TOP NEWS: ગુજરાતમાં હજુ પણ ચોમાસું યથાવત, આ જિલ્લામાં વરસાદની આગાહી

અરબ સાગરમાં રચાયેલા હળવા દબાણને કારણે દેશના પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાનવિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે અતિ ભારે તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 122 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં ચોમાસું અંત તરફ જતું હોય છે પરંતુ આ વર્ષે હજુ ચોમાસાએ વિદાય લીધી નથી.

જીએસટી કાઉન્સિલે હોટલપર કર ઘટાડ્યો, કૅફિન પર વધાર્યો

કૉર્પોરેટ કંપનીઓને કરમાં રાહત આપ્યા બાદ શુક્રવારે મોદી સરકારે અન્ય કેટલાક ઉદ્યોગોને જીએસટીમાં રાહત આપી છે.

ગોવામાં યોજાયલી જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં લેવાયેલા કેટલાક મોટા નિર્ણયોના ભાગરૂપે હવે હોટલમાં ઓરડો ભાડે રાખવો સસ્તો થશે.

સાથે જ વાહનઉદ્યોગને પણ કરમાં રાહત આપવામાં આવી છે. સામે કૅફિનના પદાર્થો પર અને ટ્રેન પરનો કર વધારી દેવાયો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વહાણો, તેનાં ઈંધણ અને ગ્રાઇન્ડર જેવાં ઉત્પાદનોને પણ જીએસટીમાં છૂટ આપવામાં આવી છે.

હોટલ પરનો જીએટસી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. તેમજ 7500થી વધુ ભાડું ધરાવતા ઓરડા પરનો જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

જ્યારે 1000 રૂપિયાથી ઓછું ભાડું ધરાવતા ઓરડાના ભાડામાં કોઈ જીએસટી નથી લગાવાયો. કૅફિન પર કુલ 40 ટકા જીએસટી લગાવાયો છે.

46 દિવસે મહબૂબા મુફ્તીનું ટ્વિટર હૅન્ડલ ઍક્ટિવ થયું

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 રદ થયા પહેલાં ત્યાં ઇન્ટરનેટની સુવિધા અટકાવી દેવામાં આવી હતી.

એનડીટીવીના અહેવાલ મુજબ આ ઘટનાના દોઢ મહિના બાદ કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહબૂબા મુફ્તીનું ટ્વિટર હૅન્ડલ ઍક્ટિવ થયું છે.

તેમનાં પુત્રી પુત્રી ઇલ્તિજાએ એ હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું, 'હવે હું તેમની (મહબૂબા મુફ્તી)અનુમતીથી તેમના એકાઉન્ટ પરથી ટ્વીટ કરી રહી છું.'

તેમણે ટ્વીટ કર્યું કે 'કાશ્મીરનાં પૂર્વ સીએમ મહબૂબા મુફ્તી 5 ઑગસ્ટથી કેદમાં છે. તેથી તેઓ આ એકાઉન્ટ હૅન્ડલ કરી શકતાં નથી. તેમની અનુમતીથી હું આ એકાઉન્ટ હૅન્ડલ કરી રહી છું.'

તેમણે ભારત સરકારના ગૃહસચિવ અને જમ્મુ-કાશ્મીર સરકારના ગૃહસચિવને લખેલા પત્રોની તસવીરો પણ ટ્વિટર પર શૅર કરી છે અને કહ્યું છે કે હું હજુ આ પત્રોના જવાબની રાહ જોઉં છું.

ઇજિપ્તમાં રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ દેખાવો

ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ ફતાહ-અલ-સીસીએ વર્ષ 2014માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત વિરોપ્રદર્શનોનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે થયેલાં દેખાવોમાં લોકોને વિખેરવા માટે તેમના પર આંસુ ગૅસ છોડવામાં આવ્યો.

શુક્રવારે વર્ષ 2011ની ઇજિપ્તની ક્રાંતિ માટે જાણીતા કૈરોના તહેરીર સ્ક્વેર પર લોકો રાષ્ટ્રપ્રમુખના રાજીનામાની માગ સાથે એકઠા થયા.

દેશનાં અન્ય શહેરોમાં પણ આવાં પ્રદર્શનો યોજાયાં. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી પણ લોકો રસ્તાઓ પરથી હઠ્યા નહીં.

સીસીની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ છે.

ઇજિપ્તના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેતા મહમદ અલીએ એવા વીડિયો શૅર કર્યા છે, જેમાં નેતાઓ વિલાસી જીવન જીવી રહ્યા હોય અને ઇજિપ્તની જનતા ગરીબીમાં સબડી રહી હોય.

રાષ્ટ્રપ્રમુખ અલ-સીસીએ આ આરોપોને જૂઠા અને નિંદનીય ગણાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો