કાશ્મીર મામલે મુસ્લિમ દેશો પાકિસ્તાનને આ કારણે સાથ નથી આપતા

    • લેેખક, ટીમ બીબીસી હિંદી
    • પદ, નવી દિલ્હી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને ખતમ કરવાની સંસદમાં જાહેરાત કરી તો પાકિસ્તાન તાત્કાલિક સક્રિય થઈ ગયું.

જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય ત્રણ પ્રદેશ હતા - જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ.

જમ્મુ હિંદુ બહુમતી ધરાવતો વિસ્તાર છે તો કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને લદ્દાખમાં બૌદ્ધધર્મના લોકોની બહુમતી છે.

નરેન્દ્ર મોદી સરકારે આ પ્રદેશને બે ભાગોમાં વિભાજિત કરવાનો નિર્ણય લીધો છે.

ભારત સરકારના આ નિર્ણય પર પાકિસ્તાને તરત અને તીખી પ્રતિક્રિયા આપી.

પાકિસ્તાને ભારત સરકારના આ નિર્ણયની નિંદા કરી અને ભારત સાથેના લગભગ તમામ દ્વિપક્ષીય સંબંધો તોડી દીધા.

ભારતના રાજદૂતને પાછા મોકલી દીધા અને તમામ વેપારી સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી.

મુસ્લિમ દેશોના સંગઠન ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન એટલે કે ઓઆઈસીમાં પાકિસ્તાન આ મામલાને લઈ ગયું. મુસ્લિમ બહુમતી ધરવતા વિશ્વના 57 દેશો આ સંગઠનના સભ્યો છે.

ઓઆઈસીએ જમ્મુ-કાશ્મીરમાં માનવ-અધિકારના ઉલ્લંઘનની નિંદા કરી અને કહ્યું કે આ મામલાને સુલટાવવા માટે વાતચીત શરૂ કરવી જોઈએ.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી ભારતની વિરુદ્ધ ફરિયાદ લઈને ચીન પહોંચ્યા.

ચીને પણ કહ્યું કે કાશ્મીર વિવાદનું નિરાકરણ બન્ને દેશોએ મળીને લાવવું જોઈએ.

ચીન લદ્દાખ પર પોતાનો દાવો પ્રગટ કરતું રહ્યું છે એટલે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા અંગે તેમને વાંધો છે.

પાકિસ્તાને આશાભરી નજર સાથે મુસ્લિમ દેશો તરફ જોયું, ખાસ કરીને મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશો તરફ. પાકિસ્તાન માટે સૌથી ચોંકાવનારું વલણ સંયુક્ત અરબ અમિરાતનું રહ્યું.

આ જ અઠવાડિયે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલને એક પત્રકારે પૂછ્યું હતું કે ભારતનો મુકાબલો પાકિસ્તાને કેવી રીતે કરશે?

આ અંગે તેમણે કહ્યું, "અમે મુસલમાન છીએ અને અમારી ડિક્ષનરીમાં ડર નામનો કોઈ શબ્દ નથી."

પાકિસ્તાન આ સમસ્યાને લઈને મુસ્લિમ દેશોને એક કરતું દેખાય છે.

ભારતમાં યૂએઈના રાજદૂતે દિલ્હીની લાઇનને માન્યતા આપતા કહ્યું કે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ફેરફારનો જે નિર્ણય લીધો છે, તે તેમનો આંતરિક મામલો છે અને એનાથી પ્રદેશના વિકાસમાં મદદ મળશે.

જોકે એ પછી યૂએઈના વિદેશમંત્રીએ નરમપણું દાખવતાં કહ્યું કે બન્ને પક્ષોએ સંયમ અને વાતચીતથી કામ પાર પાડવું જોઈએ.

યૂએઈના નિવેદનની જેમ જ મધ્ય-પૂર્વના બાકી મુસ્લિમ દેશોનાં પણ નિવેદનો આવ્યાં. એમાં સાઉદી આરબ, ઈરાન અને તુર્કી સામેલ છે.

ત્રણેય દેશોએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન અંદરોઅંદર વાતચીત કરીને વિવાદનું નિરાકરણ લાવે અને તણાવ ઓછો કરે.

જોકે તુર્કી અંગે પાકિસ્તાની નેતા અને મીડિયાએ દાવો કર્યો કે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોવાન સાથે વડા પ્રધાન ઇમરાન ખાનની વાત થઈ અને તુર્કીએ પાકિસ્તાનને આ મામલે આશ્વાસન આપ્યું.

મધ્ય-પૂર્વથી આવી પ્રતિક્રિયા કેમ આવી?

એક મોટું કારણ તો એ છે કે મધ્ય-પૂર્વ દેશો માટે પાકિસ્તાનની તુલનામાં ભારત કારોબારીની દૃષ્ટિએ વધારે મહત્ત્વપૂર્ણ છે. એનું કારણ એવું છે કે પાકિસ્તાનની તુલનામાં ભારતીય અર્થતંત્ર નવગણું મોટું છે.

સ્વાભાવિક રીતે ભારત આ દેશોમાં કારોબાર અને રોકાણની વધારે તકો આપે છે. આનાથી વિરુદ્ધ સ્થિતિ પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આર્થિક સંકટનો સામનો કરી રહી છે. પાકિસ્તાનની સરકારે આ વર્ષની શરૂઆતમાં જ સાઉદી અને ચીનથી બે-બે અબજ ડૉલરનું આપાતકાલીન કરજ લીધું હતું.

દસકાઓથી ભારત સરકાર પેલેસ્ટાઇનવાસીઓના સમર્થનમાં ઊભી રહી છે. એનું એવું પણ કારણ છે કે ખાડીના મુસ્લિમ દેશો સાથે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે.

મધ્ય-પૂર્વમાં ભારતની નીતિ લાંબા સમયથી ઇઝરાયલના વિરોધમાં રહી હતી પરંતુ જ્યારે આરબના લોકોએ શાંતિ પ્રક્રિયામાં ઇઝરાયલ સાથે બેઠકો શરૂ કરી તો ભારતના નેતાઓએ મધ્ય-પૂર્વમાં નીતિઓની સમીક્ષા શરૂ કરી દીધું.

ભારતે ઇઝરાયલ સાથે સંબંધો વધાર્યા અને 1999થી ઇઝરાયલ સાથે હથિયારોનો વેપાર પણ વધતો ગયો.

ભારતે અનુભવ્યું કે આરબમાં કોઈ ખાસ દેશ સાથે સંબંધ વધારવાથી કોઈ સંઘર્ષ થાય એમ લાગતું નથી અને કાશ્મીર અંગે પણ કોઈ નુકસાન નથી.

ઓઆઈસીમાં પણ ખાસ પ્રસંગોએ મુસ્લિમ દેશોએ ભારતનું ખુલીને કર્યું છે, પછી તે ઈરાન હોય કે ઇન્ડોનેશિયા. ભારતના સંબંધ સાઉદી સાથે પણ સારા છે અને ઈરાન સાથે પણ ખરાબ નથી. ભલે સાઉદી અને ઈરાન વચ્ચે દુશ્મની હોય.

ઈરાન કાશ્મીર મુદ્દે ભારત સાથે રહ્યું છે. એવું એ કારણથી છે કે સરહદ પર તેને પણ પાકિસ્તાન સાથે વાંધો છે.

ઈરાન પાકિસ્તાન પર આરોપ લગાવતું રહે છે કે તે સાઉદી અરબ પાછળ આંખ બંધ કરીને ચાલે છે અને એ માટે બલોચ વિદ્રોહીઓને સહાય પહોંચાડે છે. બલોચ વિદ્રોહીઓ સુરક્ષાદળોને નિશાના પર લેતા રહે છે.

પાકિસ્તાન અને ઈરાનમાં અફઘાનિસ્તાનના પ્રભાવ અંગે પણ વિવાદ રહે છે.

અફઘાનિસ્તાન હિંદ મહાસાગરમાં વ્યવસાયની દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વનું છે. પાકિસ્તાનમાં સાઉદી ધાર્મિક શિક્ષણ અને મસ્જિદોના નિર્માણમાં મદદ કરે છે.

લોબ લૉગરના રિપોર્ટ પ્રમાણે, "આ કામ સાઉદી પાકિસ્તાન પણ પ્રશાસિત કાશ્મીરમાં પણ કરે છે. તાજેતરમાં જ ઈરાન અને તુર્કીએ પણ આ જ કામ શરૂ કર્યું છે."

"મધ્ય-પૂર્વમાં પ્રતિદ્વંદ્વીઓ વચ્ચે આને લઈને સ્પર્ધા છે. પણ આ કામોને વિવાદ સાથે કોઈ સીધો સંબંધ નથી. તેમનો ઉદ્દેશ્ય શિયા અને સુન્ની સમૂહોમાં પોતાનો પ્રભાવ જમાવવાનો છે."

એમ છતાં પાકિસ્તાન ઇચ્છે છે કે ઓઆઈસીના મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવે.

પાકિસ્તાન ઇચ્છે છે કે તે કોઈ પણ ભોગે FATFથી બ્લૅકલિસ્ટ ન થાય. પાકિસ્તાન આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં લઈ જવાનું પણ કહે છે પણ તેમના નજીકના સહયોગીઓ જ ચૂપ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો