કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીને 50 દિવસ, આવતીકાલે શું થશે તેની રાહ કેમ જોવાય છે?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી

ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનથી વંચિત કાશ્મીર ખીણવિસ્તારના લોકો 27 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા છે.

ભલે દુકાનદાર હોય, સ્થાનિક પત્રકાર હોય, અમારી હોટલમાં કામ કરતી ગોરખપુરની એક મહિલા હોય કે દુર્ગમ વિસ્તારો અને ગામડાંમાંથી આવેલા લોકો હોય - ગમે તેને પ્રશ્ન કરાય ત્યારે એકસરખો જ જવાબ મળશે, જોઈએ 27 સપ્ટેમ્બર બાદ શું થાય છે?

27 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર જનરલ ઍસેમ્બલી (યુએનજીએ)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનાં ભાષણો થવાનાં છે.

અફવાગ્રસ્ત કાશ્મીરમાં એક વર્ગને લાગે છે કે કદાચ ભારત સરકાર 27 સપ્ટેમ્બર બાદ અનુચ્છેદ 370 ફરીથી લાગુ કરી દેશે. કેટલાકને આશંકા છે કે આ દિવસ પછી પાકિસ્તાન તરફથી હુમલા થવાની શરૂઆત થઈ જશે.

કેટલાકને લાગે છે કે 27 સપ્ટેમ્બર બાદ કટ્ટરપંથીઓના હુમલા શરૂ થશે. કેટલાકને એવું પણ લાગે છે કે 27 સપ્ટેમ્બર બાદ કાશ્મીર 'સ્વતંત્ર' થઈ જશે.

આ અફવાઓના આધાર વિશે જાણકારી નથી, આ અફવાઓ અંગે કોઈ પણ સ્પષ્ટતા નથી થઈ શકી, કારણ કે અમારી કોઈ અધિકારીઓ સાથે વાત થઈ શકી નથી.

પાંચ ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીર પાસેથી તેનો વિશેષ દરજ્જો ઝૂંટવી લેવાયો હતો. રાજ્યના બે ટુકડા પણ કરી દેવાયા, રાજ્યમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ કરી દેવાઈ.

આ વાતને 50 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ લોકોનાં મનમાં આ નિર્ણયને અંગે ઉદાસી, ગુસ્સો, દુવિધા, અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ છે.

'બધું જ ઠીક છે' એવો દાવો કરનાર ભારતીય મીડિયાને લોકો 'જૂઠાણાંનો અંબાર' ગણાવે છે 'જેઓ સાચા સમાચાર નથી આપતા'.

કાશ્મીર હોટલ ઍસોસિયેશનના પ્રમુખ મુશ્તાક ચાય પ્રમાણે આવું પહેલી વાર બન્યું છે કે ખીણવિસ્તારની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ ગણાતા મુસાફરોને વિસ્તાર છોડીને ચાલ્યા જવાની સલાહ આપવામાં આવી છે.

એક દુકાનદારે મને કહ્યું કે, 'લોકો શાંત છે, કશું જ નથી થઈ રહ્યું. એ જ ચિંતાની વાત છે.'

કાશ્મીરમાં પાછલા 50 દિવસો કઈ રીતે પસાર થયા, એ સમજવા માટે મેં શ્રીનગર સિવાય ઉત્તર અને દક્ષિણ કાશ્મીરનાં દુર્ગમ વિસ્તારો અને ગામોની મુસાફરી કરી.

શિક્ષા, વેપાર, ન્યાયવ્યવસ્થા, નાના ઉદ્યોગો, ખાદ્ય સામાનની કિંમતો, ટ્રાન્સપૉર્ટની અવરજવર, ઍક્સપૉર્ટ ઇન્ડસ્ટ્રી, કાશ્મીરમાં સરકારના નિર્ણયના કારણે સર્જાયેલી 'હડતાળ'ને કારણે જીવનના દરેક પાસાને અસર કરી છે.

દુકાનો બંધ છે, બિઝનેસ ઠપ છે, હજારો હોટલો ખાલી પડી છે, શિકારા અને હાઉસબોટ પણ ખાલી છે અને ડલ ઝીલ અને સડકો મુસાફરો વિનાની બની ગઈ છે.

સડકો પર ભારે સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત છે અને મોટાભાગના લોકો પોતાનાં ઘરોમાં પુરાયેલા છે.

કનેક્ટિવિટી ન હોવાના કારણે લોકો પોતાના સંબંધી, સાથીદારો, સહકર્મચારીઓનો સંપર્ક નથી કરી શકી રહ્યા. મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર સમય જોવા અને ગેમ રમવા માટે થઈ રહ્યો છે.

નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીના નેતાઓ નજરબંધ થયા બાદ ઘણા પાર્ટી કાર્યકર્તા કાં તો ગભરાઈને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે કાં તો જમ્મુ-કાશ્મીરના બીજા વિસ્તારોમાં નાસી છૂટ્યા છે.

વધુ એક વ્યક્તિ પ્રમાણે, 'વહીવટીતંત્ર અને પ્રભાવિત લોકો વચ્ચે સંપર્ક નથી, વાતચીત નથી થઈ રહી, તેથી નથી સમજાઈ રહ્યું કે આગળનો રસ્તો કેવો હશે.'

ઇન્ડસ્ટ્રી ઠપ

કાશ્મીર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના એક આંકડા પ્રમાણે કાશ્મીરની અર્થવ્યવસ્થાને 5 ઑગસ્ટથી અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે, ખીણમાં ધીમે-ધીમે વિકાસ સાધી રહેલી અને ઇન્ટરનેટ પર નિર્ભર આઈટી કંપનીઓના માલિકો ગુડગાંવ કે ચંદીગઢમાં ભાડે જગ્યા શોધી રહ્યા છે.

માત્ર ગાલીચાઉદ્યોગમાં જ 50-60 હજાર લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે.

ચેમ્બરના પ્રમુખ અને ગાલીચાઉદ્યોગ સાથે જોડાયેલા શેખ આશિક જણાવે છે, 'જુલાઈ-ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જ અમને ઍક્સપૉર્ટ ઑર્ડર મળે છે, જેથી અમે ક્રિસમસ કે ન્યૂ યરના આગમન સુધી સપ્લાય કરી શકીએ.

ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની સુવિધા ન હોવાના કારણે અમે અમારા આયાતકારો અને કારીગરોનો સંપર્ક સાધી નથી શકી રહ્યા.'

કાશ્મીરની અર્થવ્યવસ્થા ટૂરિઝમ, હૉર્ટિકલ્ચર અને નાના ઉદ્યોગો જેમ કે, કાર્પેટ કે બેટ બનાવવા પર નિર્ભર છે. આ આખી કહાણી 3 ઑગસ્ટની બપોરે શરૂ થઈ હતી.

શ્રીનગરની રેડિસન હોટલના માલિક મુશ્તાક ચાય હોટલમાં જ હતા અને તેમને ગૃહ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી "સિક્યૉરિટી માર્ગદર્શિકા" મળી.

આ માર્ગદર્શિકામાં અમરનાથની યાત્રા પર ઉગ્રવાદી હુમલો થવાની ચેતવણી હતી અને અમરનાથ યાત્રાળુઓ અને પ્રવાસીઓને તરત જ ખીણને છોડી દેવાની સલાહ આપવામાં આવી હતી.

90 રૂમ અને 125 લોકોનો સ્ટાફ ધરાવતી આ રેડિસન હોટલમાં એ દિવસે 70 ટકા રૂમો પ્રવાસીઓથી ભરાયેલા હતા.

ધંધાની રીતે જોઈએ તો સિઝન આશાસ્પદ હતી કેમ કે 2016માં બુરહાન વાનીના કિસ્સા પછી હિંસા અને બંધ, પુલવામા હુમલો અને બાલાકોટ ઍરસ્ટ્રાઇક પછી ખીણમાં પ્રવાસીઓની સંખ્યા ફરી વધી રહી હતી.

મુશ્તાક કાશ્મીરમાં હોટલ ઍસોસિયેશનના પ્રમુખ છે અને સોનમર્ગ, ગુલમર્ગ તેમજ પહેલગાંવમાં પણ એમની હોટલો છે.

જ્યારે હું એમને મળ્યો ત્યારે ખાલી હોટલના રિસેપ્શન પર એકલ-દોકલ લોકો હતા. હોટલમાં અંધારું પથરાયેલું હતું અને કેટલોક સ્ટાફ સફાઈમાં લાગેલો હતો.

રિસેપ્શનની સામે બેઠેલા મુશ્તાક મુજબ 3 ઑગસ્ટથી સુરક્ષા માર્ગદર્શિકાનો અમલ કરાવવા માટે વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હોટલ પહોંચી ગયા હતા.

હાલતથી પરેશાન મુશ્તાક કહે છે, " હોટલ છોડવાની વાત સાંભળીને પ્રવાસીઓ પરેશાન અને નારાજ હતા. અમે એમને કહ્યું મહેરબાની કરીને જલદી નીકળી જાવ."

"સોનમર્ગ, ગુલમર્ગ, પહલગાંવથી લોકો મને ફોન પર પૂછી રહ્યા હતા કે અમે શું કરીએ. પ્રવાસીઓનું પૅકિંગ પણ અમારા સ્ટાફે કરવું પડ્યું. બીજે દિવસે શનિવાર સુધી હોટલ ખાલી થઈ."

સ્થાનિકો મુજબ ઘણા પ્રવાસીઓ અને યાત્રાળુઓ ડરેલા હતા કે હવે શું થશે. બસ સ્ટેશન, ઍરપૉર્ટ પર ભીડ વચ્ચે લોકો હેરાન હતા.

એક આંકડા મુજબ આ સુરક્ષા માર્ગદર્શિકાની અસર એ થઈ કે બિહાર અને અન્ય રાજ્યોથી આવીને કાશ્મીરમાં કામ કરનારા અંદાજે 3થી 4 લાખ લોકો બહાર નીકળી ગયા.

તેઓ નીકળી જવાને લીધે સુથારીકામ, રંગકામ, ઇલેકટ્રિકકામ, પૅકિંગ, બ્યુટી-પાર્લર જેવું કામ કરનારાઓની ખીણમાં મોટી અછત ઊભી થઈ છે.

એક સરકારી અધિકારી મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સમજાવવા અને અહીંથી મોકલવા, તેમના માટે ટિકિટ અને પરિવહનની વ્યવસ્થા કરવી એ ખૂબ મુશ્કેલ કામ હતું.

આને લીધે એમની એક ટીમ આગામી અઠવાડિયા સુધી 24 કલાક કામ પર રહી. ત્યાં સુધી કે પહાડો પર ગયેલા પ્રવાસીઓને પાછા બોલાવી લાવવા માટે સેનાની મદદ લેવી પડી.

આ વિશે બારામુલાના બંધ બજારમાં અડધું શટર ખોલેલી વાળંદની દુકાનમાં બેઠેલા એક ગ્રાહકે મને કહ્યું, "હું પણ આપનો જ નાગરિક છું. જે રીતે અમરનાથયાત્રીઓને, પ્રવાસીઓને કહેવામાં આવ્યું કે જતા રહો, શું અમે દેશના નાગરિકો નહોતા? અમને પણ કહેવું જોઈતું હતું ને કે આ પગલું ભરીએ છીએ."

એ ઘટનાને 50 દિવસ વીતી ચૂક્યા છે. મુશ્તાકના કહેવા મુજબ 5 ઑગસ્ટે અનુચ્છેદ 370 નાબૂદી કરવાની ઘોષણા પછી કાશ્મીર ખીણમાં આશરે 3000 હોટલોને 2થી 3 હજાર કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.

ગાઇડ, ટ્રાવેલ એજન્ટ, ઘોડાવાળાઓ, ટૅક્સીવાળાઓની ગણતરી કરીએ તો કાશ્મીર ખીણમાં આશરે 7 લાખ લોકોની રોજીરોટી હોટલ ઇન્ડસ્ટ્રીને લીધે ચાલતી હતી.

ખીણમાં કેટલાક અધિકારીઓ અને પ્રભાવી લોકોના મોબાઇલ વગર ઇન્ટરનેટ ચાલુ છે. મુશ્તાક એ લોકો પૈકી એક છે.

આશરે 35 વર્ષથી હોટલનો વ્યવસાય કરતા મુશ્તાક કહે છે કે "અનેક લોકોએ કરજ લીધું છે. એમનો ખર્ચ ચાલુ છે. સરકારે આ વિશે વિચારવું જોઈએ."

મોડી રાતે અનેક લોકોને ઘરોથી ઉઠાવી જવાનો તથા તેમને યાતના આપવાનો સુરક્ષાદળો પર આરોપ છે અને આની વચ્ચે કાશ્મીરમાં હાઉસબોટો પણ ખાલી છે.

શ્રીનગરનાં ડલ, નિગીન, ઝેલમ અને ચિનાર બાગ સરોવરમાં થઈને આશરે 950 હાઉસબોટ છે.

આજે એ તમામ ખાલી છે. આ કામને આધારે આશરે એક લાખ લોકોની રોજીરોટી નીકળતી હતી. ઑગસ્ટથી અત્યાર સુધી હાઉસબોટ માલિકોને કુલ 200 કરોડથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે.

શ્રીનગરના નિશાત વિસ્તારમાં પોતાના ઘરમાં હાઉસબોટ ઑનર્સ ઍસોસિયેશનના માલિક હામિદ વાંગનુ કહે છે, "હાઉસબોટ ચલાવવાવાળા પરિવારો માટે આ જ એક રોજીનું સાધન છે. આજે અનેક પરિવાર ભૂખમરાનો શિકાર છે."

"લાકડાની બનેલી હાઉસબોટ ખૂબ નાજુક હોય છે. દરેક હાઉસબોટનો વાર્ષિક નિભાવણી ખર્ચ 3થી 5 લાખ રૂપિયા હોય છે. હવે તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે."

સુરક્ષા માર્ગદર્શિકાનાં કારણો વિશે વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમારી વાત નથી થઈ શકી પરંતુ એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ, "પાછું વળીનો જોઉં છું અને ખુદને સવાલ કરું છું કે એ સુરક્ષા માર્ગદર્શિકામાં કેટલું તથ્ય હતું. આ ભારે નુકસાનને પહોંચી વળવા માટે અમને હવે કેન્દ્ર સરકારના પૅકેજની રાહ છે."

હડતાળ અને વેપાર

અનેક લોકોએ મને ભારપૂર્વક કહ્યું, "જો હડતાળ મહિનાઓ સુધી ચાલી તો પણ વિરોધ ચાલુ રહેશે કેમ કે કાશ્મીરીઓ આનાથી ટેવાયેલા છે અને મુસીબતને સમયે એકબીજાની મદદ કરે છે."

કેટલાકે સવાલ કર્યો, "વેપાર ઠપ છે ત્યારે કમાણી અને રોટી વગર અમે જીવીશું કેવી રીતે?"

આનું એક ઉદાહરણ શોપિયાંની દુકાનોથી દુનિયાભરમાં પહોંચતાં સફરજન છે જે ઝાડ પર જ લટકેલાં છે કેમ કે કોઈ એમને ઉતારવા તૈયાર નથી.

કેટલાક ખેડૂતો બજારમાં 'સંતાઈને' સફરજન લઈ જઈ રહ્યા છે કે ક્યાંક ઉગ્રવાદી કે 'હડતાળના સમર્થક' તેમની ઉપર હુમલો ન કરી દે. શોપિયાંમાં બજાર, કોલ્ડ-સ્ટોરેજ બંધ છે.

સફરજનનાં વૃક્ષોથી ઘેરાયેલા એક ઘરમાં શાનદાર કાર્પેટ પર બેઠેલા એક વેપારીએ મને કહ્યું, "ગત વર્ષે શોપિયાંના બજારનો કુલ વેપાર 1400 કરોડનો હતો અને ખીણમાં દર વર્ષે સફરજનનો વાર્ષિક ત્રણ હજાર કરોડનો વેપાર છે."

"જો 10 ઑક્ટોબર સુધીમાં સફરજનોને તોડી નહીં લેવામાં આવે તો પાક બેકાર થઈ જશે."

"આ સફરજનના વેપારથી જ લોકોનાં સપનાં પૂરાં થાય છે. પરિવારની વાર્ષિક રોજી આ જ હોય છે. ટ્રાન્સપૉર્ટ પણ બંધ છે. અત્યારસુધીમાં કો પૅકિંગનું કામ શરૂ થઈ જવું જોઈતું હતું પરંતુ લોકોમાં ડર છે."

"સફરજનોને ઝાડ પર લટકતાં જોઈને મને એટલું દર્દ થાય છે કે બાગમાં જ નથી જતો."

અમને અનંતનાગમાં બટેંગુ સફરજન બજારમાં સફરજનની ઘણી પેટીઓ જોવા મળી. ત્યાં સરકારી નોડલ એજન્સી નાફેડના અધિકારીઓ રાજ્યના હૉર્ટિકલ્ચર વિભાગના માધ્યમથી ખેડૂતોના સફરજનો સરકારી ભાવે ખરીદી રહ્યા હતા."

પરંતુ એક અધિકારીએ કહ્યું કે તેઓ આની પબ્લિસિટી નથી ઇચ્છતા.

શિક્ષણ પર અસર

દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના એક ગામમાં ઠંડી બપોરે ઝાડ નીચે સરકારી શાળાની બહાર મને કેટલાંક બાળકો રમતાં જોવાં મળ્યાં પરંતુ શાળા બંધ હતી.

હું સાતમાં ધોરણના એક બાળક સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જ પાસેથી એક કાર નીકળી અને રોકાઈ. એ ગાડીવાળાએ મને કહ્યું, "આ બાળકો આજે ખુશ છે કે રજા પડી છે."

"એમને એ નથી ખબર કે એમનું ભવિષ્ય શું હશે. બાળકો આખો દિવસ ફર્યા કરે છે. હિંદુસ્તાન આ બાળકો ન ભણે એમ જ ઇચ્છે છે."

સરકારે અનેક વાર પત્રકારપરિષદોમાં પ્રાથમિક અને હાઈસ્કૂલોને ખોલવાની જાહેરાત કરી છે પરંતુ સુરક્ષાને કારણે બાળકો સ્કૂલે નથી પહોંચી રહ્યાં.

માતાપિતાઓ સામે બાળકોનો અભ્યાસ ન બગડે એવી રીતે ઘરોમાં બાળકોને વ્યસ્ત રાખવાનો પડકાર છે. બોર્ડની પરીક્ષાઓ, ગેટની પરીક્ષા, આઈઆઈટી વગેરેની પરીક્ષાઓ નજીક છે અને ટ્યુશન સેન્ટરો પણ બંધ છે.

આવી જ એક સ્કૂલમાં હું પહોંચ્યો. અહીં સ્કૂલ તો બંધ હતી પંરતુ માતાપિતા અને સંબંધીઓ બાળકો સાથે અવરજવર કરી રહ્યાં હતાં. કોઈના હાથમાં ચૉકલેટ હતી તો કોઈના હાથમાં આઇસક્રીમ.

સ્કૂલના રિસેપ્શનથી આગળ જઈને હું એક રૂમમાં પહોંચ્યો. ત્યાં લાગેલાં બે મલ્ટિફંક્શનલ મશીનો અને બે નાનાં ઝેરોક્ષ મશીનોમાંથી સતત કાગળ છપાવાનો અવાજ આવી રહ્યો હતો.

આ મશીનો પર બાળકો માટે દરેક વિષયના ઍસાઇન્મૅન્ટની નકલોનો સેટ તૈયાર થઈ રહ્યો હતો જેથી તેઓ ઘરે રહીને અભ્યાસ ચાલુ રાખી શકે.

મોટા મશીન ઉપર દરેક મિનિટે 125 કૉપી અને ઝેરોક્ષ મશીન પર 50-60 કૉપીઓ છપાઈ રહી હતી. મશીનોની ઉપર કાશ્મીરી, ઉર્દૂ, હિંદીનાં અનેક ઍસાઇન્મૅન્ટ સેટ મૂકેલાં હતાં.

બાળકો અઠવાડિયે કે બે અઠવાઠિયે ઍસાઇન્મૅન્ટ પૂર્ણ કરી સ્કૂલમાં શિક્ષકને બતાવી શકે તે માટે દરેક સેટ ઉપર બાળકો માટે સૂચનાઓ લખેલી હતી.

બાળકો ઘરોમાં તેને જોઈ શકે તે માટે સ્કૂલના અધ્યાપકોએ વીડિયો લેસન તૈયાર કર્યાં હતાં.

એક અધિકારીએ કહ્યું કે તેઓ અત્યાર સુધી એક ટ્રક ભરીને કાગળોનો ઉપયોગ કરી ચૂક્યા છે પરંતુ શાળાના અભ્યાસનું અંતર પૂર્ણ કરવું સહેલું નથી. ખાસ કરીને જે બાળકો ઉપરી ધોરણમાં ભણે છે તેમના માટે તો તે સરળ નથી જ.

સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી દીકરી માટે ઍસાઇન્મૅન્ટ લેવા આવેલા એક નારાજ પિતાએ મને કહ્યું એવું લાગે છે કે અમે 60ના દાયકામાં જીવીએ છીએ.

હું ભણેલો છું તો મારાં બાળકોની મદદ કરી શકું છું પરંતુ જે લોકો વધારે ભણેલાં નથી તેઓ એમનાં બાળકોને ગણિત-વિજ્ઞાન કેવી રીતે શીખવશે?

ઉપરી ઘોરણોનો અભ્યાસક્રમ સમજવો જ અશક્ય છે. ક્યારેક અમે કેટલાક લોકોને સાથે બોલાવી લાવીએ છીએ જેથી તેઓ સાથે ભણે. અહીં લોકશાહી ફક્ત કાગળ પર છે.

સ્કૂલની સીડી પર છઠ્ઠા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીના પિતા મળ્યા. એમના એક ઍસાઇન્મૅન્ટનું કાગળ રહી ગયું હતું એના માટે એમણે સ્કૂલના બે ચક્કર માર્યા.

તેઓ કહે છે કે મારો દીકરો ઇન્ફર્મૅશન ટેકનૉલૉજીના એક સવાલમાં ફસાઈ ગયો હતો. શાળામાં તમે એનો હલ શિક્ષકને પૂછી શકો છો, ઘરે નથી પૂછી શકાતું. અમે જેમ-તેમ કરીને ચલાવીએ છીએ.

સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ફૉર્મ ભરનારા વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ ઓછી નથી. શ્રીનગરના કેન્દ્રમાં ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટરના એક મોટા હૉલમાં ફૉર્મ ભરવા માટે 5 કમ્પ્યૂટર છે.

સાથે જ મદદ કરવા માટે એક માણસ છે અને ઓટીપી અને ઑનલાઇન ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડ છે.

જેઈઈ મેઇનની પરીક્ષાનું ફૉર્મ ભરવા આવેલા 18 વર્ષીય કરતાર સિંહ પહેલાં પોતાનાં લૅક્ચર્સ ઑનલાઇન જોતા હતા પરંતુ હવે ચોપડી વાંચીને અભ્યાસ કરવામાં વધારે સમય લાગે છે. સ્થાનિક લોકોએ ટ્યુશન સેન્ટર બંધ કરાવી દીધું છે એટલે વધારે સમસ્યા છે.

હૉલની અંદર બેઠેલાં 23 વર્ષીય સઇદા કહે છે કે હું ચોપડી ખોલું છું અને દિમાગમાં આવે છે ન્યૂઝ જોઉં કે શું થઈ રહ્યું છે. હવે અમારી સ્પર્ધા દિલ્હી, બેંગાલુરુના વિદ્યાર્થીઓ સાથે છે અને તેઓ આગળ નીકળી જશે, અમે પાછળ રહી જઈશું.

સઇદાની સામે સોફા પર બેઠેલા કેટલાક ટ્રાવેલ એજન્ટો અમારી વાતો સાંભળી રહ્યા હતા.

જેવી અમારી વાતચીત પૂરી થઈ કે જાવેદ અહેમદ નામની વ્યકિતએ આવીને કહ્યું, "ખીણમાં આશરે 5000 ટ્રાવેલ એજન્ટ છે. એમની ઉંમર 35થી 40ની વચ્ચે છે. સરકાર કહે છે કે યુવાનોને રોજગાર આપો."

"અમે યુવાનો છીએ અને બેરોજગાર છીએ. અમારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. અમને કામ જોઈએ છીએ. આખા કાશ્મીરમાં ફ્લાઇટ બુકિંગ, કૅન્સલ, ફરી શેડ્યુલ કરવા માટે અહીં ફક્ત પાંચ કમ્પ્યૂટર છે. ધારો કે કોઈને મેડિકલ ઇમરજન્સી હોય, કોઈને કૅન્સર હોય, તે કેવી રીતે બુકિંગ કરશે?"

કોર્ટની સ્થિતિ

શ્રીનગરમાં બાર ઍસોસિયેશનના પ્રમુખ મિયાં અબ્દુલ ક્ય્યુમ અને પ્રમુખ નઝીર અહમદ રોંગાની ધરપકડ થતાં અને તેમના પર પબ્લિક સિક્યૉરિટી ઍક્ટ(પીએસએ) લગાવાતાં લગભગ દોઢ હજાર વકીલોએ કામ બંધ કરી દીધું છે.

ટ્રાન્સપૉર્ટ ના હોવાને લીધે લોકોને કોર્ટ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

એક વકીલના મતે મુકદ્દમો દરમિયાન લોકો જાતે જ જજ સામે રજૂ થઈ જાય છે એટલે ન તો કોઈ દલીલ થાય છે કે ન તો સુનાવણી માટેની આગામી તારીખ આપવામાં આવે છે.

જે મામલામાં પીએસએ લગાવવામાં આવે છે, એમાં પહેલાં અરજી દાખલ કરવી પડે છે, જે બાદ સરકારને નોટિસ અપાય છે અને એ બાદ જવાબ માટે કોર્ટમાં દલીલ કરવામાં આવે છે.

જોકે, પીએસએના મામલાઓ લડતા એક વકીલના મતે આવી અઢળક અરજીઓ પર હજુ સુધી અરજી મોકલવામાં નથી આવી એટલે અરજીકર્તાઓ માટે આગળનો રસ્તો સરળ નથી.

માનવાધિકાર કાર્યકરો કાશ્મીરમાં પીએસએના કથિત દુરુપયોગ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. આ કાયદા અંતર્ગત પોલીસ કોઈ પણ વ્યક્તિને ટ્રાયલ કે અધિકૃત કારણોસર જેલમાં રાખી શકે છે અને તેને આગામી 24 કલાક માટે મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની પણ જરૂર નથી પડતી.

હાઈકોર્ટમાં જ બારામુલ્લાના અલ્તાફ હુસેન બેઠા હતા, તેમના જણાવ્યા અનુસાર તેમના ભાઈ અને 10 વર્ષથી સરપંચ અને નેશનલ કૉન્ફરન્સના કાર્યકર અહમદ લોનને પણ 'પોલીસ તેમના સરકારી ક્વાટરમાંથી ઉપાડી ગઈ અને જ્યારે બીજા દિવસે તેઓ પોલીસ પાસે પહોંચ્યા તેમને જણાવાયું કે તેમના વિરુદ્ધ પીએસએ લગાવાયો છે.'

અલ્તાફ હુસૈને પણ પીએસએ હઠાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. જોકે, તેમને વકીલ નહોતો મળી રહ્યો.

તેઓ જણાવે છે, "તેઓ શ્રીનગરની સૅન્ટ્રલ જેલમાં છે. ત્યાં તેમને મળવાની સુવિધા નથી. વચ્ચે જાળી વગેરે હોય છે. તમે જ જણાવો કે અમે શું કરી શકીએ?"

"ઘરે તેમનાં પત્ની અને બે બાળકો, એક પાંચ વર્ષ અને એક બીજું બે વર્ષનું છે. હું એમનું ઘર ચલાવું છું."

"સંસદની ચૂંટણીમાં અમારા પરિવારે પણ મત આપ્યો હતો. એનો આ બદલો મળી રહ્યો છે? જ્યારે ભાઈને બંધ કરી દેવાયો ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરનારા ખુશ થયા. (તેમણે કહ્યું) સારું થયું, આ હિંદુસ્તાન સાથે હતો."

"એ લોકો અમારી સાથે વાત પણ નથી કરતા. કહે છે કે અમે આને જ લાયક છીએ. અમારી સાથે જુલમ થયો, અમે તો હિંદુસ્તાન સાથે ચાલી રહ્યા હતા, સારી રીતે."

હાઈકોર્ટની નજીક લૉઅર કોર્ટ સૂમસામ પડી છે. ત્યાંના એક વરિષ્ઠ વકીલ રફીક બજાજના મતે ટ્રાન્સપૉર્ટમાં અવરોધને કારણે લોકો કોર્ટ સુધી પહોંચી શકતા નથી.

તેઓ કહે છે, "અસીલ સાથે અમારો સંપર્ક નથી થઈ થઈ રહ્યો. પહેલાં તો કંઈ જ નહોતું. સ્ટૅમ્પ લાવવો પડતો હતો. કાગળ લાવવો પડતો હતો. જામીનની અરજી અમે સાદા કાગળ પર લખતા હતા."

"લોકો પોલીસસ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ચાલીને આવતા હતા. અમે એ રીતે જ કામ ચલાવ્યું હતું. પીએસએમાં અરજી દાખલ કરવા માટે અમારી પાસે સ્ટેનોગ્રાફર નથી. ઇન્ટરનેટની સુવિધા નથી. એના થકી તો અમને ખ્યાલ આવે છે કે ધરપકડનો આધાર શો છે?"

પકડાયેલા કેટલાય નેતાઓ ડલ સરોવરને અડીને આવેલી 'સૅન્ટોર હોટલ'માં રાખવામાં આવ્યા હતા.

અહીં અંદર જવા માટે ચાર તબક્કાની સુરક્ષા ભેદવી પડે. જમ્મુ અને કાશ્મીરના એક પોલીસકર્મીએ જણાવ્યું, "અંદર 36 નેતા બંધ છે. જે મન પડે ત્યારે પોતાની પસંદ પ્રમાણે ચિકન ખાઈ શકે છે અને બહાર ફરી શકે છે."

હોટલની બહાર મને ફૈઝાન અહમદ બટ્ટ મળ્યા જેઓ પૂર્વ એમએલએ અને પીડીપીના સભ્ય નૂર મહમદ શેખના સંબંધી છે અને તેમને એક હૉલમાં મળીને બહાર આવી રહ્યા હતા.

ફૈઝાનના મતે નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીના કાર્યકરો ભયના માર્યા ઘરમાં બેઠા છે.

તેઓ કહે છે, "મહબૂબાજી તો કોઈ આતંકવાદી નથી. તેમણે ભારતનો ઝંડો હાથમાં પકડ્યો હતો અને સલામી પણ લીધી હતી."

ઇન્ટરનેટ, મોબાઇલ સેવા અને ઉગ્રવાદ

સરકારનું કહેવું છે કે ઇન્ટરનેટ અને મોબાઇલની સેવા બંધ કરવાનો ઉદ્દેશ લોકોનો જીવ બચાવવાનો છે, કારણ કે આવું કરવાથી ઉગ્રવાદીઓના હૅન્ડલર તેમનો સંપર્ક સાધી ન શકે.

બીજી બાજુ, દક્ષિણ કાશ્મીરના એક જાણકારે કહ્યું કે મોબાઇલસેવા બંધ થવાથી ઉગ્રવાદીઓ ખુશ છે, કારણ કે હવે તેમને ટ્રૅક કરવા, તેમના અંગે પોલીસને ગુપ્ત જાણકારી આપવી સરળ નથી રહી અને હવે તો 'મોબાઇલના ટાવરને ઉડાડી દેવાની વાતો પણ સાંભળવા મળી રહી છે.'

આ જાણકારના મતે નોકરી અને કામધંધે જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. જેથી 'સફળ હડતાળ' જોવા મળે.

શ્રીનગરમાં પરિવહન રસ્તા પર પરત ફર્યું છે. સવાર અને સાંજે કેટલીક દુકાનો ખૂલે છે. ક્યાંક-ક્યાંક વેપાર થોડાં ઊઘડેલાં શટરની પાછળથી ચાલે છે.

ક્યાંક-ક્યાંક લોકો બંધ દુકાનની બહાર ગ્રાહકોની રાહ જુએ છે અને ગ્રાહક આવતા દુકાનની અંદર ચાલ્યા જાય છે.

ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના અંતરિયાળ વિસ્તારો સુધી મેડિકલ કે અમુક દુકાનો સિવાય તમામ દુકાનો બંધ જોવા મળી અને રસ્તાઓ સૂમસામ ભાસ્યા.

કાશ્મીરમાં કેટલાય લોકો સરકારના નિર્ણયનો વિરોધ અને 'હડતાળ'નું સમર્થન કરે છે. કેટલાક લોકોએ એવા માટે પણ દુકાનો બંધ રાખી કે એકલા દુકાન ખોલતા તેઓ સમાજથી અલગ પડી જશે.

ઉગ્રવાદીઓ અને 'હડતાળ' સમર્થકો તરફથી હુમલાનો ડર પણ બંધનું કારણ છે. કેટલાક દિવસ પહેલાં એક દુકાનદારની હત્યાથી પણ લોકો ડરેલા છે.

બીબીસીના શ્રીનગરના અમારા સહયોગી માજિદ જહાંગીરના મતે ઉગ્રવાદીઓ દ્વારા છપાવાયેલા પોસ્ટરોમાં કહેવાયું છે કે તેઓ પરિવહન, દુકાનો, પેટ્રોલપંપ, કામ બંધ રાખે.

દક્ષિણ કાશ્મીરમાં સળગાવી દેવાયેલી દુકાન પાસે પહોંચ્યા તો ત્યાં સમારકામ ચાલી રહ્યું હતું. એકલદોકલ દુકાનો સિવાય રસ્તાઓ સૂમસામ હતા.

આ ઘટનાને કારણે ડરેલા આસપાસના લોકોએ કેટલાય દિવસો સુધી દુકાનો બંધ રાખી હતી. વીમો ન લીધો હોવાને કારણે દુકાનદારને લગભગ ચાર લાખનું નુકસાન થયું હતું.

અહીં ડર માત્ર ઉગ્રવાદીઓ જ નથી પણ સુરક્ષાદળોનો પણ છે કે ક્યાંક તેમને પકડીને દૂર આગ્રા કે લખનૌ મોકલી દેવામાં ન આવે.

બન્ને બાજુ ઘેઘૂર ઝાડ અને વચ્ચે પથરાયેલા રસ્તા પરથી પસાર થઈને અમે વધુ એક ગામે પહોંચ્યા, જ્યાં વધુ એક દુકાનને બે વાર સળગાવી દેવાઈ હતી. એક મેડિકલ સિવાય તમામ દુકાનનાં શટર બંધ હતાં.

જેની બહાર બેસીને યુવકો કાં તો વાત કરી રહ્યા હતા કાં તો ગેમ રમી રહ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે અમે ગામમાંથી તુરંત જ નીકળી જઈએ, કેમ કે ગામમાં ઉગ્રવાદીઓ હાજર છે.

ઉગ્રવાદથી પ્રભાવિત દક્ષિણ કાશ્મીરમાં એક વ્યક્તિના મતે, "અમે ક્યાં કાશ્મીરમાં જનમતની વાત વિચારી રહ્યા હતા! અનુચ્છેદ 370 હઠાવીને સરકારે અમને ઝીરો પર લાવીને છોડી દીધા છે."

બીજી એક વ્યક્તિએ કહ્યું, "અમે અમારી જાતને હિંદુસ્તાની ગણતા હતા. બધુ જ બરોબર ચાલી રહ્યું હતું તો સરકારને આવું કેમ કરવું પડ્યું?"

કેન્દ્રીય શ્રીનગરમાં એક પોલીસકર્મીએ અમને તસવીરો લેતા અટકાવ્યા અને કહ્યું, "અમારાં કાળજાં ઘવાયેલાં છે પણ અમે વરદી પહેરીને ગદ્દારી નહીં કરીએ."

એક વર્ગે તો એવું પણ કહ્યું કે આ નિર્ણયથી "આઝાદી"ની માગ પ્રબળ બનશે અને ભણેલો-ગણેલો વર્ગ ભારતથી દૂર થઈ જશે.

નિર્ણયનું સમર્થન કરનારા કેટલાક અવાજો પણ છે પણ વિરોધની તીવ્રતા વચ્ચે તેઓ ચૂપ છે. ઉગ્રવાદથી પ્રભાવિત દક્ષિણ કાશ્મીરની એક વ્યક્તિએ આશા વ્યક્ત કરી કે આ નિર્ણયથી બેરોજગારી ઘટશે.

શ્રીનગરમાં એક વ્યક્તિએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, "શું આ કાશ્મીર અમારું નથી? અમે આ નિર્ણયથી ખુશ છીએ. જે રીતે સરકારે નિર્ણય લાગુ કર્યો, કોઈ ઉપાય જ નહોતો. જો આવું ન કરાયું હોત તો કેટલાય જીવ જાત."

એલઓસી પર ફાયરિંગથી લોકો પરેશાન

એલઓસીથી જોડાયેલું ઉરી એ વિસ્તારોમાંથી છે જ્યાં સૌથી વધુ મતદાન થાય છે. એમના રાજકીય અને સામાજિક પ્રશ્નો બાકીના ખીણ વિસ્તારથી અલગ છે.

અનુચ્છેદ 370 અંગે સરકારના નિર્ણય પછી અહીં પણ બજારો બંધ હતાં.

પહાડી રસ્તે ઊંચાઈ પર આવેલા મોથલ ગામમાં અમે પહોંચ્યા. આ ગામથી દૂર પહાડો પર પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ગામો દેખાય છે.

ગામલોકોના કહેવા મુજબ 5 ઑગસ્ટથી એલઓસી પર ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે શેલિંગ ચાલુ છે.

અમે લતીફા બેગમને ઘરે પહોંચ્યા. આગલી રાત્રે તેઓ જ્યારે પોતાના 8 વર્ષીય દીકરા બિલાલ સાથે પડોશી હાફિઝાને ઘરે હતા ત્યારે છત તોડીને આવેલો દારૂગોળાનો એક ટુકડો બિલાલ અને તેમની પર પડ્યો હતો.

રાતે અંધારામાં તેમને ઉરી હૉસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમનો એક્સ-રે કરાયો. બિલાલને માથામાં, છાતીમાં અને હાથ પર ઈજા થઈ છે અને લતીફાને પગમાં ઈજા થઈ છે.

લતીફા કહે છે કે "રાતે ગોળીબાર થાય તો અમે સંતાઈ જઈએ છીએ. અમે ક્યાં જઈએ?"

"એલઓસી સાથે જોડાયેલાં ગામોનો આ જ હાલ છે. ડરતા, કાંપતા અંધારામાં સંતાતા અમારી રાત કપાય છે. ભાગવાની કોઈ શક્યતા નથી."

"રાતે એટલો અવાજ થાય છે કે બાળકો રડવા લાગે છે. અનુચ્છેદ 370 હઠાવવો એ સરકારનો નિર્ણય છે અમે શું કરી શકીએ. શાળાઓ ખૂલે છે અને ફાયરિંગ થાય કે બંધ થઈ જાય છે."

પડોશમાં હાફિજાના ઘરમાં શેલિંગથી બાળકો એટલાં ડરી ગયાં હતાં કે એમણે બપોર સુધી કંઈ ખાધું નહોતું.

પાસેના દર્દકોટ ગામના ફારૂક અહમદ કહે છે, "અહીં મોદી હેરાન કરે છે ને ત્યાં ઇમરાન ખાન. અમે ક્યાં જઈએ. જીવવું મુશ્કેલ બની ગયું છે. અમે અમારાં બાળકોને ક્યાં સંતાડીએ."

"હું મજૂર છું. ઘાસ કાપું છું ત્યાં ફાયરિંગ થાય છે. ઉરીમાં ડૂંગળીનો ભાવ 50 રૂપિયા પ્રતિકિલો, બટાટા 40 રૂપિયા પ્રતિકિલો, 10 કિલો લોટનો ભાવ 350 રૂપિયા છે તો દાળનો ભાવ 120-125 રૂપિયા પ્રતિકિલો પર પહોંચ્યો છે. 200 રૂપિયા કમાનારો મજૂર કેવી રીતે ખાય?"

સતત ગોળીબારને કારણે ગામમાં રહેનારા લોકો પોતાનાં માતાપિતા અને બાળકોને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે.

અહીં કોઈ 27 સપ્ટેમ્બરની રાહ નથી જોતું કેમ કે જિંદગીનો છેલ્લો દિવસ ક્યારે આવી જાય એની અહીં કોઈને ખબર નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો