You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં હિંદુ યુવતીના મૃત્યુ કેસમાં ન્યાયિક તપાસના આદેશ
- લેેખક, રિયાઝ સુહૈલ
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, કરાચી
પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના શહેર લરકાના સ્થિત ડેન્ટલ કૉલેજમાં હિંદુ વિદ્યાર્થિની નિમરિતાનું મૃત્યુ થયું, આ મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવ્યું.
જોકે પરિવારજનોએ આ માનવાનો ઇનકાર કર્યો હતો અને પરિવારની માગ બાદ ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાથમિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે નિમરિતાના ગળા પર નિશાન પણ હતાં પણ તેમનું મૃત્યુ કયા કારણથી થયું એની પુષ્ટિ અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.
નિમરિતા લરકાનામાં બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીની આસિફા બીબી ડેન્ટલ કૉલેજનાં વિદ્યાર્થિની હતાં, હૉસ્ટેલના રૂમ નંબર ત્રણમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો.
એસએસપી લરકાના મસૂદ બંગશે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે પોસ્ટમૉર્ટમ વખતે નિમરિતાના ભાઈ હાજર હતા.
તેમણે એવું પણ કહ્યું કે ઘટના ઘટી ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. આમ છતાં આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી હતી.
તેમણે જણાવ્યું કે તપાસ પૂર્ણ થવામાં બે-ત્રણ દિવસ લાગી શકે છે.
બીજી તરફ નિમરિતાના ભાઈ ડૉ.વિશાલ ચંદાનીએ શરૂઆતી રિપોર્ટને ફગાવી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે તેમની સામે તપાસ કરી રહેલા અધિકારીઓએ લખ્યું હતું કે બન્ને હાથ અને પગ પર ઈજાનાં નિશાન હતાં, પણ પ્રાથમિક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ નથી.
વિશાલે કહ્યું, "તેમણે 11-12 વાગ્યે રિપોર્ટ આપવાનું કહ્યું હતું પણ પાંચ વાગ્યા પછી અમને રિપોર્ટ મોકલ્યો. રિપોર્ટમાં લખ્યું છે કે વી-શેપ નિશાન છે."
"મારી પાસે એક્સ-રે છે, જેમાં કાળા રંગનું નિશાન સ્પષ્ટ દેખાય છે. એટલે અમે રિપોર્ટથી બિલકુલ પણ સંતુષ્ટ નથી. ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ."
આ દરમિયાન બુધવારની રાત્રે કરાચીમાં હિંદુ સમુદાય દ્વારા નિમરિતાનાં મૃત્યુની તપાસની માગ અંગે પ્રદર્શન કરવામાં આવ્યાં.
પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા માટે સિંધ પ્રાંતના મંત્રી મુકેશ ચાવલા પહોંચ્યા હતા પણ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદ અલી સાહ તેમની સાથે વાત ન કરે અને ન્યાય મળશે એવી બાંયધરી ન આપે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.
મુકેશ ચાવલા સાથે પછી પ્રાંતીય સલાહકાર મુર્તઝા વહાબ પણ પહોંચ્યા અને પ્રદર્શનકારીઓને બાંયધરી આપી કે હૉસ્ટેલના વૉર્ડનને સસ્પેન્ડ કરવામાં આવશે અને કુલપતિને કારણદર્શક નોટિસ આપવામાં આવશે.
તેમણે ઘટનાની ન્યાયિક તપાસ કરવાની માગને પણ સ્વીકારી છે.
આ પહેલાં બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અનિલા ઉતાઉર્રહમાને મંગળવારે નિમરિતાના પરિવારની મુલાકાત લઈને શોક વ્યક્ત કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો