You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ #HowdyModi આખરે શું છે?
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ટેક્સાસમાં 22 સપ્ટેમ્બરના રોજ એક વિશેષ કાર્યક્રમમાં એકબીજાને મળશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય 'વ્હાઇટ હાઉસ'એ આ અંગે જાણકારી આપી છે.
આ કાર્યક્રમને 'હાઉડી, મોદી' નામ આપવામાં આવ્યું છે. 'હાઉડી' અમેરિકામાં મિત્રો માટે પ્રચલિત અભિવાદન છે.
વ્હાઇટ હાઉસે કહ્યું છે, "આ બન્ને દેશોના લોકો વચ્ચે મજબૂત સંબંધ પર ભાર આપવા, દુનિયાના સૌથી જૂનાં અને સૌથી મોટાં લોકતંત્રો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પુષ્ટ કરવા તેમજ ઊર્જા અને વેપારી સંબંધોની મજબૂતી અંગે વિચાર કરવાનો અવસર હશે."
દાવો કરવામાં આવી રહ્યો છે કે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં પચાસ હજાર ભારતીય- અમેરિકી લોકો સામેલ થશે.
આયોજકોનું કહેવું છે કે આ અમેરિકામાં કોઈ વિદેશી નેતાના કાર્યક્રમમાં આવનારી સૌથી મોટી ભીડ હશે.
અમેરિકામાં પણ આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે અને ટ્રમ્પ પણ ભારતીય-અમેરિકીઓને લલચાવવાનો પ્રયાસ કરશે.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિનું આ ખાસ વલણ અમેરિકા અને ભારત વચ્ચે વિશેષ મિત્રતાનું પ્રતીક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું છે કે ટ્રમ્પ આ કાર્યક્રમમાં આવવાના છે તેનાથી તેઓ ખૂબ ખુશ છે અને ભારતીય મૂળના લોકો સાથે તેમનું સ્વાગત કરવાની આશા રાખે છે.
તેમણે એમ પણ લખ્યું છે કે આ ભારતીય સમાજના અમેરિકી સમાજ અને અર્થવ્યવસ્થામાં યોગદાનને પણ દર્શાવે છે.
સોમવારે સવારથી ટ્વિટર પર #HowdyModi અને Houston ટ્રૅન્ડ થઈ રહ્યું છે.
મે મહિનામાં ફરી વડા પ્રધાન તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત અમેરિકામાં આ પ્રકારના કાર્યક્રમનો ભાગ બનવાના છે.
આ પહેલાં વર્ષ 2014માં ન્યૂયૉર્કના મેડિસન સ્ક્વૅરમાં બે કાર્યક્રમ યોજાયા હતા જ્યારે વર્ષ 2016માં સિલિકૉન વેલ્લીમાં એક કાર્યક્રમ થયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ અને મોદી વચ્ચે આ વર્ષની ત્રીજી મુલાકાત હશે. બન્ને નેતા ગત મહિને ફ્રાન્સમાં જી-7 સંમેલન દરમિયાન મળ્યા હતા.
જણાવવામાં આવે છે કે પહેલાં અમેરિકી હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ અને સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ સહિત ગવર્નરોનું એક પ્રતિનિધિમંડળ, અમેરિકી કૉંગ્રેસના સભ્ય, મેયર અને અધિકારીઓ આ કાર્યક્રમમાં સામેલ થશે.
કેટલીક ભારતીય મીડિયા સંસ્થાઓનું કહેવું છે કે આ દરમિયાન કોઈ મોટી વેપાર સમજૂતીની જાહેરાત પણ થઈ શકે છે.
એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે ટ્રૅડ ટેરિફમાં વધારાના કારણે બન્ને દેશોના સંબંધમાં જે કડવાશ ભેળવાઈ હતી તેનો પણ અંત આવી શકે છે.
બ્લૂમબર્ગમાં છપાયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ પર અમેરિકાના ગૅસ ઉત્પાદકો પણ મીટ માંડીને બેઠા છે.
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારત અમેરિકા પાસેથી વધારે ગૅસ ખરીદવા પર સહમત થઈ શકે છે.
બ્લૂમબર્ગે લખ્યું છે કે ભારત પહેલાં જ અમેરિકાના તરલ નેચરલ ગૅસનું છઠ્ઠુ સૌથી મોટું ખરીદદાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો