જ્યારે પાકિસ્તાનમાં હિંદુ ધારાસભ્યએ કહ્યું 'ધર્મને નામે અમારી દીકરીઓ પર બળાત્કાર ન કરો'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓનાં અપહરણની ઘટનાઓમાં ફરીથી વધારો થયો છે અને આ મામલે વિધાનસભા અને રાષ્ટ્રની સંસદમાં લઘુમતી સમુદાયે ધા નાખી છે.

સિંધની વિધાનસભામાં તાજેતરમાં જ આવાં કથિત અપહરણો અને બળજબરીપૂર્વક ધર્મપરિવર્ત મામલે ઠરાવ પસાર કરવામાં આવ્યો અને સ્પીકરે ધાર્મિક બાબતોની સમિતિને આ મામલે જ સંસદીય સમિતિની તત્કાલ રચના કરવા આદેશ આપ્યો.

સિંધની વિધાનસભામાં પસાર કરાયેલો ઠરાવ પ્રાંતના ગવર્નરને મોકલવામાં આવ્યો પણ તેમણે આ મામલે કેટલાંક સૂચનો આપી ઠરાવ વિધાનસભાને પરત કરી દીધો.

આમ સિંધમાં આ મામલે ઠરાવ પસાર ન થઈ શક્યો જોકે, ગૃહ દ્વારા ફરીથી આ મામલે ઠરાવ પસાર કરાયો.

ગવર્નરે આપેલાં સૂચનો મામલે સિંધની સંસદમાં મુસ્લિમ લિગ-ફંકશનલ ઍસેમ્બલીના લઘુમતી સભ્ય નિર્મળ કુમાર ગોકલાણીએ સુધારા કર્યા.

આ અંગેના ઠરાવમાં 'હિંદુ યુવતીઓ' શબ્દ હઢાવી માત્ર 'યુવતીઓ' શબ્દ જ લખવામાં આવ્યો.

'પાકિસ્તાની હિંદુઓ પણ મુસ્લિમ જેટલા જ દેશપ્રેમી'

ગોકલાણીએ જણાવ્યું છે કે પાકિસ્તાની હિંદુઓ પણ મુસ્લિમ જેટલા જ દેશપ્રેમી છે.

તેમણે કહ્યું, "અમે ક્યારેય વધારાના હકો નથી માગ્યા. અમે લઘુમતી ક્વૉટા અંતર્ગત બેઠકો નથી માગતા. અમે માત્ર જીવતા રહેવા માગીએ છીએ. ધર્મના નામે અમારી દીકરીઓનું અપહરણ ન કરો. તેમના પર બળાત્કાર ન ગુજારો."

આ મામલે ગોકલાણીએ સાત મહિનામાં અપહરણ કરાયેલી 41 યુવતીઓની યાદી પણ રજૂ કરી.

આ યાદી અનુસાર કરાચી, હૈદરાબાદ, તાંદો અલ્લાહયાર, તાંદો મુહમ્મદ ખાન, જામપથી, બાદીમ, મિરપુર ખાસ, સંઘર, સુક્કુર, શાદકોટ, ઘોટકી, થટ્ટા, ખૈરપુર, દાદુ અને જામશોરો જિલ્લામાંથી આ યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2017ની વસ્તીગણતરી અનુસાર પાકિસ્તાનની કુલ વસ્તીમાં 3.53 ટકા લોકો લઘુમતી સમુદાયના છે.

વર્ષ 1998માં હાથ ધરાયેલી વસ્તીગણતરી અનુસાર આ આંક 3.72 ટકા હતો.

આનો અર્થ એવો થાય કે હાલની વસ્તીગણતરી અનુસાર પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની વસ્તીમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો છે.

લઘુમતી સાંસદ મંગલા શર્માનું કહેવું છે કે દીકરીઓનાં અપહરણ અને તેમના ધર્મપરિવર્તનની ઘટનાઓને પગલે પાકિસ્તાનમાં હિંદુઓ ભયમાં જીવી રહ્યા છે.

પહેલાંથી જ કાયદો અમલમાં

અહીં નોંધનીય છે કે નવેમ્બર 2013માં સિંધની વિધાનસભાએ 'પ્રૉટેક્શન ઑફ માઇનોરિટીઝ બિલ'ને પસાર કર્યું હતું.

જે અંતર્ગત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા કે આ કૃત્યમાં મદદ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

આ બિલના મુસદાના પ્રારંભમાં જ બળજબરી ધર્મપરિવર્તનને અધમ કૃત્ય ગણાવાયું છે.

આ બિલમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં મદદ કરનારી વ્યક્તિ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાની જોગવાઈ છે. જેમાં મૌલવીનો પણ સમાવેશ થાય છે.

આ મામલે ગુનેગારને ત્રણ વર્ષની સજા થઈ શકે. વળી, નિકાહની વ્યવસ્થામાં મદદ કરનારી વ્યક્તિને પણ આ કાયદા અંતર્ગત ગુનેગાર ઠેરવી શકાય.

બિલ અંતર્ગત આવા કેસ ખાસ અદાલતમાં ચલાવવાની પણ જોગવાઈ કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો