47 વર્ષીય આ માણસ JNUના વિદ્યાર્થી છે?- ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી નવી દિલ્હી

પાંચ જાન્યુઆરીએ જેએનયુમાં થયેલી હિંસા બાદ એ ચર્ચા જામી છે કે હિંસા આચરનારા બુકાનીધારી કોણ હતા? આ અંગે દિલ્હી પોલીસે તપાસ પણ હાથ ધરી છે.

પરંતુ આ ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં અન્ય એક તસવીર પણ ઝડપભેર વાઇરલ થઈ રહી છે.

આ તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે "દિલ્હી પોલીસે આ શખ્સને જેએનયુમાં ઘૂસતાં એમ કહીને રોક્યા કે કૅમ્પસમાં હિંસા થઈ રહી છે, વાલી અંદર જઈ શકે નહીં."

"શખ્સે જવાબ આપ્યો કે હું જેએનયુનો વિદ્યાર્થી છું."

એવો પણ દાવો કરવામાં આવ્યો કે "આ શખ્સ મૂળ કેરળના રહેવાસી 47 વર્ષીય મોઇનુદ્દીન છે. તેઓ દિલ્હીમાં રહે છે અને વર્ષ 1989થી જેએનયુના વિદ્યાર્થી છે."

"તેઓ બેરોજગાર છે અને હજુ પણ અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે તેઓ ઍડમિશન લે છે."

"તેઓને દર મહિને 10 રૂપિયા હૉસ્ટેલ ફી આપવી પડે છે અને 32 વર્ષથી હૉસ્ટેલમાં રહે છે."

"આવા હજારો લોકો જેએનયુમાં છે. આ લોકો હૉસ્ટેલ ફી 300 રૂપિયા થતાં લડી રહ્યા છે."

બીબીસીએ આ દાવાની તપાસ શરૂ કરી, જે તસવીર સાથે દાવો કરાઈ રહ્યો છે એ હકીકતમાં જાણીતા દલિત કર્મશીલ પ્રોફેસર કાંચા ઇલૈયાની છે.

તેઓ હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાં 38 વર્ષ સુધી પ્રોફેસર તરીકે અને મૌલાના આઝાદ યુનિવર્સિટીમાં પાંચ વર્ષ સુધી 'સામાજિક બહિષ્કરણ અને સમાવેશી નીતિ' વિભાગના ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રોફેસર ઇલૈયાએ જણાવ્યું, "આ બિલકુલ ફૅક ન્યૂઝ છે. હું 68 વર્ષનો છે."

"મેં ક્યારેય જેએનયુમાં અભ્યાસ નથી કર્યો. 1976માં જેએનયુમાં એમ.ફીલ. માટે ઍપ્લાય કર્યું હતું, પરંતુ પ્રવેશ મળ્યો નહોતો."

"મેં તો ઉસ્માનિયામાં અભ્યાસ કર્યો છે અને 38 વર્ષ સુધી ત્યાં જ ભણાવ્યું. નિવૃત્ત થતાં પહેલાં હું પાંચ વર્ષ મૌલાના આઝાદ યુનિવર્સિટીમાં કાર્યરત રહ્યો."

"મને ખબર નથી કે લોકો મારી તસવીરને આ રીતે શૅર કરીને જેએનયુ અંગે નકારાત્મકતા ફેલાવી રહ્યા છે."

બીબીસીએ જ્યારે સર્ચ ટૂલના માધ્યમથી આ તસવીર અંગે વધુ જાણકારી મેળવી, તો ખબર પડી કે નવેમ્બર 2019માં પણ આ તસવીરને મોટાપાયે શૅર કરવામાં આવી હતી. એ સમયે જેએનયુના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં વધેલી ફીનો વિરોધ કરી રહ્યા હતા. એ સમયે પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે '47 વર્ષીય કેરળના રહેવાસી મોઇનુદ્દીન 1989થી જેએનયુના વિદ્યાર્થી છે.'

અમને જાણવા મળ્યું છે કે સમયાંતરે '47 વર્ષીય કેરળના રહેવાસી મોઇનુદ્દીન' શીર્ષક સાથે જેએનયુને લઈને આવી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરાય છે.

બીબીસીને જાણવા મળ્યું કે આ માહિતી ખોટી છે, એટલું જ નહીં પણ જે શખ્સની તસવીર આ દાવા સાથે શૅર કરાઈ રહી છે એ દેશના જાણીતા સ્કૉલર અને દલિત કાર્યકર કાંચા ઇલૈયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો