You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વમાં ક્રૂડઑઇલની કિંમતમાં વધારો, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનો ડર
વિશ્વમાં ઑઇલના ત્રીજા નંબરના ઉપભોક્તા ભારતની નજર હાલ વિશ્વભરમાં વધી રહેલા ક્રૂડના ભાવ પર છે.
સાઉદી અરેબિયાની ઑઇલ કંપની પર થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડઑઈલની કિંમત છેલ્લા ચાર મહિનામાં સૌથી વધારે જોવા મળી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે વેપારની શરૂઆતમાં ક્રૂડઑઈલની કિંમતમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે એક બેરલનો ભાવ વધીને 71.95 ડૉલર થઈ ગયો છે.
સાઉદી અરામકો કંપની પર થયેલા ડ્રોન હુમલાને કારણે વિશ્વનો 5 ટકા ઑઇલ સપ્લાય પ્રભાવિત થયો છે.
સાઉદી અરેબિયા ભારતને ઑઇલ અને કૂકિંગ ગૅસ સપ્લાઈ કરવામાં બીજા નંબરે છે. જેથી આવનારા દિવસોમાં ભારતની ઑઇલ આયાતનું બિલ વધે તેવી શક્યતા છે.
કાચા તેલમાં જો ભાવ વધારો થશે તો તેનો ભાર ભારતના ગ્રાહકો પર આવે તેવી શક્યતા છે.
ઑઇલના ઉત્પાદનમાં ઘટાડો
સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોનું કહેવું છે કે હુમલાને કારણે તેલનું ઉત્પાદન ઘટીને પ્રતિદિન 5.7 લાખ બેરલ થઈ ગયું છે.
અરામકો કંપની પોતાને વિશ્વના સૌથી મોટા સ્ટૉક માર્કેટમાં સ્થાપિત કરવાની તૈયારી કરી રહી હતી ત્યારે આ હુમલાઓ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં જ અરામકોએ જામનગરમાં આવેલી રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
ઑઇલ ક્ષેત્રના ઘણા નિષ્ણાતોનું માનવું છે કે કદાચ એક બેરલના ભાવ 100 ડૉલર સુધી પહોંચે તો નવાઈ નહીં.
સાઉદી અરેબિયા દુનિયાનું 10 ટકા કાચા તેલનું ઉત્પાદન કરે છે.
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
સાઉદી અરેબિયામાં હુમલાને કારણે ઘટેલું કાચા તેલનું ઉત્પાદન ભારતના આયાત બિલ અને વેપારી ખાધ પર અસર કરશે.
લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર જો તેલની કિંમતમાં એક ડૉલરનો પણ વધારો થાય તો ભારતને વાર્ષિક સરેરાશ મુજબ 10,700 કરોડ રૂપિયા વધારે ચૂકવવાના થાય.
ભારતે 2018-19માં ઑઇલની આયાત પાછળ 111.9 બિલિયન ડૉલરનો ખર્ચ કર્યો છે.
ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા ઑઇલ અને 18 ટકા નેચરલ ગૅસ આયાત કરે છે. જેથી આ ઘટનાથી ભારતને સૌથી વધારે અસર થઈ શકે છે.
ભારતના અર્થતંત્રમાં જ્યારે મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે ઑઇલની કિંમતમાં વધારો દેશ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો