Howdy Modi : નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ અંગે હ્યુસ્ટનમાં લોકો શું કહી રહ્યા છે?

    • લેેખક, સલીમ રિઝવી
    • પદ, ટેકસાસથી, બીબીસી ગુજરાતી માટે

'હાઉડી મોદી' નામના કાર્યક્રમ માટે આશરે 60 હજાર લોકોએ ટિકિટ ખરીદી છે અથવા વેઇટિંગમાં છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકાના ટેકસાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાના છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મોદીના આ કાર્યક્રમમાં ભાગ લેશે. પાછલા ત્રણ મહિનાની અંદર મોદી અને ટ્રમ્પની આ ત્રીજી મિટિંગ હશે.

આ પહેલાં જૂનમાં જી20 દેશોની બેઠક દરમિયાન અને ઑગસ્ટ મહિનામાં જી7 બેઠક વખતે પણ બંને વચ્ચે મુલાકાત થઈ હતી.

બંને દેશો વચ્ચે સંબંધ ખૂબ મજબૂત છે પરંતુ હાલ વ્યાપાર સંબંધિત બાબતોમાં થોડોક તણાવ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે મોદી અને ટ્રમ્પ આ વખતે મળશે ત્યારે તેઓ વેપારી સંબંધો પર વાત કરશે.

કાર્યક્રમની તૈયારી

'હાઉડી મોદી' કાર્યક્રમની તૈયારીઓ પુરજોશથી ચાલુ છે. હ્યુસ્ટનમાં 5000 વૉલન્ટિયરો એનએસજી એરિનાની સજાવટમાં લાગેલા છે.

હ્યુસ્ટનમાં રહેનાર ભારતીય મૂળના લોકોમાં મોદીના આ કાર્યક્રમને લઈને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારતીય મૂળના વિશ્વેશ શુક્લા હ્યુસ્ટનમાં રહે છે. તેઓ અને તેમના મિત્રો મોદીના કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે.

શુક્લા કહે છે, "બહુ ઉત્સાહ છે. અમે બધા એનઆરજી એરિનામાં જવા માટે પોતાના પ્રવેશ પાસની રાહ જોઈ રહ્યા છીએ. ટ્રમ્પ આવી રહ્યા છે એટલે અમારો ઉત્સાહ વધી ગયો છે. લોકો માની રહ્યા છે કે કાર્યક્રમ જોરદાર રહેશે. લોકો તેની રાહ જોઈ રહ્યા છે."

અમેરિકાનાં અન્ય શહેરોથી પણ લોકો હ્યુસ્ટન આવવાની તૈયારી કરી રહ્યા છે.

ખર્ચ અને 5000 વૉલન્ટિયર

કેટલાક એવા લોકો પણ હ્યુસ્ટનમાં રહે છે જે મોદીની નીતિઓ સાથે સહમત નથી એટલે અથવા ખાનગી કારણોસર કાર્યક્રમમાં નથી જવાના.

હ્યુસ્ટનમાં રહેતા ભારતીય મૂળનાં અમેરિકન મહિલા આભા વૈચારિક મતભેદના કારણે કાર્યક્રમમાં નથી જવાનાં

હાઉડી મોદી કાર્યક્રમ વિશે તેઓ કહે છે, "કાર્યક્રમ મોટા પાયે કરવામાં આવી રહ્યો છે અને આખા એરિનાને તંબૂથી ઢાંકવામાં આવી રહ્યો છે. પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે."

"પાંચ હજારથી વધુ વૉલન્ટિયર કામમાં લાગેલા છે. એક પ્રકારે શોની તૈયારી થઈ રહી છે, લોકો માટે આ મફતનું આકર્ષણ છે."

ત્યાં જ એક અન્ય મહિલા ભાવના એ વાતને લઈને પરેશાન છે કે વૃદ્ધ પરિવારજનો અને બાળકોને લઈને ભીડમાં કેવી રીતે જવાશે.

ભાવના કહે છે "સવારના સમયે ત્યાં ડાઉનટાઉનના વિસ્તારમાં બહુ ટ્રાફિક હોય છે અને બહુ સમય લાગી જતો હોય છે. પાર્કિંગની પણ સમસ્યા હોય છે. વૃદ્ધ લોકો અને બાળકોને સાથે લઈ જવા મુશ્કેલ હોય છે."

હાઉડી મોદીમાં સામેલ થવા જઈ રહેલા લોકો દેશના વિકાસ અને સરકારની નીતિઓ વિશે મોદી પાસેથી જ સાંભળવા માગે છે.

એ સાથે તેઓ એવું પણ ઇચ્છે છે કે હવે મોદી કાળાં નાણાંને પરત ભારતમાં લાવવા માટે પગલાં લે.

હ્યુસ્ટનમાં રહેતા ભારતીય મૂળના કાંતિભાઈ પટેલ કહે છે કે "અમે સાંભળવા માગીએ છીએ કે કાળુંનાણું પરત લાવવા માટે મોદીજી શું કહે છે. અમે બધા ઇચ્છીએ કે કાળુંનાણું દેશમાં પાછું લાવવા માટે પગલાં લેવામાં આવે."

હ્યુસ્ટનમાં રહનારા મુસ્લિમ પણ ભારતના વડા પ્રધાનના કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે અને તૈયારીનો પણ ભાગ બની રહ્યા છે.

શહેરની એક મુસ્લિમ સંસ્થા મુસ્લિમ્સ ઍસોસિએશન ઑફ ગ્રેટર હ્યુસ્ટનના લતાફત હુસૈન કહે છે, "અમુક લોકો વિરોધ કરવા માગે છે અને અમુક લોકો કહે છે કે બેસીને વાત કરવી જોઈએ."

"અમે લોકો મોદીજી સાથે વાત કરવા માગીએ છીએ કે ભારતમાં લધુમતીઓ સાથે જે થઈ રહ્યું છે તે બાબતે ઘણું કામ કરવું પડશે, ખાસ કરીને સુરક્ષાને લઈને. અમે આ બાબતે મોદીજીને એક આવેદનપત્ર આપીશું."

મુસ્લિમોનો ઉત્સાહ અને સવાલ

લતાફત હુસૈન કહે છે કે તેમની સંસ્થાના અમુક લોકો હાઉડી મોદી કાર્યક્રમની વ્યવસ્થામાં ભાગ લઈ રહ્યા છે.

લતાફત હુસૈન પોતે અમેરિકામાં ડેમૉક્રેટિક પાર્ટીના સમર્થક છે.

તેઓ કહે છે "અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાઉડી મોદીમાં સામેલ થવાના છે એ ભારત માટે ગૌરવની વાત છે."

લતાફત હુસૈનને આશા છે કે બંને નેતા આ કાર્યક્રમ દરમિયાન મળશે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને ચાલી રહેલો તણાવ ઓછો થશે.

અમેરિકામાં 77 ટકા ભારતીય મૂળના લોકો ડેમૉક્રેટિક પાર્ટીને વોટ આપતા હોય છે એટલે 2020ની ચૂંટણીને નજરમાં રાખીને ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

કેટલાક આને અમેરિકાના અલગ-અલગ રાજ્યોના ભારતીય મૂળના આશરે 20 લાખ વોટરોને આકર્ષિત કરવાનો પ્રયત્ન પણ ગણાવે છે.

આયોજકોમાં સામેલ એક ભારતીય અમેરિકન સંસ્થા ટેક્સાસ ઇન્ડિયા ફોરમે આપેલા એક નિવેદનમાં કહ્યું, "અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે અમેરિકાની ડેમૉક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીઓના સંસદસભ્ય, કેટલાક પ્રાંતના ગવર્નર અને કેટલાક મેયર તથા અન્ય અધિકારી પણ આ કાર્યક્રમમાં સામેલ થવાના છે."

હ્યુસ્ટનમાં નરેન્દ્ર મોદી સામે વિરોધપ્રદર્શનનું પણ આયોજન પણ કરવામાં આવી રહ્યું છે જેમાં હજારો લોકો સામેલ થઈ શકે તેવી શક્યતા છે.

નરેન્દ્ર મોદીનો વિરોધ

કાશ્મીર અને લઘુમતી પ્રત્યે મોદી સરકારની નીતિના મામલે મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી શકે એમ છે. આમાં શીખ સમુદાય અને પાકિસ્તાની મૂળના લોકો પણ સામેલ થઈ શકે છે.

પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલો વિશેષ દરજ્જો પરત ખેંચવામાં આવ્યો હતો અને ત્યારથી ત્યાં આ બાબતે તણાવ છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનમાં 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં મહાસભાના વાર્ષિક અધિવેશનમાં ભાગ લેવા અમેરિકા આવશે.

સંયુક્ત રાષ્ટ્રમાં તેઓ 27 સપ્ટેમ્બરે મહાસભામાં સંબોધન કરશે. તે દિવસે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ મહાસભાને સંબોધન કરશે.

ઇમરાન ખાને કહ્યું કે તે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરની પરિસ્થિતિ પર ભાર મૂકશે. પરંતુ ભારતનું દુનિયાનું સ્પષ્ટ કહેવું છે કે કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ખેંચવો એ ભારતની આંતરિક બાબત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયૉર્કમાં ઘણા દેશોના નેતાઓને મળશે. મોદી ન્યૂયૉર્કમાં બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને પણ સંબોધન કરશે અને ગૅટ્સ ફાઉન્ડેશન પણ તેમને સન્માનિત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો