You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલમ 370ના વિવાદ બાદ કાશ્મીરીઓને જેહાદ માટે ઉશ્કેરી રહ્યા છે ચરમપંથી સમૂહો
- લેેખક, બીબીસી મોનિટરિંગ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કેટલાક જેહાદી સમૂહોએ ભારત પ્રશાસિત કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરી સ્વાયત્તતા ખતમ કરવાના પગલાની સામે જેહાદની અપીલ કરી છે. આમાં મોટાભાગના સમૂહો પાકિસ્તાનમાં સ્થિત છે.
નોંધનીય છે કે કાશ્મીર સ્થિત ઑનલાઇન જેહાદીઓ અને ચેનલો તરફથી કોઈ પ્રતિક્રિયાઓ નથી આવી. ભારતે ખીણ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંઘ કરી છે તે એનું એક કારણ હોઈ શકે છે.
ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલ-કાયદાનું સમર્થન કરનારા અનેક જેહાદ તરફી એકાઉન્ટોએ મૅસેજિંગ ઍપ 'ટેલિગ્રામ' પર એવું કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બેઉએ કાશ્મીરના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે અને હવે ફક્ત જેહાદ જ કાશ્મીરવિવાદને ઉકેલી શકે છે.
નરેન્દ્ર મોદીએ 'હાર માની લીધી'
પાકિસ્તાન સ્થિત અનેક હાઈ-પ્રોફાઇલ ઉગ્રવાદી સમૂહોએ ભારતે કલમ 370 નાબુદ કરી તેના પર આકરી પ્રતિક્રિયા આપી છે.
ભારતમાં અનેક મોટા ઉગ્રવાદી હુમલાઓ માટે જવાબદાર ગણાતા 'જૈશ-એ-મહમ્મદ'એ કહ્યું કે કાશ્મીરની વિશેષ શક્તિઓને ખતમ કરીને નરેન્દ્ર મોદીએ ''હાર માની લીધી છે.''
એક સંદેશામાં સમૂહના પ્રમુખ મસૂદ અઝહરે કહ્યું કે ''મુજાહિદ્દીનોએ જેહાદનો એક અધ્યાય પૂરો કરી લીધો છે અને કાશ્મીરમાં જેહાદનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે.''
'જો મુજાહિદ્દીન સક્રિય કાર્યવાહી કરશે તો દુશ્મન ડરશે અને શાંતિ અને વાતચીત કરવાની ભીખ માગશે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનમાં અનેક મોટા હુમલાઓની જવાબદારી લેનાર 'લશ્કર-એ-ઝાંગવી' નામની એક ચેનલે મૃત્યુ પામેલા ધર્મગુરુ સમી ઉલ-હકનું એક નિવેદન ફૉરવર્ડ કર્યું છે. જેમાં કહ્યું છે કે ''કાશ્મીરની સમસ્યા ફક્ત જેહાદથી જ ઉકેલી શકાશે.''
જેહાદ સમર્થક ધર્મગુરુઓએ પણ ભારત સરકારના નિર્ણયની સામે જેહાદ કરવાની અપીલ કરી છે.
એક ઉગ્ર ભાષણમાં મૌલાના અબ્દુલ અઝીઝે એક ફતવો બહાર પાડતાં કહ્યું કે ''હવે દરેક પાકિસ્તાની મુસ્લિમ માટે અનિવાર્ય છે કે તે કાશ્મીર માટે જેહાદ કરે.''
એમણે અન્ય ધર્મગુરુઓ અને ધાર્મિક સંસ્થાઓને પણ આવા ફતવાઓ બહાર પાડવાની અપીલ કરી છે.
પાકિસ્તાનની વિવાદિત મદરેસા જામિયા હફઝાના પ્રમુખ અઝીઝે લોકોને કાશ્મીર માટે બલિદાન આપવાની અપીલ કરી અને 'અફઘાનિસ્તાનમાં સોવિયેટ સંઘ અને અમેરિકા સામે જેહાદીઓની જીતને દોહરાવી.'
જેહાદ જ 'એકમાત્ર ઉકેલ'
ભારત સરકારની અધિકૃત જાહેરાત અગાઉ જ જેહાદીઓએ અનુમાન લગાવી લીધું હતું કે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ શકે છે.
એમણે એવી પણ ચેતવણી આપી હતી કે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવશે. એમણે એકબીજા સાથે વાત કરવા માટે અન્ય રીતો અપનાવવાની સલાહ આપી હતી.
અલ-કાયદા અને આઈએસ બેઉના સમર્થકોએ ભારત સરકારના નિર્ણયનો ઉપયોગ કરીને કાશ્મીરમાં શરિયત સ્થાપિત કરવા માટે સશસ્ત્ર જેહાદ કરવા તેમજ રાજ્યને ભારત અને પાકિસ્તાન બેઉથી 'આઝાદ' કરાવવાનું આહ્વાન કર્યું.
દુનિયાભરના જેહાદી સમૂહોએ અગાઉ એવો તર્ક પણ આપ્યો હતો કે કાશ્મીર સમસ્યાને ઉકેલવા માટે જેહાદ જ એકમાત્ર રીત છે.
એમણે વિસ્તારના ઉગ્રવાદી સમૂહોને પાકિસ્તાન સરકારનું સમર્થન મળે છે એમ કહીને એની ટીકા કરી હતી, તેને જેહાદીઓ 'સ્વધર્મથી ભ્રષ્ટ' ગણે છે.
'અનફાલ' જેવી આઈએસ સમર્થક ટેલિગ્રામ ચેનલોઓ અનેક સંદેશાઓ પોસ્ટ કરીને હિંસા ભડકાવવા માટે અને ઑફલાઇન થતાં અગાઉ લોકોને જેહાદ અપનાવવા માટે આમંત્રિત કર્યા.
અલ-કાયદા સમૂહના 'અંસાર ગઝવત ઉલ-હિંદ' (એજીએચ)એ પણ કાશ્મીરનાં લોકોને અપીલ કરી કે તેઓ પરંપરાગત પાર્ટીઓને છોડીને જેહાદમાં સામેલ થઈ જાય.
'ટેલિગ્રામ' ચેનલો પર પ્રૉ-એજીએચના માર્યા ગયેલા નેતા જાકિર મૂસાનો એક સંદેશ ચલાવવામાં આવ્યો, જેમાં તે કહે છે કે કાશ્મીર સમસ્યાનો એકમાત્ર ઉકેલ હિંસક જેહાદ છે.
અલ-કાયદાએ પોતાના અનેક નેતાઓના કાશ્મીરી લોકોને સંબોધિત કરનાર ભાષણો બહાર પાડ્યા અને ગત મહિને સમૂહના નેતા ઓમાન અલ-જવાહિરીનો પણ એક સંદેશ બહાર પાડ્યો.
આ સંદેશમાં તેઓ મુસ્લિમોની દુર્દશા માટે ભારત અને પાકિસ્તાન બેઉની નિંદા કરે છે અને અને લોકોને ભારત સામે હુમલો કરવા માટે ઉશ્કેરે છે.
એક જાણીતી પ્રૉ-જેહાદ ચેનલ ''સ્ટ્રાઇવ ટૂ બી અ મોમિન''એ કાશ્મીરીઓને કહ્યું કે ''જે પણ હિંદુ કાશ્મીર આવવા વિશે કે રાજ્યમાં કોઈ પણ વેપાર કરવા વિશે વિચારે છે તેને આતંકિત કરી દો.''
''જેહાદના કારવાંમાં જોડાઈ જાવ...આ જ સમય છે જ્યારે મુજાહિદ્દીન કાશ્મીરમાં હુમલો કરી શકે છે. આ સોનેરી તકનો ખોશો નહીં, અમે આપનું સ્વાગત કરીએ છીએ.''
'જૈદ અલ-અંસારી' નામની અન્ય એક ચેનલે પોસ્ટ કર્યું કે ''જેહાદ કાશ્મીરનો ઉકેલ છે. ન તો સંયુક્ત રાષ્ટ્ર તમારી મદદ કરશે કે ના તો પાકિસ્તાન તમારી મદદ કરશે.''
(બીબીસી મોનિટરિંગ દુનિયાભરમાં ટીવી, રેડિયો, વેબસાઇટ અને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થનારી ખબરો વિશે રિપોર્ટિંગ અને વિશ્લેષણ કરે છે. તમે બીબીસી મોનિટરિંગના સમાચારો ટ્વિટર અને ફેસબુક પર પણ વાંચી શકો છો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો