કલમ 370 : કાશ્મીર મામલે કેમ પાકિસ્તાનનો રસ્તો સરળ નથી?

    • લેેખક, શ્રુતિ અરોરા,
    • પદ, એશિયા પૅસિફિક નિષ્ણાત, બીબીસી મૉનિટરિંગ

હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ બાબતે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આગળ શું થશે.

5 ઑગસ્ટના રોજ કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને ખતમ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા ભારત પ્રશાસિત કાશ્મીરને સમવાયી સરકારના તાબામાં લઈ લીધું છે.

આ સાથે જ વિશ્વના સૌથી જૂના અને લાંબા ચાલેલા વિવાદને વાટાઘાટો સુધી પહોંચાડી દીધો છે.

ભારતના જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત સરકારોમાં વહેંચી દેવાના એકતરફી નિર્ણયની જાહેરાતે સાબિત કરી દીધું કે કાશ્મીર એ દિલ્હીનો અંગત મુદ્દો છે.

આ નિર્ણયે ભારતના પરિપ્રેક્ષ્યમાં દરેક બાબતો બદલી નાંખી છે.

આ નિર્ણયની આકરી ટીકા કરનાર પાકિસ્તાન માટે કાશ્મીર હજુ પણ એક સંવેદનશીલ મુદ્દો છે, જે હંમેશાં દેશના ઇતિહાસ, રાજકારણ, કૂટનીતિ અને ઓળખ સાથે સંકળાયેલો રહ્યો છે.

બ્રિટિશ રાજમાંથી 1947માં આઝાદી મળી ત્યારથી ભારત અને પાકિસ્તાન બંને દેશો કાશ્મીર મુદ્દે બે યુદ્ધ લડી ચૂક્યાં છે.

બંને દેશો આ વિસ્તાર પર પોતાનો હોવાનો દાવો કરે છે, અને બંને પોતાની સીમામાં તેનો એક-એક હિસ્સો ધરાવે છે.

શું પાકિસ્તાન ઊંઘતું ઝડપાયું?

આવા કેટલાક સંકેત મળી રહ્યા હતા.

દાયકાઓથી ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એવું કહેતા આવ્યા છે કે કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370થી રાજ્ય દેશનાં અન્ય રાજ્યો સાથે સાયુજ્ય મેળવવાથી વંચિત રહ્યું છે.

આ જોગવાહી રદ કરવાનું ભાજપનું ઘણું જૂનું વચન હતું. તેથી 2019ની લોકસભા ચૂંટણીમાં વિક્રમી જીત મેળવ્યા બાદ ચૂંટણી જાહેરનામામાં આપેલું વચન પાળવું જરૂરી હતું.

જ્યારે ભાજપ સરકારે રાષ્ટ્રપતિના આદેશ સાથે ભારત પ્રશાસિત કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને રદ કર્યો ત્યારે મોટા ભાગના ભારતીયોની જેમ પાકિસ્તાન પણ ઊંઘતું ઝડપાયું.

સ્થાનિક અખબારો મુજબ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે ભારતનો નિર્ણય બિલકુલ આશ્ચર્યજનક હતો.

પાકિસ્તાનની જાણીતી ચેનલ જીઓ ટીવીને કુરેશીએ કહ્યું, "અમને થોડો અંદાજ હતો કે ભારત આવું પગલું લઈ શકે છે અને આવી કોઈ પણ સ્થિતિ માટે અમારે તૈયાર રહેવું જોઈએ પણ અમને એ નહોતી ખબર કે આ રીતે 24 કલાકમાં આ નિર્ણય લેવાઈ જશે."

ટીકાકારો કહે છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત પ્રશાસિત કાશ્મીરમાં જે સ્થિતિ હતી તેનાથી આ પ્રકારના સંકેત મળતા જ હતા, તેથી કોઈ આશ્ચર્ય થવું જોઈએ નહીં.

પાકિસ્તાનના વિપક્ષોએ પણ પાકિસ્તાનના અસંતોષભર્યા પ્રતિસાદ અને વિદેશીનીતિની સજ્જતાની ટીકા કરી હતી.

ભારતની આ જાહેરાત પહેલાં પાકિસ્તાન અસંમતિ અને પોતાના દેશની આર્થિક તકલીફો જેવી સમસ્યાઓ પર ધ્યાન આપવામાં વ્યસ્ત હતું.

સરકાર દ્વારા વિરોધપક્ષ વિરુદ્ધ તપાસના આદેશો, માધ્યમોની મધ્યસ્થી અને તેને સરકાર દ્વારા નકારવા જેવા અહેવાલો માધ્યમોમાં પ્રકાશિત થઈ રહ્યા હતા.

ગુરુવારે પાકિસ્તાનના સ્થાનિક અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ "ભાજપના વરિષ્ઠ નેતાઓમાં શેની ચર્ચા થઈ રહી છે અને ભારત પ્રશાસિત કાશ્મીરમાં શું સ્થિતિ છે તે જાણવાનો તેમની પાસે બહુ ઓછો સમય હતો."

એક તંત્રીલેખમાં છપાયા અનુસાર, "ચૂંટણી પછી ભારત તરફથી મળી રહેલા સંકેતોને સમજવામાં પીટીઆઈ(પાકિસ્તાન તેહરીક-ઈ-ઇન્સાફ અને તેમનાં સહયોગી દળો નિષ્ફળ રહ્યાં. તેઓ આ જાહેરાત માટે બિલકુલ તૈયાર નહોતાં."

પાકિસ્તાને કેવો પ્રતિસાદ આપ્યો?

જ્યારથી કાશ્મીરના ખાસ દરજ્જાને ખતમ કરવાની જાહેરાત થઈ ત્યારથી અપેક્ષિત જ હતું તેમ પાકિસ્તાન ટીકા કરી રહ્યું છે.

ભારતે જાહેરાત કરી એ જ દિવસે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું અને તેને અસ્વીકાર કરતું નિવેદન જાહેર કર્યું.

આ નિવેદનમા કહેવામાં આવ્યું, "ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત વિસ્તાર છે. યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલમાં ઠરાવો મુજબ ભારતના એકપક્ષી પગલાથી આ વિવાદ દૂર થઈ શકશે નહીં."

ત્યારથી પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને સુરક્ષા સમિતિ અને મિલિટરીના ઉચ્ચઅધિકારીઓ સાથે કેટલીક બેઠકો કરી છે.

પાકિસ્તાની મિલિટરી દ્વારા 6 ઑગસ્ટના રોજ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે તેઓ કાશ્મીરી લોકોના તેમના પરના ઉપકારનો બદલો વાળવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

બુધવારે પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધો સીમિત કરી દેવાની વાત કરી, દ્વિપક્ષી વેપાર અટકાવ્યો અને ઇસ્લામાબાદથી ભારતીય હાઈ કમિશ્નર અજય બઇસરિયાને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો.

ગુરુવારે આ મુદ્દે ભારતે પ્રતિસાદ આપતા કહ્યું, "તાજેતરનું અનુચ્છેદ 370 રદ્દ કરવાનું પગલું સંપૂર્ણપણે ભારતનો અંગત મુદ્દો છે."

આ બાબતને નકારતાં પાકિસ્તાન કહે છે કે આ મુદ્દે કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર માત્ર યુએનને છે.

તે ઉપરાંત ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર મેળવવા માટે પણ પાકિસ્તાન રાજદ્વારી પગલાં લઈ રહ્યું છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 6 ઑગસ્ટે કહ્યું કે તેઓ યુએન સિક્યૉરિટી કાઉન્સિલમાં ભારતના આ પગલાને પડકારશે.

તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મુદ્દે દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.

વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ સાઉદી અરેબિયા ખાતે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉ-ઑપરેશનના અધિવેશનમાં પાકિસ્તાની પ્રતિનિધિઓની આગેવાની લીધી હતી.

ઇમરાન ખાન માટે આ નિર્ણય કેટલો મહત્ત્વનો?

ભારત સરકારના આ ત્વરિત નિર્ણયે પાકિસ્તાની વડા પ્રધાનની માત્ર એક વર્ષ જૂની સરકાર માટે આ પગલા વિરુદ્ધ કડક પ્રતિસાદ આપવાનું દબાણ ઊભું કર્યું છે.

જો તેઓ આવું કરવામાં નિષ્ફળ જાય છે તો પાકિસ્તાનમાં તેમની છાપ અને નેતૃત્વ પર પણ માઠી અસર થઈ શકે છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલનાં એક એન્કરના કહેવા મુજબ, "કાશ્મીર થાળીમાં સજાવીને આપી દેવા માટે ઇતિહાસ ઇમરાન ખાનને યાદ રાખશે."

આ સાથે જ કાશ્મીરમાં હવે ઊભી થનારી પરિસ્થિતિ પણ તેમની સરકારની મુત્સદ્દીગીરીની પરીક્ષા લેનારી હશે.

વડા પ્રધાન ઇમરાન ખાને આ મુદ્દે સાઉદી અરેબિયા, યુકે, મલેશિયા અને તુર્કી જેવા દેશોના નેતાઓ સાથે ચર્ચા પણ કરી છે.

તેઓ અન્ય દેશોને સહમત કરવામાં કેટલા અંશે સફળ થયા તે તો હવે આવનારો સમય જ જણાવશે.

પાકિસ્તાનની યોજના કામ કરશે?

ભારત-પાકિસ્તાન જેવાં ન્યુક્લિયર શસ્ત્રોથી સજ્જ પાડોશીઓને આ શસ્ત્રોનો ઉપયોગ ટાળવાના આગ્રહ સાથે ઘણા દેશોએ આ મુદ્દે ગંભીરતાથી ચિંતા વ્યક્ત કરી છે.

આ સ્થિતિમાં વિવિધ દેશો તરફથી આવેલા પ્રતિસાદ માટે પાકિસ્તાની પ્રસાર માધ્યમોએ 'મૌન', 'થકવી દેનાર' ,'હુંફાળો', 'ઉત્સાહપૂર્વક' અને 'બિલકુલ ક્ષતિપૂર્ણ' જેવા શબ્દ પ્રયોગ કર્યા છે.

કોઈ મોટી આંતરરાષ્ટ્રીય દરમિયાનગીરી વિના આવો પ્રતિસાદ અપેક્ષિત છે.

અન્ય એક સ્થાનિક અખબાર ધ ન્યૂઝના અહેવાલ મુજબ, "ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હતો. અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાઓને હટાવી લેવાના તેમના લક્ષ્યને કોઈ જોખમ હોય તો તેઓ પોતાના શબ્દોને વળગી રહેશે કે નહીં તે માનવું મુશ્કેલ છે."

એક અન્ય સ્થાનિક અખબારે આ મામલે કહ્યું કે ભૌગોલિક સ્થિતિ અને હવે બદલાયેલી સ્થિતિમાં નિષ્ઠુર, જાતિવાદી ભારત કાશ્મીરીઓ માટે સારું કામ નહીં કરે.

પાકિસ્તાનને કોઈ પણ નક્કર પગલાં લેવામાં મદદ કરવા માટે યુએસ, યુકે, રશિયા અને ફ્રાન્સ જેવા દેશો ભારત સાથેના વ્યાપારી સંબંધોના કારણે પણ મદદ કરી શકે તેમ નથી, જેના કારણે દિલ્હી સરકાર પોતાના સંબંધો પાછા ખેંચી લે.

હાલની સ્થિતિમાં તો પાકિસ્તાન એકલું લાગે છે.

પાકિસ્તાન અને ભારત વચ્ચેના દ્વિપક્ષી સંબંધો અટકાવી દેતાં કોને વધુ અસર થશે તે પણ જોવાનું રહ્યું.

માનવઅધિકાર ભંગના બનાવોને લઈને ચર્ચા છે ત્યારે ઇસ્લામાબાદ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં સર્વાધિકાર શાસનનો દાવો કરે એવી શક્યતાઓ પણ રહેલી છે.

હવે આગળ શું થશે?

જ્યારે પણ આ ઐતિહાસિક દુશ્મનો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે તે દરેક વખતે ચર્ચાઓ એક જ પ્રશ્ન પર આવીને અટકે છે કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે?

જોકે, જવાબ સામાન્ય રીતે ના જ હોય છે. કમ સે કમ કાયદેસરનું યુદ્ધ તો નહીં જ.

કારણ કે એક પણ પક્ષ યુદ્ધના પરિણામે આવનારી આર્થિક સ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી.

સીમાપારના સંઘર્ષની ઘટનાઓમાં વધારો થઈ શકે છે, મિલિટરી ઑપરેશન્સ થઈ શકે અથવા નાનાં-મોટાં ઘર્ષણ થઈ શકે છે.

કેટલાક લોકો એવું પણ કહે છે કે પાકિસ્તાન હાલ અમેરિકા અને અફઘાની તાલીબાની જૂથો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણામાંથી પોતાની મધ્યસ્થી પાછી ખેંચી શક્યું હોત.

ધ ડેઇલી ટાઇમ્સના એક નિવેદન મુજબ,"યુએનના કાશ્મીર અંગેના ઠરાવો અંગે યુએસ અને નાટો જ્યાં સુધી ભારત પર દબાણ ન લાવે ત્યાં સુધી પાકિસ્તાને અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણાઓમાં સહકાર આપવાનું અટકાવી દેવું જોઈએ."

તેમાં આગળ કહેવાયું, "જો ચીન ઇચ્છતું હોય કે ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોરનું કામ કોઈ વિઘ્ન વિના ચાલતું રહે તો ચીને પાકિસ્તાન સાથે ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ."

"જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનું સમાધાન ન થાય ત્યા સુધી અફઘાનિસ્તાન-ભારતનો વેપાર માર્ગ પાકિસ્તાને બંધ કરી દેવો જોઈએ અને ભારત માટે પોતાની હવાઈસીમા બંધ કરી દેવી જોઈએ."

એ જેટલું કહેવું સહેલું છે તેટલું કરવું સહેલું નથી. કારણ કે યુએસ અને ચીન જેવી મહાસત્તાઓનાં સ્વહિતો પાસે પાકિસ્તાનનાં હિતો ઘણાં નાનાં છે.

જ્યારે પાકિસ્તાનના જાણીતા સ્થાનિક અખબાર ધ એક્સ્પ્રેસ ટ્રિબ્યૂને નોંધ્યું, "ભારત સાથે વ્યવહાર કરવા માટે પાકિસ્તાન પાસે બહુ ઓછા વિકલ્પો બચ્યા છે...તે વધુમાં વધુ એટલું જ કરી શકે કે રાજદ્વારી પ્રયત્નો દ્વારા વૈશ્વિક મત પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો