ફૅક્ટ ચેક : કાશ્મીરની સ્થિતિ વિશે આ સમાચારોની અડફેટે તમે તો નથી ચડ્યાંને?

સોશિયલ મીડિયામાં અમુક વીડિયો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યા છે કે ભારતીય સેનાએ ભારત પ્રશાસિત કાશ્મીરના બાંદીપોરામાં કાશ્મીરીઓનાં ઘરો સળગાવી દીધાં છે.

સવા મિનિટનો આ વીડિયો ફેસબુક પર 10 હજારથી વધારે વખત શૅર કરવામાં આવ્યો છે અને ત્રણ લાખથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે.

પણ અમારી તપાસમાં અમે જાણ્યું કે આ તાજેતરનો નહીં પણ લગભગ દોઢ વર્ષ જૂનો વીડિયો છે.

કાશ્મીર આધારિત વેબ પોર્ટલ 'કાશ્મીર રાઇઝિંગ' અને 'કાશ્મીર પોસ્ટ' પ્રમાણે આ વીડિયો 27 માર્ચ 2018નો છે અને આ ઘટના ઉત્તરીય કાશ્મીરના બારામુલાના લાચીપોરીમાં ઘટી હતી.

આ ગામનાં ચાર ઘરમાં આગ લાગી હતી જેના કારણે સાત પરિવાર પ્રભાવિત થયા હતા અને તેમના 20 પશુઓ દાઝી ગયા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલોમાં આ વાતનો ઉલ્લેખ નથી મળતો કે લાચીપોરા ગામમાં આગ લાગવાનું કારણ શું હતું.

ગામના લોકોએ આરોપ લગાવ્યો હતો આસપાસમાં કોઈ અગ્નિશમન સુવિધા ન હોવાને કારણે આગે આટલું મોટું સ્વરૂપ લીધું હતું.

અન્ય ફૅક ન્યૂઝ

સોમવારે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લેવાની જાહેરાત કરી ત્યારથી જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ, મોબાઇલ સેવા બંધ છે.

શનિવારે જમ્મુ-કાશ્મીરમાં પૅરામિલિટરી દળોની તહેનાતીના સમાચાર આવ્યા ત્યારથી હલચલ વધી ગઈ હતી.

હજી જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકો સાથે સંપર્ક કરવો મુશ્કેલ છે એટલે ત્યાં શું ચાલી રહ્યું છે તે વિશે કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે.

ત્યારે સોશિયલ મીડિયા પર આ વિશે કેટલીક અફવા ફેલાવવામાં આવી રહી છે જેની સત્યતાની અમે તપાસ કરી હતી.

કાશ્મીરનો ધ્વજ હઠાવવામાં આવ્યો?

દક્ષિણપંથી વલણવાળા કેટલાક ફેસબુક ગ્રુપ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રીનગરના નાગરિક સચિવાલયમાંથી કાશ્મીરનો ઝંડો ઉતારી લેવામાં આવ્યો છે.

અમારી તપાસમાં અમે જાણ્યું કે આ તસવીર 2016ની છે જેનો કાલની તસવીર અને આજની તસવીરમાં તુલના તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આ જૂની તસવીરને એડિટ કરીને આમાંથી કાશ્મીરનો ધ્વજ હઠાવી દેવામાં આવ્યો હતો અને બિલ્ડિંગ પર માત્ર ભારતનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે શૅર કરવામાં આવી રહેલી આ તસવીરને તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે બિલ્ડિંગ અને તેની આજુબાજુની સ્થિતિ એક સરખી દેખાય છે, આસપાસના લોકો, તેમનાં કપડાં અને સ્થિતિ એકદમ સરખી છે.

સમાચાર એજન્સી એએનઆઈ, પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈસલ અને ભાજપ કાશ્મીરના પ્રવક્તા અલ્કાફ ઠાકુરે પુષ્ટિ કરી કે હજુ પણ નાગરિક સચિવાલય ભવન પર બંને ઝંડા પહેલાંની જેમ લાગેલા છે.

પોલીસનો લાઠીચાર્જ?

સોશિયલ મીડિયામાં દક્ષિણપંથી વલણવાળા કેટલાક યૂઝર્સ કટેલીક પોસ્ટમાં એ પણ દાવો કરી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં પોલીસે પત્થરમારો કરનારા મુસ્લિમો અને પ્રદર્શનકારીઓને મારવાનું શરૂં કરી દીધું છે.

આ તસવીરમાં દેખાઈ રહ્યું છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને પોલીસકર્મીઓ કેટલાક પ્રદર્શનકારીઓને માર મારી રહ્યા છે.

જે ગ્રુપ્સમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં લખવામાં આવી રહ્યું છે, " આર્ટિકલ 370 અને આર્ટિકલ 35-એ હઠાવવાની સાથે જ પ્રસાદવિતરણ શરૂ થઈ ગયું છે."

પણ આ એક ભ્રામક માહિતી છે.

રિવર્સ ઇમેજ રિસર્ચ મુજબ આ તસવીર ઑગસ્ટ 2015ની છે અને આ ઘટના પટનાના ગર્દનીબાગ સ્ટેડિયમની પાસે ઘટી હતી.

મીડિયામાં આવેલા જૂના અહેવાલો મુજબ મદરેસામાં ભણાવતા શિક્ષકોએ રાજ્યમાં 2400 મદરેસાઓમાં કામની પરિસ્થિતિમાં સુધારાની માગ સાથે ગર્દનીબાગ સ્ટેડિયમમાં પ્રદર્શન કર્યું હતું.

જ્યારે આ શિક્ષકો બહાર આવ્યા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કરી દીધો હતો.

આ ઘટના બાદ બિહાર પોલીસે સ્પષ્ટતા કરી હતી કે પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી આવાસ તરફ જવાની કોશિશ કરી રહ્યા હતા.

ગિલાનીનો જૂનો વીડિયો

પાકિસ્તાનમાં અલગાવવાદી હુર્રિયત કૉન્ફરન્સ( ગિલાની જૂથ)ના નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો એક વીડિયો તે દિવસથી સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે જ્યારે અમિત શાહે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાની જાહેરાત કરી હતી.

આ પોસ્ટમાં લોકો લખી રહ્યા છે,"આર્ટિકલ 370 હઠાવતા પહેલાં જુઓ કેવી રીતે સૈયદ અલી શાહ ગિલાનીને કેદ કર્યા."

આ વીડિયોમાં તેઓ એક દરવાજા પાસે ઊભા રહીને કહી રહ્યા છે, " દરવાજો ખોલો, હું ભારતના લોકતંત્રના જનાજામાં ભાગ લેવા માગું છું."

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો હાલનો નહીં પણ એપ્રિલ 2018નો છે.

સ્થાનિક અહેવાલો મુજબ એપ્રિલ 2018માં શોપિયાં જિલ્લામાં ભારતીય સેના અને ચરમપંથીઓ વચ્ચે ત્રણ મોટા ઍન્કાઉન્ટર બાદ સૈયદ અલી શાહ ગિલાની અને અન્ય હુર્રિયત નેતાઓએ માર્ચનું આહ્વાન કર્યુ હતું.

પણ ભારતીય સેનાએ માર્ચ શરૂ થાય તે પહેલાં ગિલાનીને તેમના ઘરમાં નજરકેદ કર્યા હતા અને આ વીડિયો ત્યારનો છે.

પાકિસ્તાનમાં આ પહેલાં દિલ્હીની તિહાર જેલમાં અલગાવવાદી નેતા યાસીન મલિકના મૃત્યુની અફવા ઉડી હતી પણ તિહાર જેલના અધિકારીઓ આનું ખંડન કર્યું અને કહ્યું હતું કે યાસીન મલિક સ્વસ્થ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો