ચંદ્રયાન 2 : નરેન્દ્ર મોદી કૅમેરા જોઈને જ ઈસરોના ચીફ સિવનને ભેટી પડ્યા હતા? - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ગુજરાતી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈસરોના ચીફ કે. સિવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ વીડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસરો ચીફ કે. સિવને જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી જવાની માહિતી આપી ત્યારે ન તો તેમણે સાંત્વના આપી કે ન તો તેમને ભેટ્યા પરંતુ, પણ જ્યારે તેઓ બેઉ કૅમેરા સામે આવ્યા ત્યારે જ ભાવુક થયા અને ભેટ્યા.

27 સેકંડનો આ વાઇરલ વીડિયો અનેક મોટાં ફેસબુક પેજમાં અને વ્હૉટ્સએપ ગ્રુપમાં શૅર કરવામાં આવ્યો છે.

ફેસબુક અને ટ્વિટર પર ત્રણ લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અનેક લોકોએ તેને શૅર કર્યો છે.

વીડિયોના પ્રથમ ભાગમાં દેખાય છે કે વડા પ્રધાન મોદી માહિતી મળ્યા બાદ કે. સિવનને કંઈક કહે છે અને પછી પોતાની જગ્યા પર જઈને બેસી જાય છે.

વીડિયોના બીજા ભાગમાં તેઓ કે. સિવનને ગળે મળે છે અને તેમની પીઠ થાબડે છે.

સોશિયલ મીડિયા પર જે લોકો આ વીડિયો શૅર કરી રહ્યા છે તેમણે લખ્યું છે કે મીડિયા અને કૅમરા નજીક નહોતાં ત્યારે મોદીએ સિવનને પાછા મોકલી દીધા હતા.

પછી કપડાં બદલીને કૅમેરાઓની હાજરીમાં જ તેઓ કે. સિવનને ભેટી પડ્યા.

અમારી તપાસમાં અમને ખબર પડી કે આ દાવો ભ્રામક છે અને વાઇરલ થયેલો વીડિયો ડીડી ન્યૂઝના લાઇવ પ્રસારણના બે ભાગ જોડીને બનાવવામાં આવ્યો છે.

દૂરદર્શન ન્યૂઝનું પ્રસારણ જોવાથી ખબર પડે છે કે બંને વખતે વડા પ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોને હિંમત આપી હતી.

પ્રથમ ભાગ અને સત્ય

વાઇરલ વીડિયોના પ્રથમ ભાગમાં દેખાય છે કે વડા પ્રધાન મોડી વિક્રમ લૅન્ડરનો સંપર્ક તૂટી ગયાની માહિતી મળ્યા બાદ સિવનને કંઈક કહે છે અને પછી તેઓ પોતાની જગ્યાએ જઈને બેસી જાય છે. આ લૅન્ડિંગની મધરાતનો સમય છે.

ઈસરો પ્રમુખ કે. સિવને રાત્રે 1.45 કલાકે બેંગલુરુના સેન્ટર સાથે વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટવાની ઔપચારિક જાહેરાત કરી હતી.

કે. સિવને ઔપચારિક જાહેરાત પહેલાં પ્રોટોકૉલ મુજબ વડા પ્રધાન મોદીને જાણ કરી હતી કે વિક્રમ લૅન્ડરનો બેંગલુરુના ગ્રાઉન્ડ સેન્ટર સાથે સંપર્ક તૂટી ગયો છે.

તે વખતે દૂરદર્શનના કૅમરામૅન ત્યાં હાજર હતા અને તેનું લાઇવ પ્રસારણ થઈ રહ્યું હતું.

ભારતની સરકારી ન્યૂઝ ચૅનલ દૂરદર્શને રાત્રે 12 વાગ્યાથી ઈસરો સેન્ટરથી લાઇવ પ્રસારણ શરુ કર્યું હતું.

ડીડી ન્યૂઝનું પ્રસારણ શરૂ થયું તેની 23 મિનિટ પછી વડા પ્રધાન મોદી 'મિશન ઑપરેશન કૉમ્પલેક્સ'માં દાખલ થયા હતા.

વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટી પર ઊતરે તે કાર્યક્રમ 51મી મિનિટ સુધી (રાત્રે લગભગ સવા એક વાગ્યા)સુધી પોતાના શેડ્યૂલ મુજબ ચાલતો હતો. પણ જોતજોતામાં ઈસરોમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

53મી મિનિટે ચંદ્રયાન-2 મિશનનાં ડાયરેક્ટર રિતુ કરિદલનો અવાજ ઈસરો-સેન્ટરના મોટા સ્પીકર પર સંભળાયો, તેમણે કહ્યું કે વિક્રમ લૅન્ડરથી કોઈ રિસ્પૉન્સ નથી મળી રહ્યો. થોડી જ મિનિટ બાદ ઈસરો પ્રમુખે તેની ઔપચારિક જાહેરાત કરી હતી.

ત્યાર બાદ વડા પ્રધાન મોદી પહેલા માળ પર સ્થિત પોતાના કક્ષમાંથી કંટ્રોલ સેન્ટરમાં આવ્યા અને તેમણે ઈસરો પ્રમુખ સહિત બધા વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા.

ઈસરો પ્રમુખ કે. સિવનનો ખભો થાબડી તેમણે કહ્યું કે 'હિંમત રાખો'.

વડા પ્રધાન મોદીએ કહ્યું, ''જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. આજે લોકોએ જે કર્યું છે, તે કોઈ નાનું કામ નથી. મારા તરફથી તમને ખૂબ અભિનંદન.''

''તમે દેશની, વિજ્ઞાનની અને માનવજાતની બહુ ઉત્તમ સેવા કરી છે. આમાંથી આપણે ઘણું શીખી રહ્યા છીએ. આગળ પણ આપણી યાત્રા ચાલુ રહેશે. હું પૂરી રીતે તમારી સાથે છું. હિંમતભેર ચાલતા રહો.''

પછી તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને પછી સેન્ટરમાંથી બહાર નીકળી ગયા.

વાઇરલ વીડિયોનો બીજો ભાગ

7 સપ્ટેમ્બર 2019ની સવારે 7 કલાક અને 2 મિનિટે વડા પ્રધાન મોદીએ એક ટ્વીટ કરીને માહિતી આપી કે તેઓ બેંગલુરુના ઈસરો-સેન્ટરમાં વૈજ્ઞાનિકોને મળશે.

7 વાગ્યાને 20 મિનિટે તેઓ ઈસરો-સેન્ટર પહોંચ્યા અને ઈસરો ચૅરમૅન કે. સિવને તેમનું સ્વાગત કર્યું.

આ પ્રસંગે ઈસરો-સેન્ટરના મિશન ઑપરેશન કૉમ્પલેક્સમાં વડા પ્રધાન મોદીએ આશરે 20 મિનિટનું ભાષણ આપ્યું.

આ ભાષણમાં તેમણે વૈજ્ઞાનિકોના જીવન અને વિજ્ઞાનના મહત્ત્વ વિશે વાત કરી હતી.

સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, ''ભારતના વિજ્ઞાનીઓ એ લોકો છે જે મા ભારતી માટે જીવે છે, સંઘર્ષ કરે છે અને તેમના માટે જુસ્સો રાખે છે.''

''હું ગઈ રાત્રે તમારી મનોસ્થિતિ સમજી શકતો હતો. તમારી આંખો ઘણું કહી રહી હતી. તમારા ચેહરા પર નિરાશા હું જોઈ શકતો હતો. એટલે ગઈ રાત્રે હું બહુ સમય તમારી વચ્ચે ન રહી શક્યો પણ મેં વિચાર્યું કે સવારે હું તમારી સાથે ફરી મુલાકાત કરીશ અને વાત કરીશ.''

આ દરમિયાન ઈસરો પ્રમુખ તેમની બાજુમાં ઊભા હતા.

ભાષણ પૂર્ણ થયા બાદ તેમણે વડા પ્રધાનને બધા વિજ્ઞાનીઓનો પરિચય કરાવ્યો અને લગભગ સવા આઠ વાગ્યે વડા પ્રધાન મોદી ઈસરો સેન્ટરથી નીકળ્યા.

દૂરદર્શન ન્યૂઝ પર આ આખો કાર્યક્રમ લાઇવ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં દેખાય છે કે મોદી મિશન ઑપરેશન કૉમ્પલેક્સના ગેટ પરથી પાછા ફરે છે અને કે. સિવન વિશે પૂછે છે. ત્યારે કે. સિવન તેમને કંઈક કહે છે અને પછી મોદી તેમને ભેટી પડે છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોનો બીજા ભાગ વડા પ્રધાન મોદીના ઈસરો-સેન્ટરથી નીકળ્યા તે પહેલાંનો છે. જેમાં મોદી ભાવુક થયેલા કે સિવનને ગળે મળીને સાંત્વના આપતા દેખાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો