You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીને મળેલા 'ગ્લોબલ ગોલકીપર ઍવૉર્ડ' પર વિવાદ કેમ વકર્યો?
- લેેખક, અપર્ણા અલૂરી
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતમાં ન્યૂયૉર્કનો એ કાર્યક્રમ પણ સામેલ હતો, જ્યાં તેમને તેમની સરકારની મહત્ત્વપૂર્ણ યોજના 'સ્વચ્છ ભારત અભિયાન' માટે સન્માનિત કરવામાં આવ્યા. જોકે આ સેલિબ્રિટી કાર્યક્રમ અંગે વિવાદ સર્જાયો હતો.
આ વિવાદ શરૂ થયો છે એક ટ્વીટથી.
ભારત સરકારના એક કેન્દ્રીય મંત્રીએ બે સપ્ટેમ્બરે ટ્વીટ કરીને કહ્યું કે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ખુલ્લામાં શૌચને ખત્મ કરવાના મોદી સરકારના પ્રયાસો માટે વડા પ્રધાનને સન્માનિત કરશે. જેને સ્વચ્છતા અભિયાન નામથી ઓળખવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત દેશમાં સ્વચ્છતામાં સુધારો લાવવા ગરીબો માટે લાખો શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે એક ટ્વીટ કર્યું, "એક અન્ય ઍવૉર્ડ, પ્રત્યેક ભારતીયો માટે ગૌરવની વધુ એક ક્ષણ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત અને પ્રગતિશીલ પગલાએ ભારતને દુનિયાભરમાં પ્રતિષ્ઠા અપાવી. નરેન્દ્ર મોદીને બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ઍવૉર્ડ આપવામાં આવશે."
આ રીતે વિવાદ શરૂ થયો અને અખબારોમાં એના વિરોધમાં લેખ લખવામાં આવ્યા.
ઓછામાં ઓછા ત્રણ નોબેલ પુરસ્કાર વિજેતાઓએ આનો વિરોધ કર્યો હતો. એક લાખથી વધારે લોકોએ આ ઍવૉર્ડના વિરોધમાં એક પિટિશન સાઇન કરી છે. ભારતીય મૂળના બ્રિટિશ કલાકારો જમીલા જમીલ અને રિઝ અહમદે આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે, જોકે આ વિશે તેમણે કોઈ કારણ આપ્યું નથી.
મોદીને આ ઍવૉર્ડ આપવા પર સવાલ એટલે ઊભા થઈ રહ્યા છે કારણકે અત્યાર સુધી બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો 'ગોલકીપર' ઍવૉર્ડ જમીની સ્તરે કામ કરતા રાજકીય અથવા સામાજિક કાર્યકરોને આપવામાં આવ્યો છે.
મોદીને ઍવૉર્ડ કેમ આપવામાં આવ્યો?
ભારતમાં ખુલ્લામાં શૌચ એક મોટી સમસ્યા છે જેનું કારણ પૂરતાં શૌચાલયોનો અભાવ છે. જેને કારણે માટીનું પ્રદૂષણ, બીમારીઓ, ખુલ્લામાં શૌચ માટે બહાર નીકળતી મહિલાઓની સુરક્ષા જેવા કેટલાય પ્રશ્નો ઊભા થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવામાં નરેન્દ્ર મોદીએ 2014માં જ્યારે પ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે જોર-શોરથી આ સમસ્યાને નાથવા માટે 'સ્વચ્છ ભારત અભિયાન'ની જાહેરાત કરી હતી.
2019ની ચૂંટણીમાં મોદી અને ભાજપે 'સ્વચ્છ ભારત અભિયાન'ને મોટી સફળતા ગણાવતા દાવો કર્યો હતો કે પહેલાંના 40 ટકાની સરખામણીમાં હવે 90 ટકા ભારતીયો પાસે શૌચાલચની સવલત છે.
બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને બીબીસીને આપેલા નિવેદનમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ડેવલપમૅન્ટ ગોલ્સ હાંસલ કરવાની દિશામાં સ્વચ્છતાના ક્ષેત્રમાં ભારતની પ્રગતિને જોતા નરેન્દ્ર મોદીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
સ્વચ્છ ભારત અભિયાન કેટલું સફળ?
આ સવાલનો જવાબ તેના પર નિર્ભર કરે છે કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે.
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ શૌચાલયોમાંથી કેટલાંય શૌચાલય હજુ કામ કરતાં નથી કે પછી કેટલાંક કારણોસર લોકો વાપરી નથી રહ્યા.
આ અંગે એક અન્ય સમસ્યા જોવા મળી કે સરકાર તરફથી શૌચાલય બનાવવા માટે એક વર્ષમાં અલગઅલગ ભાગમાં સબસિડી ચૂકવવામાં આવે છે એટલે લોકોને શૌચાલય નિર્માણનું કામ પૂરું કરવા માટે રાહ જોવી પડે છે.
એક સ્વયંસેવી સંસ્થા મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટના સિરાજ હિરાનીએ કહ્યું, "કેટલાય લોકો શૌચાલયનું કામ શરૂ તો કરે છે પરંતુ પૂરું કરી શકતા નથી." સિરાજ હિરાની સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કામ કરી ચૂક્યા છે.
તેમનું કહેવું છે કે સરકાર તરફથી મળતી સબસિડી શૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે પરંતુ સીવરનું કામ કરવા માટે પૂરતી નથી હોતી.
આનું પરિણામ એ આવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકો ખાળકૂવા બનાવે છે. એથી એમને ડર રહે છે કે જે કાંઠાના વિસ્તારોમાં જળસ્તર વધારે હોય ત્યાં પાણી અને માટી દૂષિત થઈ જશે.
હિરાની મુજબ ખુલ્લામાં શૌચક્રિયા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે પરંતુ સવાલ એ છે કે આને જાળવી કેવી રીતે શકાશે.
એમણે કહ્યું કે સરકારી આંકડાઓમાં કેટલાં શૌચાલય બન્યાં તે દર્શાવવામાં આવે છે પરંતુ કેટલાં શૌચાલય કામ કરે છે અને લોકોના વિચારમાં કોઈ ફરક પડ્યો છે કે નહીં એ નથી દર્શાવાતું.
હિરાની માને છે કે ક્લિન ઇન્ડિયા મિશન એક મહાન વિચાર છે. તેના થકી ખુલ્લામાં શૌચક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવી છે અને તેને માટે નરેન્દ્ર મોદી પુરસ્કારના હકદાર છે પરંતુ એમને ડર છે કે આને એક જીત તરીકે જોવામાં આવશે.
તેઓ કહે છે ખુદને સાબિત કરવું એ સારી વાત છે પરંતુ પોતાને સાબિત કરવાની સાથે પોતાનામાં સુધારો પણ કરતા રહેવું જોઈએ.
ટીકાકારોનું શું કહેવું છે?
ટીકાકારો આ યોજનાની અનેક ખામીઓ ગણાવે છે પરંતુ એમના નિશાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે.
2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયાં હતાં જેમાં 1200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામનારા લોકોમાં મોટી સંખ્યા મુસલમાનોની હતી.
નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા. હિંસાના આરોપોને કારણે અમેરિકાએ એમને અનેક વર્ષો સુધી વિઝા નહોતા આપ્યા.
વડા પ્રધાન ભારતમાં ધ્રુવીકરણનો ચહેરો છે જેને અનેક લોકો પ્રેમ કરે છે અને તેની સાથે એમની પર લઘુમતીઓ પરત્વે વિભાજનકારી નિવેદનો અને હિંસાનો આરોપ પણ લાગતો રહ્યો છે.
હાલમાં કાશ્મીરમાં સરકારે ઉઠાવેલાં પગલાંઓ બાબતે પણ ટીકાકારો એમની આલોચના કરે છે.
ભારત સરકારે 5 ઑગસ્ટે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી ત્યાં અનેક પ્રતિબંધો લાદ્યા છે.
સામાજિક અને રાજકીય વિશ્લેષક શિવ વિશ્વનાથન કહે છે કે પુરસ્કાર એવા સમયે અપાઈ રહ્યો છે જ્યારે કાશ્મીરનો મુદ્દો ન ફક્ત કાશ્મીરીઓને પરંતુ આપણને પણ પરેશાન કરી રહ્યો છે.
કાશ્મીરમાં ટ્રોમા ક્લિનિકોની ખૂબ જરૂર છે. શું ગેટ્સ ફાઉન્ડેશન અધિકારોને નામે તેને કાશ્મીરમાં સ્થાપિત કરશે અને શું મોદી સરકાર તેની પરવાનગી આપશે.
વિશ્વનાથને કહ્યું કે બિલ ગેટ્સ જેવા પરોપકારી સન્માન આપીને મોદી સરકાર યોગ્યતા અને જૂઠા દેખાડાને આગળ વધારી રહ્યા છે એ વાતને પણ નજરઅંદાજ કરવી મુશ્કેલ છે.
વિશ્વનાથને કહ્યું કે કોઈએ ભ્રમમાં ન રહેવું જોઈએ. ગેટ્સ ફાઉન્ડેશન મોદીને સન્માન આપીને ઇચ્છે છે કે ભારતમાં એમનાં કામકાજને કોઈ અડચણ ન આવે.
નરેન્દ્ર મોદીએ આવી ટીકાઓનો કોઈ જવાબ નથી આપ્યો પંરતુ એમણે એક ટ્વીટ કરીને પુરસ્કાર માટે ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર ચોક્કસ માન્યો છે.
ફાઉન્ડેશને શું કહ્યું?
બિલ ગેટ્સ ઍન્ડ મેલિન્ડા ફાઉન્ડેશને નરેન્દ્ર મોદીને 2019નો ગ્લૉબલ ગોલકીપર ઍવૉર્ડ આપવામાં આવ્યો એવું સત્તાવાર રીતે કદી નથી કહ્યું.
ઍવૉર્ડ વેબસાઇટનું કહેવું છે કે આ વર્ષના વિજેતાઓનું નામ સમારોહમાં જાહેર થશે.
પરંતુ જ્યારે આને લઈને ટીકાઓ થવા લાગી તો એમણે કહ્યું કે પુરસ્કાર મેળવનારાઓમાં નરેન્દ્ર મોદીનું પણ નામ છે.
જોકે, નરેન્દ્ર મોદી પ્રથમ રાજનેતા નથી જેમને આ ઍવૉર્ડ આપવામાં આવ્યો હોય. આ અગાઉ લીબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ ઍલેન જોનસન સરલીફને 2017માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
મોદીને સન્માનિત કરવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા ફાઉન્ડેશને બીબીસીને કહ્યું કે સ્વચ્છતા પર નોંધપાત્ર ધ્યાન નથી આપવામાં આવતું અને અનેક સરકારો આ મામલે વાત કરવા ઇચ્છુક નથી હોતી. આ સ્થિતિમાં આનો ઉકેલ સહેલો નથી.
ફાઉન્ડેશને કહ્યું કે 'સ્વચ્છ ભારત મિશન' અગાઉ ભારતમાં 50 કરોડથી વધારે લોકો પાસે શૌચાલય નહોતાં અને હવે એમાંના મોટા ભાગના એના દાયરામાં આવી ગચા છે. હજી પણ લાંબી મજલ કાપવાની છે પરંતુ ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રભાવ દેખાઈ રહ્યો છે.
એમણે એક નિવેદનમાં કહ્યું કે 'સ્વચ્છ ભારત મિશન' દુનિયાભરમાં જ્યાં ગરીબ લોકો માટે સ્વચ્છતામાં સુધારો કરવાની જરૂર છે એવા અન્ય દેશો માટે એક ઉદાહરણ તરીકે કામ કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો