You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયામાં હુમલાને કારણે ભારતનો જીડીપી ઘટશે?
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
સાઉદી અરેબિયા દુનિયાનું સૌથી મોટું ક્રૂડ ઉત્પાદક છે. રોજના 98 લાખ બેરલ ઑઇલનું ઉત્પાદન સાઉદી અરેબિયા એકલું કરે છે.
અરામકો એ સાઉદી અરેબિયાની ઑઇલની સૌથી મોટી કંપની છે. આ કંપનીની રિફાઇનરી પર ડ્રોનનો ઉપયોગ કરીને ઉગ્રવાદી હુમલો થયો અને રિફાઇનરી ભડકે બળી. તત્કાલીન પ્રક્રિયારૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ આકાશે અંબાવાના હોય તે રીતે 20 ટકા વધી ગયા.
કારણ એવું હતું કે એકાએક અરામકોનું ઉત્પાદન રોજનું 50 લાખ બેરલ ઘટી ગયુ. વિશ્વમાં ક્રૂડનું ઉત્પાદન 1,000 લાખ બેરલ છે એટલે વિશ્વમાં પેટ્રોલિયમની કુલ જરૂરિયાતના 5 ટકા જેટલી ઘટ અરામકોની ઉત્પાદન-કપાતને પરિણામે ઊભી થઈ છે.
પરિણામે 1990 બાદ ક્રૂડઑઇલના ભાવમાં વિશ્વનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. સ્વાભાવિક રીતે આની અસર દુનિયાભરનાં બજારો પર પડે. સાઉદી અબેરિયા પોતાના અસલ ઉત્પાદન પર ક્યારે પહોંચશે એ તો માત્ર અંદાજ મૂકવાનો વિષય છે.
ભારતની વાત ઉપર આવીએ તો ભારત વિશ્વમાં પેટ્રોલિયમનું ત્રીજા નંબરનું સૌથી મોટું આયાતકાર છે. પેટ્રોલિયમની કુલ જરૂરિયાતનો 83 ટકા હિસ્સો ભારત આયાત કરે છે.
આ હિસ્સામાંથી 80 ટકા જેટલી આયાત મધ્ય-પૂર્વના દેશોમાંથી કરે છે. સ્વાભાવિક છે કે આ કારણને લઈને પહેલાંથી આર્થિક મંદીનો માર ખાઈ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને બીજો એક મોટો ઝાટકો પેટ્રોલિયમ પેદાશોના ભાવના વધારાને કારણે લાગે.
2018-2019માં ઇરાક બાદ ભારતને સૌથી વધુ પેટ્રોલિયમ પૂરું પાડતો દેશ સાઉદી અરેબિયા હતો. વર્ષ 2019માં સાઉદી અબેરિયાએ ભારતને 4.033 કરોડ ટન ક્રૂડઑઇલ વેચ્યું.
એક ગણતરી મુજબ જો ક્રૂડઑઇલની કિંમતમાં બેરલ દીઠ 10 ડૉલરનો વધારો થાય તો ભારતના આયાતબિલમાં 15 અબજ ડૉલરનો થઈ જાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો રૂપિયો વધુ નબળો પડે?
અરામકો ઉપરના હુમલાના કારણે બ્રૅન્ટક્રૂડનો ભાવ 19.5 ટકા ઊછળી પ્રતિ બેરલ 71.95 ડૉલર થયો. જોકે, આ શરૂઆતનો ગભરાટ આધારીત ભાવવધારો હતો.
18 સપ્ટેમ્બર ના રોજ આંતરાષ્ટ્રીય બજારમાં બ્રૅન્ટઑઇલના ભાવ બેરલ દીઠ 63.60 ડૉલર હતા, જે અરામકો ઉપરના હુમલા પહેલાં 60 ડૉલર હતા.
એટલે કે શરૂઆતનો આંચકો પચાવીને આ ભાવ ઘટ્યા છે એટલે 19.05 ટકામાંથી ઘટીને આ ભાવવધારો માત્ર 10 ટકા જેટલો રહ્યો.
એટલે પૅનિક-રિએક્શનના 50 ટકાનો વધારો બજાર પચાવી ગયું છે. અન્ય સપ્લાયર દેશોએ ખાસ કરીને અમેરિકા દ્વારા પુરવઠો સરભર કરી આપવાની ખાતરી આપવાને કારણે આ રાહત ઊભી થઈ છે.
આમ છતાં જો હાલની સ્થિતિ લાંબો સમય રહે તો ભારતની આર્થિક હાલત 'પડયા ઉપર પાટુ' જેવી થાય. જીડીપી 5 ટકાના દરે વૃદ્ધિ પામશે એ ધારણાના પણ ભૂકા નીકળી જાય.
આ ઉપરાંત ભારતના કરંટ એકાઉન્ટમાં પણ લગભગ અડધા ટકા જેટલો વધારો થાય. ભારતે 2018-19માં કુલ 20.17 કરોડ ટન કાચા તેલની આયાત કરી હતી.
આમ ક્રૂડઑઇલના ભાવવધારાને કારણે ભારતનું આયાત બિલ ઊંચું જાય અને જીએસટી અને નોટબંધી જેવાં કારણોસર સુસ્તી અને મંદીમાં સપડાયેલું ભારતીય અર્થતંત્ર એક મોટું ગોથું ખાય એમાં કોઈ શંકા નથી.
આ પ્રક્રિયા લાંબી ચાલે તો માંદા બજારમાં વધુ મંદી આવે અને ખેડૂતો અને ઉદ્યોગોનું ભારણ વધી જાય.
ભારત જેવા દેશની સ્થિતિ વધુ વિષમ બને તેનું એક કારણ નિકાસમોરચે ભારતનું પ્રદાન નગણ્ય છે.
વિશ્વબજારમાં આપણું પ્રદાન 2 ટકા કરતાં પણ ઓછું છે. તે જોતાં વેપારખાધ વધી જાય અને લગભગ 0.5 ટકા જેટલી કરંટ એકાઉન્ટ ડીફિસિટ વધી જાય.
એનો અર્થ થાય કે ભારતમાંથી વધુ ડૉલર બહાર જાય અને ડૉલરની સરખામણીમાં રૂપિયો નબળો પડે.
અમંગળ એંધાણ?
ભારત એક કૃષિઆધારિત અર્થવ્યવસ્થા છે. આજે પણ જીડીપીમાં ખેતીનું પ્રદાન માત્ર 16 કે 18 ટકા ભલે હોય પણ એના લીધે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં જે તરલતા રહે છે તે આ દેશની સીધી કે આડકતરી 50 ટકા રોજગારી અને 50 ટકા જેટલી ખાવાપીવાથી માંડી મોટરસાઇકલ સુધીનાં ઉત્પાદનોની ખપત માટે જવાબદાર છે.
ખેતીવાડીમાં ડગલેને પગલે ડીઝલની જરૂર પડે છે અને એને કારણે ખેતઉત્પાદનના ભાવ ઊંચા જાય.
સામે ઉત્પાદનના બજાર ભાવ એટલા વધતા નથી એટલે ખેડૂતને રોવાના દિવસ આવે. માલસામાનના પરિવહન પર પણ ડીઝલના ભાવ વધતા અસર પડે.
આમ કૃષિ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા પર પણ આની અસર પડે અને સરવાળે જાપાનીઝ ફાઇનાન્સ સર્વિસ નોમુરાએ મુકેલા એક અંદાજ મુજબ ભારતનો જીડીપી વધુ પૉઇન્ટ બે ટકા ઘટે.
આમ ભારતીય અર્થવ્યવસ્થા પર સાઉદી અરેબિયાની આ ઘટનાને કારણે વધુ એક મોટી અસર થાય.
કેટલાક નિષ્ણાતોએ ભારતીય બજારમાં પેટ્રોલ રૂપિયા 80 પ્રતિ લિટરથી વધી શકે તેવી શક્યતાઓ તરફ નિર્દેશ કર્યો છે.
જોકે, આ માટે વિશ્વબજારમાં ક્રૂડઑઇલ 80 ડૉલર પ્રતિ બેરલનો ભાવ પાર કરવો પડે.
આ બધા ઝંઝાવાત વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતને ક્રૂડના સપ્લાયમાં કોઈ વાંધો નહીં આવે તેવું વિધાન કર્યું છે પણ આ વિધાન અધૂરું છે.
ધર્મેન્દ્ર પ્રધાન પુરવઠા બાબતમાં દેશને ખાતરી આપી રહ્યા છે પણ એ તો પૈસા હશે તો આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રૂડ મળી રહેશે.
સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલનો ભાવ પ્રતિ બેરલ 75થી 80 ન થાય એ માટેનો કીમિયો ધર્મેન્દ્ર પ્રધાન પાસે છે ખરો?
એમની જાહેરાતના બીજા દિવસે ફ્રૂડઑઇલના ભાવ વધ્યા છે એ એંધાણ બહુ સારાં નથી.
ભારતને ક્રૂડઑઇલ મેળવવામાં મુશ્કેલી પડે એવું હું નથી માનતો. સવાલ અરામકોની ઘટનાનો લાભ લઈને વિશ્વના અન્ય દેશોના ક્રૂડઑઇલ સપ્લાયરો રોકડી કરી લેવાના મૂડમાં ભાવ નહીં વધારે એની કોઈ ખાતરી છે ખરી?
આ બધા વચ્ચે જો અમેરિકા અને ઈરાન બીજી બાજુ સાઉદી અરેબિયા, થોડા સમય માટે પણ મર્યાદિત યુદ્ધમાં સંડોવાય તો આ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના ભાવ સાચા અર્થમાં ભડકે બળે.
આ સંજોગોમાં દેશની કરંટ એકાઉન્ટ ડીફિસિટ અને જીડીપીના અંદાજમાં ઉપર પણ પેલું અરામકોવાળું ડ્રોન ફટાકડો ફોડી જાય એવી શક્યતાઓ ક્ષિતિજે દેખાઈ રહી છે.
ક્રૂડઑઇલના ભાવ આપણી અર્થવ્યવસ્થાને ન દઝાડે એ માટે ભારત સરકાર સચેત રહીને જરૂરી પગલાં લેતી હશે એવું ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પરથી લાગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો