Howdy Modi : અમેરિકામાં યોજાનાર નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પાછળની કહાણી

    • લેેખક, રાહુલ ત્રિપાઠી
    • પદ, રાજકીય વિશ્લેષક

જ્યારે તમે ભારતના એક નાનકડાં રાજ્ય ગોવામાં બેસીને દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડા પ્રધાન અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્ર પ્રમુખની મુલાકાત વિશે લખી રહ્યા હો એ ઘણી વિરોધાભાસી સ્થિતિ છે. જોકે, તેમાં અમુક સમાનતાઓ પણ છે.

હ્યુસ્ટનમાં તોફાન અને વરસાદની શક્યતા છે અને બંને નેતાઓની મુલાકાતની ઐતિહાસિક ક્ષણ પણ નજીક છે.

ગોવામાં પણ ભારે વરસાદ અને તોફાન છે. અહીં પણ રાજ્યના યુવાનોએ તાજેતરમાં જ કંઈક ઐતિહાસિક કર્યું છે.

પરંતુ ગોવા વિશે પછી ક્યારેક વાત કરીશું. હાલ વાત છે, હ્યુસ્ટન અને 'હાઉડી મોદી'ની.

હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે 'હાઇડી હ્યુસ્ટન' બન્યું કઈ રીતે? શું આ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતની ઉપસ્થિતિ દર્શાવે છે?

તેનાથી પણ મહત્ત્વની વાત છે કે ભારત-અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે તણાવ છે અને કાશ્મીર મુદ્દે વિવિધ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે ત્યારે આ બની રહ્યું છે.

આવે સમયે અમેરિકામાં ઉઠેલી આ ભારતીય લહેર શું કોઈ નવા પરિણામો લાવશે, કે પછી જેમાં કલ્પનો જ હકીકત લાગે છે અને હકીકત અવાસ્તવિક બની જાય છે તેવા આધુનિક સમયમાં તે ડિજિટલ રાજનીતિનું માત્ર એક નાટક બની રહેશે? તેના પર પુસ્તક લખવાની જરૂર છે, પરંતુ અહીં તેનો સાર છે.

પોત-પોતાની જરુરિયાત

હ્યુસ્ટનમાં જે થઈ રહ્યું છે તે ઇતિહાસમાં પહેલી વખત બની રહ્યું છે તેમાં કોઈ શંકા નથી.

રવિવારે યોજાનારા 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50 હજાર લોકો આવે તેવી શક્યતા છે.

સાથે જ એવું પણ પહેલી વખત બનશે કે અમેરિકાની રાજધાનીથી બહાર કોઈ અન્ય દેશના વડા પ્રધાન સંબોધન કરતા હોય ત્યાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહે.

આ કાર્યક્રમને બંને દેશો વચ્ચેના વધતાં આર્થિક અને સામરિક સંબંધોના પ્રદર્શન તરીકે જોવામાં આવે છે. પરંતુ ડિજિટલ યુગમાં કૂટનીતિનો આ દેખાડો બંધ ઓરડામાં થતી વાસ્તવિક રાજનીતિ સામે નિષ્ફળ જાય છો.

હકીકત એ હોય છે જે બંધ ઓરડામાં નક્કી થાય છે અને તે જ વાસ્તવિકતા છે જે હંમેશા કાયમ અઘરી હોય છે.

અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ માટેની ચૂંટણી યોજાવાની છે ત્યારે ત્યાં ઝડપથી વધી રહેલાં એશિયાઈ સમુદાયથી થનાર ફાયદાને નજર અંદાજ કરી શકાય નહીં.

અમેરિકામાં રહેતા 20 ટકા એશિયાઈ સમુદાયનું વલણ લગભગ ડેમૉક્રેટ્સ તરફી છે. તેમાં ભારતીયો પણ સામેલ છે.

જો આ સમુદાયનો થોડો ટેકો પણ રિપબ્લિકન પાર્ટીને મળે તો તેનાથી ટ્રમ્પને ઘણો ફાયદો થઈ શકે છે.

જોકે, આ અંગે કંઈ પણ કહેવું હજુ ઉતાવળ ગણાશે કારણ કે રાજકારણમાં કંઈ પણ ચોક્કસ રીતે કહી શકાતું નથી.

પોતાના દેશમાં કૉંગ્રેસ મુક્ત ભારતનું અભિયાન ચલાવવાની નરેન્દ્ર મોદીની રાજનીતિ પર વિરોધપક્ષો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને એટલે મોદીને ડોનાલ્ડ ટ્રમ્પની વધુ જરૂરિયાત છે.

તેમની આ રાજનીતિનું સૌથી મોટું ઉદાહરણ ગોવા છે, જ્યાં લગભગ સંપૂર્ણ વિપક્ષ સત્તાધારી પક્ષમાં સામેલ થઈ ગયો છે. આ રીતે લોકોની ભલાઈને નામે હકીકત આભાસી બની ગઈ છે.

સાથે જ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવવાના વિવાદીત નિર્ણય બાદ સરકારને શક્તિશાળી દેશોને પોતાના પક્ષમાં બતાવવાના છે. હ્યુસ્ટનની રાજનીતિ બસ તેની આસપાસ જ ફરે છે.

પરસ્પરની અર્થવ્યવસ્થા

પરંતુ આની પાછળ અર્થવ્યવસ્થા પણ એક કારણ છે.

વધતા સંરક્ષણવાદ વચ્ચે તૂટી રહેલી, મંદ પડેલી અને વેપાર યુદ્ધનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વિશ્વ વેપાર સંગઠન થકી દરેક પક્ષનું ધ્યાન રાખવાની પદ્ધતિ હવે જૂની થઈ ગઈ છે.

દરેકની ભલાઈ માટે વેપારમાં સહયોગ અને સમજૂતીઓને કેટલી ઉદાર બનાવી શકાય છે એવી નીતિઓથી હવે કોઈ જ ફરક નથી પડતો કેમ કે આજના સમયમાં પોતાના હિતો જોતાં દ્વિપક્ષીય સંબંધો જ હકીકત બની ગયા છે.

જોકે, એવું નથી કે તે વિશ્વની આર્થિક સંસ્થાઓની જગ્યા લઈ લેશે. એ એવી સંસ્થાઓ છે જેમણે 'અરાજક' આંતરરાષ્ટ્રીય પરંપરાઓમાં સ્થિરતા લાવવાની થોડીક કોશિશ કરી છે. પરંતુ, વ્યવહારુ દ્વિપક્ષીય સંબંધ જ હકીકત બનવા જઈ રહ્યા છે જે અલગ- અલગ મુદ્દા પ્રમાણે બદલાઈ શકે છે.

અમેરિકા અને ચીન વેપાર યુદ્ધની સ્થિતિમાં પહોંચી ગયા પણ બંનેને જ્યારે મોટા નુકશાનની આશંકા દેખાવા લાગી કે નરમ પડવા માંડ્યા.

આવી જ સ્થિતિ ભારત અને અને અમેરિકા વચ્ચે પણ છે. ડૅટા સુરક્ષા કાયદાને લઈને ખેંચતાણ છતાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ હજી પણ યથાવત છે.

અર્થવ્યવસ્થાઓ જોડાયેલી હોવાને કારણે હવે દરેક દેશોને એકબીજાની જરૂર છે એ વાતથી ઉદાર મત ધરાવતા લોકો રાહત અનુભવી શકે છે.

જો ભારતની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ભારતીયોમાં આશા અને અપેક્ષા પેદા કરવાની ક્ષમતા બતાવી છે.

આ ક્ષમતા હકીકતમાં ત્યારે જ ફેરવાશે જ્યારે તેઓ પોતાના 'સબ કા સાથ સબકા વિકાસ'ના નારાને લાગુ કરી શકે અને ભારતના મૂળ વિચારને ખતમ કરી રહેલી નફરતની રાજનીતિને દૂર કરી શકશે તો ત્યારે જ આ ક્ષમતા હકીકતમાં ફેરવાઈ શકે.

તેમની પાસે એવું કરવા માટે હજુ સમય છે અને તેઓ ઇતિહાસ રચી શકે છે. એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવા માટે અપ્રવાસીઓના મતની જરૂર લાગી રહી છે અને તેને લઈને તેઓ નવી જાહેરાતો કરી શકે છે.

આ રીતે 'હાઉડી મોદી' બંને દેશો સમાન ઝોક ધરાવતી એક મૅચ છે જે કોઈ પણ દિશામાં જઈ શકે છે.

આ બંને દેશોને ઘસાઈ ગચેલી જૂની પદ્ધતિથી આગળ દ્વિપક્ષી, ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે સ્થિરતના મહત્ત્વના યુગમાં લઈ જઈ શકે છે કે પછી ફરીથી ઝઘડા અને અરાજકતાને પ્રોત્સાહન મળી શકે છે. આનો બધો આધાર બેઉ દેશોના નેતાઓ શું પસંદ કરે છે તેના પર રહેલો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો