You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી ફોટોગ્રાફર્સની એ તસવીરો જેમાં કેદ થઈ અસામાન્ય ઘટનાઓ
- લેેખક, પ્રીત ગરાલા
- પદ, બીબીસી ગુજરાતી
19મી ઑગસ્ટને 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે' તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે બીબીસી ગુજરાતી દ્વારા રાજ્યભરમાંથી ફોટોજર્નાલિસ્ટ્સ પાસેથી તેમની યાદગાર તસવીરો મગાવી હતી.
અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ સહિત અલગઅલગ શહેરોના ફોટોજર્નાલિસ્ટ્સે તસવીર અને તેની સાથે જોડાયેલી યાદગાર ઘટના શેર કરી હતી.
પત્રકારત્વની દુનિયામાં કહેવાય છે કે 'એક તસવીર હજાર શબ્દ બરાબર' છે.
આવી જ કેટલીક તસવીરોની વાત અહીં કરી છે.
2007માં એક શાળાએ યોજેલા ઘરડાંઘરના પ્રવાસમાં જ્યારે અચાનક એક બાળકીએ પોતાનાં દાદીને જોયાં, ત્યારે હૃદયસ્પર્શી માહોલ સર્જાયો હતો. આ ક્ષણ ફોટોગ્રાફર કલ્પિત ભચેચે પોતાના કૅમેરામાં કેદ કરી હતી.
1992ના આ ફોટોગ્રાફમાં જામનગરનાં એક મુસ્લિમ મહિલા હાજરા બાઈ પોતાના રોજિંદા ખોરાકમાં અનાજને બદલે માટી અને રેતી ખાતાં હોય તેવો ફોટોગ્રાફ જગદીશ ઠક્કરે પાડ્યો હતો. આ મહિલાનો ફોટો દેશવિદેશના અનેક વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ક્વિન એલિઝાબેથનો 1961માં દિલ્હી ખાતેના ફેશન શોનો આ ફોટો હોમાય વ્યારાવાલાએ પાડ્યો હતો. મૂળ ગુજરાતનાં હોમાય દેશનાં સૌપ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હતાં.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પથ્થરમારા સમયે હેતલ શાહે સુરતના વારાછા રોડ પાસે એક માતા અને બાળકનો ફોટો પાડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફોટોમાં પથ્થરમારા વચ્ચે માતા પોતાના બાળક સાથે કારમાંથી ઉતરી સુરક્ષિત જગ્યા શોધતાં જણાય છે.
પથ્થરમારાના ડરના કારણે બાળકને પગરખાં પહેરાવ્યાં વગર જ માતા ભાગતાં જણાય છે અને તે જ સમયે ટીયરગૅસના સેલના અવાજથી ડરી ગયેલું બાળક પોતાના કાન પર હાથ મૂકી દેતું જોવા મળે છે.
આ ફોટો અટલાદરા ક્રૉસિંગનો છે. આ ટ્રેન જંબુસરથી પ્રતાપ નગર જઈ રહી છે. આ ક્રૉસિંગ પર નોટિસ પણ લાગેલી છે. છતાં ટ્રેન આવી રહી છે એ વખતે જ એક પરિવાર પોતાના નાના બાળક સાથે રેલવે ટ્રેક ક્રૉસ કરતો જણાય છે. આ ફોટો કમલેશ સુર્વેએ કૅમેરામાં કેદ કર્યો હતો.
1965માં જામનગરનાં સ્મશાનમાં એક ડિફેન્સ ઑફિસરે પોતાની પ્રેમિકા સાથે સર્વિસ રિવૉલ્વરથી સુસાઇડ કર્યું ત્યારે જગદીશ ઠક્કરે ફોટો પાડ્યો હતો.
આ ફોટો ફૂલછાબ અખબારમાં છપાયો હતો. જગદીશ ઠક્કરે આ સમાચાર એ વખતે પોતે ફોટો પ્રિન્ટ કરાવી તેની પાછળ સમાચાર લખી 25 પૈસામાં લોકો સુધી પહોંચાડ્યાં હતાં.
વિખરાયેલા પથ્થરોની વચ્ચે એક વ્યક્તિ સાઇકલ લઈને જઈ રહી છે. આ ફોટો કલ્પિત ભચેચે 2002 ગોધરાકાંડ દરમિયાન દરવાજાઓનો ગઢ ગણાતા શહેર અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે કેદ કર્યો હતો.
15મી ઑગસ્ટ 1947ના દિવસે વાઇસરોય હાઉસથી પાર્લમેન્ટ જતા વાઇસરોય માઉન્ટ બેટનનો ફોટો હોમાય વ્યારાવાલાએ પાડ્યો હતો.
તરણેતરના મેળાની આ 35થી 40 વર્ષ જૂની તસવીર મનહર કંટારિયાએ પોતાના કૅમેરામાં કેદ કરી હતી. મેળામાં એક પરિવાર ખરીદી કરતો જણાઈ રહ્યો છે.
દિવાળી દરમિયાન ડભોઈ પાસેના કરનાળી ગામ સ્થિત કુબેર ભંડારી મંદિરનો આ ફોટો પ્રણય શાહે પાડેલો છે.
આ ગામ નાણામંત્રી અરુણ જેટલીએ દત્તક લીધું છે. લોકોની એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
અહીં દર અમાસે હજારોની સંખ્યામાં લોકો આવે છે. ફોટોમાં એક વ્યક્તિ પોતાની રોજીરોટી માટે હોડી ચલાવતી જોવા મળી રહી છે.
આ ફોટો મનહર ટંકારિયાએ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. જે ત્યારની પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો