You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કારગિલ યુદ્ધ : જ્યારે પાકિસ્તાનના ચાર જનરલોએ સાથે મળીને વર્ષો જૂની યોજનાનો અમલ કર્યો
કારગિલ યુદ્ધ મામલે ભારત અને પાકિસ્તાનમાં ઘણાં પુસ્તકો લખાયાં છે, જેમાં યુદ્ધ સાથે સંકળાયેલી એવી માહિતીઓ આપવામાં આવી છે કે જેની કદાચ કોઈને નહીં ખબર હોય.
પાકિસ્તાની પત્રકાર નસીમ ઝાહરાનું પુસ્તક 'ફ્રોમ કારગિલ ટુ ધ કુપ-ઇવેન્ટ્સ ધેટ શૂક પાકિસ્તાન' પણ તેવાં જ પુસ્તકોમાંથી એક છે.
કારગિલ યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરીએ નસીમ ઝાહરા સાથે વાતચીત કરી અને તેમનાં પુસ્તકમાં વર્ણિત ઘટનાઓ મામલે ચર્ચા કરી.
નસીમ ઝાહરા કહે છે કે પ્રાથમિક તબક્કે કારગિલની યોજના હતી કે ભારત પ્રશાસિત કાશ્મીર સ્થિત પહાડો પર કબજો મેળવી લેવામાં આવે અને શ્રીનગર-લેહના રસ્તાને બ્લૉક કરી દેવામાં આવે.
આ રસ્તો ખૂબ મહત્ત્વનો હતો. કાશ્મીર સ્થિત ભારતીય સેનાને જરૂરી સામગ્રી પહોંચાડવાનો તે એકમાત્ર રસ્તો હતો.
નસીમના જણાવ્યા પ્રમાણે, કારગિલની યોજના બનાવી રહેલા પાકિસ્તાની જનરલનું માનવું હતું કે તેનાથી પરિસ્થિતિ બગડશે અને કાશ્મીર મામલે વાત કરવા માટે ભારત પર દબાણ પણ વધશે.
પરંતુ જે રીતે પાકિસ્તાની સૈનિકો લડ્યા, તે ધારી શકાય તેમ ન હતું.
તેમણે કહ્યું, "કારગિલ મામલે રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનીઓ તેના પર ગર્વ લઈ શકે છે અને તેને લઈને દુઃખી પણ થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગર્વ એ માટે કેમ કે થીજી જવાય તેવા તાપમાનમાં 17-18,000 ફૂટની ઊંચાઈ પર સૈનિકો લડવા ગયા હતા."
"તેમણે પહાડોનો રસ્તો નક્કી કર્યો હતો. જે પરિસ્થિતિમાં તેઓ લડ્યા હતા તે ગર્વ લેવાની બાબત છે. જોકે, સવાલ એ પણ થાય છે કે તેમને ત્યાં શા માટે મોકલવામાં આવ્યા હતા?"
નસીમ ઝાહરા આગળ કહે છે, "પ્રાથમિક સ્તરે પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું."
"ભારતીય સેનાને ખબર પણ ન હતી કે શું થયું. ભારતીય જનરલ કહી રહ્યા હતા કે તેઓ પાકિસ્તાની સૈનિકોને તેમના વિસ્તારમાંથી થોડાં કલાકો અથવા થોડાં દિવસોમાં બહાર કાઢી દેશે"
નસીમ ઝાહરાના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં પાકિસ્તાની સેના અને લડાકૂઓને પહાડોની સૌથી ઉપર હોવાના કારણે મદદ મળી હતી અને તેમના માટે ઊંચાઈ પરથી ભારતીયો પર હુમલો કરવો સહેલો હતો. પરંતુ આગળ ચાલતા પરિસ્થિતિ બદલાઈ ગઈ.
નસીમ ઝાહરાના દાવા પર કોઈ સૈન્ય અધિકારીની પ્રતિક્રિયા મળી શકી નથી.
'મોટી ભૂલ'
નસીમ ઝાહરાએ કહ્યું હતું કે જ્યારે ભારતીય સેનાને ધીમે-ધીમે ખબર પડી કે શું થઈ રહ્યું છે, તેઓ બોફર્સ ગન લઈને આવ્યા. તેમનો ઉપયોગ સામાન્યપણે આ પ્રકારના ઑપરેશનમાં થતો નથી.
તેઓ કહે છે, "જો તમે પૂછો કે કઈ વસ્તુ છે કે જેણે કારગિલના યુદ્ધની દિશા બદલી નાખી, તો તેનો જવાબ છે બોફર્સ."
"ભારતીયોએ બોફર્સને શ્રીનગર લેહ હાઇવે પર ઇન્સ્ટૉલ કરી હતી. આ એ જ રોડ હતો જેને પાકિસ્તાનીઓ બ્લોક કરવા માગતા હતા."
"ભારત અને પાકિસ્તાન તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે બોફર્સ ગને પહાડોની ચોટીઓને નાના ટૂકડામાં ફેરવી નાખી છે. ભારતીય વાયુ સેના પણ ઉપરથી સતત બૉમ્બવર્ષા કરી રહી હતી."
નસીમ ઝાહરાનું કહેવું છે કે પાકિસ્તાને આ દરમિયાન મોટી જાનહાનિ ભોગવી હતી. કેટલાકના તો કારગિલ હિલ ઊતરતી વખતે દરમિયાન મૃત્યુ થયા હતા.
તેઓ કહે છે, "ત્યાં કોઈ રસ્તો ન હતો કે જેના પરથી તેઓ પરત ફરી શકો. ત્યાંનું હવામાન પણ ખૂબ જ ખરાબ હતું."
"16થી 18 હજાર ફીટની ઊંચાઈના પહાડ પરથી પરત ફરવું સહેલું ન હતું, એ પણ આકરી ઠંડીમાં."
"જ્યારે ભારતીયોને તક મળે છે, ત્યારે તેઓ ખૂબ સારી રીતે જવાબ આપે છે. આ એક નાનું યુદ્ધ હતું કે જેને ખૂબ આક્રમક રીતે લડવામાં આવ્યું હતું."
નસીમ ઝાહરા કારગિલ યુદ્ધમાં ભારતે પોતાની વાયુસેનાનો સારી રીતે ઉપયોગ કર્યો હતો, જ્યારે પાકિસ્તાની વાયુ સેનાને કારગિલ ઑપરેશનની ત્યારે જાણ થઈ ત્યારે પાકિસ્તાની સેનાએ લાઇન ઑફ કંટ્રોલ પાર કરી હતી. તેઓ કહે છે કે કારગિલ યુદ્ધમાં કેટલા પાકિસ્તાનીઓના મૃત્યુ થયા હતા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી.
"કેટલાક લોકોનું કહેવું છે કે 300 લોકો, કેટલાક લોકો કહે છે 2000. પરંતુ 2000 લોકો તો કદાચ ત્યાં ગયા પણ ન હતા."
"જ્યારે હું આર્મી સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરું છું, તેઓ કહે છે કે 1965ના યુદ્ધમાં પણ આપણા આટલા લોકો શહીદ થયા ન હતા જેટલા કારગિલમાં થયા હતા. તે એક ખૂબ મોટી ભૂલ હતી."
'કાશ્મીર, સિયાચીન, કારગિલ'
નસીમ ઝારા પણ કહે છે કે કારગિલ યોજના ઘણાં વર્ષોથી વિચારણા હેઠળ હતી, પણ 1999માં તેનો અમલ થયો.
તેઓ કહે છે, "જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા આ યોજના બેનઝીર ભુટ્ટો સમક્ષ રજૂ કરવામાં આવી હતી, ત્યારે તેઓ મિલિટરી ઑપરેશન્સના ડીજી હતા. તેમણે આ વાત ઉડાવી દીધી હતી. એ પહેલાં જનરલ ઝિયાલ ઉલ હકના સમયમાં પણ આ અંગે ચર્ચા હતી."
નઝીમ ઝારાનું કહેવું છે કે કાશ્મીર સમસ્યા કારગિલ ઑપરેશનનું મુખ્ય કારણ હતું.
"પાકિસ્તાન અને ભારત વચ્ચેનો સંઘર્ષ રહેશે જ, ક્યારેય શીતયુદ્ધ પણ થશે, ક્યારેક અથડામણ પણ થશે. કાશ્મીરીઓ પણ આ ઘર્ષણમાં સામેલ છે."
"પુલવામા અને બાલાકોટની ઘટનાઓએ ફરીથી સ્પષ્ટ દીધું કે કાશ્મીર એ મૂળ સમસ્યા છે અને અન્ય જે કંઈ ઘટનાઓ ઘટે છે તે મૂળ સમસ્યાનાં પરિણામો છે."
તેમણે અન્ય એક બાબત અંગે પણ ચર્ચા કરી, જેનાથી કારગિલ યુદ્ધ માટે પાકિસ્તાની સૈનિકોને પ્રોત્સાહન મળ્યું હતું.
"અન્ય સમસ્યા હતી સિયાચીન, જે અંગે બન્ને દેશોએ મળીને સમાધાન લાવવાની જરૂર હતી, પણ ભારતે 1984માં કબજો કરી લીધો."
ચાર જનરલે આપ્યો યુદ્ધને અંજામ
નસીમ ઝહરાનું કહેવું છે કે કારગિલ યુદ્ધને પાકિસ્તાનના ચાર જનરલે મળીને અંજામ આપ્યો હતો.
તેમના પ્રમાણે ચાર જનરલોમાં તત્કાલિન સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફ, મેજર જનરલ જાવેદ હસન, જનરલ અઝીઝ ખાન અને જનરલ મહમૂદ અહમદ સામેલ હતા.
સેનાનું નેતૃત્વ આ ઑપરેશન અંગે અજાણ હતું.
નસીમ ઝહરાના પ્રમાણે નિયંત્રણ રેખા પર ચારેય જનરલ તહેનાત હતા. તેઓ કાશ્મીર મુદ્દે ભાવુક હતા.
તેમનું માનવું છે કે ચૂંટાયેલી સરકારની ઔપચારિક પરવાનગી વગર જ કારગિલ યુદ્ધ માટે આ ચારેય જનરલોએ આ ઑપરેશનને અંજામ આપ્યો. આ એક રીતે નિયમોનું ઉલ્લંઘન હતું.
ફેબ્રુઆરી 1999માં નવાઝ શરીફ અને અટલ બિહારી વાજપેયી વચ્ચે લાહોરમાં સમાધાન થયું હતું, એ વાતચીત પ્રમાણે એક નવા સંબંધની શરૂઆત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
'કાશ્મીરના વિજેતા બનો'
નસીમ ઝહરાના કહેવા પ્રમાણે સૈનિકોએ નિયંત્રણ રેખા પાર કરી એના ઘણા દિવસો બાદ 17 મે 1999ના રોજ થયેલી બ્રીફ દરમિયાન તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને કારગિલ ઑપરેશન અંગે જાણ થઈ.
નસીમ ઝહરા કહે છે, "એ સમયના વિદેશ મંત્રી સરતાજ અઝીઝને સમજાયું કે આર્મીના જવાનોએ નિયંત્રણ રેખા પાર કરી હતી. તેમણે વડા પ્રધાનને આ અંગે જાણ કરી અને કહ્યું કે આપણે ભારત સાથે વાત કરીશું."
તેઓ કહે છે, "આ વાતચીત લાહોર શિખર સંમેલન પછી થઈ રહી હતી."
પણ નસીમ ઝહરા પ્રમાણે શરૂમાં નવાઝ શરીફને વિશ્વાસ હતો કે સેના આ ઑપરેશનની સાથે કાશ્મીર મુદ્દાને પણ ઉકેલવામાં સફળ થઈ શકે છે.
સંબંધો સારા થઈ રહ્યા હતા પરંતુ...
નસીમ ઝહરાનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા થઈ રહ્યા હતા, પરંતુ એ જ વખતે જનરલ પરવેઝ મુશર્રફે કારગિલ યુદ્ધ છેડી દીધું.
તેમણે કહ્યું, "વાજપેયી પાકિસ્તાન આવ્યા હતા અને પાકિસ્તાને ભારતના વડા પ્રધાનનું શાનદાર સ્વાગત કર્યું હતું."
"તેઓ વાતચીત કરવા આવ્યા હતા અને તે ચાલી પણ રહી હતી. બાદમાં મુશર્રફે ભારત સાથે અનેક વખત વાતચીતનો અનુરોધ કર્યો. ભારતને વાત માટે ટેબલ પર લાવવા માટે તેમણે ઘૂંટણે પડીને ભારત પણ આવવું પડ્યું."
નસીમ તેમને ખોટા માટે છે કે જે લોકો એવું કહે છે કે આ યુદ્ધથી કાશ્મીર મામલે પાકિસ્તાનને ફાયદો પહોંચ્યો છે.
તેઓ કહે છે, "તથ્યો આ વાતનું સમર્થન કરતાં નથી. તથ્યો પ્રમાણે આ એક એવી ખોટી ચાલ હતી જેના કારણે પાકિસ્તાને વર્ષો સુધી વાતચીતની પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની કોશિશ કરવી પડી."
"ભલે ભારતે 1971 અને સિયાચીન કર્યું હોય પરંતુ કારગિલ યુદ્ધનો પાકિસ્તાનનો નિર્ણય ખૂબ જ બેજવાબદાર હતો. જેનાથી પાકિસ્તાનની છબીને નુકસાન પહોંચ્યું હતું."
જોકે, નસીમ ઝહરાનું માનવું છે કે કોઈ પણ નુકસાન કે લાભ સ્થાયી હોતા નથી. દેશોને પોતાની નીતિઓની સમીક્ષા કરવાના અવસર મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો