#HowdyModi કાર્યક્રમમાં મોદી-ટ્રમ્પની હાજરીથી ભારતને કેટલો ફાયદો થશે?

    • લેેખક, બ્રજેશ ઉપાધ્યાય
    • પદ, વૉશિંગ્ટનથી બીબીસી ગુજરાતી માટે

નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલાં જ્યારે 'ભારત મા કી જય' અને પોતાના નામના સૂત્રોચ્ચાર વચ્ચે અમેરિકાની ધરતી પર વડા પ્રધાન તરીકે પ્રથમ વખત પગ મૂક્યો હતો ત્યારે કેટલાય લોકોએ આને એક ઉત્સાહપૂર્ણ અને જોખમી કામ ગણાવ્યું હતું.

ન્યૂયૉર્કના મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં એકઠી થયેલી ભીડે જ્યારે મોદીનું રોકસ્ટારની જેમ સ્વાગત કર્યું ત્યારે એ ઘટનાને એક દાયકા પહેલાં અમેરિકાએ જેને વીઝા આપવાનો ઇન્કાર કર્યો હતો એ નેતાની જીત તરીકે જોવામાં આવી હતી.

એ જ મોદી આજે હ્યુસ્ટનમાં એ વખત કરતાં પણ મોટી ભીડને સંબોધવા જઈ રહ્યા છે. મોદી જ્યારે આ ભાષણ આપશે ત્યારે તેમની બાજુમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હશે.

ઘણા વિશ્લેષકોનું માનવું છે આ દૃશ્ય મોદીએ કાશ્મીર મુદ્દે ભરેલા વિવાદાસ્પદ પગલાની ટીકાને કેટલાક અંશે ઓછી કરી શકશે.

આ આયોજનનું નામ 'હાઉડી મોદી' રાખવામાં આવ્યું છે. તેમાં 50 હજારથી વધુની મેદની હાજર રહેશે એવું મનાઈ રહ્યું છે. ભારત બહાર મોદીના સમર્થકોની આ સૌથી મોટી ભીડ હશે, જે એનઆરજી સ્ટેડિયમમાં એકઠી થશે.

શું મહત્ત્વ ?

નરેન્દ્ર મોદી સાથે ટ્રમ્પની આ રીતની હાજરી મોદીની પીઆર ટીમની પણ સફળતા માનવામાં આવે છે અને સાથે જ આ આયોજન ભારત અને અમેરિકાના વધી રહેલા સંબંધો પણ દર્શાવે છે.

ઓબામાના કાર્યકાળ દરમિયાન વિદેશી બાબતોના સહાયક મંત્રી રહી ચૂકેલાં નિશા બિસ્વાલ જણાવે છે, "આ ભારતીય મૂળના અમેરિકન સમાજની તાકાત દર્શાવે છે."

નિશાના મતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટૅક્સાસ જવાનો નિર્ણય એક સારી વાત છે.

નિશા હાલ અમેરિકા-ભારતની વેપારપરિષદનાં પ્રમુખ છે. તેઓ ઉમેરે છે, "ભારત- અમેરિકાના સંબંધો હવે વ્યક્તિગત અને રાજનૈતિક સ્તરથી ઘણા આગળ વધી ગયા છે."

કાર્યક્રમનું આયોજન કરી રહેલા 'ટૅક્સાસ ઇન્ડિયા ફોરમે' ડેમૉક્રેટ્સ નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું છે. તેમાં સ્ટૅની હૉયર અને કૉંગ્રેસના અન્ય સભ્યો પણ સામેલ છે.

આમંત્રિત મહેમાનોમાં અમેરિકાના ઘણા અધિકારીઓ અને ગવર્નરો પણ સામેલ છે. રિપબ્લિકન અને ડેમૉક્રેટ્સ, એમ બંનેના પ્રતિનિધિઓનું સંતુલન જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

આશાઓ

આયોજન માટે હ્યુસ્ટનની જ પસંદગી થવા માટે પણ કોઈને આશ્ચર્ય નથી. ભારત હ્યુસ્ટનનું ચોથું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

ઊર્જાની વધતી માગ જોતાં આવનારા દિવસોમાં અમેરિકાનું તેલ અને ગૅસનું વેચાણ વધશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.

ભારતની દૃષ્ટિએ અમેરિકા સાથે પોતાના સંયુક્ત વેપારના નુકસાનને ઘટાડવાની આ તક છે, જે એક મોટો મુદ્દો બની ગયો છે.

બને દેશો દોઢ વર્ષના વેપારી મતભેદોને ભૂલીને કેટલીક નવી જાહેરાતો કરી શકે છે અને આ અંગેના ચોક્કસ સંકેત પણ મળી રહ્યા છે.

વૉશિંગ્ટનના બ્રુકિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતીય પ્રકલ્પનાં ડિરેક્ટર તન્વી મદાન જણાવે છે, "જો આવું થાય આ વિજયનો શ્રેય રાષ્ટ્રપતિ લેવા ઇચ્છશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ભવ્ય પ્રદર્શન અને મોટી ભીડ પસંદ કરે છે. આ આયોજન એક રીતે આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય અમેરિકનોને રીઝવવાની તક પણ છે.

પત્રકારો સાથે વાત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે "તેમના(મોદી માટે) માટે ભીડ એકઠી થઈ રહી છે. મને આશા છે કે ત્યાં વધુ લોકો પહોંચશે, કારણ કે હજુ તો એમણે માત્ર જાહેરાત કરી છે અને પૂછ્યું છે કે હું જઈશ? હું ત્યાં જઈશ."

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા 32 લાખ છે, જે અમેરિકાની કુલ વસતિનો માત્ર એક ટકા જ છે પરંતુ આ સમુદાય અમેરિકાના સૌથી સમૃદ્ધ સમુદાયોમાં સામેલ છે.

તેમાંથી મોટા ભાગના ડેમૉક્રેટ્સના સમર્થકો છે. એશિયન અમેરિકન લીગલ ડિફેન્સ ઍન્ડ ઍજ્યુકેશન ફંડના એક સર્વેક્ષણ મુજબ 2016ની ચૂંટણીમાં આ લોકોએ હિલેરી ક્લિન્ટન તરફી મતદાન કર્યું હતું.

રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ અને ભારતની મહાનતાને ફરી સ્થાપિત કરવાના વચનને પગલે નરેન્દ્ર મોદી આ સમુદાયમાં બહુ લોકપ્રિય છે.

મદાન જણાવે છે, "મને વિશ્વાસ છે કે રિપબ્લિકન પાર્ટીના લોકોને આશા હશે કે આમાંથી ઘણા લોકો પક્ષ બદલીને તેમને મત આપશે."

ઘણા વિશ્લેષકો આ આયોજનને બંને નેતાઓ માટે ફાયદાકારક ગણાવે છે, જોકે સૌ કોઈ તેને લઈને ઉત્સાહ નથી દર્શાવી રહ્યા.

વિરોધનો સ્વર

ભારત સરકારે કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરી દીધો છે અને ત્યાં સંચારસુવિધા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવા સમયે નરેન્દ્ર મોદી અમેરિકાના આ પ્રવાસે ગયા છે.

ભારત સરકારના આ નિર્ણયથી પડોશી પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. પાકિસ્તાન પણ આ વિસ્તાર પર પોતાનો દાવો કરતું આવ્યું છે. તે ઉપરાંત મુસ્લિમ સંગઠનો અને માનવાધિકાર કાર્યકરો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

ભારતીય-અમેરિકન સમુદાયનાં કૉંગ્રેસી સભ્ય પ્રમિલા જયપાલ સહિત ઘણાં અમેરિકન કૉંગ્રેસના પ્રતિનિધિઓએ આ આયોજન અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સામાજિક કાર્યકર્તાઓ એ બાબતે ચિંતિત છે કે 'ફ્રી વર્લ્ડ'ના નેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મોદી સાથે ઊભા રહેશે તો એ સંદેશ જશે કે તેઓ મોદીની નીતિના સમર્થક છે.

માનવાધિકારની બાબતોના વકીલ અને સામાજિક કાર્યકર અજુર્ન સેઠી જણાવે છે, "આ એક ખોટું પગલું છે. ટ્રમ્પે ત્યાં ન જવું જોઈએ."

સેઠી કહે છે, "આપણે હાઉડી મોદીના બદલે ગૂડ બાય મોદી કહેવું જોઈએ."

વિરોધની તૈયારી

રટગર્સ યુનિવર્સિટીના પ્રોફેસર આર્ડે ટ્રૂશકેએ ટ્વીટ કર્યું છે, "મને નથી ખબર શું વધુ શરમજનક છે-મોદી ટ્રમ્પની બાજુમાં ઊભા રહેશે એ કે ટ્રમ્પ મોદીની બાજુમાં ઊભા રહેશે એ? બંને દેશો માટે હું શોકની લાગણી વ્યક્ત કરું છું."

આયોજનના સ્થળની નજીક હજારો દેખાવકારો એકઠા થઈને ભારતીય વડા પ્રધાનનો વિરોધ કરવાનું આયોજન કરી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના મુસ્લિમ સમાજના લોકો છે.

હ્યુસ્ટનમાં લોકોને સંબોધિત કરવાના થોડા દિવસોમાં જ ગૅટ્સ ફાઉન્ડેશન દ્વારા મોદીને સન્માનિત કરાશે. ભારતમાં લાખો શૌચાલયો બનાવવાં અને 'સ્વચ્છ ભારત અભિયાન' માટે તેમનું સન્માન કરાશે.

આ સન્માનને બહાને પણ લોકો કાશ્મીરના મુદ્દે મોદીનો વિરોધ કરી રહ્યા છે.

સામૂહિક હસ્તાક્ષર સાથે સંબંધિત સન્માનને રદ્દ કરવાની માગ કરતી અરજી સીએટસમાં આવેલા બિલ ગૅટ્સનાં વડામથકમાં દાખલ કરાઈ છે.

કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો પર લાગી રહેલા હેરાનગતિના આરોપ અંગે અર્જુન સેઠી કહે છે, "જો તમે એક ઓરડામાં શૌચાલય બનાવો અને બીજામાં એક વ્યક્તિને ત્રાસ આપો તો તમે માનવાધિકારના કોઈ સન્માનને લાયક નથી."

જોકે, ગૅટ્સ ફાઉન્ડેશન સન્માન રદ કરવા માટે તૈયાર નથી. તેના સ્થાપક બિલ ગૅટ્સે 'વૉશિગ્ટન પોસ્ટ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "અમને લાગે છે કે સરકારના આગેવાને સ્વચ્છતા માટે પગલાં લીધાં છે, જે સન્માન આપવા જેવી બાબત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો