You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Army Day : વીર ચક્ર વિજેતા લેફ્ટનન્ટ વિજયંત થાપર અને એ કાશ્મીરી યુવતીની કહાણી
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
દિવસ: 29 જૂન, 1999, સમય: રાત્રે બે વાગ્યે, સ્થળ: કારગિલનો નૌલ મોરચો.
એક મોટા ખડકની આડશમાં લેફ્ટનન્ટ વિજયંત થાપર આડા પડ્યા હતા. બે પાકિસ્તાની ચોકી કબજે થઈ ચૂકી હતી. ત્રીજી ચોકી નજર સામે હતી.
એ ચોકીમાથી મશીનગન વડે જોરદાર ગોળીબાર થઈ રહ્યો હતો. થાપરે નિશ્ચય કર્યો કે આ મશીનગનની બોલતી કાયમ માટે બંધ કરી દેવી.
દિમાગ એવું કહેતું હતું કે ખડકની પાછળથી ગોળીબાર કરતા રહેવું જોઈએ પરંતુ વિજયંત હંમેશા દિલનું માનનારા હતા.
તેઓ આડશથી બહાર આવ્યા અને મશીનગન ચલાવી રહેલા પર ગોળીબાર શરૂ કરી દીધો. ચાંદની રાત હતી એટલે એક ખડક પર બેસેલા પાકિસ્તાનીએ તેમને જોઈ લીધા.
પાકિસ્તાનીએ બરાબર નિશાનો મેળવી લેફ્ટનન્ટ વિજયંત થાપર ગોળી ચલાવી. ગોળી તેમની ખોપરીમાં ડાબી બાજુથી વાગી અને જમણી આંખમાંથી બહાર નીકળી ગઈ.
થાપર જાણે સ્લો મોશનમાં હોય તે રીતે નીચે પડી ગયા. તેમનું જાકીટ લોહીથી લથબથ થઈ ગયું હતું. જોકે ગોળી વાગી હતી તે સિવાય શરીર પર જરાય ઈજા થઈ નહોતી.
થાપર શહીદ થયા તેના થોડા કલાકો પહેલાં જ તેમણે એમનાં માતાપિતાને નામે એક પત્ર લખીને સાથી પ્રવીણ તોમરને આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે હું જીવતો પાછો ફરું તો પત્ર ફાડી નાખવો. પાછો ના આવું તો પત્ર માતાપિતાને પહોંચાડવો.
શહીદી પહેલાંનો છેલ્લો પત્ર
એ આંતરદેશી પત્ર આજેય તેમના માતાપિતાએ સાચવી રાખ્યો છે. વિજયંતનાં માતાએ તે પત્ર વાંચી સંભળાવ્યો -
'ડિયરેસ્ટ પાપા, મમા, બર્ડી એન્ડ ગ્રૅની
આ પત્ર તમને મળશે ત્યાં સુધીમાં હું આકાશમાં અપ્સરાઓ પાસે પહોંચીને ત્યાંથી તમને જોઈ રહ્યો હોઈશ. મને કશું દુઃખ નથી. આવતા જન્મે ફરી સેનામાં ભરતી થઈને દેશ માટે લડીશ. શક્ય હોય તો અહીં આવીને તમારી આંખે જોશો કે કઈ રીતે ભારતીય સેના લડી રહી છે.
મારી ઇચ્છા છે કે તમે અનાથાલયમાં થોડું દાન આપજો. દર મહિને 50 રૂપિયા રુખસાનાને તેમની સ્કૂલની ફી માટે મોકલતા રહેજો. અમારી આક્રમણ ટીમમાં 12 જણ છીએ અને હવે હું તે ડર્ટી ડઝન સાથે જોડાઈ જાઉં તેનો સમય થઈ ગયો છે.
આપનો રોબિન'
રોબિન લેફટન્ટ વિજયંત થાપરનું હુલામણું નામ હતું.
બાળપણમાં પરમવીર ચક્ર વિજેતાના ઘરની મુલાકાત
સેનામાં જવાનો જોશ વિજયંત થાપરમાં નાનપણથી જ હતો. તેઓ બચપણમાં નાના ભાઈને પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલનું ઘર જોવા લઈ ગયા હતા.
વિજયંતનાં માતા તૃપ્તા થાપર યાદ કરીને કહે છે, "એક દિવસે શાળાએથી આવીને નાના ભાઈને કહ્યું કે ચાલ તને એક ખાસ જગ્યા દેખાડું. સાંજે બંને ભાઈઓ થાકીને આવ્યા ત્યારે બર્ડીએ કહ્યું કે આજે રોબિન મને અરુણ ખેત્રપાલનું ઘર જોવા લઈ ગયો હતો."
"અમે લોકો ઘરની અંદર નહોતા ગયા. બહારથી દિવાલો જોઈને જ પાછા ફર્યા હતા. ત્યારે રોબિને જે વાત કરી હતી તે મને ક્યારેય ભૂલાઈ નથી. તેણે કહેલું કે જોજો એક દિવસ લોકો આપણું ઘર જોવા માટે પણ આવશે. તે શહીદ થયો તે પછી આ વાત ખરેખર સાચી પડી છે."
છેલ્લો ફોટો પાડ્યો પણ કૅમેરામાં રોલ જ નહોતો
કારગિલ મોરચે જતા પહેલાં વિજયંત કૂપવાડામાં હતા. તેઓ વિશેષ ટ્રેનમાં ગ્વાલિયરથી કૂપવાડા પહોંચ્યા હતા.
વિજયંતના પિતા કર્નલ વિરેન્દર થાપર યાદ કરતા કહે છે, "વિજયંતનો ફોન આવ્યો હતો કે વિશેષ ટ્રેન તુઘલકાબાદથી નીકળવાની છે. અમે ત્યાં પહોંચ્યા તે પહેલાં ટ્રેન આવી ગઈ હતી. અમને ન જોઈને રોબિન રિક્ષા કરીને નોઇડામાં અમારા ઘરે આવવા નીકળી ગયો હતો. અમે પાછા ગયા ત્યારે નોકરે જણાવ્યું કે તમે નહોતા એટલે તે દાદીને મળવા ગયા છે."
"અમે ફરીથી ભાગીને સ્ટેશને પહોંચ્યા. અમે તેના માટે એક કેક લઈને ગયા હતા. તેણે હજી કેક કાપી ત્યાં સિગ્નલ ગ્રીન થઈ ગયું અને ટ્રેન ચાલવા લાગી. એ અમારી છેલ્લી મુલાકાત હતી. મારી પાસે કેનનનો કૅમેરા હતો તે રોબિનને બહુ ગમતો હતો. મેં ચાલુ ટ્રેને કૅમેરા તેને આપી દીધો હતો."
"રોબિને તે કૅમેરાથી કેટલીય તસવીરો લીધી. જોકે તેણે જોયું કે ફિલ્મનો રોલ પૂરો કેમ નથી થતો. તેણે માથું કૂટ્યું અને જોયું કે કૅમેરામાં રોલ જ નહોતો. તે અમારા પર બહુ નારાજ થયો હતો કે કૅમેરામાં રોલ તો નાખ્યો જ નહોતો. અમે કહ્યું કે એટલો સમય જ મળ્યો નહોતો. તેણે તસવીરો લેતા પહેલાં રોલ છે કે નહિ તે જોઈ લેવા જેવું હતું."
હોટલમાં ટેબલ પર ડાન્સ
આવી ઘણી યાદો તેમનાં માતા પાસે પણ છે.
તેઓ કહે છે, "રોબિનનો જન્મદિન 26 ડિસેમ્બરે હોય. તે વખતે ક્રિસમસની રજાઓ હોય એટલે મિત્રો જન્મદિને આવે નહી તેની તે કાયમ ફરિયાદ કરતો. એક વખત દહેરાદૂનથી ટ્રેનિંગ વખતે તે ઘરે આવેલો ત્યારે મિત્રો તેને પિત્ઝા ખાવા લઈ ગયા હતા."
"ત્યાં તેમના દોસ્તોએ કોઈને કહ્યું કે વિજયંત ભારતીય સેનામાં છે અને દહેરાદૂનમાં ટ્રેનિંગ પર છે. તે સાંભળીને પિત્ઝાની દુકાનના લોકોએ તેમના માટે તાત્કાલિક કેક બનાવી કાઢી. તેના મેનેજરે કહ્યું કે અમે તમારો જન્મદિન મનાવીશું, પણ તમારે ટેબલ પર ચડીને ડાન્સ કરવો પડશે. વિજયંતે એવી રીતે ડાન્સ કરીને તેમને ખુશ કરી દીધા હતા. તેમના દોસ્તોએ કહ્યું કે વિજયંતનો એ સૌથી યાદગાર જન્મદિન હતો."
રુખસાના સાથે વિજયંતની દોસ્તી
કૂપવાડામાં પોસ્ટિંગ હતું તે દરમિયાન વિજયંતની મુલાકાત ત્રણ વર્ષની નાનકડી કાશ્મીરી છોકરી રુખસાના સાથે થઈ હતી.
કર્નલ વીરેન્દર થાપર કહે છે, "કૂપવાડામાં કાંડી નામનું ગામ છે. ત્યાંની શાળામાં ભારતીય સૈનિકોને ઉતારો મળ્યો હતો.
શાળાની સામે એક ઝૂંપડી હતી. તેની સામે ત્રણ વર્ષની એક છોકરી કાયમ ઊભી રહેતી હતી. રોબિને પૂછ્યું તો ખબર પડી કે તેના પિતા ખબરી છે એવી શંકાને કારણે ત્રાસવાદીઓએ તેમની હત્યા કરી દીધી હતી. નજર સામે હત્યાથી ડરી ગયેલી છોકરી કશું બોલી પણ શકતી નથી."
"વિજયંત તેને જુએ ત્યારે તેની સામે હસીને હાથ હલાવે. ક્યારેક ગાડી ઊભી રાખીને ચોકલેટ આપે. તેણે પોતાની માતાને પત્ર લખ્યો હતો કે ત્રણ વર્ષની છોકરી છે તેના માટે સલવાર કમીઝ સિવડાવીને મોકલજો. રજા પર આવશે ત્યારે લઈ જશે."
"વિજયંતને તે છોકરી બહુ જ ગમતી હતી. તેણે છેલ્લા પત્રમાં પણ લખ્યું હતું કે મને કંઈ થાય તો તે છોકરીને મદદ કરજો. દર મહિને તેની સ્કૂલ ફીના 50 રૂપિયા તેની માતાને પહોંચાડજો."
રુખસાનાને કમ્પ્યૂટર ભેટમાં
થાપર આગળ કહે છે, "રુખસાના હવે 22 વર્ષની થઈ ગઈ છે અને બારમા ધોરણમાં આવી છે. હું દર વર્ષે દ્રાસ જાઉં છું ત્યારે તેને ચોક્કસ મળવા જાઉં છું. હું દર વખતે તેના માટે કોઈક વસ્તુ લઈ જાઉં છું. તે પણ અમને ટોપલી ભરી સફરજન આપે છે. ગયા વર્ષે અમે તેને કમ્પ્યૂટર ભેટ આપ્યું હતું."
શ્રીમતી થાપર કહે છે કે રુખસાનાની શાદી થશે ત્યારે તેઓ તેને સારી ભેટ આપશે. આ દુનિયામાં હવે તેનો દીકરો રહ્યો નથી, તેના વતી તેઓ તેમને શાદીનો ઉપહાર આપશે.
કારગિલની એ બેટલ ઑફ નૌલ
લેફ્ટનન્ટ વિજયંત થાપરે જે આક્રમણમાં ભાગ લીધો હતો તેને બેટલ ઑફ નૌલ તરીકે ઓળખવામાં આવે છે. તેને 'થ્રી પિંપલ્સ' લડાઈ તરીકે પણ યાદ કરવામાં આવે છે.
એ લડાઈ વખતે પ્રથમ હુમલો કરવાની જવાબદારી વિજયંતને સોંપાઈ હતી. રાત્રે 8 વાગ્યે હુમલો કરવાનો હતો. ચાંદની રાત હતી અને તેઓ આક્રમણની તૈયારીમાં હતા ત્યાં જ પાકિસ્તાનીઓએ તેમને જોઈ લીધા હતા.
કર્નલ વીરેન્દર થાપર યાદ કરતાં કહે છે, "ભારતીય સૈનિકોએ હુમલો કરવા માટે લગભગ 100 તોપો કામે લગાડી હતી. પાકિસ્તાનીઓએ પણ તેનો જોરદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની તોપનો એક ગોળો વિજયંતના સહાયક જગમલ સિંહને વાગ્યો હતો અને તેઓ શહીદ થઈ ગયા હતા. વિજયંત સાથીની વિદાયથી ગમગીન થઈને કેટલોય સમય એમ જ બેસી રહ્યો હતો."
"ત્યારબાદ તેણે પોતાની ટુકડીના વિખેરાઈ ગયેલા સૈનિકોને ભેગા કરી સલામત સ્થળે લઈ ગયો. કર્નલ રવીન્દ્રનાથને એમ જ લાગેલું કે આખી પલટન ખતમ થઈ ગઈ છે. તેની જગ્યાએ તેમણે મેજર આચાર્ય અને સુનાયકને આગળ વધવાનો આદેશ આપ્યો હતો."
વિજયંત અને તેમના બચી ગયેલા સાથીઓ દોડભાગમાં રસ્તો ભૂલી ગયા હતા. કડકડતી ઠંડીમાં તેમની ટુકડી ચારેક કલાક સુધી નૌલનું શિખર શોધવાની કોશિશ કરતી રહી. પીઠ પર 20 કિલો વજન સાથે વિજયંત અને તેમના સાથીઓ આખરે મેજર આચાર્યની ટુકડીની સાથે થઈ શક્યા હતા.
વિજયંતની બહાદુરી
"કારગિલ - અનટોલ્ડ સ્ટોરીઝ ફ્રૉમ વોર" પુસ્તકના લેખિકા રચના બિષ્ટ રાવત કહે છે, "નૌલ પર સૌથી પહેલાં મેજર આચાર્ય અને તેમના સાથીઓ પહોંચ્યા હતા. થોડી વાર પછી સુનાયક પણ ત્યાં પહોંચ્યા. પાછળ આવી રહેલા વિજયંત અને તેમના સાથીઓએ મશીનગનનો અવાજ સાંભળ્યો ત્યારે તેમના ચહેરા ખીલી ઉઠ્યા. વિજયંત કહ્યું કે આ જ નૌલ છે, ઝડપથી આગળ વધો. તેઓ ઉપર પહોંચ્યા અને જોયું તો તેઓ ભીષણ જંગની વચ્ચે આવી ગયા હતા. સૂબેદાર ભૂપેન્દરસિંહ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા હતા."
"વિજયંતે તેમને પૂછ્યું કે 'આચાર્ય સાહેબ ક્યાં છે?' તેમણે તરત કોઈ જવાબ આપ્યો નહી. તેઓ યુવાન વિજયંતને આઘાત લાગે તેવી ખબર આપવા માગતા નહોતા. દસેક મિનિટ પછી વિજયંતની ધીરજ ખૂટી."
"આ વખતે તેમણે સખતાઈથી પૂછ્યું, 'આચાર્ય સાહેબ ક્યાં છે?' ભૂપેન્દરે કહ્યું કે 'સાહેબ શહીદ થઈ ગયા છે.' આ સાંભળીને વિજયંતની આંખમાં આંસુ આવી ગયા. તે જ વખતે તેમના બીજા એક સાથી નાયક આનંદને પણ ગોળી વાગી."
પાકિસ્તાની સ્નાઇપર એ ગોળી
રચના બિષ્ટ રાવત આગળ કહે છે, "વિજયંત ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા. ગોળીબારની વચ્ચે વિજયંતે પોતાની એકે-47 સાથે લાન્સ હવાલદાર તિલકસિંહની બાજુમાં જ જગ્યા લીધી. થોડી જ વારમાં તેમણે એ પાકિસ્તાની ચોકીનો કબજો કરી લીધો. હવે તેમનું નિશાન ત્રીજી ચોકી હતી. ત્યાંથી તેમના સૈનિકો પર મશીનગનથી જોરદાર ગોળીબાર થઈ રહ્યો હતો."
"સતત ગોળીબાર કરીને તેઓ તેમને બહાર નીકળવા દેતા નહોતા. અચાનક વિજયંત ખડકની આડશમાંથી બહાર નીકળ્યા અને એલએમજી ચલાવી રહેલા પાકિસ્તાની સૈનિકને ખતમ કરી દીધો. એ જ વખતે બીજા પાકિસ્તાની સૈનિકે તેમને જોઈ લીધા હતા એટલે તેણે નિશાન લઈને ગોળી મારી દીધી. તેઓ નીચે પડી ગયા, પણ તેમની પલટને થોડી વાર બાદ નૌલની ત્રીજી ચોકી પણ કબજે કરી લીધી."
વિજયંતને આ વીરતા બદલ મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના વતી તેમના દાદીએ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનને હસ્તે સન્માન સ્વીકાર્યું હતું.
શહીદીના સમાચાર નાના ભાઈને મળ્યા
વિજયંત થાપરની શહીદીની ખબર આવી ત્યારે તેમના પિતા અલવરમાં હતા. તેમના પિતા આજે પણ દર વર્ષે એ સ્થળની મુલાકાત લે છે જ્યાં પુત્રે પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
વિજયંતની માતાને એમની શહીદી જાણ નાના ભાઈએ કરી હતી. તે દિવસે નાનો ભાઈ ઘરે હતો અને સેનાના વડામથકેથી ફોન આવ્યો હતો કે લેફ્ટનન્ટ વિજયંત થાપર વીરગતિને પ્રાપ્ત થયા છે.
તૃપ્તા થાપર યાદ કરતા કહે છે, "અમને તો ખબર જ નહોતી કે રોબિન કારગિલમાં યુદ્ધ લડી રહ્યો છે. એક વખત દિલ્હીથી એક દંપતીનો મને ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે તમારા દીકરાને અમે મળ્યા હતા. તેમણે સંદેશ આપ્યો છે કે તે મજામાં છે. તે એમને મીનામર્ગમાં મળ્યો હતો એવું તેમણે કહેલું. આદરમિયાન ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં સમાચાર પ્રગટ થયા હતા કે તોલોલિંગના મોરચે વિજયંત થાપરે બહાદુરીથી લડત આપી હતી."
"ઇન્ડિયા ટુડે મૅગેઝિનમાં પણ તેની તસવીર છપાઈ હતી. તોલોલિંગ પર જીત મળી તેના ત્રણ દિવસ પછી રોબિનનો ફોન આવ્યો હતો કે અમે તોલોલિંગ ફરી કબજે કરી લીધું છે. તે પછી તેણે કહેલું કે હવે વીસ દિવસ સુધી ફોન નહી કરી શકે, કેમ કે ખાસ મિશન પર જવાનું છે. ત્યારબાદ રોબિન સાથે કોઈ સંપર્ક થયો નહોતો. આખરે સેનાના વડામથકેથી ખબર આવી કે રોબિને કારગિલ લડાઈમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો