You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનને આંજી દેનારા એ ભારતીય વૈજ્ઞાનિક જેઓ આજે ભુલાઈ ગયા છે
- લેેખક, દિનયાર પટેલ
- પદ, ઇતિહાસકાર
આંતરરાષ્ટ્રીય રોકાણકારો માનતા હતા કે તેમના સંશોધનોને કારણે દુનિયાના પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ક્રાંતિ આવશે. એટલું જ નહીં ભારતની રાષ્ટ્રીય ચળવળના અગ્રણીઓ પણ તેમની સરાહના કરી સમર્થન આપતા હતા.
આમ છતાં 19 સદીના ભારતમાં સંશોધનની પહેલ કરનારા શંકર અંબાજી ભીમસી આજે સાવ ભુલાઈ ગયા છે. આવું કેમ થયું?
આજે ભારત સંશોધન અને વૈજ્ઞાનિક પ્રતિભાની બાબતમાં જાણીતું બન્યું છે.
એ જમાનામાં વિજ્ઞાનીઓ, સંશોધકો અને એન્જિનિયરોને પોષણ અને પ્રોત્સાહન મળે તેવી સંસ્થાઓ જ ભારતમાં નહોતી. તેવા જમાનામાં પણ ભીમસીનું નામ જગપ્રસિદ્ધ બન્યું હતું.
તેઓ આપમેળે શીખીને આગળ આવેલા અને અજાણી ભોમકાથી પ્રસિદ્ધિની ધરા સુધી પહોંચેલા માનવી હતા.
કમનસીબે તેમના અવસાન પછી ફરી એકવાર તેમનું નામ ગુમનામીમાં ગર્ત થઈ ગયું છે.
બ્રિટિશ સામ્રાજ્ય વખતે મુંબઈની ગીચ ગલીઓમાં ભીમસીનો ઉછેર થયો હતો. નાનપણથી જ તેઓ સાયન્ટિફિક અમેરિકન મૅગેઝિન વાંચ્યા કરતા હતા.
તેમણે ઘણા દાયકાઓ બાદ બ્રૂકલીનના એક અખબારને જણાવ્યું હતું, "તે અમેરિકન મૅગેઝિનમાંથી જ હું મારું બધું મિકૅનિકલ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે મુંબઈમાં સાયન્ટિફિક ક્લબની સ્થાપના કરી હતી અને વીસીમાં પ્રવેશ પછી જાતભાતનાં ગૅઝેટ્સ અને મશીનો બનાવવા લાગ્યા હતા.
ટેમ્પર-પ્રૂફ બૉટલ, ઇલેક્ટ્રિક સાઇકલ માટેનું મશીન, મુંબઈની લોકલ ટ્રેન માટે સ્ટેશન ઇન્ડિકેટર વગેરે બનાવવાનું શરૂ કરી દીધું હતું.
તેમને આખરે 1890ના દાયકામાં તક મળી ગઈ. બ્રિટિશ ઇન્વેન્ટર્સ જર્નલે ગ્રોસરીના વજનકાંટા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
લંડનમાં નિવાસસ્થાન
એક દિવસે રાતના ત્રણ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી તેઓ કલ્પનામાં રત થઈ ગયા અને આખરે એક વજનકાંટો તેમને સ્ફૂરી આવ્યો.
તેમણે તેની બ્લૂ પ્રિન્ટ દોરી કાઢી અને બધા જ બ્રિટિશ સ્પર્ધકોને હરાવીને સ્પર્ધા જીતી ગયા.
હવે મુંબઈના વહીવટદારોની નજર પણ આ તેજસ્વી ભારતીય સંશોધક પર પડી.
લંડનમાં નિવાસ કરીને મૂડીરોકાણ મેળવવા માટેની ભીમસીની ઇચ્છાને તેઓએ સમર્થન આપ્યું.
ભીમસીએ પોતાના મિત્રો સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે 'સફળતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અને છેલ્લો પાઉન્ડ બચ્યો હશે ત્યાં સુધી પરત આવીશ નહીં."
એ રીતે તેમની કારકિર્દીનો નોંધપાત્ર તબક્કો શરૂ થયો હતો. યુવાન સંશોધક સામ્રાજ્યના હાર્દ સમા લંડનમાં પહોંચ્યા અને સામ્રાજ્ય વિરોધી વર્તુળોમાં સક્રિય થવા લાગ્યા.
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મુંબઈ ખાતેના મંત્રી દિનશા વાચ્છાનો ભલામણપત્ર લઈને ભીમસી લંડન પહોંચ્યા હતા.
ભારતના અગ્રણી રાજકીય સંસ્થાની આગેવાની લેવા ઉપરાંત વાચ્છા પોતે હોશિયાર વેપારી પણ હતા અને ટેકનિકલ ટૅલેન્ટને પારખવાની દૃષ્ટિ પણ ધરાવતા હતા.
આ રીતે લંડન પહોંચીને એક સવારે ભીમસી વાચ્છાનો પત્ર લઈને દાદાભાઈ નવરોજી સમક્ષ હાજર થઈ ગયા.
રાષ્ટ્રીય ચળવળમાં વાચ્છાના સાથી રહેલા દાદાભાઈ ઇંગ્લૅન્ડમાં લાંબા સમયથી વેપારી તરીકે પણ સફળ કામગીરી બજાવી રહ્યા હતા.
ભીમસી એક પછી એક આંતરરાષ્ટ્રીય પેટન્ટ નોંધાવી રહ્યા હતા. તેનાથી પ્રભાવિત થઈને નવરોજીએ એક વેપારી સિન્ડિકેટ ઊભી કરવાની તૈયારી બતાવી.
આ માટે એક કરાર કર્યા પછી તેમણે ભીમસીને ભારતીય રાષ્ટ્રીય ચળવળના મુસદ્દા શું છે તે જાણવા માટે કયું સાહિત્ય વાંચવું તેની યાદી પણ આપી હતી.
લંડનના ઠંડા અને ભેજયુક્ત હવામાનમાં એક વર્કશોપમાં ભીમસીનું કામકાજ શરૂ થયું.
વિવિધ પ્રકારનાં સંશોધન
તેમણે એક નવીન પ્રકારના ઇલેક્ટ્રોનિક સાઇનબોર્ડની ડિઝાઇન તૈયાર કરી હતી. તેને લંડનમાં ક્રિસ્ટલ પેલેસ ખાતે લગાવવામાં આવ્યું હતું.
બાદમાં મધ્ય લંડન, વેલ્સ અને કદાચ પેરીસમાં પણ અનેક સ્ટોરમાં આવાં જ ઇલેક્ટ્રોનિક સાઇનબોર્ડ લાગવાં લાગ્યાં હતાં.
તેમણે દાદાભાઈ નવરોજીને પોતાની આશ્ચર્યચકિત કરી દે તેવી નવીન સંશોધનોની યાદી આપી હતી :
રસોડા માટેનાં વિવિધ ઉપકરણો, એક ટેલિફોન, માથાનો દુખાવો દૂર કરવાનું સાધન અને આપમેળે ફ્લશ થઈ શકતું ટૉઇલેટ.
તેમણે 1905માં પુશ-અપ બ્રાના પ્રોટોટાઇપની પેટન્ટ પણ નોંધાવી હતી.
'ગ્રેસફૂલ અને પૂર્ણપણે દેખાય તેવા બ્રેસ્ટ માટેનું ડિવાઇસ' તેમણે શોધી કાઢ્યું હતું (પણ કદાચ સંકોચને કારણે તેમણે દાદાભાઈ નવરોજીને આ શોધ વિશે જાણ કરી નહોતી).
જોકે, ભીમસીએ કરેલી શોધોમાં સૌથી અગત્યની પ્રિન્ટિંગને લગતી હતી.
પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવી શકે તેવું એક ટાઈપકાસ્ટર 'ભીસોટાઈપ' શોધી કાઢ્યું હતું,
તે વખતે પુસ્તકો અને અખબારોને પ્રિન્ટ કરવા માટે ધાતુનાં ટાઈપ તૈયાર કરવાં પડતાં હતાં.
ભીમસીનું ભીસોટાઈપ મશીન બહુ ઝડપથી અને સસ્તામાં મેટલ ટાઈપ તૈયાર કરી શકતું હતું.
તે વખતનાં ઉદ્યોગનાં જાણીતાં મશીનો કરતાં તે વધુ ઝડપી હતું અને વધારે કાર્યદક્ષતાથી કામ કરી શકતું હતું.
એ વખતે દાદાભાઈ નવરોજીએ ભીમસીને જણાવ્યું હતું કે વધારે મોટું મૂડીરોકાણ કરી શકે તેવા રોકાણકારો શોધવા પડશે.
'બ્રિટિશ સમાજવાદના પિતા' તરીકે જાણીતા થયેલા પોતાના મિત્ર હેન્રી હિન્ડમેન પાસે તેમણે ભીમસીને મોકલી આપ્યા.
હિન્ડમેન કાર્લ માર્ક્સના શિષ્ય હતા અને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના આકરા ટીકાકારોમાંના એક હતા.
તેઓ લંડનના 'નફાખોરી કરનારા વર્ગ'ને વખોડી કાઢતા હતા.
નવાઈની વાત એ હતી કે મૂડીવાદનો વિરોધ કરનારા હિન્ડમેન પોતે અગ્રણી ઉદ્યોગપતિ હતા અને પ્રિન્ટિંગ ઉદ્યોગમાં સારા એવા સંપર્કો ધરાવતા હતા.
તેમણે ભીસોટાઈપ તૈયાર કરાવવા માટે 15,000 પાઉન્ડ જેટલું જંગી ભંડોળ એકઠું કરવાનું વચન આપ્યું હતું.
...અને સ્થિતિ બગડવા લાગી.
પ્રિન્ટિંગ ઉદ્યોગમાં મોટું માથું ગણાતી 'લાઇનોટાઈપ કંપની'એ ભીસોટાઈપ મશીન ખરીદી લેવા માટે ઑફર આપી હતી, પણ તે ભીમસીએ નકારી કાઢી.
હિન્ડમેને વચન આપ્યું હતું એટલે સારી એવી મૂડી મળશે એવી આશામાં તેમણે મશીનને વધારે સારું કરવા માટે વધારે પડતો સમય બગાડ્યો.
જોકે, 1907 સુધીમાં હિન્ડમેનને સ્પષ્ટ થઈ ગયું કે પોતે પૂરતી મૂડી ઊભી કરી શકશે નહીં.
નવરોજી પાસેની મૂડી પણ તે પછીના વર્ષે ખૂટી પડી. હતાશ થઈ ચૂકેલા ભીમસીએ તે પછીના વર્ષે ડિસેમ્બર 1908માં કામકાજ આટોપી લઈને મુંબઈ પરત ફરવું પડ્યું હતું.
સફળતા મળી નહોતી અને તેમની પાસેનો છેલ્લામાં છેલ્લો પાઉન્ડ વપરાઈ ગયો હતો. મુંબઈમાં ફરી એકવાર તક ઊભી થતી જણાય.
મુંબઈ જતી સ્ટીમરમાં તેમની સાથે ગોપાલકૃષ્ણ ગોખલે પણ હતા. ભીમસીએ કૉંગ્રેસના આ અગ્રણીને પોતાનું ભીસોટાઈપ દેખાડીને પ્રભાવિત કરી દીધા.
મુંબઈમાં પહોંચ્યા પછી ગોખલેએ તાતા જૂથના વડા રતન જમદેશજી તાતાનો સંપર્ક કર્યો.
તેમણે ભારતના આ અગ્રણી ઉદ્યોગપતિ પાસેથી મૂડીરોકાણની આશા સાથે નવેસરથી કર્મિશયલ સિન્ડિકેટ ખડી કરી આપી.
જોકે, 1917 સુધીમાં તાતા સિન્ડિકેટ પણ વિખેરાઈ ગઈ પરંતુ તેના કારણે ભીમસીને અમેરિકામાં એક નવી કૅરિયર માટેની તક મળી.
નવાઈની વાત એ છે કે તેઓ ક્યારેય ભીસોટાઈપને સફળતાથી વેચી શક્યા નહોતા.
તેમને ન્યૂયોર્કમાં સફળતા મળી અને ધન પણ મળ્યું, પણ તેનું કારણ હતું તેમણે શોધેલું આયોડિન સૉલ્યુશન.
આરોગ્યની રીતે તેનાથી કેટલો ફાયદો તેની સામે સવાલો હતા, પણ અમેરિકાના સાયકિક અને મિસ્ટિક એડગર કેઇસે ઉત્સાહ સાથે તેમની શોધને વધાવી લીધી હતી.
આજે પણ કેઇસના અનુયાયીઓ આ સૉલ્યુશન વેચે છે અને તેનો ઉપયોગ કરે છે.
ભીમસી પોતે પણ તેમના જીવનના છેલ્લા તબક્કામાં ગૂઢ અને જાદુઈ દુનિયા તરફ ખેંચાયા હતા.
તેમણે કરેલાં છેલ્લાં સંશોધનોમાં એક હતું 'સ્પિરિટ ટાઈપરાઇટર'. તે એક સુધારેલું આત્માને બોલાવવા માટેનું (Ouijia વીજા અથવા ઓવીજા) બોર્ડ હતું.
તેમણે આવું બોર્ડ બનાવ્યું અને ભીસોટાઈપને નિષ્ફળતા મળી કદાચ તેના કારણે જ ભારતીય એડિસન ગણાયેલા ભીમસી આજે વિસરાયેલા છે.
જોકે, તેમના એક પ્રદાનને હંમેશાં યાદ કરવું રહ્યું.
જીવનના અંત સુધી ભીમસી પોતાને મદદ કરનારા રાષ્ટ્રવાદીઓએ જગાવેલી સામ્રાજ્યવિરોધી ભાવનાને વરેલા રહ્યા હતા.
લંડનમાં તેઓ દાદાભાઈ નવરોજી અને હિન્ડમેન સાથે ધરણાં અને બેઠકોમાં જોડાતા હતા.
ન્યૂયોર્કમાં તેમણે ગાંધીજીના વિચારોનો પ્રચાર કર્યો હતો અને અમેરિકા આવતા રાષ્ટ્રવાદીઓની મહેમાનગતિ કરતા રહ્યા હતા.
ભારતથી બ્રિટન અને બાદમાં અમેરિકા જઈને ભીમસીએ આધુનિક વિજ્ઞાન અને રાજકારણને જોડ્યા હતા. તેમના આવા પ્રદાનનું મહત્ત્વ આજે સમજવા માટે કોઈ 'સ્પિરિટ ટાઈપરાઇટર'ની જરૂર નથી.
(દિનયાર પટેલ સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના મદદનીશ પ્રોફેસર તરીકે કામ કરે છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો