રૉકેટરી - ધ નમ્બી ઇફેક્ટ : ઇસરોના એ વૈજ્ઞાનિક જેમનું જીવન જાસૂસીના આરોપે બરબાદ કરી નાખ્યું

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગ્લુરુથી, બીબીસી ગુજરાતી માટે

હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રૉકેટરી ઇસરોના વૈજ્ઞાનિક ડૉક્ટર એસ.નાંબી નારાયણનના જીવનની કહાણી પર આધારિત છે.

વર્ષ 2018માં ઇસરોમાં જાસૂસી કરવાના ખોટા આરોપોનો સામનો કરી રહેલા વૈજ્ઞાનિક ડૉક્ટર એસ. નાંબી નારાયણને વળતરપેટે 50 લાખ રૂપિયા આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે કર્યો હતો.

પંરતુ તે સમયે ડૉ. નારાયણને કહ્યું હતું કે "આ મામલે તેમણે જે પીડા ભોગવી છે તેને પૈસા થકી આંકી શકાય તેમ નથી. એ પીડા માટે 50 લાખની જગ્યાએ પાંચ કરોડ રૂપિયા હોય તો પણ શું?"

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થાન (ઇસરો) સાથે જોડાયેલા 24 વર્ષ ચાલેલા આ કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ડૉ. નારાયણની ધરપકડ વિના કરાણે કરવામાં આવી હતી.

આ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે એક આયોગ પણ બનાવ્યું હતું જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ ડીકે જૈનને સોંપવામાં આવ્યું હતું.

'મારી સાથે આવું શા માટે?'

ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં સુપ્રીમ કોર્ટે ડૉ. નારાયણને જાસૂસી મામલે મુક્ત કરી દીધા હતા. પરંતુ કેરળ હાઈકોર્ટે એ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં નહોતા ભર્યા કે જેમણે ડૉ. નારાયણન સહિત છ લોકોની ધરપકડ કરી હતી.

આ કારણે જ ડૉ. નારાયણન સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયા.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. નારાયણને જણાવ્યું હતું, "આ મામલે મને જે રીતે ફસાવવામાં આવ્યો તેની મને જાણ છે. પરંતુ શા માટે ફસાવવામાં આવ્યો તેની જાણ નથી.''

''તેમણ મારી વિરુદ્ધ તમામ પુરાવાઓ એકઠા કર્યા. પરંતુ તેમણે એવું શા માટે કર્યું અને મારી સાથે માટે કર્યું તેનો જવાબ મારી પાસે નથી. "

જ્યારે ડૉ. નારાયણનની ધરપકડ થઈ, ત્યારે તેમની સાથે કામ કરતા તમામ વૈજ્ઞાનિકોને આ મામલાની જાણ હતી. આ ધરપકડની અસર એવી થઈ કે ભારત સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનોનાં નિર્માણમાં એક દાયકો પાછળ ધકેલાઈ ગયું.

ઇસરોના ભૂતપૂર્વ ચૅરમૅને માધવન નાયરે બીબીસીને જણાવ્યું, "ડૉ. નારાયણને ભારતના એ એન્જિનને સમયસર તૈયાર કરી દીધું હતું."

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 1994માં ડૉ. નારાયણન સાથે અન્ય એક વ2જ્ઞાનિક અને અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં માલદીવની બે મહિલાઓ અને બેંગલુરુના બે વેપારીઓ પણ સામેલ હતાં.

બન્ને વૈજ્ઞાનિકો પર ઇસરોના રૉકેટ એન્જિનોની તસવીરો અને ટેકનિક બીજા દેશમાં વેચવાનો આરોપ લાગ્યો હતો.

જ્યારે એન્જિનના ચિત્રો વેચવાની વાત સામે આવી, ત્યારે એ ક્રાયોજેનિક એન્જિન હતા. એ સમયે આ એન્જિન વિશે ભારતમાં કોઈએ વિચાર્યું પણ નહોતું.

જ્યારે સીબીઆઈએ આ કેસ હાથમાં લીધો, ત્યારે ડૉ. નારાયણનને મુક્ત કરી દેવામાં આવ્યા. ડૉ. નારાયણનનું કહ્યું હતું કે જેલમાં તેમના પર ખૂબ અત્યાચારો ગુજારાયા હતા.

પોલીસે તેમના પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યો હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું, "હું એ અંગે વાત કરવા નથી માગતો. મારી સાથે મારપીટ કરવામાં આવતી હતી."

જ્યારે મુક્ત થયા

વર્ષ 1988માં સુપ્રીમ કોર્ટે ડૉ. નારાયણનને આ કેસમાં છોડી મૂક્યા હતા. ત્યારબાદ તેઓ ફરીથી ઇસરોમાં કામ કરવા માટે ગયા પરંતુ તેમણે એ પ્રોજેક્ટ પર કામ કરવાનું ટાળ્યું.

તેમણે કહ્યું હતું, "હું કમાન્ડિંગ પદ પર કામ નહોતો કરી શકતો.'' તેમણે ઉમેર્યું, ''પ્રોજેક્ટ ડાયરેક્ટર અથવા ચીફ ઍક્ઝિક્યુટિવ તરીકે કામ કરવા માટે તમારે કમાન્ડિંગ પદ પર કામ કરવું આવશ્યક છે. પરંતુ આટલી બદનામી અને વેદના બાદ મને મારા પર જ વિશ્વાસ નહોતો. જોકે, હું તે પ્રોજેક્ટને ખરાબ કરવા નહોતો માગતો. "

"એટલા માટે મેં ઍક્ઝિક્યુટિવની જગ્યાએ ડૅસ્ક પર કામ કરવાનું પસંદ કર્યું."

"હું ડિપ્રેશનમાં નહોતો પરંતુ આ સિવાય મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. કાં તો હું મારું કામ કરતો રહું અથવા તો રાજીનામું આપી દઉં. મારે મારું સન્માન પરત મેળવવું હતું."

તો શું તમને તમારું ગુમાવેલું સન્માન મળ્યું?

આ સવાલના જવાબમાં ડૉ. નારાયણન જણાવ્યું હતું કે, "જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત કહે છે કે ખોટી રીતે મારી ધરપકડ કરાઈ હતી, મને વળતર આપવામાં આવે છે અને આ સમગ્ર મામલા માટે તપાસ આયોગ નિમવામાં આવે છે. તો બધી બાબતોનો મતલબ શું થાય."

શું વર્ષો પહેલાં સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન બની જાત?

આ સવાલનો જવાબ આપતા ડૉ. નારાયણને કહ્યું હતું, "બિલકુલ. આ એન્જિન વર્ષો પહેલાં બની ગયું હોત. પરંતુ જે વસ્તુ બની નથી તેને સાબિત કેવી રીતે કરવી. જોકે, મેં મારી જાતને સાબિત કરી. આ સમગ્ર મામલાને કારણે ઘણાં લોકોનો વિશ્વાસ તૂટી ગયો હતો."

"પરિણામ એવું આવ્યું કે પ્રોજેક્ટનું કામ ધીમું પડી ગયું."

ઇસરોના પૂર્વ ચૅરમૅન ડૉ. નાયરે પણ માન્યું હતું કે જો એ સમયે આ બનાવ ના બન્યો હોત, તો ભારત અમુક વર્ષો પહેલાં જ ક્રાયોજેનિક એન્જિન બનાવી લેત.

ડૉ. નાયરે ઉમર્યું હતું કે, "તેમણે ખૂબ જ દુ:ખ વેઠવા પડ્યા છે. એટલું જ નહીં તેમણે પોતાની કારકિર્દી પણ દાવ પર લગાવી દીધી. જોકે, આખરે કોર્ટે દેશના મહાન વૈજ્ઞાનિકને રાહત આપી છે."

પરંતુ ડૉ. નારાયણનની સંવેદનાનું શું કે જેની સાથે રમત રમાઈ?.

આ સવાલનો જવાબ આપતા ડૉ. નાયરે કહ્યું હતું કે, "એ દર્દ તો હંમેશાં જીવિત રહેશે."

( આ લેખ સૌપ્રથમ બીબીસી ગુજરાતી પર 2018માં પ્રકાશિત થયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો