You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોરિસ જોન્સન અને ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણી કેમ થાય છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બ્રિટન નવા વડા પ્રધાન તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય બોરિસ જોન્સને કાર્યભાર સંભાળી લીધો છે.
તેમણે 92,153 મત સાથે પ્રતિસ્પર્ધી જેરેમી હંટને હરાવ્યા.
બોરિસ જોન્સન તેમનાં નિવેદનોથી ચર્ચામાં રહે છે. તેમણે અનેક એવાં નિવેદનો આપ્યાં છે જેમના કારણે તેમની ટીકા તો થઈ છે જ પરંતુ સાથે-સાથે તેમના સમર્થકોએ તેમના વખાણ પણ કર્યા છે.
હાલમાં બ્રિટનના નવા વડા પ્રધાનની બોરિસ જોન્સનની સરખામણી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ રહી છે.
બ્રિટનના 'ટ્રમ્પ'
બે દિવસ પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન ખાતે સ્પીચ આપતા બોરિસ જોન્સનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું, "બોરિસ ખૂબ હોશિયાર છે. લોકો તેમને બ્રિટનના ટ્રમ્પ કહીને બોલાવે છે."
ટ્રમ્પનું કહેવું હતું કે 'બ્રિટનના લોકો તેમને પસંદ કરે છે એટલા માટે બોરિસની સરખામણી તેમની સાથે કરે છે. લોકો આવું ઇચ્છે છે.'
ડોનાલ્ડ ટ્રમ્પ અને બોરિસ જોન્સનની અનેક નીતિઓ એવી છે જે બન્નેને એક જેવા બનાવે છે.
ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે માઇગ્રન્ટ એટલે કે શરણાર્થીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે મેક્સિકોથી જે લોકો આવે છે તેઓ ગુનાખોરી અને નશાખોરી લાવે છે.
તેમનું કહેવું હતું કે માત્ર મેક્સિકો જ નહીં પરંતુ લેટિન અમેરિકા અને મધ્ય-પૂર્વમાંથી લોકો અમેરિકામાં આવે છે. ત્યારબાદ તેમણે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દીવાલ બનાવવાની વાત કરી હતી.
ઇમિગ્રેસન કે શરણાર્થીઓ અંગે પણ બોરિસ જોન્સનનું વલણ પણ કંઈક આવું જ છે. આ મુદ્દાઓ પર તેમની નીતિ વધુ સ્પષ્ટ છે.
ઇસ્લામ પ્રત્યે વલણ
ડોનાલ્ડ ટ્રમ્પ ઇસ્લામ અંગે નિવેદનો આપી પણ ચર્ચામાં રહ્યા છે.
એક રેડિયો ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઇસ્લામ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ડોનાલ્ડ ટ્રમ્પ ઇસ્લામને ધર્મ માને છે?
આ સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું, "ચર્ચા ઇસ્લામ ધર્મ છે કે નહીં તે અંગે નથી, પરંતુ ઉગ્ર ઇસ્લામિક આતંકવાદની છે. અમે આ ઉગ્ર આતંકવાદ અંગે ગંભીર છે અને તેને જડમૂળથી નાબૂદ કરવા તૈયાર છીએ."
વર્ષ 2016માં તેમણે એક ઇન્ટરવ્યૂમાં એવુ પણ કહ્યું હતું કે 'ઇસ્લામ અમને નફરત કરે છે.'
જોકે સપ્ટેમ્બર 2015માં તેમણે કહ્યું હતું, "મને મુસલમાનો પસંદ છે અને તેઓ મહાન છે."
જો બોરિસ જોન્સનની વાત કરવામાં આવે તો ઇસ્લામ પ્રત્યે તેમનું વલણ પણ કંઈક અટપટું જ રહ્યું છે.
28 જાન્યુઆરી 2006માં બોરિસ જોન્સનનું પુસ્તક 'ધ ડ્રીમ ઑફ રોમ' આવ્યું હતું. આ પુસ્તક રોમન સામ્રાજ્ય પર આધારિત હતું.
પુસ્તકમાં જોન્સને લખ્યું છે, "ઇસ્લામમાં એવું કંઈક હતું જે વિશ્વના અમુક ભાગોના વિકાસમાં બાધારૂપ બન્યું. દરેક સંઘર્ષમાં 'મુસ્લિમ સમસ્યા'નું તત્વ પરિણામ સ્વરૂપે જવાબદાર હતું."
ગત વર્ષે તેમણે બુરખાંને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે બુરખો પહેરેલી મુસ્લિમ મહિલાને 'બૅન્કની લૂંટ કરનાર' સાથે સરખાવ્યા હતા.
દેખાવને લઈને સરખામણી
બોરિસ અને ટ્રમ્પની સરખામણી વ્યક્તિત્વના મુદ્દે તો થઈ જ રહી છે પરંતુ તેમને દેખાવને લઈને પણ થઈ રહી છે.
લોકોમાં તેમના બન્ને નેતાઓના વાળને લઈને પણ ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી છે.
પરંતુ વૉશિંગટન પોસ્ટમાં છપાયેલા એક અહેવાલમાં લખવામાં આવ્યું છે કે બન્ને નેતાઓના વાળ વચ્ચેની સામ્યતા માત્ર ભૂરા રંગ પૂરતી જ સીમિત છે.
અહેવાલ મુજબ, "જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં જાય છે ત્યારે તેમના વાળ સરસ રીતે ઓળેલા હોય છે. જ્યારે બોરિસ જોન્સન તેમનાથી તદ્દન ઊલટા છે."
"રાજકીય સફરની શરૂઆતમાં બોરિસ જોન્સનનો લૂક 'સૂઈને ઊઠ્યા' હોય તેવો હતો."
અભ્યાસ અને જન્મ
બોરિસ જોન્સન અને ડોનાલ્ડ ટ્રમ્પનું જન્મસ્થળ પણ સમાન છે. બન્ને ન્યૂ યૉર્કમાં જન્મ્યા છે.
ન્યૂ યૉર્ક બાદ બોરિસ જોન્સન યુનાઇટેડ કિંગ્ડમમાં વસી ગયા હતા. અમેરિકાના નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ અને બોરિસનો અભ્યાસ સારો છે.
બોરિસ જ્હોન્સે ઇંગ્લૅન્ડની આઈટન કૉલેજ અને ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો છે.
2016ના તેમના ભાષણમાં ટ્રમ્પે રાજકારણમાં પ્રવેશ અંગે કહ્યું હતું, "હું રાજકારણમાં એવા માટે જોડાયો છું કે જેથી પાવરફૂલ લોકો નબળા લોકોને દબાવી ના શકે."
બીજી તરફ બોરિસ જોન્સને બુધવારના રોજ આપેલા તેમના ભાષણમાં કહ્યું હતું, "કંઈક નવું કરી શકાય તેવી આશાઓને ઝડપવાની દરેક તક આપણે ઝડપવા જઈ રહ્યા છીએ. ફરી એકવખત આપણે આપણા પણ વિશ્વાસ કરવા જઈ રહ્યા છીએ."
કોણ છે બોરિસ જોન્સન?
રાજકારણમાં આવ્યા પહેલાં બોરિસ એક પત્રકાર હતા.
બોરિસ જોન્સને ક્લિવ સાઉથની વેલ્સ સીટ પરથી કન્ઝર્વેટિવના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
બોરિસ જોન્સનનો જન્મ બ્રિટિશ માતાપિતાને ત્યાં 19 જૂન, 1964માં ન્યૂયોર્કના મેનહટ્ટનમાં થયો હતો.
2001માં તેઓ હેન્લી-ઑન-થેમ્સની સુરક્ષિત કન્ઝર્વેટિવ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
હેન્લીથી તેઓ વર્ષ 2001-2008 સુધી એટલે કે સાત વર્ષ સુધી સાંસદ રહ્યા હતા. તો વર્ષ 2008થી 2016 સુધી તેઓ લંડનના મેયર રહ્યા.
બોરિસ જોન્સન બે વર્ષ વિદેશસચિવ પણ રહી ચૂક્યા છે.
બોરિસ જોન્સને નિર્ણય કર્યો હતો કે તેઓ વર્ષ 2016માં મેયર તરીકેનો પોતાનો કાર્યકાળ સમાપ્ત કરતાં પહેલાં સંસદમાં આવવા માગતા હતા.
વર્ષ 2016માં જોન્સનને એ વખતના વડાં પ્રધાન થેરેસા મેએ વિદેશસચિવ નિયુક્ત કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો