અનુચ્છેદ 370 : કાશ્મીર પર મોદી સરકારે લીધેલો નિર્ણય અન્ય રાજ્યો માટે પણ ચિંતાજનક?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં ફેડરલિઝમનું સમર્થન કરનારના રૂપમાં પોતાને રજૂ કર્યા છે. એક એવી વ્યક્તિ જેઓ રાજ્યોને વધારે સ્વતંત્રતા આપવામાં વિશ્વાસ ધરાવે છે.

પરંતુ હાલ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને રદ કરી દેવામાં આવી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું.

રાજ્યમાં કર્ફ્યુ લગાવી સંચારનાં દરેક માધ્યમ પર રોક લગાવી દેવાઈ.

સરકારના આ પગલાને ઘણા લોકો ભારતના સંઘીય માળખા પર પ્રહારના રૂપમાં જોઈ રહ્યા છે.

હવે નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સીધા દિલ્હીથી શાસિત થશે. સંઘીય

સરકાર કેન્દ્રશાસિત પ્રદેશોને પૂર્ણ રાજ્યોની સરખામણીએ ઓછી સ્વાયત્તતા આપે છે.

'લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ'માં આંતરરાષ્ટ્રીય અને તુલનાત્મક રાજકારણના પ્રોફેસર સુમંત્રા બોઝ તેને એક પ્રકારની 'દિલ્હી (ભારતની કેન્દ્ર સરકાર)ની વિશેષ નગરપાલિકાઓ' ગણે છે.

એક ટિપ્પણીકારના શબ્દોમાં કહેવામાં આવે તો જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને તેને દેશનાં અન્ય રાજ્યોની શ્રેણીમાં લાવીને મોદી સરકારે 'ભારતના નાજુક સંઘીય સંતુલનને બગાડવા'નો પ્રયાસ કર્યો છે.

વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 ઘણી રીતે વધારે પ્રતીકાત્મક હતી કેમ કે છેલ્લાં ઘણાં વર્ષોમાં રાષ્ટ્રપતિના નિર્ણયોએ જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતાને ખૂબ પ્રભાવિત કરી હતી.

સંઘવાદની પ્રામાણિકતા કેટલી?

ભારત ઘણા સંઘર્ષ અને પરિશ્રમ બાદ સંઘવાદના રસ્તે ચાલ્યું હતું.

આર્થિક રૂપે મજબૂત અને સમાન સંસ્કૃતિવાળા અમેરિકા અને કૅનેડાની સરકારની સંઘીય પ્રણાલી વિરુદ્ધ ધાર્મિક- સાંસ્કૃતિક વિભિન્નતા અને ગરીબી છતાં ભારત માટે સત્તામાં ભાગીદારી પર સહમતી બનાવવી સહેલી વાત નહોતી.

ચૂંટાયેલી સંઘીય સરકાર અને રાજ્યની વિધાનસભાઓની શક્તિઓ શું હશે? તેનો સ્પષ્ટ ઉલ્લેખ ભારતીય બંધારણમાં કરવામાં આવ્યો છે.

દિલ્હી સ્થિત સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચનાં મુખ્ય કાર્યકારી અધિકારી યામિની અય્યર કહે છે :

"બંધારણ એકાત્મક શાસન એટલે કે રાજ્ય અને સંઘીય વ્યવસ્થા વચ્ચે એક સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે."

જોકે, કેટલાક ટિપ્પણીકાર 'ભારતીય સંઘવાદની પ્રામાણિકતા' પર હંમેશાં શંકા વ્યક્ત કરતા રહ્યા છે.

રાજ્યોમાં રાજ્યપાલોની નિયુક્તિઓનો નિર્ણય કેન્દ્રની સરકાર કરે છે, જે સામાન્યપણે રાજકારણથી પ્રેરિત હોય છે.

જ્યારે રાજ્યોની ચૂંટાયેલી સરકાર નિષ્ફળ જાય, ત્યારે તેમના ચૂંટાયેલા રાજ્યપાલ એ રાજ્યોમાં કેન્દ્રને પ્રત્યક્ષ રીતે શાસન કરવામાં મદદ કરે છે.

રાજ્ય સરકારો વિરુદ્ધ રાજ્યપાલનો એક પ્રતિકૂળ અહેવાલ રાષ્ટ્રપતિશાસનનો આધાર બની શકે છે, જ્યારબાદ દિલ્હીથી સીધું રાજ્યો પર શાસન કરી શકાય છે.

તેના આધારે રાજ્ય સરકારને બરખાસ્ત પણ કરી શકાય છે. 1951થી 1997 સુધી ભારતીય રાજ્યો પર 88 વખત રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યું છે.

સંઘીય વ્યવસ્થા નબળી પાડવામાં આવી?

ઘણા લોકો માને છે કે સ્થાનિક લોકો અને રાજનેતાઓ પાસેથી સલાહ લીધા વગર ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવી એ ભારતની સંઘીય વ્યવસ્થા પર એક ડાઘ છે.

આવું ત્યારે કરવામાં આવ્યું જ્યારે ત્યાં રાજ્યપાલશાસન લગાવાયેલું હતું.

'ડિમિસ્ટિફાઇંગ કાશ્મીર'નાં લેખિકા અને બ્રૂકિંગ ઇન્સ્ટિટ્યૂટનાં પૂર્વ વિઝિટિંગ સ્કૉલર નવનીત ચડ્ઢા બેહરા કહે છે :"સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપણે એકાત્મક રાજ્ય તરફ વધી રહ્યા છીએ અને લોકતાંત્રિક સિદ્ધાંતોને નિરસ્ત કરવામાં આવી રહ્યા છે."

"તેનાથી ભારતમાં સંઘવાદ નબળો પડ્યો છે. સરકારના આ નિર્ણય બાદ લોકો ખુશી મનાવવામાં એટલા વ્યસ્ત છે કે તેઓ મોટી તસવીર જોઈ જ શકતા નથી."

"વધારે ચિંતાની વાત એ છે કે કોઈ અન્ય રાજ્ય સાથે પણ આવું થઈ શકે છે."

"સંઘીય સરકાર રાજ્યસરકારને ભંગ કરી શકે છે. તે રાજ્યોને વિભાજિત કરી શકે છે અને તેની સ્થિતિને કમજોર કરી શકે છે."

"સાથે જ ચિંતાની વાત એ પણ છે કે મોટાભાગના લોકો, મીડિયા અને ક્ષેત્રીય પાર્ટીઓ આ મામલે ચૂપ છે અને તેનો જોરદાર વિરોધ કરી રહ્યા નથી."

યામિની અય્યરનું માનવું છે, "સંઘવાદ- જેને ભારતીય બંધારણને ઘડનારા લોકોએ દેશના લોકતંત્ર માટે જરૂરી ગણ્યો હતો.""આજે તેના પક્ષમાં 1947ની સરખામણીએ ખૂબ ઓછા લોકો છે. તે ભારતના લોકતંત્ર માટે ખતરનાક છે."

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવતા લોકોનું કહેવું છે કે આ એક 'વિશેષ મામલો' છે.

આ તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ભાજપ ઘણાં વર્ષોથી કલમ 370ને હઠાવવાની વાત કરી રહ્યો હતો.

ભાજપ તેને દેશના એકમાત્ર મુસ્લિમ વસતી ધરાવતા રાજ્યમાં 'તુષ્ટીકરણ'નું ઉદાહરણ ગણાવી રહ્યો હતો.

જોકે, ભારતમાં ભાગલાવાદની આકાંક્ષાઓ સાથે સમજૂતીનો ઇતિહાસ રહ્યો છે. પૂર્વોત્તરનાં કેટલાંક રાજ્ય તેનાં ઉદાહરણ છે.

ભારતની સુપ્રીમ કોર્ટે પહેલાંથી જ સ્પષ્ટ કહ્યું છે કે 'બંધારણની યોજના અંતર્ગત વધારેમાં વધારે શક્તિઓ કેન્દ્ર સરકારને આપવામાં આવી છે.''એનો અર્થ એવો ન થાય કે રાજ્ય માત્ર કેન્દ્રનું અનુગમન કરવા બંધાયેલું છે.'

કોર્ટે સાથે એવું પણ કહ્યું હતું કે "પોતાની સીમાની અંદર રાજ્ય સર્વોચ્ચ છે. કેન્દ્ર રાજ્યની શક્તિઓ સાથે છેડછાડ ન કરી શકે."

એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારતની સુપ્રીમ કોર્ટ કાશ્મીર પર લેવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ કાયદાકીય પડકારોનો કેવી રીતે સામનો કરે છે.

ડૉ. બેહરા કહે છે, "આ સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા માટે એક પરીક્ષા સમાન હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો