કાશ્મીર મુદ્દે જગતનું ધ્યાન ખેંચવા પાકિસ્તાન શિમલા કરારને હથિયાર બનાવશે?

    • લેેખક, હારુન રશીદ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, ઇસ્લામાબાદ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ચેતવણી આપી છે કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો અને અસહમતીનું દમન કરવાથી દુનિયામાં મુસ્લિમોમાંનો ઝોક ઉગ્રવાદ તરફ ઢળશે.

ઇમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન પ્રશાસિત કશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક સભાને સંબોધન કર્યું હતું. આ સભા ભારત પ્રશાસિત કાશ્મીરનાં લોકો સાથે એકતા દર્શાવવા માટે યોજવામાં આવી હતી.

ઇમરાન ખાને આક્ષેપ કર્યો છે કે 'ખીણમાં ભારતીય સૈનિકો અત્યાચાર કરી રહ્યા છે'. પોતાના ભાષણમાં ઇમરાન ખાને અન્ય પણ ઘણી કડક વાતો કરી.

હકીકતમાં જ્યારથી ભારતે કાશ્મીરનો અનુચ્છેદ 370 અંતર્ગત મળતો ખાસ દરજ્જો રદ કર્યો છે ત્યારથી પાકિસ્તાન આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઇમરાન ખાન પહેલાં જ જાહેરાત કરી ચૂક્યા છે કે શુક્રવારે ભારત પ્રશાસિત કશ્મીરના લોકો સાથે એકતા પ્રદર્શન કરવામાં આવશે.

આના ભાગરૂપે તેઓ શુક્રવારે મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. પ્રદર્શનને મોટું સ્વરૂપ આપવા માટે તેમણે પાકિસ્તાનના ટીવી અને ફિલ્મોની હસ્તીઓને પણ આમંત્રણ આપ્યું હતું. આ પ્રદર્શનમાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી પણ જોડાયા હતા.

ઇમરાન ખાનની મોટી વાતો

ઇમરાન ખાન ઘણો મોટો શો કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે કે પાકિસ્તાન ભારત પ્રશાસિત કાશ્મીરના લોકોની સાથે છે.

તેનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાન પર આરોપ છે કે તે મૌન છે અને કંઈ કરતું નથી.

તેથી કૂટનીતિના મંચ પર જે થઈ રહ્યું છે તે ઉપરાંત દર શુક્રવાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનો ચાલું રહે તેવા તેમના પ્રયત્નો છે.

ઉગ્રવાદને લઈને પાકિસ્તાન પોતે જ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સવાલોથી ઘેરાયેલું છે. તેમ છતાં ઇમરાન ખાને કેટલીક એવી વાતો કહી, જેનાથી જણાયું કે તેઓ જોખમ ઉઠાવી રહ્યા છે.

પ્રદર્શનમાં આવેલાં યુવાનોને ઇમરાન ખાને પૂછ્યું કે શું તમે નિયંત્રણ રેખા પાસે જવા ઇચ્છો છો? લોકોનો હકારાત્મક જવાબ મળતાં તેમણે કહ્યું, 'હું તમને કહીશ કે ક્યારે જવાનું છે.'

આ નિવેદનને ઘણાં લોકો એ રીતે પણ લઈ શકે છે કે ઇમરાન ખાનનો સંકેત ખીણમાં પ્રૉક્સી વૉર તરફ છે અને જ્યારે પાકિસ્તાનની સરકાર ઇચ્છે તો આ દાવ પણ રમી શકે છે.

બની શકે કે તેમને આ નિવેદન અંગે પ્રશ્ન પૂછાય તો તેમને જવાબ આપવામાં મુશ્કેલી થાય.

અત્યાર સુધી પાકિસ્તાન સરકારની અધિકૃત નીતિ તો એવી રહી છે કે સરકાર ઉગ્રવાદની મદદ લેશે નહીં, પરંતુ શુક્રવારના ભાષણ પરથી એવું જ લાગે છે કે તેઓ ભારતને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે અને એવું સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે તેમની પાસે હજુ આ પત્તું પણ છે.

જ્યાં સુઘી આંતરરાષ્ટ્રીય સમુદાયની વાત છે તો ઇમરાન ખાન વધુ કંઈ કરી શક્યા નથી અને પાકિસ્તાનના પ્રયત્નોની પણ કોઈ ખાસ અસર થઈ નથી.

આર્થિક હિતો પહેલાં

પાકિસ્તાનના અધિકારી પણ માને છે આ મુદ્દે મુસ્લિમ દેશો તરફથી અપેક્ષા મુજબનું સમર્થન નથી મળી શક્યું અને દરેક દેશો પોતાના આર્થિક હિતો જોઈ રહ્યા છે, કોઈ પાકિસ્તાનની વાત સાંભળતું નથી.

તેથી આ પ્રદર્શનોથી અન્ય દેશોના વલણમાં કોઈ ફરક પડે એવી આશા પણ બહુ ઓછી છે. કદાચ હિંસાની શંકા ઊભી થવાથી તેમના વલણમાં ફેરફાર થઈ શકે છે, જેનો ઇમરાન ખાને પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે એક વખત ભારત પોતાને ત્યાંથી કર્ફ્યુ હઠાવે અને જુએ કે કેવું પરિવર્તન આવે છે. તેમણે ચેતવણી આપી કે ત્યાં ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

કાશ્મીરમાં 370ની નાબૂદીના ભારતના નિર્ણય પછી પાકિસ્તાને ભારત સાથે તમામ વેપારી સંબંધો તોડી નાખ્યા હતા. જોકે, થોડાં દિવસો પછી તરત જ કેટલાક સંબંધો ચાલું રાખવાનો નિર્ણય લીધો.

આ દરમિયાન કરતારપુર કૉરિડોર મુદ્દે પણ બંને દેશો તરફથી વાતચીત આગળ વધી.

એક દૃષ્ટિએ જોતાં જો બંને દેશો વચ્ચે કોઈ બાબત પર સૌથી વધુ અસર થઈ હોય તો એ છે કે સમઝૌતા એક્સપ્રેસ બંધ થઈ ગઈ, બસ સેવા થંભી ગઈ, પરંતુ આર્થિક મોરચે કોઈ ખાસ અસર દેખાતી નથી.

પાકિસ્તાનની નીતિમાં આ જ વિરોધાભાસ દેખાય છે કે ટ્રેન અને બસ નથી ચાલવા દેતા પરંતુ કરતારપુર કૉરિડોર નવેમ્બરમાં ખુલી જાય તેવી વાત થાય છે.

પાકિસ્તાનમાં પ્રતિક્રિયા

લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે પાકિસ્તાન આ કેવી નીતિ અપનાવી રહ્યું છે અને ભારત પર કઈ રીતે દબાણ ઊભું કરવા માગે છે?

પાકિસ્તાન સરકારનું કહેવુ છે કે કરતારપુર સાહેબનો મુદ્દો અલગ છે અને બાકીના મુદ્દા અલગ છે, પરંતુ એ વાત સામાન્ય લોકોને સમજાતી નથી.

ટીકાકારોનું કહેવુ છે કે જો ભારત સાથે વેપાર શરૂ થઈ જાય તો ભારત પર દબાણ વધારવા શું બચશે?

પાકિસ્તાને પોતાના હવાઈક્ષેત્રને ભારત માટે બંધ કરવાની વાત કહી હતી. પરંતુ તે પણ લોકોને માત્ર ધમકી લાગે છે કારણ કે હજુ સુધી તેના પર કોઈ અમલ કરવાનો ઇરાદો જણાતો નથી.

આનાથી એવું લાગે છે કે પાકિસ્તાન સરકાર પોતાની પહેલેથી ખરાબ આર્થિક સ્થિતિ પર અવળી અસર કરે એવા આર્થિક નિર્ણયો લેવા જ નથી માગતી.

ઇમરાન ખાન સરકાર આ મુદ્દાને એ હદ સુધી વધારવા માગે છે કે દુનિયા જોઈ શકે કે પાકિસ્તાન કંઈક કરી રહ્યું છે પરંતુ તે પોતાના આર્થિક હિતોને નુકસાન પણ નથી કરવા માગતા.

જ્યાં સુધી પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના લોકોની વાત છે તો ત્યાં બહુમતી લોકો પાકિસ્તાનની નીતિના સમર્થક છે. પરંતુ કેટલાંક સ્વતંત્રવાદી લોકોએ તાજેતરમાં દિવસોમાં ઘરણાં કરવાની અને એલઓસી તરફ કૂચ કરવાની કોશિશ કરી હતી.

પોલીસે તેમાંથી 38 લોકોની ધરપકડ કરી લીધી હતી. તેઓ હજુ કેદ છે અને કેટલાક લોકોએ ચેતવણી આપી છે કે જો તેમને છોડવામાં નહીં આવે તો ફરી વિરોધ પ્રદર્શન શરૂ કરશે.

ત્યાં પણ એક નાનો સમૂહ છે જે પાકિસ્તાનની નીતિઓથી ખુશ નથી. તેમને લાગે છે કે પાકિસ્તાન કૂટનીતિ કે આર્થિક, એક પણ મોરચે ભારત પર દબાણ વધે એવા પગલાં નથી લેતું.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે તૈયારી

આવનારા સમયમાં સંયુક્ત રાષ્ટ્રમહાસભાની બેઠક યોજાવાની છે. ઇમરાન ખાન ત્યાં ભાષણ આપશે અને આ મુદ્દો ઉઠાવશે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વિરોધ પ્રદર્શનો તે અગાઉનો માહોલ બનાવવા માટે છે.

બની શકે કે તેઓ કોઈ મોટી જાહેરાત કરે, લોકોને આશા છે તેઓ આવું કરશે અને ભારત મુશ્કેલીમાં મૂકાય તેવા પગલાં લેશે.

અત્યારે તો એવું લાગે છે કે કૂટનૈતિક મોરચે લડાઈ ચાલી રહી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શુક્રવારે સંસદમાં નિવેદન આપ્યું છે કે ભારત ઘણું બૅકફૂટ પર છે, પહેલી વખત એવું થયું છે કે ભારત દબાણમાં આવી ગયું છે.

જોકે, પાકિસ્તાનના દાવાઓથી અલગ ભારત દબાણમાં હોય એવો કોઈ સંકેત મળ્યો નથી.

તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં અસ્થિરતા લાવવા પ્રયત્નો કરી રહ્યું છે.

શિમલા કરારનું શું થશે?

આ નિવેદન અંગે પાકિસ્તાનમાં ઘણી ચર્ચા છે. ખરેખર ભારત એ જોવા માગે છે કે પાકિસ્તાન આ મુદ્દે શું પ્રતિભાવ આપે છે. જોકે, ભારતને ડર પણ છે કે જો કર્ફ્યુ હઠ્યો તો પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયત્નો થઈ શકે છે.

કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં તે અંગે તો પ્રતિબંધો હઠે પછી જ ખ્યાલ આવશે કારણ કે હજુ સુધી તો દુનિયાને ત્યાંથી કોઈ માહિતી મળતી નથી.

બંને દેશો જાણે છે કે શિમલા કરાર હેઠળ થયેલી દ્વિ-પક્ષીય મંત્રણાઓનું આજ સુધી કોઈ જ પરિણામ આવ્યું નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન શિમલા કરારને ખતમ કરવાની મોટી જાહેરાત કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972માં આ સમજૂતી થઈ હતી.

જો એ જાહેરાત થાય છે તો કદાચ આંતરરાષ્ટ્રીય સંગઠનો આ મદ્દા તરફ ધ્યાન આપશે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે એવું માનવામાં આવે છે કે શિમલા સમજૂતીના કારણે જ બંને દેશો હજુ સુધી એક બીજાને નિયંત્રણમાં રાખી શક્યા છે અને ત્યારબાદ કોઈ યુદ્ધ થયું નથી.

જો આ પ્રકારની કોઈ સમજૂતી રહેશે જ નહીં તો આ ક્ષેત્રમાં યુદ્ધનું જોખમ વધી જશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.તેમાં રહેલાં તથ્યો અને વિચાર બીબીસીના નથી અને બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો