You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Howdy Modi : ગુજરાત ભાજપના એ MLA જેમનું ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કર્યું
હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમ બદલ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપના ગુજરાતના ધારાસભ્ય પણ ચર્ચામાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતની એક તસવીર ભાજપના સુરતથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી અને આ તસવીરને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી.
ટ્રમ્પે તસવીર રિ-ટ્વીટ કરી એ પછી ટ્વિટર પર ધારાસભ્યના ફૉલોઅર્સની સંખ્યામાં વધારો થયો અને તેમને ફૉલો કરતા લોકોની સંખ્યા 3,12,000ને પર પહોંચી ગઈ.
જોકે, આ ટ્વીટ અને એના પર ચાલી રહેલી ચર્ચાને કારણે ગુજરાતના આ ધારાસભ્ય ટ્વિટર પર છવાઈ ગયા.
લાખો ફૉલોઅર્સ અપાવનારું ધારાસભ્યનું ટ્વીટ
આ ટ્વીટમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહેલી વાત લખી હતી જેમાં કહ્યું હતું, "તેમણે (ડોનાલ્ડ ટ્રમ્પ) અમેરિકી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી દીધી છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ભારતે ખૂબ સારા સંબંધ સ્થાપિત કર્યા છે."
હર્ષ સંઘવીના આ ટ્વીટને દુનિયાભરના લોકોની પ્રતિક્રિયાઓ મળી. તેમના ટ્વીટને 36 હજાર કરતાં વધારે લોકોએ લાઇક કર્યું છે, તેમજ 8700 કરતાં વધુ લોકોએ રિ-ટ્વીટ કર્યું છે.
સાથે જ 2100 જેટલી કૉમેન્ટ્સ તેમના ટ્વીટ પર થઈ છે. ઘણી પ્રતિક્રિયાઓ અમેરિકાથી પણ આવી. કેટલાક લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં ટિપ્પણી કરી છે.
એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "ખૂબ જ સરસ. તમે ટ્રમ્પને તમારી સાથે ભારત લઈ જાઓ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો ફ્રાન પી નામના એક યૂઝરે લખ્યું, "અર્થતંત્ર તો પહેલાંથી મજબૂત હતું, હર્ષ સંઘવી, તમે સમજાવશો કે તેમણે શું સિદ્ધિ પ્રાપ્ત કરી છે?"
કિટ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "હું જાણવા માગીશ કે તેમણે ખરેખર વિશ્વ માટે શું કર્યું છે?"
જોકે, કેટલાક લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા પણ કરી છે.
એલેન સ્યુટ્ટન નામના એક યૂઝરે લખ્યું છે, "અમે નસીબદાર છીએ કે અમને એવા રાષ્ટ્રપતિ મળ્યા કે જેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર અંગે સમજ છે. તેઓ ફાઇનાન્સ, ટૅક્સ, રોકાણ, વૈશ્વિક વેપાર અંગે માહિતી ધરાવે છે. તેના કારણે અમેરિકાનું અર્થતંત્ર આગળ આવી રહ્યું છે અને તેમાં સ્થિરતા આવી રહી છે."
કોણ છે હર્ષ સંઘવી?
હર્ષ સંઘવી ગુજરાત વિધાનસભાની મજુરા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.
હર્ષ સંઘવીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે વર્ષ 2017માં તેઓ સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને જંગી બહુમતી સાથે તેમણે કૉંગ્રેસના અશોક કોઠારીને હરાવ્યા હતા.
2017ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીને 1,16,504 મત મળ્યા હતા જ્યારે અશોક કોઠારીને માત્ર 30,706 મત મળ્યા હતા.
વર્ષ 2013માં હર્ષ સંઘવીની ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે ફરી નિમણૂક કરવામાં આવી હતી.
હાલ તેઓ ભાજપ યુવા મોરચા(BJYM)ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ છે અને સાથે જ મજુરા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય પણ છે.
વર્ષ 2014-15માં તેઓ અમેરિકાના દૂતાવાસ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશિપ પ્રોગ્રામનો ભાગ બન્યા હતા.
હર્ષ સંઘવીએ જે તસવીર ટ્વીટ કરી તે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની એ મુલાકાતની હતી જેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.
અમેરિકાના હ્યુસ્ટન ખાતે હજારોની સંખ્યામાં ભારતીય મૂળના લોકો નરેન્દ્ર મોદીને સાંભળવા હજાર રહ્યા હતા. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું હતું.
કેટલાક લોકોએ 'મોદી ગો બેક'ના પ્લેકાર્ડ્ઝ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનમાં આગમનનો વિરોધ પણ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો