PMC : આરબીઆઈનો A ગ્રેડ મેળવનારી એ બૅન્ક જે અચાનક ડૂબવા લાગી

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

'15 તારીખે મારી દીકરીનાં લગ્ન છે, ગામડે જવું છે, કામ કરીને મહેનતથી કમાયેલાં નાણાં મેં બૅન્કમાં જમા કરાવ્યાં હતાં.

"મારે મારા પૈસા લેવાના છે, જો બૅન્ક પૈસા નહીં આપે તો હું મારી દીકરીનાં લગ્ન કઈ રીતે કરીશ."

બીજાના ઘરે કામ કરીને એક-એક પૈસો ભેગો કરનાર અનવર બી શેખ હવે પોતાનાં દીકરીનાં લગ્ન માટે પૂરતાં પૈસા નહીં કાઢી શકે.

ભારતીય રિઝર્વ બૅન્કે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક એટલે કે પીએમસી બેન્કને પોતાના નિરીક્ષણ હેઠળ મૂકી છે અને બૅન્ક પર ઘણા પ્રતિબંધો લાદી દીધા છે.

આરબીઆઈએ અગાઉ આદેશ કર્યો હતો કે આગામી છ મહિના સુધી ખાતેદારો પોતાનાં બૅન્ક ખાતાંમાંથી મહત્તમ 1000 રૂપિયા જ કાઢી શકશે.

જોકે, પછી ગત અઠવાડિયે આરબીઆઈએ આ આદેશમાં સુધારો કરી ખાતેદારો 6 મહિના માટે 10,000 રૂપિયા ઉપાડી શકશે એવી જાહેરાત કરી હતી.

આમાં પણ સુધારો કરી ઉપાડની મર્યાદા 25,000 કરી દેવામાં આવી છે.

આરબીઆઈએ લાદેલા પ્રતિબંધથી પોતાની ખરી મહેનતની કમાણી આ બૅન્કમાં જમા કરાવનાર ખાતેદારો મુસીબતમાં મૂકાઈ ગયા છે.

ઑટિસ્ટિક બાળક માટે જિંદગી આખી બચત કરી પણ હવે...

બૅન્કમાં એવા વડીલોનાં પણ ખાતાં છે જેમણે પોતાની જીવનભરની કમાણી આ બૅન્કમાં જમા કરાવી દીધી હતી.

મુંબઈમાં બૅન્કની શાખાની બહાર ઊભેલાં એક 79 વર્ષનાં વૃદ્ધ મહિલા રડમસ અવાજે જણાવે છે, "23 સપ્ટેમ્બરના રોજ મેં બૅન્કમાં મારી ફિક્સ્ડ ડિપૉઝિટ રિન્યૂ કરાવી હતી. "

તેઓ જણાવે છે, "મારા ઘરમાં એક વિશેષ જરૂરિયાતવાળું ઑટિસ્ટિક બાળક છે, જેના માટે મેં આખી જિંદગી પૈસાની બચત કરી, પરંતુ હવે હું મારા જ પૈસા નહીં મેળવી શકું."

તેઓ જણાવે છે, "મેં બૅન્કના કર્મચારીને પૂછ્યું હતું કે બૅન્કમાં બધું ઠીક તો છે ને? મારા આ પ્રશ્નના જવાબમાં તેણે ખચકાટ સાથે કહ્યું કે હું મારાં નાણાં બૅન્કમાં નિરાંતે જમા કરાવી શકું છું."

"મેં એની વાત પર વિશ્વાસ કરી લીધો."

"હવે મારું મન કરે છે કે હું એ બૅન્ક કર્મચારીને એક થપ્પડ મારું. તેના કારણે હું બરબાદ થઈ ગઈ છું.'

આરબીઆઈના સૂચન

બૅન્કે 24 સપ્ટેમ્બરના રોજ જ પોતાના ખાતેદારોને એ વાતની જાણ કરી કે આ બૅન્ક આરબીઆઈના નિરીક્ષણ હેઠળ જઈ રહી છે અને હવે ખાતેદારો પોતાના પૈસા નહીં મેળવી શકે.

રિઝર્વ બૅન્કે એવું પણ જણાવ્યું કે 'તેમની લેખિત મંજૂરી વગર પીએમસી બૅન્ક ફિક્સ ડિપોઝિટ નહીં સ્વીકારી શકે.'

'તેમજ લૉન પણ નહીં આપી શકે. રિઝર્વ બૅન્કે પીએમસી બૅન્કને નવાં રોકાણ કરવાની પણ મનાઈ ફરમાવી છે.'

6 રાજ્યોમાં 137 શાખાઓ

પીએમસી બૅન્કની સ્થાપના વર્ષ 1984માં મુંબઈના સાયન વિસ્તારમાં થઈ હતી.

હવે આ બૅન્કની દેશનાં 6 રાજ્યોમાં 137 શાખાઓ છે.

માર્ચ 2019ના અંત સુધી બૅન્કમાં 11,617 કરોડ રૂપિયા જમા હતા, જ્યારે બૅન્કે 8,383 કરોડ રૂપિયા લૉનરૂપે આપેલા હતા.

મહારાષ્ટ્ર સિવાય બૅન્કની શાખાઓ દિલ્હી, કર્ણાટક, ગોવા, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ છે.

બૅન્કિંગ નિષ્ણાત અને મહારાષ્ટ્ર બૅન્ક ઍમ્પલૉઈઝ અસોસિએશનના મહાસચિવ વિશ્વાસ ઉટાગી જણાવે છે કે આ વર્ષે માર્ચ સુધી તો બૅન્કની હાલત ઠીક હતી.

ઉટાગી જણાવે છે કે, 'પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક મહારાષ્ટ્રની ટોચની કો-ઑપરેટિવ બૅન્કો પૈકી એક છે. આ બૅન્ક લગભગ 17 હજાર કરોડ રૂપિયાનો કારોબાર કરે છે. માર્ચ 2019ના સરવૈયા પ્રમાણે બૅન્કે 99 કરોડ રૂપિયાનો નફો પણ રળ્યો છે.'

ઉટાગી પ્રમાણે માર્ચ 2019માં જ આરબીઆઈ દ્વારા બૅન્કને એ ગ્રેડ રેટિંગ આપ્યું હતું. તેમના પ્રમાણે, 'બૅન્કની રિઝર્વ સરપ્લસ પણ ઠીક છે. બૅન્કની ગ્રૉસ એનપીએ અને નેટ એનપીએ પણ આરબીઆઈના માપદંડોના ક્ષેત્રમાં જ આવે છે. બૅન્કને આરબીઆઈએ એ ગ્રેડનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું.'

હવે પ્રશ્ન એ છે કે, બૅન્કમાં પાછલા છ મહિનામાં એવું તો શું થયું કે તેની હાલત આટલી બધી ખરાબ થઈ ગઈ. ઉટાગી બૅન્કની આ હાલતનું કારણ એક હાઉસિંગ ડેવલપમૅન્ટ કંપનીને અપાયેલી 2,500 કરોડ રૂપિયાની લૉનને માને છે.

રૂપિયા 2,500 કરોડની લોન આપી

મીડિયાના અહેવાલો પ્રમાણે બૅન્કે એચડીઆઈએલ (હાઉસિંગ ડેવલપમૅન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) નામની કંપનીને 2,500 કરોડ રૂપિયાની લોન આપી છે.

ઉટાગી જણાવે છે, "એવી વાત સામે આવી છે કે એચડીઆઈએલને 2,500 કરોડ રૂપિયાની લોન આપી છે."

"રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બૅન્કને કહ્યું છે કે તેઓ 2,500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે. બૅન્કે સંપૂર્ણપણે આ નાણાંની વ્યવસ્થા કરવી પડશે."

"બૅન્કનો નફો અને સરપ્લસ ઉમેરીને 1000 કરોડ રૂપિયા પણ નથી થતા."

"તેથી આ બૅન્ક સંપૂર્ણપણે સાફ થઈ શકે છે. આરબીઆઈ પ્રમાણે એ આશ્ચર્યની વાત છે કે માર્ચ 2019 સુધી જે બૅન્કની હાલત એકદમ સારી હતી તેની પર 35એ લાદીને આરબીઆઇના નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવી છે."

ઉટાગી જણાવે છે કે, "એચડીઆઈએલ દેવાળું ફૂંકવા જઈ રહી છે."

"જેવી રીતે આઈએલએફએસને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવી જ રીતે એચડીઆઈએલે પણ નાદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે."

"આ વાતની સીધી અસર પીએમસી પર પડી છે. આરબીઆઈને લાગી રહ્યું છે કે આ બૅન્ક હવે નહીં ચાલી શકે તેથી તેના નિયંત્રણ માટે પ્રશાસક બેસાડી દેવાયો છે."

છ મહિના સુધી શરતો અને પ્રતિબંધ

આરબીઆઈએ પીએમસી પર છ મહિના સુધી શરતો અને પ્રતિબંધ લાદ્યાં છે.

આ પરિસ્થિતિ છતાં બૅન્કના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર થૉમસે ખાતેદારોને કહ્યું છે, "બૅન્ક 6 મહિના બાદ ફરીથી પહેલાંની જેમ જ કામ કરતી થઈ જશે."

થૉમસે એક નિવેદન બહાર પાડીને અવ્યવસ્થાની જવાબદારી લીધી છે.

થૉમસે કહ્યું, "બૅન્કનો એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હોવાના કારણે હું તમામ પ્રકરણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું અને ખાતેદારોને આશ્વાસન આપું છું કે 6 મહિના દરમિયાન કામની તમામ અનિયમિતતાઓને દૂર કરાશે."

ઉટાગીને લાગે છે કે જોસેફે ખાતેદારોને ખોટો વાયદો કર્યો છે.

તેઓ કહે છે, "છેલ્લાં 20 વર્ષમાં જ્યારે પણ આરબીઆઈએ સેક્શન 35-એ લગાવ્યો છે, એ બાદ કોઈ પણ બૅન્ક પુનર્જીવિત નથી થઈ શકી."

"છેલ્લે તો બૅન્કનું દેવાળું જ ફૂંકાયું છે, કેટલીક બૅન્કોનો અન્ય બૅન્કોમાં વિલય જરૂર થયો છે પરંતુ પીએમસીની એવી હાલત નથી કે કોઈ બૅન્કને તેનો વિલય કરવામાં રસ હોય."

જો બૅન્ક નાદારી નોંધાવે તો?

જો બૅન્ક નાદારી નોંધાવશે તો તેનો અર્થ એ થશે કે બૅન્કના ખાતેદારોને મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની રકમ જ પરત કરાશે.

જે લોકોએ 1 લાખ રૂપિયા કરતાં વધારે રકમ બૅન્કમાં જમા કરાવી હોય, તેઓ પોતાના વધારાના પૈસા નહીં મેળવી શકે.

ઉટાગી જણાવે છે," આ બનાવની સૌથી મોટી અસર ખાતેદારો પર જ પડશે, કારણ કે છેલ્લે તો તેમના જ પૈસા ડૂબશે."

બૅન્કિંગ રેગ્યૂલેશન ઍક્ટ હેઠળ આરબીઆઈ દેશની તમામ બૅન્કોનાં ખાતાંની તપાસ કરે છે.

આરબીઆઈ પાસે બૅન્કોનો ડેટા પણ દર અઠવાડિયે આવે છે.

આવા સંજોગોમાં એ પ્રશ્ન થાય છે કે જ્યારે બૅન્કની નાણાકીય હાલત ખરાબ હતી તો એ વાત આરબીઆઈને ખબર કેમ ન પડી.

આરબીઆઈ પર સવાલ

ઉટાગી જણાવે છે ," આ બનાવના કારણે આરબીઆઈની કાર્યપ્રણાલી, વિનિમય પ્રક્રિયા અને પારદર્શિતા પર પણ પ્રશ્ન ચિહ્ન લાગી ગયું છે, કારણ કે જે પીએમસીમાં બન્યું છે તે પરથી તો એવું લાગી રહ્યું છે કે આરબીઆઈએ તેના મોટા અધિકારીઓને જનતાથી માહિતી છુપાવવા દીધી."

વિશ્વાસ ઉટગી જણાવે છે, "સામાન્ય જનતાના પૈસાને ડૂબતા અટકાવવા એ આરબીઆઈનું કામ છે."

"પીએમસી પ્રકરણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઑડિટરોએ યોગ્ય રીતે તપાસ કરી નહોતી."

"આ પ્રકરણના કારણે આરબીઆઈની ભૂમિકા પર પણ પ્રશ્ન ચિહ્ન લાગી ગયું છે.

"રિઝર્વ બૅન્કે હાલ તો આ બૅન્ક પર સેક્શન 35એ લગાવીને તેને પોતાના નિરીક્ષણ હેઠળ લાવી દીધી છે, પરંતુ બૅન્કનું લાઇસન્સ રદ્દ નથી કર્યું."

પીએમસી બૅન્ક પર લાગેલા પ્રતિબંધો બાદ બૅન્કમાં પૈસા જમા કરાવનાર ઘણા લોકોનો વિશ્વાસ પણ તૂટ્યો છે.

બૅન્કની એક બ્રાન્ચ બહાર ઊભેલા ઉદાસ અશરફ અલી જણાવે છે, "જો અમે લોકો કોઈ બૅન્ક પર વિશ્વાસ ના મૂકીએ અને ઘરે પણ પૈસા ન રાખી મૂકીએ તો અમારે કરવું શું?"

"તમામ બૅન્કોમાં કોઈકને કોઈક માથાકૂટ તો ચાલતી જ રહેતી હોય છે."

"અમને લાગી રહ્યું હતું કે આ બૅન્ક સારી છે. હવે આ બૅન્કમાં જ અમારા પૈસા ડૂબી ગયા.'

(આ અહેવાલમાં મુંબઈથી અમૃતા દુર્વેનો સહયોગ મળ્યો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો