કાશ્મીરના અનુચ્છેદ 370 પર નરેન્દ્ર મોદીની નીતિને ભારતીયોનું આટલું સમર્થન કેમ મળ્યું? - દૃષ્ટિકોણ

    • લેેખક, અશોક મલિક
    • પદ, દિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફેલો, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્વાતંત્ર્યદિન નિમિત્તે આપેલા ભાષણમાં કહ્યું કે કાશ્મીરના મામલે તેમની સરકારે લીધેલા નિર્ણયથી પ્રદેશનો સારી રીતે વિકાસ થઈ શકશે.

દિલ્હીના ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફૅલૉ અશોક મલિક જણાવે છે કે ભારતમાં કાશ્મીરના મુદ્દે કડક વલણ માટે ઊભાં થયેલાં જનસમર્થનને કારણે આવું પગલું લેવું શક્ય બન્યું છે.

દિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફેલો, બીબીસી ગુજરાતી માટે

આઝાદીની માગ અને જેહાદની હાકલ

જુલાઈ 2016માં ઉગ્રવાદી નેતા બુરહાન વાણીના મૃત્યુ બાદ પછી કાશ્મીર ખીણમાં હિંસા ફેલાઈ હતી.

વાણીના મૃત્યુ અને એ બાદ ફાટી નીકળેલી હિંસા એ કાશ્મીરમાં અસંતોષનો એક નવો તબક્કો દર્શાવે છે.

આ તબક્કામાં આઝાદીની માગને બદલે જેહાદનો નારો બુલંદ થવા લાગ્યો હતો. કાશ્મીરને સ્વતંત્ર કરવા માટે કે પાકિસ્તાન સાથે ભળી જવા માટેના નારાને બદલે હવે ખિલાફતની સ્થાપનાની વાતો થવા લાગી હતી.

ઇસ્લામિક સ્ટેટ અને તેનાં જેવાં સંગઠનોનાં સૂત્રો, વિડિયો અને પ્રતીકો હવે કાશ્મીરના યુવાનોને પ્રભાવિત કરવાં લાગ્યાં હતાં.

વર્ષ 2016ની ઘટનાઓની બીજી એક અસર પણ થઈ હતી - કાશ્મીરી ભાગલાવાદીઓના નારા હવે દેશભરનાં કૉલેજ-કેમ્પસો, મીડિયાની ડિબેટ અને જાહેરમંચ પર થતાં ડાબેરી જૂથોનાં નરેન્દ્ર મોદીવિરોધી ભાષણોમાં પણ દેખાવા લાગ્યા હતા.

ઐતિહાસિક રીતે પણ કાશ્મીરની સમસ્યા એ ભારતીય મુસ્લિમોની સમસ્યા નથી રહી. કાશ્મીરના મુસ્લિમો પોતાને બાકીના બધા જ ભારતીયોથી, મુસ્લિમ અને હિન્દુ બંનેથી જુદા ગણે છે.

દેશ સાથે જોડાણનો પ્રયાસ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના બીજા ભાગોમાં ભણવા કે કામધંધે આવ્યા હોય એવા કાશ્મીરી મુસ્લિમોની સંખ્યા વધી છે.

કાશ્મીરી મુસ્લિમો કૅમ્પસ-પૉલિટિક્સનો પણ હિસ્સો બનવા લાગ્યા હતા. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીસંગઠનોમાં તેઓ હોદ્દેદાર બનવા લાગ્યા હતા.

કેરળ અને ગોવામાં પણ તેઓ નોકરીધંધો કરતાં જોવા મળતા હતા અને તેના લીધે મિશ્ર પરિણામો પણ મળવાં લાગ્યાં હતાં.

ભારતને એ વખતે આશા હશે કે આવી સ્થિતિને કારણે યુવાન કાશ્મીરીઓ દેશનાં વૈવિધ્ય અને વિશાળ આર્થિક તકોને સમજી શકશે અને દેશ સાથે વધુ જોડાણ અનુભવી શકશે.

કેટલાક અંશે એવું થયું પણ ખરું, પણ સાથોસાથ ભાગલાવાદી માનસિકતા હવે ઉદ્દામવાદી ડાબેરી વિચારધારા સાથે ભળવા પણ લાગી. સાથે જ નાની પણ ભ્રમિત થઈ શકે તેવી ભારતીય મુસ્લિમ યુવાનોની પેઢીમાં પણ તે પ્રસરવા લાગી.

ભારતીયો શેનાથી કંટાળ્યા?

વર્ષ 2016 પછી આ બધાં જૂથોને એક કરીને રાખવાનો તંતુ હતો નરેન્દ્ર મોદી સામેનો તેમનો વિરોધ. તેમની કલ્પનામાં મોદી અને દેશને એક ગણીને દેશ સામેનો પણ વિરોધ પણ સામેલ હતો.

આ કારણે જ સામો પડઘો પડ્યો છે એમ ભારતભરના લોકો માનતા થયા છે.

વ્યક્તિગત લોકપ્રિયતા છતાં, માત્ર નરેન્દ્ર મોદીને ખરાબ ચીતરવામાં આવતા હતા એટલા માત્રથી જ આવું થયું તેમ કહેવું એ વધારે પડતું સરળીકરણ ગણાશે.

આ એટલા માટે થયું કે જનતા કાશ્મીરી નેતાઓથી, કાશ્મીરી લોકોની સતત 'અમે ભોગ બનેલા છીએ' તેવી વાતોને કારણે કંટાળી ગઈ હતી.

કાશ્મીરીઓની અલગ થઈ જવાની માનસિકતાથી, કાશ્મીરીઓ દ્વારા શેરીઓમાં સતત દેખાવોથી અને કાશ્મીર સાથે જોડાયેલો ઉગ્રવાદ ટોચે પહોંચી ગયો હતો, તેનાથી પણ જનતા કંટાળી ગઈ હતી.

કાશ્મીરની ચર્ચા દેશભરમાં પ્રસરી

કાશ્મીરની સમસ્યા માત્ર ઉત્તર ભારત (અને તે રીતે પાકિસ્તાન) પૂરતી જ ચર્ચામાં સિમિત નહોતી રહી. દેશભરમાં તેની ચર્ચા થવા લાગી હતી જેની પૂરતી નોંધ લેવાઈ નથી.

આ માટે બે કારણોને જવાબદાર ગણાવી શકાય.

ટીવી અને સોશિયલ મીડિયાના કારણે કાશ્મીરી ઉગ્રવાદ અને ભારતવિરોધી નારેબાજી અસરકારક રીતે દેશભરના લોકો સુધી પહોંચ્યાં હતાં.

કાશ્મીરખીણ ઉપરાંત દેશના જુદાજુદા ભાગોમાં રાજકીય પ્રસંગોએ વ્યક્ત થતી ભારતવિરોધી વાતો આ રીતે લોકો સુધી પહોંચવા લાગી હતી.

તેના કારણે લોકોના મનમાં આક્રોશ અને ઘૃણા જન્મી હતી. ભાગલાવાદીઓનું રાજકારણ કૅમ્પસમાં ડાબેરી-ઉદારવાદીઓની ચર્ચામાં અને અન્ય તખતા પર પણ ભળવા લાગ્યું.

આઝાદીની માગણી કરનારા તત્ત્વોને આ રીતે ટેકો મળવા લાગ્યો હતો.

તેના કારણે તેમની વાત સાથે સહમત ન હોય તેવા વિશાળ જનસમુદાય સામે તેઓ ખુલ્લા પણ પડવા લાગ્યા હતા.

દેશભરમાં આક્રોશ

વર્ષ 1990ના દાયકામાં ભારતીય સલામતી દળોએ ઘણા બધા આંતરિક સંઘર્ષોનો સામનો કર્યો હતોઃ આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર-ઝારખંડ અને અન્ય રાજ્યોમાં માઓવાદ, જ્યારે આસામ, મણીપુર, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ અને ઉગ્રવાદ.

આજે દેશના મોટા ભાગના વિસ્તારોમાં આવો સંઘર્ષ લગભગ સમાપ્ત થઈ ગયો છે અને એક પ્રકારની સ્થિરતા આવી છે.

તેમાં અપવાદ માત્ર કાશ્મીર છે. આ સ્થિતિનો અંદાજ એ રીતે પણ આવે છે કે હવે દર વર્ષે લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં બહાદુરી માટેના મેડલ અપાય છે, તે જમ્મુ-કાશ્મીર અથવા પાકિસ્તાને સરહદે કરેલી કામગીરી બદલ હોય છે.

આ બંને કારણોથી કાશ્મીરની સમસ્યા સમગ્ર ભારતને અસર કરનારી, બહુ તીવ્ર આક્રોશ જગાવનારી બની રહી છે. કથાનકો અને વાસ્તવિકતા બંનેમાં તેના પુરાવા મળે છે.

ફેબ્રુઆરી 2019માં ભારતીય વાયુદળના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને પાકિસ્તાની આક્રમણનો સામનો કર્યો અને તેમનું વિમાન પાકિસ્તાની કબજાના કાશ્મીરમાં પડ્યું. પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા.

પહેલી માર્ચે તેમને છોડી દેવાયા અને તેઓ ભારત પરત ફર્યા. મને કેરળના એક સિનિયર પત્રકારે કહ્યું હતું કે અભિનંદન પરત ભારત આવ્યા તે વખતે ઘટનાને સૌથી વધુ જોવાઈ હતી. સિરિયલો કરતાંય વધારે ટીઆરપી તેને મળી હતી.

પુલવામામાં કાર બૉમ્બથી હુમલો થયો તે પણ એક પુરાવો હતો.

અભિનંદનની મુક્તિની ઘટનાના બે અઠવાડિયા પહેલાં મુસ્લિમ બહુમતી ધરાવતી કાશ્મીરખીણમાં એ ઘટના બની હતી.

તેમાં સીઆરપીએફના 40 જવાનો માર્યા ગયા હતા. તે 40 જવાનો 16 અલગઅલગ રાજ્યોના વતની હતા.

આ સૌ નશ્વર દેહને ઉત્તર પ્રદેશથી માંડીને આસામ તથા ઇશાન ભારત અને દક્ષિણમાં કર્ણાટક સુધી વતનમાં મોકલાયા અને અંતિમવિદાય અપાઈ ત્યારે હજારો લોકો અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપવા જોડાયા હતા.

ધીરેધીરે પણ બહુ દૃઢતા સાથે કાશ્મીરની સમસ્યા સામે સમગ્ર ભારતમાં મક્કમતા સાથેનો પ્રકોપ પ્રગટી ચૂક્યો હતો.

કાશ્મીરમાં 'જૈસે થી'ની નીતિ ચાલતી હતી તેની સામેની અકળામણ તો હતી જ. ભોગ બન્યાનાં રોદણા અને હિંસાના ચક્કર ચાલ્યા જ કરે, બ્લૅકમૅઈલ અને દાદાગીરી પણ ચાલ્યા જ કરે તેનાથી પણ જનતા કંટાળવા લાગી હતી.

જૂની રાજકીય રીતને તિલાંજલિ આપીને ગમે તેટલી મોટી લાગતી નવી પહેલ કરવા માટેનો માહોલ પણ આ રીતે તૈયાર થઈ જ ગયો હતો.

(સૌજન્ય : ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના. લેખક 1 ઑગસ્ટ 2017થી 31 જુલાઈ 2019 સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના મીડિયા સચિવ રહી ચૂક્યા છે. આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો એમના અંગત છે અને તેમાં સમાવિષ્ટ તથ્યો અને વિચારો બીબીસીનાં નથી. બીબીસી તેની જવાબદારી લેતું નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો