You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાઉડી મોદી : જ્યારે મોદીની સામે અમેરિકન સાંસદે નહેરુનાં વખાણ કર્યાં
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યૂસ્ટ શહેરમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ રીતે છવાયેલા રહ્યા.
આશરે 50 હજારથી વધારે અમેરિકન ભારતીયોએ નરેન્દ્ર મોદીના ભાષણનું સ્વાગત કર્યું અને તેમનું ભાષણ સાંભળ્યું.
આ કાર્યક્રમની ખાસ વાત એ રહી કે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમાં સામેલ થયા.
મોદી અને ટ્રમ્પ એકબીજાને ગળે મળ્યા અને સાથે પોતાની દોસ્તીની વાતો પણ લોકોને જણાવી.
હાઉડી મોદીના કાર્યક્રમમાં મોદીના સ્વાગત સમારોહ, જોશ ભર્યા નારા અને ભાષણો વચ્ચે એક પળ એવી પણ આવી જ્યારે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુનો ઉલ્લેખ થયો.
વાસ્તવમાં અમેરિકન સંસદના નિચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં બહુમતના નેતા અને ડેમૉક્રેટ સાંસદ સ્ટેની એચ હોયરે મોદીના સ્વાગતમાં ભાષણ આપ્યું હતું.
તેમના આ ભાષણમાં સ્ટેની હોયરે ગાંધી અને નહેરુની ધર્મનિરપેક્ષ વિચારણસરણીની વાત કરી હતી.
સ્ટેની હોયરે કહ્યું કે ભારત પણ અમેરિકાની જેમ પોતાની પરંપરાઓ પર ગર્વ કરે છે. જેનાથી તે પોતાના ભવિષ્યને ગાંધીજીના શિક્ષણ અને નહેરુની એ ધર્મનિરપેક્ષ લોકશાહીની દૃષ્ટિથી, જેમાં દરેક વ્યક્તિ અને તેમના માનવ અધિકારોનું સન્માન કરાય છે, સુરક્ષિત કરી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસે કહ્યું મોદીએ ટ્રમ્પનો પ્રચાર કર્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ આને ટ્રમ્પ માટે કરવામાં આવેલો ચૂંટણી પ્રચાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ ભારતની વિદેશનીતિનું ઉલ્લંઘન છે.
આનંદ શર્માએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ યાદ રાખવું જોઈએ કે તેઓ અમેરિકાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનીને નથી ગયા.
હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિનું ભાષણ પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવવાની સાથેસાથે ખુદને ભારતીય-અમેરિકન સમુદાય સાથે જોડવા પર કેન્દ્રીત રહ્યું.
2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે.
આનંદ શર્માએ લખ્યું, "વડા પ્રધાન જી, તમે બીજા દેશની ચૂંટણીઓમાં દખલગીરી ન કરવાની ભારતીય વિદેશનીતિના સ્થાપિત સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું છે. આ ભારતની લાંબાગાળાની કૂટનીતિનાં હિતો માટે અભૂતપૂર્વ ઝટકો છે."
બીજા ટ્વીટમાં તેઓ લખે છે, "અમેરિકા સાથે હંમેશાં આપણા સંબંધ રિપબ્લિકન અને ડેમૉક્રેટને લઈને એક સરખું વલણ ધરાવતા રહ્યા છે."
"ટ્રમ્પ માટે ખુલીને તમારા દ્વારા પ્રચાર કરવો ભારત અને અમેરિકા જેવા સાર્વભૌમ અને લોકશાહી ધરાવતા દેશોમાં તિરાડ પાડનારો છે. "
શર્માએ લખ્યું, "યાદ રાખો, તમે ભારતના વડા પ્રધાન તરીકે અમેરિકા ગયા છો નહીં કે અમેરિકાની ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો