સાઉદી અરેબિયા ભારતમાં સૌથી મોટું રોકાણ જામનગરમાં જ શા માટે કરી રહ્યું છે?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

14 ઑગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં સભાનું સંબોધન કરતા કહ્યું કે કાશ્મીર પર દુનિયાના સવા અબજ મુસ્લિમો એકમત છે પણ કમનસીબે શાસક ચૂપ છે.

ઇમરાન ખાન મુસ્લિમ દેશોને સતત એક થવા અપીલ કરી રહ્યા છે પણ આ દરમિયાન મુકેશ અંબાણીએ જાહેરાત કરી દીધી કે સાઉદી અરેબિયાની તેલ કંપની 'અરામકો' ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરવા જઈ રહી છે.

આ સાઉદીની સરકારી કંપની છે અને તેના પર કિંગ સલમાનનું નિયંત્રણ છે. આ જાહેરાત ઇમરાન ખાનની ઇચ્છાથી બિલકુલ વિપરીત છે.

એક સમય હતો જ્યારે તેલને હથિયાર તરીકે ગણવામાં આવતું હતું. વર્ષ 1973માં સાઉદી અરેબિયાએ ઇઝરાયલને સમર્થન આપતા દેશોમાં તેલની નિકાસ બંધ કરી દીધી હતી. તેથી અમેરિકા ઘણું નારાજ થયું હતું. ત્યાર બાદ સાઉદીએ ક્યારેય તેલનો આ રીતે ઉપયોગ નથી કર્યો.

ઇમરાન ખાન અવાર-નવાર મુસ્લિમજગતનો ઉલ્લેખ કરે છે. પરંતુ સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા તલમીઝ અહેમદનું કહેવું છે કે મુસ્લિમજગત જેવું હકીકતમાં કંઈ જ નથી.

તેઓ કહે છે, "જ્યારે આપણે મુસ્લિમજગતની વાત કરીએ ત્યારે એવું લાગે કે એકીકૃત અને એક વિશ્વ છે, જેમાં તમામ મુસ્લિમ દેશોનો સમાવેશ થાય છે, પણ એવું નથી. કારણ કે દુનિયાનું રાજકારણ ફાયદાના આધારે આગળ વધે છે, ધાર્મિક સમાનતાના આધારે નહીં."

આ વર્ષે ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયાના પાટવીકુંવર મોહમ્મદ બિન સલમાન જ્યારે પહેલી વખત અધિકૃત રીતે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઍરપૉર્ટ પર તેમના સ્વાગતમાં ઊભા રહ્યા હતા

વિમાનની સીડી પરથી ઊતરતા જ પાટવીકુંવરને મોદી ભેટી પડ્યા હતા.

'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર પાટવીકુંવર સલમાને બે દિવસના એ પ્રવાસ દરમિયાન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી.

અંબાણીની ફ્લાઇટ મુંબઈમાં મોડી પડી તો સલમાને તેમની રાહ પણ જોઈ.

આ મુલાકાતમાં સાઉદી તેલની કંપની અરામકો અને મુકેશ અંબાણીની કંપની આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલ વચ્ચે ડીલનો પાયો નંખાયો હતો.

અત્યાર સુધીનું સૌથી મોટું એફડીઆઈ

સંયુક્ત રાષ્ટ્રના વેપારના ટ્રૅડ-રિપોર્ટ અનુસાર ગયા વર્ષે ભારતમાં કુલ સીધું વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈ 42 અબજ ડૉલરનું થયું. વર્ષ 2017માં આ રકમ 40 અબજ ડૉલર હતી.

ગયા અઠવાડિયે 12 ઑગસ્ટના રોજ એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ પોતાના શૅર-હોલ્ડરો સાથેની વાર્ષિક બેઠકમાં જાહેરાત કરતા કહ્યું કે સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકો આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલનો 20 ટકા હિસ્સો ખરીદશે. તેને ભારતના ઇતિહાસનું સૌથી મોટું રોકાણ માનવામં આવે છે.

આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલ 75 અબજ ડૉલરની કંપની છે અને તેના 20 ટકા શૅર અરામકો ખરીદવા જઈ રહી છે. એ રીતે જોતાં અરામકો 15 અબજ ડૉલરનું રોકાણ કરશે.

વર્ષ 2018માં કુલ 42 અબજ ડૉલરનું રોકાણ અને 2019માં એક જ કંપનીથી 15 અબજ ડૉલરનું રોકાણ થયું છે.

તેને એક મોટી સિદ્ધી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પહેલાં ઍસ્સારની તેલ અને ગૅસ કંપનીમાં રશિયાની 'રોસનેફ્ટ' કંપનીએ 12 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.

સાઉદીએ આટલું મોટું રોકાણ કેમ કર્યું?

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ અને આરામકોની ડીલ દુનિયાના સૌથી મોટા તેલઉત્પાદક દેશ સાઉદી અરેબિયા અને સૌથી મોટા ઊર્જાના વપરાશકર્તાઓમાં એક ભારત વચ્ચે મહત્ત્વની માનવામાં આવે છે.

અરામકો દુનિયાની સૌથી વધુ નફો રળતી કંપની છે. ગયા વર્ષે અરામકોએ 111.1 અબજ ડૉલરનો નફો કર્યો હતો.

આ કોઈ પણ કંપનીની સૌથી મોટી કમાણી છે. આ પહેલાં આ સિદ્ધિ 'ઍપલ આઇફોન'ના નામે હતી. વર્ષ 2018માં ઍપલની કમાણી 59.5 અબજ ડૉલર જ હતી.

તેની સાથે જ અન્ય તેલ કંપનીઓ 'રૉયલ ડચ શૅલ' અને 'ઍક્સોન મોબિલ' પણ આ રેસમાં બહુ પાછળ છે.

બીજી તરફ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન માણસ છે અને ભારતમાં તેમનો વેપાર ઘણાં ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આ કારણે પણ બંનેનું જોડાણ ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે.

આખરે સાઉદી અરેબિયાએ ભારતમાં આટલું મોટું રોકાણ કેમ કર્યું?

આ રોકાણથી કોને વધુ ફાયદો થશે? આ સવાલોના જવાબમાં તેલ ઇન્ડસ્ટ્રીની અર્થવ્યવસ્થા પર નજીકથી નજર રાખતાં વરિષ્ઠ પત્રકાર પરન્જોય ગુહા ઠાકુરતા કહે છે કે સાઉદી અને અખાતના દેશો માટે એશિયા જ બજાર છે.

તેઓ કહે છે કે પશ્ચિમમાં તેલનું બજાર નાનું થઈ રહ્યું છે ત્યારે ભારતમાં આટલું મોટું રોકાણ ચોંકાવનારું નથી પરંતુ તે ભારતના ફાયદામાં જ છે.

તેઓ કહે છે, "જામનગરમાં મુકેશ અંબાણીની દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે. તેનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયા અને અખાતમાંથી આવે છે."

"સાઉદી અને અમેરિકાના સંબંધ પણ સારા છે. તેથી આ ડીલ એક લાંબા ગાળાનો સંબંધ બનાવવા જઈ રહી છે. આપણે તેલ માત્ર આયાત જ નથી કરતા પરંતુ રિલાયન્સની જામનગર ખાતેની રિફાઇનરીમાંથી વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ."

જ્યારે તલમીઝ અહેમદ કહે છે, "આપણે વર્ષોથી પ્રયત્ન કરતા હતા કે કોઈ ભારતીય કંપની અને જ્યાંથી આપણે તેલ ખરીદીએ છીએ ત્યાંની કોઈ કંપની સાથે આપણો નજીકનો સંબંધ હોય. અત્યાર સુધી આપણો સંબંધ વેપારી અને ગ્રાહકનો રહ્યો હતો પરંતુ આપણી ઇચ્છા હતી કે ત્યાંની કંપનીઓ ભારતના તેલ કે બીજાં ક્ષેત્રોમાં રોકાણ કરે. આપણે એમ પણ ઇચ્છતા હતા કે આપણી કંપનીઓને અખાતના દેશોનાં તેલઉત્પાદનમાં સામેલ કરવામાં આવે."

તલમીઝ અહેમદ કહે છે, "અરામકો સાથે વેપારની ભાગીદારીની જાહેરાત આપણી યોજના મુજબ છે. રિલાયન્સ સાઉદી પાસેથી ઘણું તેલ ખરીદે છે અને તેની જામનગરની રિફાઇનરીમાં અડધાથી વધુ તેલ સાઉદી અરેબિયાથી આવે છે. આ કરાર બાદ બંને કંપનીઓ વચ્ચે વિશ્વાસ વધશે. આ કરારને આપણે સંપૂર્ણ રીતે આવકારવો જોઈએ."

"એક વાત એવી પણ કરવામાં આવી રહી છે કે તેલના વૈશ્વિક અર્થતંત્રમાં આધારભૂત પરિવર્તનો આવ્યાં છે. તેલ મામલે અમેરિકાએ પોતાને સ્વાવલંબી બનાવી દીધું છે. ગયા વર્ષે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં અમેરિકા તેલનું નિકાસકાર બની ગયું હતું. આવું 75 વર્ષમાં પહેલી વખત બન્યું હતું કારણ કે અત્યાર સુધી અમેરિકા તેલ મુદ્દે બીજા દેશો પર જ નિર્ભર રહેતું હતું."

અમેરિકામાં તેલનું ઉત્પાદન નાટકીય રીતે વધ્યું છે. ટેક્સાસના પૅરમિઅન વિસ્તારમાં ન્યૂ મેક્સિકો, ડકોટાના ઉત્તર વિસ્તારમાં આવેલાં બૅકન અને પેન્સોવેનિયાના મર્સેલસમાં તેલના હજારો કૂવામાંથી તેલ કાઢવામાં આવી રહ્યું છે.

છેલ્લાં પચાસ વર્ષમાં 'ઓપેક' દુનિયાભરમાં તેલની રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે પરંતુ રશિયા અને અમેરિકામાં તેલનાં વધતાં ઉત્પાદનોથી ઓપેકના ઇજારા સામે પડકાર ઊભો થાય તે સ્વાભાવિક હતું. આ જ કારણે તેલની નિકાસ કરતા દેશોનું સંગઠન ઓપેક નબળું પણ પડ્યું છે.

અમેરિકાની સ્વતંત્ર ઊર્જાશોધ સંસ્થા 'રિસ્તાદ એનર્જી'ના 2016ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા પાસે 264 અબજ બૅરલ તેલનો ભંડાર છે.

તેમાં હાલનો ભંડાર, નવા પ્રોજેક્ટ, હાલમાં શોધાયેલો તેલભંડાર અને જે તેલના કૂવાઓ શોધવાના બાકી છે તે બધું જ સામેલ છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રશિયા અને સાઉદીથી વધુ તેલ અમેરિકા પાસે છે. રિસ્તાદ એનર્જીના અનુમાન મુજબ રશિયા પાસે 256 અબજ બૅરલ તેલ છે. સાઉદી પાસે 212 અબજ બૅરલ તેલ છે. તો કૅનેડામાં 167 અબજ બૅરલ તેલ છે, ઈરાનમાં 143 અને બ્રાઝીલમાં 120 અબજ બૅરલ તેલ છે.

તલમીઝ અહેમદનું પણ કહેવું છે કે પશ્ચિમના દેશોમાં તેલનું બજાર નાનું થઈ રહ્યું છે. તેથી આયાત ઘટી રહી છે અને તેમનું ધ્યાન એશિયા પર કેન્દ્રીત થયું છે. એશિયામાં ચીન, ભારત અને જાપાન સૌથી વધુ તેલની આયાત કરે છે.

તેઓ કહે છે, "અમેરિકા તેલ મુદ્દે સ્વતંત્ર બની ચૂક્યું છે. જો થોડી પણ જરૂર પડે તો કૅનેડા અને મેક્સિકો પાસેથી ખરીદી લે છે. બીજી તરફ યુરોપમાં તેલની આયાત સતત ઘટી રહી છે. કારણ કે તે તેલનો ઉપયોગ ઘટાડી રહ્યું છે."

"અહીં લોકો પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે પશ્ચિમ એશિયામાં તેલની નિકાસ કરતા દેશો માટે એશિયાથી મોટું બજાર કોઈ નથી. પશ્ચિમ એશિયાનાં કુલ કાચાં તેલનું 62 ટકા તેલ એશિયામાં આવે છે. ચીન બાદ ભારત તેમના માટે સૌથી મોટું બજાર છે."

તેલના વેપારના અભ્યાસી અને ભાજપના નેતા નરેન્દ્ર તનેજાનું કહેવું છે કે આ કરારથી એકતરફી ફાયદો નથી.

તેઓ કહે છે કે બંને માટે લાભ જ છે. નરેન્દ્ર તનેજા જણાવે છે, "રિલાયન્સની જામનગર રિફાઇનરીને અરામકો લાંબા સમય સુધી તેલ આપશે અને એ આ ડીલનો જ એક ભાગ છે."

તનેજા કહે છે, "તેલઉદ્યોગ કોઈ ઊગતો સૂરજ નથી. એ ડૂબતો સૂરજ છે. આવનારાં 20 વર્ષોમાં તેનું આજ જેટલું મહત્ત્વ નહીં હોય. હવે વૈકલ્પિક ઊર્જા એટલે કે સૌર અને પવનઉર્જાનો વ્યાપ વધી રહ્યો છે. આવનારા સમયમાં અણુઊર્જાનું પ્રદાન પણ વધશે. કોઈ પણ સ્થિતિમાં જો એક રિફાઇનરીને સાઉદી તેલની આપૂર્તિ કરતું રહેશે તો આ ભારતની ઊર્જાસુરક્ષા માટે સારી વાત છે."

મુકેશ અંબાણીનું કહેવું છે કે અરામકોમાંથી રોકાણ આવ્યા બાદ રિલાયન્સ દેવામુક્ત થવા તરફ આગળ વધશે.

રિલાયન્સ અરામકો પાસેથી દરરોજ પાંચ લાખ બૅરલ તેલ ખરીદશે, જેનાથી હાલ કરતાં ખરીદી બમણી થશે.

લાંબા સમય સુધી ભારત ઇરાક પાસેથી સૌથી વધુ તેલ આયાત કરતું રહ્યું છે. સાઉદી અરેબિયા હંમેશા બીજા નંબરે રહ્યું છે. પરંતુ રિલાયન્સ અને અરામકો વચ્ચે કરાર બાદ શું ભારતના તેલબજારમાં સાઉદી અને રિલાયન્સને ઇજારો મળી જશે?

સવાલના જવાબમાં ઠાકુરતા કહે છે, "બંને વચ્ચે કેટલા સમયગાળાનો કરાર છે તેના પર એ આધાર રાખે છે. શું-શું શરતો છે? શક્ય છે કે આ શરતો ક્યારેય જાહેર થાય નહીં. એક વાત તો સ્પષ્ટ છે કે સાઉદી અરેબિયા આવનારા સમયમાં ભારતમાં સૌથી વધુ તેલની નિકાસ કરતો દેશ હશે. સ્પષ્ટ છે કે આ ઈરાન અને ઇરાક માટે સારા સમાચાર નથી. આપણે આ કરારને એ દૃષ્ટિએ પણ જોવો જોઈએ કે પાટવીકુંવર મોહમ્મદ બિન સલમાન અને ભારતીય વડા પ્રધાન વચ્ચેના સંબંધો પણ ઘણા સારા છે. બંને દેશો વચ્ચે આવેલી ઘનિષ્ઠતા પણ તેના માટે જવાબદાર છે."

સાઉદી અરામકોના શૅર સ્ટૉકમાર્કેટમાં લાવવા પર વિચાર કરી રહ્યું છે.

પાંચ ટકા શૅર રોકાણકારોને આપવાની વાત ચર્ચાઈ રહી છે.

જો અરામકો શૅર બજારમાં લિસ્ટિંગના નિયમોનું પાલન કરે તો તેને તેલભંડર અંગેની જાણકારી જાહેર કરવી પડશે.

જોકે એવું પણ કહેવાય છે કે અરામકોના શૅરબજારમાં આવ્યા પછી પણ વધુ પારદર્શકતાની આશા રાખી શકાય નહીં. સાઉદીમાં તેલનો ભંડાર કેટલો છે અને ક્યાં સુધી ચાલશે એ હજુ એક રહસ્ય જ છે.

અરામકો અને રિલાયન્સમાં કરાર અંગે તનેજા કહે છે, "એક ફાયદો એવો પણ છે કે જો સાઉદી ભારતમાં આટલી મોટી રકમ રોકે તો તે કોઈ અગત્યના નિર્ણય વખતે વિરુદ્ધમાં જશે નહીં. તે પછી કાશ્મીરનો મામલો હોય કે બીજો કોઈ. સાઉદી ભારતમાં 50 અબજ ડૉલર રોકવાનું છે. વાત મિત્રતાથી આગળની છે. કૂટનીતિ અને ઊર્જાસુરક્ષાની દૃષ્ટિએ તે સારું છે. ભારતમાં રિલાયન્સના જે પેટ્રોલપંપ છે તેમાં પણ અરામકો ભાગ લઈ રહ્યું છે. તેથી આવનારા સમયમાં ભારતમાં અરામકોના પેટ્રોલપંપ પણ દેખાશે."

ભારત કાચા તેલની આયાત કરતો દેશ છે પરંતુ રિફાઇન માટે તેલ એટલે કે પેટ્રોલ અને ડિઝલની નિકાસ કરતો દેશ પણ છે.

તનેજા કહે છે, "આપણે 106 દેશોમાં પેટ્રોલ અને ડિઝલની નિકાસ કરીએ છીએ. રિલાયન્સની જામનગર રિફાઇનરીમાંથી જ 103 દેશોમાં પેટ્રોલ અને ડિઝલ નિકાસ થાય છે. ત્યાંથી જર્મની, જાપાન, યુરોપ અને આફ્રિકા સુધી પેટ્રોલ, ડીઝલ અને ટર્બાઇન ફ્યૂલ વેંચવામાં આવે છે. તેનું કારણ એ પણ છે કે વિકસિત દેશો પોતાને ત્યાં પ્રદૂષણના કારણે રિફાઇનરી શરૂ કરવા માગતા નથી."

તનેજા કહે છે કે અરામકો 'લુક ઈસ્ટ પૉલિસી' અંતર્ગત એશિયા તરફ વળી રહી છે, ભારત પ્રત્યે કોઈ ખાસ લગાવના કારણે નહીં. તેઓ કહે છે, "તે ભવિષ્યની યોજનાઓનો આધાર છે. તેલનું ભવિષ્ય ભારતમાં જ છે. આવનારાં 20 વર્ષોમાં ખાડીના દેશોને વિચારવું પડશે કે પોતાનું તેલ કોને વેચે."

'ફાયનાન્સિયલ ટાઇમ્સ'ને રિલાયન્સના કાર્યકારી નિદેશક પીએમએસ પ્રસાદે કહ્યું, "અમારી આંતરિક હાજરી બહુ મજબૂત છે અને અમારા પાર્ટનર્સ તેનો લાભ લઈ શકે છે. અહીં તેમને કોઈ જોખમ નથી. સાઉદી અરામકો ડીલથી દેવું ઓછું કરવું એ એક પાસું છે. હકીકત તો એ છે કે આ એક કૂટનીતિપૂર્ણ કરાર છે, દેવું ચૂકવવા માટેનો નહીં."

દેવાંના કારણે મુકેશ અંબાણી નાના ભાઈ અનિલ અંબાણી જેલ જતાં-જતાં બચ્યા અને બચાવ્યા મુકેશ અંબાણીએ જ.

અરામકો સાથેની ડીલ વેપારની દુનિયામાં મુકેશ અંબાણીની દુરદર્શિતા તરીકે જોવાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો