બ્રિટનનાં ગૃહમંત્રી બનેલાં ગુજરાત મૂળનાં પ્રીતિ પટેલ કોણ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતી મૂળનાં ભારતીય પ્રીતિ પટેલ બ્રિટનનાં નવાં ગૃહમંત્રી બન્યાં અને એ સાથે સાજિદ જાવિદને ગૃહમંત્રીપદેથી ખસેડી નાણામંત્રી બનાવવામાં આવ્યા છે.

મતલબ કે બ્રિટનમાં હવે ગૃહમંત્રી અને નાણામંત્રી તરીકે એક ભારતીય અને એક પાકિસ્તાની મૂળની વ્યક્તિ છે.

બુધવારે વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળતાંની સાથે બોરિસ જોન્સને પોતાની નવી કૅબિનેટનું ગઠન કર્યું છે.

આ કૅબિનેટમાં ડોમિનિક રાબને નવા વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે.

બે વર્ષ અગાઉ એક વિવાદને કારણે પ્રીતિ પટેલે થેરેસા મેની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ હવે તેઓ પરત ફર્યાં છે.

ઝરાયલ વિવાદ

47 વર્ષીય પ્રીતિ પટેલનાં માતાપિતા મૂળરૂપે ગુજરાતી છે, પંરતુ તેમનો જન્મ લંડનમાં જ થયો છે. એમનાં માતાપિતા પાછળથી યુગાન્ડા જતાં રહ્યાં હતાં અને 1960ના દાયકામાં ભાગીને બ્રિટન આવી ગયાં હતાં.

ખૂબ નાની વયે પ્રીતિ પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીમાં સામેલ થયાં હતાં. 20 વર્ષની ઉંમરે તેઓ પાર્ટીમાં જોડાયાં ત્યારે જૉન મેજર બ્રિટનના વડા પ્રધાન હતા.

2017માં પ્રીતિ પટેલના ઈઝરાયલ પ્રવાસથી વિવાદ થયો હતો અને તેમને ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટ સેક્રેટરીપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ઑગસ્ટ 2017માં તેઓ પરિવાર સાથે રજાઓ ગાળવા ઈઝરાયલ ગયાં હતાં. આ સમયે તેમણે ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ અને અન્ય ઈઝરાયલી અધિકારીઓની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતની જાણકારી એમણે ઈઝરાયલના દૂતાવાસ કે બ્રિટન સરકારને કરી નહોતી.

ન્ઝર્વેટિવ પાર્ટીનો ચમકતો તારો

કન્ઝર્વેટિવ પાર્ટીમાં એમને એક ચમકતા તારા તરીકે જોવામાં આવે છે.

આ અગાઉ પણ તેઓ અનેક ભૂમિકાઓ નિભાવી ચૂક્યાં છે. જૂન 2016માં તેમને ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટમંત્રી બનાવાયા હતાં.

આ પદેથી તેઓ બ્રિટન વિકાસશીલ દેશોને જે મદદ કરે છે તેની દેખરેખ રાખતાં હતાં.

તેઓ યુરોપિયન યુનિયનના ટીકાકાર છે. એમણે સમલૈંગિક સંબંધોનો વિરોધ કર્યો હતો અને ધૂમ્રપાન સામે પણ અભિયાન ચલાવ્યું હતું.

2010માં તેઓ પહેલી વાર સાંસદ બન્યાં હતાં. બ્રેક્સિટ અભિયાનનાં પ્રખર સમર્થક પ્રીતિ પટેલ 2014માં ટ્રેજરીમંત્રી હતાં.

2015ની ચૂંટણી પછી તેઓ રોજગારમંત્રી તરીકે કામ કરતાં હતાં.

યુરોપિયન યુનિયન વિરોધી પાર્ટીના પ્રવક્તા

યુગાન્ડાથી લંડન ભાગી આવેલી ગુજરાતી પરિવારમાં જન્મેલા પ્રીતિ પટેલે છોકરીઓ માટેની લૈટફૉર્ડ ગ્રામર સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ લીધું છે.

એમણે કીલ અને ઍસૅક્સ વિશ્વવિદ્યાલયમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. એમણે કન્ઝર્વેટિવ પાર્ટીમાં નોકરી પણ કરી છે.

1995થી 1997 દરમિયાન તેઓ ગૉલ્ડસ્થિમની આગેવાનીવાળી રેફરેંડમ પાર્ટીનાં પ્રવક્તા પણ રહી ચૂક્યાં છે.

રેફરેંડમ પાર્ટી બ્રિટનની યુરોપિયન યુનિયન વિરોધી પાર્ટી હતી.

વિલિયમ હેગ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બન્યા તે પછી તેઓ પાર્ટીમાં પરત ફર્યાં અને 1997થી 2000 સુધી ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ કર્યું.

એમણે દારૂનું ઉત્પાદન કરતી કંપની ડાયજિયો સાથે પણ કામ કર્યું છે.

2005માં નોટિંગઘમ બેઠક પરથી તેઓ ચૂંટણી હારી ગયાં હતાં. 2010માં વિટહૈમ બેઠક પર તેમનો વિજય થયો હતો.

પ્રીતિ પટેલ બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન મારગ્રેટ થેચરને પોતાના આદર્શ નેતા માને છે.

કોણ છે નવા નાણામંત્રી સાજિદ જાવિદ

49 વર્ષીય સાજિદ જાવિદ પાકિસ્તાની મૂળના છે અને તેમનો જન્મ બ્રિટનમાં જ થયો છે.

2018માં થેરેસા મે સરકારમાં તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. બ્રિટનમાં વંશીય લઘુમતી સમુદાયની કોઈ વ્યક્તિ ગૃહમંત્રી બની હોય એવી એ પ્રથમ ઘટના હતી.

તેઓ 2010થી બ્રૂમ્સગ્રોવ બેઠકથી સાંસદ છે. એમનો જન્મ રૉકડેલમાં એક પાકિસ્તાની પરિવારમાં થયો હતો.

પોતાના પરિવાર વિશે એમણે ઇરવનિંગ સ્ટાન્ડર્ડને કહ્યું કે મારા પિતા પાકિસ્તાનના એક નાનકડા ગામથી છે અને ફક્ત 17 વર્ષની ઉંમરે રોજગારી માટે બ્રિટન આવી ગયા હતા.

એમણે કહ્યું, "મારા પિતા રૉકડેલમાં સ્થાયી થયા અને અહીં તેમણે કાપડની મિલમાં કામ કર્યું, પરંતુ તેઓ મહત્ત્વાકાંક્ષી હતા."

"તેમને લાગ્યું કે બસ ડ્રાઇવરોનો પગાર સારો છે એટલે તેઓ બસ ડ્રાઇવર બન્યા. તેઓ દિવસ હોય કે રાત સતત કામ કરતા હતા. એટલે જ તેમને મિસ્ટર ડે ઍન્ડ નાઇટ તરીકે ઓળખવામાં આવતા હતા."

સાજિદે શાળાકીય શિક્ષણ બ્રિસ્ટલમાં લીધું. અહીં એમના પરિવારે મહિલાઓનાં કપડાંની એક દુકાન ખરીદી હતી. આ દુકાનની ઉપર જ બે ઓરડાના એક ફલેટમાં એમનો પરિવાર રહેતો હતો.

શાળાકીય અભ્યાસ દરમિયાન જ એમને બૅન્ક અને રોકાણમાં રસ હતો. એમણે 14 વર્ષની ઉંમરે એમના પિતાની બૅન્કના મૅનેજર સાથે મુલાકાત કરી અને 500 પાઉન્ડ ઉધાર લીધા. આ રકમ એમણે શૅરબજારમાં રોકી.

સાજિદે આગળ જતા ખૂબ નાની વયે બૅન્કિંગ ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી.

આલોક શર્મા પણ સરકારમાં

બોરિસ જોન્સનની ટીમમાં અન્ય એક ભારતીય મૂળના સાંસદ આલોક શર્માને પણ સ્થાન મળ્યું છે. તેમને આંતરરાષ્ટ્રીય વિકાસના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

51 વર્ષીય આલોક શર્માનો જન્મ આગરામાં થયો હતો. તેઓ 5 વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતા બ્રિટનના રીડિંગમાં આવીને વસ્યાં હતાં.

વ્યવસાયે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રાજકારણમાં આવ્યા અગાઉ 16 વર્ષ બૅન્કિંગ ક્ષેત્રમાં કામ કરી ચૂક્યા છે.

આલોક શર્મા 2010થી રીડિંગ વેસ્ટ બેઠક પરથી સાંસદ છે. જૂન 2017માં તેમને હાઉસિંગમંત્રી બનાવવામાં આવ્યા હતા અને એમના કાર્યકાળ દરમિયાન ગ્રીનફેલ ટાવરમાં આગની દુર્ઘટના ઘટી હતી.

5 જૂલાઈ, 2017ના રોજ હાઉસ ઑફ કૉમન્સમાં આ દુર્ઘટના વિશે નિવેદન આપતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેને ઘણું મીડિયા કવરેજ મળ્યું હતું.

જાન્યુઆરી 2018માં તેમને રોજગારની બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા.

ઋષિ સુનક બન્યા નવા ટ્રેઝરી

49 વર્ષીય ઋષિ સુનકને ટ્રેઝરી મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.

અત્યારે તેઓ સરકારમાં જુનિયર લોકલમંત્રી છે. તેઓ સરકારમાં સામાજિક સારસંભાળ સહિતની જવાબદારીઓ નિભાવે છે.

ઋષિ સુનક ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ભણ્યા છે.

એમના પિતા એક ડૉક્ટર હતા અને મા દવાની દુકાન ચલાવતાં હતાં. ઋષિ સુનક રિચમંડ બેઠક પરથી સાંસદ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો