You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૅન્ક દેવામાં ડૂબી જાય તો ખાતાધારકોનાં નાણાંનું શું થાય અને કેટલા રૂપિયા ઉપાડી શકાય?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
એક વાર ફરી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ લક્ષ્મી વિલાસ બૅન્કનું નિયંત્રણ પોતાના હાથમાં લઈને ખાતાધારકો માટે નાણાં ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે.
આ વખતે કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બૅન્કમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. આ મર્યાદા આગામી 16 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી બૅન્કના ખાતાધારકો એક ખાતામાંથી વધુમાં વધુ 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.
વળી લક્ષ્મી વિલાસ બૅન્કના બોર્ડ ઑફ ડિરેક્ટરની જગ્યાએ રિઝર્વ બૅન્કના ઍડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી છે.
જોકે સરકારના પરિપત્ર અનુસાર કેટલીક પરિસ્થિતિઓમાં ખાતાધારક 25 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડી શકશે. જોકે, તેના માટે તેમણે રિઝર્વ બૅન્ક પાસેથી મંજૂરી લેવી પડશે.
તેમાં બીમારીની સારવાર, ઉચ્ચશિક્ષણ અથવા લગ્નના ખર્ચ માટે આ પ્રકારની મંજૂરી લઈ શકાય છે.
ખાતાધારકોનો ડર
અત્રે નોંધવું કે તાજેતરનાં વર્ષોમાં પીએમસી બૅન્ક, યસ બૅન્ક સહિતની કેટલીક સહકારી બૅન્કોમાં સરકારે આ રીતના નિયંત્રણો લાદી નાણાં ઉપાડની રકમ પર મર્યાદાઓ નાખી હતી.
આવું થતાં ખાતાધારકો સ્તબ્ધ થઈ જાય છે અને તેમને ડર સતાવવા લાગે છે કે શું હવે તેમના નાણાં બૅન્કમાં સુરક્ષિત છે કે નહીં?
આથી સવાલ એ થાય છે કે જ્યારે બૅન્ક કાચી પડે અથવા ડૂબવા આવે અથવા તો આરબીઆઈના નિયંત્રણમાં આવે તો ખાતાધારક કેટલા નાણાં ઉપાડી શકે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્યપણે બૅન્કમાંથી ખાતાધારક આરબીઆઈ અને બૅન્કે નક્કી કરેલી મર્યાદા મુજબ પ્રતિદીન રોકડ નાણાંનો ઉપાડ કરી શકે છે.
નિષ્ણાતો અનુસાર આ રકમ 5 હજારથી લઈને લાખો સુધી પણ હોઈ શકે છે. ઘણી વાર તે ખાતાના પ્રકાર પર પણ આધાર રાખે છે.
વળી જ્યારે યસ બૅન્કનું નિયંત્રણ આરબીઆઈએ લીધું ત્યારે ખાતાધારકો માટે ઉપાડ મર્યાદા મોરેટોરિયમ સમય માટે 50 હજાર નક્કી કરી દીધી હતી.
એટલે કે ખાતાધારક 50 હજાર રૂપિયાથી વધુ રકમ ન ઉપાડી શકે. ભલે તેના ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુની રકમ જમા હોય.
આ વખતે લક્ષ્મી વિલાસ બૅન્કના ખાતાધારકો માટે આ મર્યાદા 25 હજાર નક્કી કરાઈ છે.
જ્યારે ભૂતકાળમાં RBIએ અન્ય બૅન્કોમાંથી ઉપાડ પર કૅપ નક્કી કરી...
વળી ભૂતકાળમાં જ્યારે પંજાબ અને મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક (પીએમસી) માટે રિઝર્વ બૅન્કે મર્યાદા રાખી હતી ત્યારે તે માત્ર 1 હજાર રૂપિયા રાખી હતી.
આરબીઆઈએ આદેશ કર્યો હતો કે (આગામી) છ મહિના સુધી પીએમસી બૅન્કના ખાતેદારો ખાતામાંથી મહત્તમ 1000 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.
પરંતુ પછી તેમાં સુધારો કરીને મર્યાદા 10 હજાર રૂપિયા કરી દેવાઈ હતી.
વળી ભૂતકાળમાં આરબીઆઈ દ્વારા કાનપુર સ્થિત પીપલ્સ કૉ-ઑપ. બૅન્ક અને કર્ણાટકાના બેગ્લૂરુમાં શ્રી ગુરુરાઘવેન્દ્ર સહકારી બૅન્કને પણ પોતાના નિયંત્રણમાં લઈને નાણાં ઉપાડ પર મર્યાદાઓ નાખી હતી.
'આરબીઆઈ પાસે સત્તા છે મર્યાદા નક્કી કરવાની'
આ સમગ્ર મામલે બીબીસીએ આર્થિક અને નાણાંકીય બાબતોના નિષ્ણાત ડૉ. જય નારાયણ વ્યાસ સાથે વાતચીત કરી.
તેમણે આ વિશે કહ્યું, "આરબીઆઈ ઍક્ટની સેક્શન 34 હેઠળ સરકાર પાસે (કેન્દ્રીય બૅન્ક) પાસે સત્તા છે કે તે રોકડ ઉપાડ પર મર્યાદા નાખી શકે છે અને બૅન્કને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે."
"વળી આવી મર્યાદા નક્કી કરતી વખતે તે કેશ રિઝર્વ જળવાઈ રહે એટલા માટે વિથડ્રોઅલ ઓછું થવા દે છે. તથા બૅલેન્સશીટનું પણ મૂલ્યાંકન કરે છે."
અત્રે નોંધવું કે ડૉ. જય નારાયણ વ્યાસ ગુજરાત સરકારમાં કૅબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યા છે. અને આર્થિક તથા નાણાકીય વિષયો સાથે સંબંધિત ક્ષેત્રોમાં પ્રદાન આપતા રહ્યા છે.
ડૉ. જય નારાયણ વ્યાસે વધુમાં ઉમેર્યું,"આરબીઆઈ સ્વતંત્ર સંસ્થા છે અને સરકાર પાસે તેણે આવા પગલાં લેવા માટે પરવાનગી લેવાની જરૂર નથી રહેતી. તેને બૅન્કોના ઑડિટ સમયે જો કંઈક જણાય તો તે કાર્યવાહી કરવા સક્ષમ અને સ્વતંત્ર છે."
"ખરેખર બૅન્કોનું નિયમન અને મોનિટરિંગ કરવાનું કામ આરબીઆઈનું છે. સરકારનું નહીં. તેને બૅન્કિંગ રેગ્યુલેશન અને આરબીઆઈ ઍક્ટ હેઠળ નિયમન કરવામાં આવે છે. એટલે ખાતામાંથી કોણ કેટલા નાણાં ઉપાડી શકે એ નક્કી તો છેલ્લે આરબીઆઈ જ કરે છે."
"જોકે કૅપ નક્કી કરવામાં આવે છે એ માટે કોઈ નિશ્ચિત ફૉર્મ્યૂલા કે રીત નથી. પરંતુ ઉપરોક્ત પરિબળો અસરકર્તા હોય છે."
એનો અર્થ એ થયો કે સરકાર પાસે મર્યાદા નાખવાની સત્તા છે અને તે ઉપાડની મર્યાદા નક્કી કરે છે.
સરકાર અને આરબીઆઈની ભૂમિકા
અત્રે નોંધવું કે કેન્દ્રીય બૅન્કે લક્ષ્મી વિલાસ બૅન્કને મોરેટોરિયમમાં નાખી તે સંબંધિત પરિપત્રમાં લખ્યું છે કે બૅન્કિંગ રૅગ્યુલેશન ઍક્ટ 1949ની સેક્શન 36ની વિવિધ જોગવાઈ હેઠળ કાર્યવાહી કરી છે. વળી કેન્દ્રીય બૅન્કનું એવું પણ કહેવું છે કે સપ્ટેમ્બર 2019માં જે પ્રોમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન (પીસીએ) માળખાના ઉલ્લંઘન પણ થયું છે.
વધુમાં કહ્યું છે કે બજાર અને બૅન્કિંગ ક્ષેત્ર સંબંધિત વિકલ્પો અપનાવી નિરાકરણ લાવાવના પ્રયાસો પણ થયા પણ તે સફળ નથી રહ્યા એટલે તેનો ઉકેલ નિયમન કરીને લાવવો પડી રહ્યો છે.
રિઝર્વ બૅન્કે કહ્યું કે 1949ના બૅન્કિંગ કોડ અંતર્ગત સરકારને ભલામણ-રજૂઆત કરાઈ હતી કે લક્ષ્મી વિલાસ બૅન્કને 30 દિવસના મોરેટોરિયમમાં નાખવામાં આવે.
જોકે હવે સવાલ એ થાય છે કે તો બૅન્કમાં રાખેલ નાણાં કેટલા સુરક્ષિત અને જો બૅન્ક કાચી પડે કે કોઈ પણ કારણસર કોઈ સમસ્યા સર્જાય તો ખાતાધારક કેટલા નાણાં ઉપાડી શકે?
5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત?
આ વિશે વધુ જણાવતા સુરતનાં ચાર્ટડ એકાઉન્ટન્ટ મીતીશ મોદી જેઓ બૅન્કિંગ અને આરબીઆઈ બાબતોના પણ જાણકાર છે તેમનું કહેવું છે કે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત માનવામાં આવે છે.
તેમણે કહ્યું, "નવા કાયદાઓ મુજબ પાંચ લાખ સુધી ખાતાધારક(ડિપોઝિટર)ને વીમો મળે છે. એટલે સરકાર ખાતાધારકની નાણાકીય સુરક્ષા ખાતર 5 લાખ સુધીની રકમ પરત મળી રહે એવી વ્યવસ્થા રાખતી હોય છે. પરંતુ આ પછીની રકમ માટે ઇન્સ્યોરન્સ નથી હોતો."
"સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભૂતકાળમાં ઘણી સહકાર બૅન્કો ફડચામાં ગઈ છે. ડાયમંડ જ્યુબિલી બૅન્ક પણ તેનું ઉદાહરણ છે."
"બૅન્કો ત્રિમાસિક સ્તરે સ્ટેટમૅન્ટ - રિપોર્ટ સબમિટ કરે એમાંથી પણ કેન્દ્રીય બૅન્ક અસેસમૅન્ટ કરે છે. ઉપરાંત બૅન્કમાં લોકોનો વિશ્વાસ ટકી રહે એ રીતે ઉપાડ મર્યાદા નક્કી કરવાની કોશિશ પણ રહેતી હોય છે."
કૅપિટલનું ધોવાણ
"સામાન્યપણે તેમની પાસે પાંચ વર્ષનો ડેટા હોય છે અને તેમાં ખાતેદારોની સંખ્યા અને અન્ય બાબતોને ધ્યાને લઈને રકમ નક્કી કરે છે. સ્થિતિ સારી થઈ જતા રોકડ ઉપાડની મર્યાદા વધારી પણ દેવાય છે અથવા તેને હઠાવી પણ લેવામાં આવે છે?"
મીતીશ મોદી નવા બૅન્કિંગ રેગ્લુલેશન કોડ વિશે જણાવતા કહે છે કે હવે સહકારી બૅન્કોની ડિપોઝિટ મામલે જે ટીડીએસનો નિયમ આવ્યો છે તે પણ પરેશાની સર્જે તેવો છે.
તેમનું કહેવું છે કે ખાતાધારક કેટલાં નાણાં ઉપાડી શકે છે તે મામલે ઘણાં પરિબળો જવાબદાર રહેતાં હોય છે. પણ તેમનો પણ મત છે કે સરકાર મર્યાદા નક્કી કરીને એક રકમ નિશ્ચિત કરી શકે છે.
તેઓ વધુમાં કહે છે,"બૅન્કની કૅપિટલનું કેટલું ધોવાણ થયું છે એ ખૂબ જ મહત્ત્વનું છે. તથા કોઈ એ ક જ ખાતેદારના વધુ નાણાં બૅન્કમાં હોય અને તે એકદમ ઉપાડી લે તો પછી અન્ય ખાતેદારોના હાથમાં કંઈ જ ન આવે. એટલા માટે કૅપ નક્કી કરાય છે."
"ઉપરાંત બૅન્કો પાસે નાણાંની તરલતા વધુ પ્રમાણમાં નથી હોતી. બૅન્કોએ નાણાંનું અન્યત્ર પણ ધિરાણ કરેલું હોય છે. એટલે જો તમામ ખાતેદારો એકાએક તમામ નાણાં ઉપાડી લે તો તરલતાની અછત સર્જાય."
"આથી આરબીઆઈ ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને મર્યાદા નક્કી કરતી હોય છે."
કૅપિટલ ઇરોઝન અને એસએલઆર
કાચી પડી રહેલી બૅન્કમાંથી રોકડ ઉપાડની કૅપ અને સંબંધિત બાબતો સાથે સંકળાયેલાં પરિબળો વિશે વધુ જણાવતા આર્થિક બાબતોના જાણકાર અમદવાદના પ્રો. હેમંતકુમાર શાહ જણાવે છે કે એસએલઆર ખરેખર બૅન્કોએ સરકારને જે (જામીનગીરી)રૂપે ધિરાણ આપવાનું હોય છે તે સ્ટેચ્યૂટરી લિક્વિડિટી છે. 20 ટકા જેટલો આ રેશિયો રાખવાનો હોય છે.
"વળી જ્યાં સુધી એનપીએની વાત છે, તો એક રીતે તો નાણાં બજારમાં જ ફરતાં હોય છે. કેમ કે રોકાણકારે નાણાં બજારમાં જ રોકેલાં હોય છે. પણ અર્થતંત્ર ખરેખર એવું હોય જોઈએ કે જેણે લૉન લીધી તેની પાસેથી નાણાં પાછાં આવવાં જોઈએ. "
"ઇરોઝન ઑફ કૅપિટલ એટલે બૅન્કની મૂડીનું ધોવાણ કહેવાય. બૅન્કના પૈસા ડૂબવા લાગે અથવા જ્યાં રોક્યા હોય ત્યાં તેનું ધોવાણ થાય એટલે બૅન્કનાં નાણાં ડૂબવા લાગે છે."
યસ બૅન્કનું શું થયું?
માર્ચ મહિનામાં યસ બૅન્ક મામલે મોદી સરકારની કૅબિનેટની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કૅબિનેટે યસ બૅન્કના રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપી દીધી હતી.
આ સાથે સરકારે નૉટિફિકેશન બહાર પાડી એ જ દિવસે એટલે 14મી માર્ચના રોજ સાંજથી ખાતામાંથી નાણાં ઉપાડવાની રૂ. 50 હજારની ટોચમર્યાદા હટાવી દેવા માહિતી આપી દીધી હતી.
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કૅબિનેટની મંજૂરી બાદ ચાર ખાનગી બૅન્ક રોકાણ માટે સામે આવી છે અને તે યસ બૅન્કમાં 3100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
જ્યારે સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા યસ બૅન્કમાં 7,250 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
જે ચાર બૅન્કોએ યસ બૅન્કમાં રોકાણની જાહેરાત કરી છે, તેમાં ICICI બૅન્ક, HDFC બૅન્ક, ઍક્સિસ બૅન્ક અને કોટક બૅન્કનું નામ સામેલ છે.
ICICI અને HDFC યસ બૅન્કમાં એક-એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જ્યારે ઍક્સિસ બૅન્ક 600 કરોડ રૂપિયા અને કોટક બૅન્ક 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે યસ બૅન્કને સંકટમાંથી કાઢવા માટે તીવ્ર ગતિએ કામ ચાલી રહ્યું છે.
પહેલાં તેની કૅપિટલ 1100 કરોડ હતી, જે હવે વધારીને 6200 કરોડ કરી દેવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો