કારગિલ વિશેષ : જ્યારે પરમવીર ચક્ર વિજેતા કૅપ્ટન મનોજ પાંડેએ મરતા મરતા કહ્યું, છોડશો નહીં

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુરખા રેજિમૅન્ટલ સેન્ટરમાં તાલીમાર્થીને જણાવવામાં આવતું હોય છે કે સામસામી લડાઈ થાય ત્યારે ખુકરી બહુ કામનું હથિયાર સાબિત થતું હોય છે. ખુકરીથી ગળું કાપી નાખવાની તાલીમ પણ આપવામાં આવતી હોય છે.

1997માં લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે 1/11 ગુરખા રાઇફલમાં જોડાયા હતા.

તે વખતે દશેરાની પૂજા વખતે તેમનું કાળજું કઠણ છે કે નહીં તેની સાબિતી માટે બલિ માટે લવાયેલા બકરાનું માથું કાપવાનું જણાવાયું હતું.

પરમવીર ચક્ર વિજેતાઓ વિશે લખેલા બહુચર્ચિત પુસ્તક 'ધ બ્રેવ'માં લેખિકા રચના બિષ્ટ રાવત લખે છે, "એક ક્ષણ મનોજ વિચલિત થઈ ગયા હતા, પણ પછી તેમણે બકરાની ગરદન પર ફરશીનો જોરદાર ઘા માર્યો."

"તેમના ચહેરા પર પણ બકરાનું લોહી ઊડ્યું હતું. બાદમાં તેમણે પોતાની રૂમમાં જઈને કમસેકમ ડઝન વાર પોતાનો ચહેરો પાણીથી ઘસી ઘસીને ધોયો હતો."

તેઓ કદાચ પ્રથમ વાર જાણીજોઈને કરાયેલી હત્યાના અપરાધબોધને દૂર કરવા માટે કોશિશ કરી રહ્યા હતા."

"મનોજકુમાર પાંડે આજીવન શાકાહારી રહ્યા હતા અને તેમણે દારૂને પણ કદી હાથ લગાડ્યો નહોતો."

હુમલો કરવામાં પારંગત

દોઢેક વર્ષમાં તેમની અંદર રહેલો જાનહાનિ માટેનો ખચકાટ જતો રહ્યો હતો. હવે તેઓ યોજના ઘડીને, અચાનક હુમલો કરીને દુશ્મનને ખતમ કરવાની કળામાં પારંગત થઈ ગયા હતા.

તેમણે કડકડતી ઠંડીમાં બરફના પહાડો પર સાડા ચાર કિલો વજનના 'બૅક પૅક' સાથે ચઢી જવામાં પણ કુશળતા પ્રાપ્ત કરી લીધી હતી.

તેમના બૅક પૅકમાં સ્લિપિંગ બૅગ, વધારાનાં ઊનનાં મોજાં, શેવિંગ કિટ અને ઘરેથી આવેલા પત્રો પણ ભરેલાં રહેતાં હતાં.

ભૂખ લાગે ત્યારે સુકાઈને કડક થઈ ગયેલી પૂરીથી ચલાવી લેવાનું. ઠંડીથી બચવા માટે ઊનનાં મોજાં હાથમોજાં તરીકે વાપરતાં હતાં.

સિયાચીનથી પરત આવ્યા પછી કારગિલ માટે કહેણ

11 ગુરખા રાઇફલની પહેલી બટાલિયને સિયાચીનમાં ત્રણ મહિનાની ડ્યૂટી પૂરી કરી હતી.

બટાલિયનના અફસરો અને સૈનિકો હવે પૂણેમાં 'પીસ પોસ્ટિંગ' માટે રાહ જોઈ રહ્યા હતા.

બટાલિયનની એક 'ઍડ્વાન્સ પાર્ટી' પહેલેથી જ પૂણે પહોંચી ગઈ હતી. બધા સૈનિકોએ પોતાના શિયાળા માટેનાં ખાસ પોશાકો અને હથિયારો જમા કરાવી દીધાં હતાં.

મોટા ભાગના સૈનિકોને રજા પણ મળી ગઈ હતી. દુનિયાના સૌથી ઊંચા સિયાચીન ક્ષેત્રમાં ચોકીપહેરો સહેલો હોતો નથી.

દુશ્મનની સેના કરતાંય વધારે ખતરનાક ત્યાંનું હવામાન હોય છે. દેખીતી રીતે જ બધા સૈનિકો બહુ જ થાકી ગયા હતા.

લગભગ દરેક સૈનિકનું વજન પાંચ કિલો ઓછું થઈ ગયું હતું. અચાનક આદેશ આવ્યો કે બટાલિયનના બાકીના સૈનિકો પૂણે જવાના બદલે કારગિલ પહોંચે.

કારગિલમાં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલો આવી રહ્યા હતા.

મનોજ હંમેશાં પોતાના જવાનોની આગળ રહીને નેતૃત્વ કરતા રહ્યા હતા. તેમણે એ પછી બે મહિના લડેલી લડાઈમાં કુકરથાંગ, જૂબર ટોપ જેવાં કેટલાંક શિખરોને ફરીથી કબજે કરી લીધાં હતાં.

ત્યારબાદ તેમને ખાલોબાર શિખર કબજે કરવાનું લક્ષ્ય અપાયું હતું. સમગ્ર મિશનનું નેતૃત્વ કર્નલ લલિત રાયને સોંપાયું હતું.

ખાલોબાર સૌથી મુશ્કેલ લક્ષ્ય

તે મિશનને યાદ કરતા કર્નલ લલિત રાય કહે છે, "તે વખતે અમે ચારે બાજુથી ઘેરાયેલા હતા. ઉપરની તરફ પાકિસ્તાનીઓ ફેલાઈ ગયા હતા.

"તે લોકો પહાડો પર ઊંચાઈએ હતા, અમે નીચે હતા. એ વખતે એક જીત મેળવવી બહુ જ જરૂરી હતી કે જેથી આપણા સૈનિકોનું મનોબળ મજબૂત થાય."

કર્નલ રાય કહે છે, "ખાલોબાર ટોપ વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનો વિસ્તાર હતો. આપણા દુશ્મનો માટે એક રીતે તે સંદેશવ્યવહારનું કેન્દ્ર પણ બની ગયું હતું."

"અમને લાગતું હતું કે તેના પર કબજો કરી લઈએ તો પાકિસ્તાનીઓના બીજા અડ્ડાઓ પણ મુશ્કેલીમાં આવી જશે. ત્યાં સામાન પહોંચતો કરવામાં અને ત્યાંથી ભાગી નીકળવામાં પણ તેમને મુશ્કેલી નડશે."

"કહેવાનો મતલબ એ છે કે તેના કારણે સમગ્ર લડાઈની દિશા પલટાઈ જાય તેમ હતી."

2900 ફીટ પ્રતિ સેકન્ડની ગતિથી આવતી મશીનગનની ગોળી

આ આક્રમણ માટે ગુરખા રાઇફલ્સની બે કંપનીઓને પસંદ કરવામાં આવી.

કર્નલ લલિત રાય પણ તેમની સાથે જોડાયા હતા. તેઓએ થોડી ચઢાઈ કરી એટલામાં પાકિસ્તાની સૈનિકોએ ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. બધા સૈનિકો વેરવિખેર થઈ ગયા હતા.

કર્નલ રાય યાદ કરતા કહે છે, "અમારી પર 60થી 70 મશીનગન વરસી રહી હતી. અમારા પર તોપમારો પણ થઈ રહ્યો હતો. તે લોકો રૉકેટ લૉન્ચર અને ગ્રેનેડ લૉન્ચરનો ઉપયોગ પણ કરી રહ્યા હતા."

તેઓ કહે છે, "મશીનગનની ગોળીઓ 2900 ફીટ પ્રતિ સેકન્ડની ગતિથી ફૂટતી હોય છે. તમારી બાજુમાંથી ગોળી પસાર થાય તો તમને લાગે કે કોઈકે ધક્કો માર્યો. ગોળી સાથે એક ઍરપૉકેટ પણ સર્જાતું હોય છે."

કર્નલ રાય કહે છે, "અમે ખાલોબારની ટોચથી લગભગ 600 ગજ નીચે હતા, ત્યારે બે બાજુથી બહુ ઘાતક અને ભારે ગોળીબાર અમારા પર થયો."

"કમાન્ડિંગ ઑફિસર તરીકે હું અવઢવમાં હતો. અમે આગળ વધીને હુમલો કરીએ તો શક્યતા હતી કે બધા માર્યા જાય."

"એવું થાય તો ઇતિહાસ એવું જ કહે કે કમાન્ડિંગ ઑફિસરે બધાને મરાવી નાખ્યા. ચાર્જ ના કરીએ તો એવું કહેવાય કે તેમણે પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે કોશિશ ના કરી."

"મેં વિચાર્યું કે બે ટુકડી બનાવી દેવી જોઈએ, જે સવાર પડે તે પહેલાં ઉપર પહોંચી જાય."

"બાકી દિવસના અજવાળામાં અમારા બધા માટે બચવું મુશ્કેલ બનશે. એવી સ્થિતિમાં મારી પાસે સૌથી નજીક અફસર હતા કૅપ્ટન મનોજ પાંડે."

"મેં મનોજને કહ્યું કે તમે તમારી પ્લેટૂન લઈને જાવ. મને ઉપર ચાર બંકર દેખાઈ રહ્યાં છે. તેના પર હુમલો કરીને તેને ખતમ કરી નાખો."

તેઓ કહે છે, "તે યુવા અફસર એક સેકન્ડ માટે પણ અચકાયા નહીં અને કડકડતી ઠંડી અને ભયાનક 'બૉમ્બાર્ડમેન્ટ' છતાં ઉપરની તરફ આગળ વધ્યા."

પાણીનો એક ઘૂંટડો બચાવી રાખ્યો

રચના બિષ્ટ રાવત કહે છે, "મનોજે પોતાની રાઇફલના 'બ્રીચબ્લૉક'ને પોતાનાં ઊનનાં મોજાંથી ઢાંકીને રાખ્યો હતો. ઠંડીને કારણે તે થીજી ના જાય અને ગરમ રહે તે માટે આવું કર્યું હતું."

"તે વખતે તાપમાન શૂન્યથી પણ નીચે જવા લાગ્યું હતું. જોકે, સીધું ચઢાણ હોવાથી આવી ઠંડીમાંય ભારતીય સૈનિકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા."

બિષ્ટ કહે છે, "દરેક સૈનિક પાસે એક લિટર પાણીની બૉટલ હતી. જોકે, અડધો રસ્તો પાર કર્યો ત્યાં સુધીમાં અડધી ખાલી થઈ ગઈ હતી."

"આમ તો ચારે બાજુ બરફ પથરાયેલો હતો, પણ તેના પર દારૂગોળો એટલો પડ્યો હતો કે તે ખાઈ શકાય તેમ નહોતો."

"મનોજે પોતાના સુકાઈ ગયેલા હોઠ પર જીભ ફેરવી. તેમણે પોતાની પાણીની બૉટલને હાથ પણ નહોતો લગાવ્યો. તેમાં હવે એક ઘૂંટ પાણી જ બચ્યું હતું."

"મનોવૈજ્ઞાનિક કારણસર તેઓ મિશનના અંત સુધી તેમાં એટલું પાણી બચાવીને રાખવા માગતા હતા."

એકલાએ ત્રણ બંકર તોડી પાડ્યાં

કર્નલ રાય આગળ કહે છે, "અમને હતું કે ચાર બંકર છે, પણ ઉપર ગયા પછી મનોજે રિપોર્ટ કર્યો હતો કે છ બંકર છે."

"દરેક બંકરમાંથી બે-બે મશીનગન અમારા પર ગોળીઓ છોડી રહી હતી. બે બંકર થોડાં દૂર હતાં તેને ઉડાવી દેવાં માટે મનોજે હવાલદાર દીવાનને મોકલ્યા."

"દીવાને પણ સીધું જ આક્રમણ કરી દીધું અને બંને બંકરોને ઉડાવી દીધાં. જોકે, તેમને ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ વીરગતિને પામ્યા."

"બાકી બચેલાં બંકરોને ઉડાવી દેવાં માટે મનોજ અને તેમના સાથી બાખોડિયાંભેર તેની છેક નજીક પહોંચી ગયા."

"બંકરને તોડી પાડવાં માટે તેનું જે મોઢું હોય છે તેમાં ગ્રેનેડ ફેંકીને અંદર બેઠેલાને ખતમ કરી દેવાના હોય છે."

"મનોજે એક પછી એક એમ ત્રણ બંકરને ઉડાવી દીધાં. પરંતુ તેઓ ચોથા બંકરમાં ગ્રેનેડ ફેંકવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમના ડાબે પડખે ગોળીઓ વાગી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા."

હેલ્મેટ ચીરીને ચાર ગોળી માથામાં ઘૂસી

"જવાનોએ જણાવ્યું કે સર, હવે એક જ બંકર બચ્યું છે. અમે તેને ખતમ કરીને આવીએ છીએ. હવે તમે જુઓ આ બહાદુર અફસર અને તેમની કર્તવ્યભાવના!"

"તેમણે કહ્યું કે જુઓ, કમાન્ડિંગ ઑફિસરે મને આ કામ સોંપ્યું છે. મારી ફરજ છે કે હું આક્રમણમાં આગેવાની લઉં અને કમાન્ડિંગ ઑફિસરને વિક્ટરી સાઇન મોકલું."

"તેઓ ઢસડાતાં ઢસડાતાં ચોથા બંકરની પાસે પહોંચી ગયા. ત્યાં સુધીમાં તેમનું બહુ લોહી વહી ગયું હતું."

"તેમણે ઊભા થઈને ગ્રેનેડ ફેંકવાની કોશિશ કરી. તે વખતે જ પાકિસ્તાનીઓએ તેમને જોઈ લીધા. તેમને મશીનગન ફેરવીને તેમના પર ચાર ગોળીઓ ચલાવી."

"ચારેય ગોળી તેમનો હેલ્મેટ વીંધીને તેમના માથાની આરપાર નીકળી ગઈ હતી. પાકિસ્તાનીઓ પાસે એડી મશીનગન હતી, 14.7 એમએમવાલી. તેના કારણે મનોજનું મસ્તક ઊડી ગયું અને તેઓ જમીન પર પડી ગયા."

"હવે તમે જુઓ એ જુવાનિયાનો જોશ. મરતાં મરતાં તેમણે કહેલું કે ના છોડનૂં.... છોડશો નહી. મતલબ કે દુશ્મનોને છોડશો નહીં. તે વખતે તેની ઉંમર 24 વર્ષ અને સાત દિવસની જ હતી."

"પાકિસ્તાની બંકરમાં તેમનો ગ્રેનેડ ફાટ્યો. કેટલાક માર્યા ગયા અને કેટલાકે ભાગવાની કોશિશ કરી. આપણા જવાનોએ ખુકરી કાઢી અને તેનાથી કામ તમામ કરી નાખ્યું. ચારેય બંકરોને ખામોશ કરી દીધાં."

ફક્ત 8 ભારતીય જવાનો બચ્યા હતા

આવી અદ્વિતીય વીરતા બદલ કૅપ્ટન મનોજકુમાર પાંડેને ભારતનું સૌથી મોટું વીરતાપદક પરમવીર ચક્ર (મરણોત્તર) એનાયત કરાયું હતું.

આ મિશનમાં કર્નલ લલિત રાયને પણ પગમાં ગોળી વાળી હતી. તેમને પણ વીર ચક્ર એનાયત થયું હતું. આ જીત માટે જોકે ભારતીય સેનાએ મોટી કિંમત ચૂકવવી પડી હતી.

રાયના જણાવ્યા અનુસાર તેઓ બે કંપનીઓ સાથે ઉપર ચડ્યા હતા. તેમણે ખાલોબારની ટોચે આખરે ભારતીય ઝંડો લહેરાવ્યો, ત્યારે તેમની પાસે ફક્ત આઠ સૈનિકો બચ્યા હતા. બાકીના જવાનો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા.

તેમના જણાવ્યા અનુસાર, "ટોચ પર કશું ખાધાપીધા વિના ત્રણ દિવસ સુધી રહેવું પડ્યું હતું. તેઓ બાદમાં એ જ રસ્તે નીચે ઊતરી રહ્યા હતા ત્યારે ચારે બાજુ સૈનિકોની લાશો પડી હતી."

"ઘણા બધા શબ બરફમાં જામી ગયા હતા. ખડકની આડશમાં જ્યાં તેમને ગોઠવ્યા હતા, ત્યાં જ તેઓ પડ્યા હતા."

"તેમની આંગળીઓ હજીય ટ્રીગર પર હતી. તેમના મૅગઝિન ચેક કરાયા ત્યારે જોયું તો સાવ ખાલી થઈ ગયેલા હતા. તેઓ બરફમાં જ જામીને આઇસ બ્લૉક જેવા બની ગયા હતા."

"કહેવાનો મતલબ એ છે કે આ સૈનિકો છેલ્લી ગોળી સુધી અને શ્વાસ સુધી લડતા રહ્યા હતા."

કર્નલ લલિત રાય કહે છે, "કૅપ્ટન મનોજકુમાર પાંડે ફક્ત પાંચ ફૂટ છ ઇંચના જ હતા, પરંતુ તેઓ સદાય હસતા રહેતા હતા."

"તેઓ બહુ જોશીલા અફસર હતા. તેમને જે પણ કામ સોંપાતું હતું તે પૂરું કરવા માટે જાનની બાજી લગાવી દેતા હતા."

"તેમનું કદ ભલે નાનું હોય, પરંતુ તેમનાં સાહસ, બહાદુરી અને કર્તવ્યનિષ્ઠા માટે તેઓ અમારી ફોજમાં સૌથી ઊંચેરા હતા. હું એ બહાદુર માણસને મારા દિલથી સલામ કરું છું."

વાંસળી વગાડવાનો શોખ

કૅપ્ટન મનોજકુમાર પાંડેને નાનપણથી જ સેનામાં જવાની ઇચ્છા હતી. તેમણે લખનૌની સૈનિક સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ એનડીએની પરીક્ષા પાસ કરી હતી.

તેઓ પોતાનાં માતાને બહુ પ્રેમ કરતા હતા. નાનપણમાં એક વાર તેમનાં માતા તેમને મેળામાં લઈ ગયા હતા.

સૈનિક ઇતિહાસકાર રચના બિષ્ટ રાવત કહે છે, "મેળામાં જાતભાતની વસ્તુઓ વેચાતી હતી. પરંતુ નાનકડા મનોજને સૌથી વધુ ગમી ગઈ લાકડાની એક વાંસળી."

"તેમણે વાંસળી ખરીદવા માટે જીદ કરી. માતાએ કોશિશ કરી કે બીજું કોઈ રમકડું ખરીદી લે. તેમને હતું કે થોડા દિવસમાં વાંસળી ફેંકી દેશે."

"આખરે તે માન્યો નહીં એટલે બે રૂપિયા આપીને વાંસળી ખરીદી હતી. એ વાંસળી મનોજે 22 વર્ષ સુધી સાચવી રાખી હતી. તે પોતાની સાથે જ રાખતા અને રોજ થોડી વાર તેને વગાડવાનો આનંદ લેતા."

બિષ્ટ કહે છે, "સૈનિક સ્કૂલમાં ગયા અને બાદમાં ખડકવાસલા અને દહેરાદૂન ગયા ત્યાં પણ વાંસળી સાથે ને સાથે જ હતી."

મનોજની માતાએ કહ્યું કે કારગિલની લડાઈ પર જતા પહેલાં હોળીની રજાઓમાં ઘરે આવ્યા હતા. તે વખતે તેઓ વાંસળી પોતાની માતા પાસે મૂકીને ગયા હતા."

શિષ્યવૃત્તિના પૈસામાંથી પિતાને સાઇકલની ભેટ

મનોજ પાંડે છેક સુધી સાદું જીવન જ જીવતા રહ્યા. સાધારણ પરિવારના હોવાના કારણે તેઓ ચાલીને શાળાએ જતા હતા.

તેમની માતા બહુ માર્મિક કિસ્સો સંભળાવે છે.

મનોજ અખિલ ભારતીય સ્કૉલરશિપ ટેસ્ટ પાસ કરીને સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે લાયક થયા હતા. પ્રવેશ પછી તેમણે હૉસ્ટેલમાં રહેવું પડ્યું હતું.

એક વાર પૈસાની જરૂર પડી ત્યારે માતાએ કહ્યું કે શિષ્યવૃત્તિ મળે છે તેમાંથી પૈસા વાપરી લેજે.

મનોજે જવાબ આપ્યો કે તેના પૈસા ભેગા કરીને પિતા માટે એક નવી સાઇકલ ખરીદવી છે, કેમ કે તેમની સાઇકલ જૂની થઈ ગઈ છે.

આખરે એક દિવસ ખરેખર તેમણે શિષ્યવૃત્તિમાંથી પૈસા બચાવીને પિતા માટે નવી સાઇકલ ખરીદી.

એનડીએનો ઇન્ટરવ્યૂ

મનોજ પાંડે ઉત્તર પ્રદેશમાં એનસીસીના બેસ્ટ કૅડેટ જાહેર થયા હતા. એનડીએના ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, "તમે સેનામાં કેમ ભરતી થવા માગો છો?"

મનોજનો જવાબ હતો, "પરમવીર ચક્ર જીતવા માટે."

ઇન્ટરવ્યૂ લેનારા સૈન્ય અધિકારીઓ એકબીજા સામે જોઈને હસી પડ્યા હતા. જોકે, ક્યારેક આવી વાતો પણ સાચી પડી જતી હોય છે.

મનોજકુમાર પાંડે એનડીએ માટે પસંદ થઈ ગયા, એટલું જ નહીં તેમણે આખરે દેશનું સર્વોચ્ચ વીરતાપદક પરમવીર ચક્ર જીતી પણ લીધું હતું.

જોકે, ચક્ર પ્રાપ્ત કરવા માટે તેઓ સ્વયં ધરતી પર હાજર નહોતા.

તેમના પિતા ગોપીચંદ પાંડેએ હજારો લોકોની હાજરી વચ્ચે 26 જાન્યુઆરી, 2000ના રોજ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના હસ્તે તેનો સ્વીકાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો