You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ છે કાશ્મીરમાં 'વિરોધનું પ્રતીક' બનેલી વાઇરલ તસવીરની અસલ કહાણી - ફેક્ટ ચૅક
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, ફેક્ટ ચૅક ટીમ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયામાં કાશ્મીરના એક વિદ્યાર્થીની તસવીર વાઇરલ થઈ છે.
આ તસવીરને કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હઠાવી લેવાના નિર્ણય સામે ભારત પ્રશાસિત કાશ્મીરના 'વિરોધનું પ્રતીક' ગણાવાઈ રહી છે. સોમવારે કલમ 370ને 'ખતમ' કર્યાની જાહેરાત બાદથી જ આ તસવીર ભારત અને પાકિસ્તાનમાં શૅર કરાઈ રહી છે.
#KashmirBleedsUNSleeps, #SaveKashmirSOS અને #ModiKillingKashmiris જેવા હૅશટેગ સાથે આ તસવીરને ટ્વિટર અને ફેસબુક પર સેંકડો વાર પોસ્ટ કરવામાં આવી છે.
અમુક લોકોએ દાવો કર્યો છે કે "આ તસવીર કાશ્મીરમાં ચાલી રહેલા હાલના તણાવ સમયની છે." જો કે, આ હકીકત નથી. આ તસ્વીર એક વર્ષ પુરાણી છે અને તેને ઉત્તર કાશ્મીરમાં ફોટો જર્નલિસ્ટ પીરઝાદા વસીમે લીધી હતી.
આ ફોટો પાછળની કહાણી જાણવા માટે અમે શ્રીનગરમાં રહેતા 24 વર્ષીય વસીમ સાથે વાત કરી.
ક્યાંની અને ક્યારની છે આ તસવીર?
પીરઝાદા વસીમે જણાવ્યું કે "આ તસવીર તેમણે 27 ઓગસ્ટ 2018ના રોજ શ્રીનગરના ઉત્તર-પશ્ચિમ ખાતે સોપોર વિસ્તારમાં ખેંચી હતી."
વસીમના જણાવ્યા અનુસાર "26 ઑગસ્ટ 2018ને દિવસે શ્રીનગર અને અનંતનાગ સહિત દક્ષિણ-કાશ્મીરના અમુક વિસ્તારોમાં એવી અફવા ફેલાઈ હતી કે સુપ્રીમ કોર્ટ 35-એ પર સુનાવણી કરવા જઈ રહી છે."
વસીમ જણાવે છે કે "આ અફવાને આધારે ઘણાં અલગાવવાદી સંગઠનોએ ભારત પ્રશાસિત કાશ્મીરના વિસ્તારોમાં બંધનુ એલાન આપ્યું હતું અને માર્ચ કરવાની ચેતવણી આપી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વસીમે ગયા વર્ષે ફેલાયેલી આ અફવા વિશે જે વાતો બીબીસીને જણાવી, તેની સાબિતી જમ્મુ-કાશ્મીરના એડીજી પોલિસ (સુરક્ષા) મુનીર અહમદ ખાનની એક ટ્વીટ પૂરી પાડે છે.
મુનીર અહમદે 27 ઓગસ્ટ 2018ના રોજ પોતાના ટ્વીટમાં લખ્યુ હતું, "એવી અફવા ફેલાઈ રહી છે કે સુપ્રીમ કોર્ટ આજે આર્ટિકલ 35-એ પર સુનાવણી કરવાની છે. આ હકીકત નથી. અમે આવી અફવા ફેલાવનારાઓની તપાસ કરી રહ્યા છીએ, તેમની વિરુદ્ધમાં સખત્ત કાર્યવાહી કરવામાં આવશે."
જોકે, આ અફવાને કારણે શ્રીનગર, અનંતનાગ અને સોપોરના અમુક વિસ્તારોમાં 3 દિવસ સુધી બંધ પાળવામાં આવ્યો હતો અને ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ સાથે સેનાની હિંસક ઝપાઝપીના પણ સમાચાર આવ્યા હતા.
તસવીર પાછળની કહાણી
છેલ્લાં ચાર વર્ષથી ખીણમાં ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરી રહેલા પીરઝાદા વસીમે બીબીસીને જણાવ્યુ કે "35-એ સાથે જોડાયેલી અફવાને કારણે આખી ખીણમાં તણાવ હતો પણ સોપોર વિસ્તારમાં પરિસ્થિતિ વધારે જ તંગ થઈ ગઈ હતી."
વસીમ જણાવે છે કે, "સીઆરપીએફ માટે સોપોરમાં ભીડ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ઘણા લોકોને ખબર હતી કે સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાંથી કલમ 35-એ હઠાવી દીધી છે, આ અફવા ખરાબ રીતે ફેલાઈ ચૂકી હતી."
"પોલિસે શાળા અને કૉલેજ પહેલાંથી જ બંધ કરાવી દીધી હતી પણ જ્યારે હું સોપોર મેઈન ચોક વિસ્તારમાં પહોંચ્યો તો ત્યા દુકાનો ખુલ્લી હતી. થોડે આગળ સૂત્રોચ્ચાર થઈ રહ્યો હતો. સીઆરપીએફ આ વિસ્તારની નાકાબંધીમાં જોડાયેલી હતી."
વસીમ કહે છે કે "જોત-જોતામાં સોપોર મેઇન ચોકમાં એક બાજુએ પત્થરમારો શરૂ થયો જેનો જવાબ સૈનિકોએ પૅલેટ ગનથી આપ્યો."
તેઓ જણાવે છે કે, "જેવુ ફાયરિંગ થયુ, દુકાનદારો પોતાની દુકાનોના શટર બંધ કરીને ગલીઓમાં દોડી ગયા. ત્યારે જ મેં જોયું કે સ્કૂલ યુનિફોર્મમાં છ-સાત છોકરાઓનું એક જૂથ ગલીમાંથી બહાર આવ્યું. તેમનાં હાથમાં એ ખુરશીઓ હતી જેને ઉતાવળમાં દુકાનદારો બહાર જ મૂકી ગયા હતા."
"આ છોકરાઓમાંથી એકે દુકાનની બહાર ખુરશી મૂકી અને તેના પર બેસીને બૂમો પાડવા લાગ્યો કે હવે "ચલાવો ગોળી, જોઈએ કોનામાં કેટલી તાકાત છે."
પીરઝાદા વસીમ દાવો કરે છે કે વાઈરલ થયેલી તસ્વીરમાં જે છોકરો દેખાય છે તે એ સમયે 11માં ધોરણમાં ભણતો હતો.
છોકરાનું શું થયુ?
પણ શું સૈનિકોએ આ છોકરા પર પેલેટ ગનથી હુમલો કર્યો?
આના જવાબમાં વસીમ કહે છે કે "સૈનિકોએ ગોળી તો ચલાવી હતી પણ તેના છરા આ છોકરાને નહોતા લાગ્યા."
તેઓ જણાવે છે કે, "સોપોરમાં થયેલી આ ઝપાઝપીમાં અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ચોક્કસ પેલેટ ગનથી ઘાયલ થયા હતા. આમાંથી અમુક વિદ્યાર્થીઓ સાથે મારી હૉસ્પિટલમાં મુલાકાત થઈ હતી. આ આખો હંગામાં ઓછામાં ઓછો 3 દિવસ સુધી ચાલ્યો હતો."
27 ઑગસ્ટથી લઈને 31 ઓગસ્ટ 20018 સુધી, સ્થાનિક મીડિયામાં છપાયેલા સમાચાર સૈનિકો અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણની પુષ્ટિ કરે છે. જોકે, આ દરમિયાન કોઈ પ્રદર્શનકારીના મૃત્યુના અહેવાલ અમને મળ્યા નથી. પીરઝાદા વસીમ જણાવે છે કે, "વર્ષ 2018માં પણ તેમની આ તસવીર ઘણી શૅર થઈ હતી."
અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂકે આ તસવીરને શૅર કરતા લખ્યુ હતું કે, "એ સાંભળીને દુ:ખ થાય કે અમારા યુવાનોને પેલેટ ગનથી અંધ બનાવાય છે અને તે પણ એ દેશ દ્વારા જે પોતાને અહિંસાની ઓળખ ગણાવે છે. તેઓ એ વ્યક્તિ સાથે આવો અમાનવીય વ્યવહાર કરે છે જે માત્ર પોતાના મૂળભૂત અધિકારોની માગ કરી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો