાશ્મીરમાં સરકારી પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન

કલમ 370ની નાબૂદીને લઈને સરકારે કાશ્મીરમાં કલમ 144 લાગુ કરી અને ધરપકડો કરી છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં આજે એક પિટિશન પર સુનાવણી થશે એમ ધ હિંદુનો અહેવાલ જણાવે છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરની વર્તમાન તણાવની સ્થિતિ બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમવાર સુનાવણી થઈ રહી છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બૅન્ચ આ પિટિશન પર સુનાવણી કરશે.

ઍક્ટિવિસ્ટ તહેસીન પુનાવાલાએ રજૂ કરેલી આ પિટિશનમાં કલમ 370 નાબૂદી અંગે કોઈ મત વ્યક્ત નથી કરવામાં આવ્યો પરંતુ સરકારે લોકો, મીડિયા પર લાદેલા પ્રતિબંધો અને નેતાઓની કરેલી ધરપકડ પર દાદ માગવામાં આવી છે.

અરજીકર્તાએ કાશ્મીરમાં સરકારે લીધેલા પગલાંઓ અંગે ન્યાયિક કમિશન દ્વારા તપાસની અને પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ તેમજ મહેબૂબા મુફ્તીની મુક્તિની માગણી કરી છે. પિટિશન કહે છે કે કલમ 144 મુજબના પ્રતિબંધો અને કરફ્યૂને લીધે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

યૂએનએસસી ચીફ પૉલૅન્ડે કહ્યું ભારત-પાકિસ્તાનનો મુદ્દો

હાલ જ્યારે યૂનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં પૉલૅન્ડ પ્રમુખ સ્થાને છે, ત્યારે કાશ્મીર મુદ્દે પહેલી વખત તેમના તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પૉલૅન્ડના ભારત ખાતેના રાજદૂત ઍડમ બુરાકૉવસ્કીએ કહ્યું કે તેઓ આશા રાખે છે કે બેઉ દેશો વાતચીતથી આનો ઉકેલ લાવશે.

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો રદ્દ કરવા બાબતે પાકિસ્તાન યૂએનએસસી પાસે દરખાસ્ત લઈને ગયું હતું ત્યારે ચીને પાકિસ્તાનને ટેકો આપ્યો છે.

આ પહેલાં રશિયાએ ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે.

ઐશ્વર્યા પિસ્સી મોટર સ્પોર્ટ્સ વર્લ્ડ કપ જીતનારા પ્રથમ ભારતીય બન્યાં

બેંગલુરુના ઐશ્વર્યા પિસ્સીએ ઇતિહાસ સર્જ્યો છે. તેઓ મોટરસ્પોર્ટ્સ વર્લ્ડ કપમાં જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ ઐશ્વર્યાએ દુબઈમાં ચાલી રહેલાં આ વર્લ્ડકપના પહેલા રાઉન્ડમાં જીત હાંસલ કરી હતી. ત્યાર બાદ પોર્ટુગલમાં રમાયેલાં બીજા રાઉન્ડમાં તેઓ ત્રીજા ક્રમે, સ્પેનમાં રમાયેલા રાઉન્ડમાં પાંચમા ક્રમે તેમજ હંગેરીમાં ચોથા ક્રમે રહ્યાં હતાં. આ બધી રેસ મળીને તેમણે કુલ 65 પૉઇન્ટ પોતાના ખાતે કરી લીધા હતા.

રવિવારે તેઓ વર્લ્ડ ચેમ્પિયન બન્યાં. તેમજ જૂનિયર કૅટેગરીમાં પણ તેઓ બીજા સ્થાન પર રહ્યાં હતાં.

ઐશ્વર્યાએ કહ્યું હતું, "આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય છે, પણ મને મારી જાત પર વિશ્વાસ હતો. છ મહિના પછી બાઇક પર પરત ફરવા માટે હું પ્રતિબદ્ધ હતી. તેથી મારા માટે વિશ્વકપ જીતવો એ મોટી વાત છે."

ગુજરાતમાં કુલ 83ટકા વરસાદ નોંધાયો, ગયા વર્ષ કરતાં 28 ટકા વધારે

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ નોંધાયો છે. તે વર્ષ 2018 કરતાં 28 ટકા વધારે છે.

છેલ્લા દસ દિવસમાં ઑગસ્ટ મહિનામાં પડેલો વરસાદ જ 51 ટકા છે. છ જિલ્લાઓમાં 100 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ 50 ટકા જ વરસાદ થયો છે.

હવામાન ખાતાની આગાહી મુજબ આ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ વરસાદની આગાહી છે.

'રાહુલ ગાંધીને કાશ્મીર આવવા ખાસ વિમાન મોકલીશ'

કાશ્મીરના રાજ્યપાલ સત્ય પાલ મલિકે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસાની ખબર અંગેના નિવેદન સંદર્ભે કહ્યું છે કે તેઓ કાશ્મીરની સ્થિતિનો અભ્યાસ કરવા અને મુલાકાત લેવા માટે ખાસ વિમાન મોકલશે.

મલિકે કહ્યું, "મેં રાહુલ ગાંધીને અહીં આવવા માટે આમંત્રણ આપ્યું છે. હું તમારા માટે વિમાન મોકલીશ, પછી તમે અહીં આવીને સ્થિતિનું નિરીક્ષણ કરો અને પછી બોલો. તમે એક જવાબદાર વ્યક્તિ છો, તમારે આવી વાત ન કરવી જોઈએ."

શનિવારે રાત્રે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી કેટલીક હિંસાની ખબરો આવી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શક રીતે તેના પર ચિંતા વ્યક્ત કરવી જોઈએ.

રાજ્યપાલે કહ્યું કે બધી જ હૉસ્પિટલ તમારા માટે ખુલી છે, કોઈ પણ વ્યક્તિને ગોળી વાગી હોય તો સાબિત કરી બતાવો. કેટલાંક યુવાનો હિંસા કરી રહ્યા હતા તો માત્ર પૅલેટગનથી પગ પર ગોળી મારી છે, તેમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.

કૉંગ્રેસે કટોકટી વખતે લોકોને દોઢ વર્ષ સુધી જેલમાં પુરી દીધાં હતાં, તેને કોઈએ યાતનાશિબિર નહોતી કહી. શિક્ષિત હોવા છતાં લોકો તેનો અર્થ સમજતાં નથી. હું 30 વખત જેલમાં ગયો છું, મને ખબર છે યાતના શિબિર શું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો