દુતી ચંદનો પરિવાર તેમના સમલૈંગિક સંબંધનો સ્વીકાર કરી શક્યો છે?

    • લેેખક, સૂર્યાંશી પાંડેય
    • પદ, બીબીસી ગુજરાતી

"હું સમલૈંગિક સંબંધ ધરાવું છું."

આ વાતને સમાજ સામે સ્વીકાર કરવો એ દુતી ચંદ માટે કેટલું કપરું રહ્યું હશે?

19 મે, 2019ને દિવસે તેમણે દુનિયા સામે આ વાત જાહેર કરી હતી.

પરંતુ પરિવારની જે વ્યક્તિ પાસેથી દુતી ચંદે પ્રેરણા લઈને દોડવાનું શરૂ કર્યું હતું તેમણે જ આ વાતનો આકરો વિરોધ કર્યો.

ક્યારેક કબડ્ડીના ખેલાડી રહેલાં, મોટાં બહેન સરસ્વતી ચંદ જાહેરમાં પોતાનાં બહેનના સમલૈંગિક સંબંધ વિરુદ્ધ બોલતાં નજરે પડ્યાં.

આ વાતને હવે ચાર મહિના થઈ ગયાં છે. જુલાઈ મહિનામાં નપોલીમાં આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેઇમ્સમાં દુતી ચંદે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

હવે તેઓ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાઈ કરવા માટે દોહામાં આવતીકાલે આયોજિત થનાર વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.

દોહામાં 27 સપ્ટેમ્બરથી આયોજિત થનાર વર્લ્ડ એથલેટિક્સ ચૅમ્પિયનશિપમાં દુતી ચંદની ઇવેન્ટ રાત્રે રમાશે. એટલે તેઓ રાત્રે પ્રૅક્ટિસ કરી રહ્યાં છે.

તેમનું જીવન ખેલના મેદાન પર તો આગળ વધી રહ્યું પરંતુ તેમના અંગત જીવનના પ્રશ્નો જાણે ઉકેલની રાહ જોઈને બેઠા છે.

બીબીસી સાથેની મુલાકાતમાં તેમણે પોતાનાં જીવનની કેટલીક વાતો કરી.

પરિવાર હજુ નારાજ?

સમલૈંગિક સંબંધ જાહેર કર્યાનાં ચાર મહિના બાદ હવે પરિવાર શું કહે છે? શું તમારાં બહેન પણ નારાજ છે?

એમાં કોઈ શંકા નથી કે મને સ્પ્રિન્ટર બનાવવામાં મારાં બહેનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેઓ મને પ્રેરણા આપતાં રહ્યાં છે.

પરંતુ, દરેક વ્યક્તિ અલગ-અલગ હોય છે અને તેમની પસંદ પણ જુદી-જુદી હોય છે, કાશ, મારાં બહેન આ વાત સમજી શકતાં હોત.

જો મને એક યુવતી સાથે પ્રેમ છે તો હું શું કરૂં. સરસ્વતી મને હજુ સુધી સમજી શક્યાં નથી. તેમની સાથે સંબંધમાં તિરાડ પડી ગઈ છે પરંતુ મને આશા છે કે પરિવારના નાના-મોટા ઝઘડાની જેમ એક દિવસ આ તિરાડ પણ પૂરાઈ જશે.

રમતમાં ટેકો પણ ખાનગી જીવનમાં?

તાજેતરમાં જ તમે વર્લ્ડ યુનિવર્સિટી ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યાં એવા સમાચાર આવ્યા ત્યારે તમારા પરિવારે મીઠાઈ વહેંચી હતી, બધાને તો એમ જ લાગ્યું કે તમારા પરિવારમાં બધું બરાબર થઈ ગયું છે. શું એવું નથી?

તમે એકદમ સાચી વાત કહી. ખરેખર, મારી રમતની વાત આવે ત્યારે મારો પરિવાર મારી સાથે ઊભો રહે છે, મને સમજે છે, મારી મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્ન કરે છે. પરંતુ, જ્યારે અંગત જીવનમાં વિશ્વાસ અને સધિયારો આપવાની વાત આવે તો એ ખૂણો પરિવાર તરફથી ખાલી દેખાય છે.

ખાસ કરીને મારાં મોટા બહેન નથી સમજતા. મારા સમલૈંગિક સંબંધને મારો પરિવાર અને બહેન આજે પણ સ્વીકાર કરવા તૈયાર નથી. જેને કારણે સંબંધમાં તાણ અનુભવું છું.

જ્યારે કેસ જીત્યો

દુનિયાએ તમને ખૂબ સમર્થન આપ્યું.ન્યૂ યૉર્ક ટાઇમ્સથી લઈને વૉશિંગટન પોસ્ટમાં સમાચાર પ્રકાશિત થયાં. જોકે, દુનિયાએ તમારી નિર્ભયતાને ત્યારે પણ વખાણી હતી જ્યારે તમે ઇંટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સના એક નિયમ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી અને કેસ જીત્યો પણ હતો. ત્યારે શું થયું હતું?

આઈએએઍફનો એ નિયમ હવે સુધારવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે, જે મહિલા દોડવીરમાં મેલ સેક્સ હૉર્મોન જોવા ટેસ્ટેસ્ટેરૉનનું પ્રમાણ વધારે હોય તો તેમને હૉર્મોનની ટ્રીટમેન્ટ કરવા માટે કહેવામાં આવતું.

તેઓ માનતા કે ટેસ્ટેસ્ટેરૉનનું પ્રમાણ વધારે હોય એટલે ઍથ્લીટની ક્ષમતા વધી જાય. આ ટેસ્ટને હાઇપરએંડ્રોનિઝ્મ કહેવાય છે.

પહેલા તો તમને જણાવું કે આ ટેસ્ટ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ ફરિયાર કરે અથવા તમને જાણી-જોઈને રમવાથી રોકવા માગે.

જ્યારે મારા લોહીનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે હું તેમાં ફેલ થઈ ગઈ. મારામાં મેલ સેક્સ હૉર્મોનનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

આઈએએઍફે મને ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપી અને હું 2014માં કૉમનવેલ્થ ગેઇમ્સ અને એશિયન ગેઇમ્સમાં ભાગ નહોતી લઈ શકી.

એ પછી મેં અદાલતમાં લડવાનો નિર્ણય કર્યો. સ્વીટ્ઝરલૅન્ડની કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં પોતાના વકીલની મદદથી મેં કેસ કર્યો હતો અને 2015માં મેં આ કેસ જીત્યો અને હવે 100 મિટરની રેસ પર આ નિયમ લાગુ નથી પડતો.

મહિલા દોડવીરોમાં જો મેલ હોર્મોન વધારે હોય તો 100 મિટરની દોડમાં ફાયદો થાય છે તે વાત તેઓ સાબિત ન કરી શક્યા.

લમ્પિકમાં જવાનું લક્ષ્ય

ઑલ્મિપિક્સ માટે ક્વૉલિફા કરવા માટે વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયશિપમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તમને લાગે છે કે તમે સફળ થઈ શકશો?

જુઓ, 100 મિટરમાં મારો નેશનલ રૅકર્ડ 11.24 સેકન્ડનો છે, જ્યારે ઑલ્મિપિક્સમાં ક્વૉલિફાઇંગ માર્ક 11.15 સેકન્ડ છે.

મુશ્કેલ તો ઘણું છે પરંતુ હું 11.10 સેકન્ડના હિસાબથી કરી તૈયારી કરી રહી છું. મારો પ્રયત્ન પૂરો છે બાકી જોઈએ કે શું થાય છે.

રાજકારણમાં પ્રવેશની અટકળ

દુતીનાં ખેલ સિવાય તેમનાં રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ રહી છે.

તેમણે ટ્વીટ કર્યું હતું કે બાળપણથી રાજકારણમાં આવવાં ઇચ્છતાં હતાં. તેમનાં માતા એક સમયમાં ગામનાં સરપંચ રહ્યાં હતાં.

હવે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે એમ માનવામાં આવે છે.

દુતી ચંદ હવે ઑલિમ્પિક્સમાં ગતિ મેળવશે કે રાજકારણમાં એ તો આવનારો સમય જ કહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો