You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલમ 370 : લોકો ઘરમાં પુરાયેલાં, જ્યાં જુઓ ત્યાં સૈનિકો, કેવી છે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ?
- લેેખક, જુબૈર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી
મેં જેવા આ સમાચાર સાંભળ્યા કે મારે બે વખત ટૉઇલેટ જવું પડ્યું - આ પ્રતિસાદ હતો કાશ્મીરના ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ નેતાનો. તેઓ કલમ 370 પર ભારત સરકારના નિર્ણયની થોડી વાર પહેલાં બહુ ચિંતિત હતા.
બીબીસીને તેમણે કહ્યું, "હું આઘાતમાં છું. બધા કાશ્મીરી આઘાતમાં છે કે તેઓ સમજી નથી શકતા કે આ શું થઈ ગયું. એવું લાગે છે જાણે થોડીવારમાં જ્વાળામુખી ફાટશે."
સંસદમાં ગૃહમંત્રી અમિત શાહની કલમ 370 અંગેની જાહેરાત પહેલાંથી જ કાશ્મીરમાં ઘણા પ્રકારની અટકળો લગાવવાનું શરૂ થઈ ચૂક્યું હતું.
જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી કલમ 370ને નિષ્પ્રભાવી કરવાનો નિર્ણય લેવાશે એ વાતની કોઈને અપેક્ષા નહોતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હિંસાની કેટલીક નાની ઘટનાઓને બાદ કરતાં બધે શાંતિ છે.
બંધારણના નિષ્ણાત ઝફર શાહે બીબીસીને કહ્યું કે ભારત સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે.
તેમણે કહ્યું, "મારા મતે આ નિર્ણય ભારતીય બંધારણની વિરુદ્ધ છે. 35-એનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે."
ઝફર શાહના મતે આ નિર્ણય ચોંકાવનારો છે પણ કાશ્મીરની આવનારી પેઢીઓ તે ભૂલશે નહીં. પોલીસ અધિકારી એવું પણ સ્વીકારે છે કે લોકોનો ગુસ્સો હિંસાત્મક રૂપ ધારણ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાશીદ અલી એક દવાની દુકાન ચલાવે છે. તેઓ કહે છે, "સમગ્ર ખીણને એક ખુલ્લી જેલ બનાવી દેવામાં આવી છે."
"નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે. દરેક જગ્યાએ પોલીસ અને સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યાં છે. અહીં બધે જ કર્ફ્યુ છે."
"આ સ્થિતિમાં લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. જ્યારે આ બધું હઠશે ત્યારે લોકો રસ્તા પર ઊતરી આવશે."
જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પર ખીણના લોકોનું કહેવું છે કે જ્યાં એક તરફ ભારતમાં તેલંગણા જેવું નવું રાજ્ય બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે જમ્મુ-કાશ્મીર પાસેથી રાજ્યનો દરજ્જો છીનવાઈ રહ્યો છે.
મંગળવારે મેં દિવસભર શ્રીનગરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી. ખૂણે-ખૂણે સુરક્ષાકર્મીઓ તહેનાત છે. દરેક મોટી ઇમારતો બહાર અને સડકો પર બૅરિકેડ ગોઠવવામાં આવ્યાં છે.
શ્રીનગર કોઈ વૉરઝોન જેવું લાગે છે. દુકાનો અને બજાર બંધ છે. શાળાઓ અને કૉલેજો પણ બંધ છે.
લોકોએ કેટલાક દિવસો માટે ઘરોમાં રાશન અને જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરી લીધી છે, પરંતુ જો દુકાનો ન ખૂલી તો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ટેલિફોન લાઇન, મોબાઇલ કનેક્શન અને બ્રૉડ બૅન્ડ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમારા જેવા દિલ્હીથી આવેલા પત્રકારો મુશ્કેલીથી એકમાંથી બીજા વિસ્તારમાં જઈ શકીએ છીએ.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હમણાં થોડા દિવસ માટે ન કર્ફ્યુમાં છૂટ મળશે ન ફોન લાઇન કે મોબાઇલ ફોનની સુવિધાઓ શરૂ થશે.
શહેરના બસ સ્ટેશન પર સેંકડો લોકો ફસાયેલા છે, જે બીજા રાજ્યોમાંથી આવ્યાં છે અથવા કાશ્મીરી છે, જે ખીણથી દૂર જવા માગે છે.
મંગળવારની સવારે છ વાગ્યાથી સેંકડો યાત્રીઓ પોતાનો સામાન લઈને બસ સ્ટૅન્ડ પર બસોની રાજ જોતાં દેખાયા. પોલીસ તેમને કંટ્રોલ તો કરતી હતી પણ તેઓ બસની અછતના કારણે પરેશાન હતા.
બિહારથી આવેલા મજૂરો જૂથમાંથી એકથી બીજા સ્થળે જતાં દેખાતા હતા.
તેમણે જણાવ્યું કે તેઓ બે દિવસથી ખીણથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ અહીં જ ફસાયેલા છે.
એકે કહ્યું, "અમે બે દિવસથી કંઈ ખાધું નથી, ઘરે ફોન પણ કરી શક્યા નથી. કારણ કે મોબાઇલ બંધ છે, અમે હેરાન થઈ ગયા છીએ."
સ્થાનિક લોકો ખૂલીને બોલતાં ડરે છે. પરંતુ જેઓ બોલવાની હિંમત કરી શકે છે તેઓ સરકારના નિર્ણયથી નારાજ છે.
ઍરપૉર્ટથી નજીક સુરક્ષાકર્મીઓની વચ્ચે એક કાશ્મીરી યુવાને કોઈ ડર વિના કહ્યું કે તેઓ આ નિર્ણયને સ્વીકારતા નથી.
તેમનો દાવો હતો કે ઉગ્રવાદને જોઈને બિનકાશ્મીરીઓ અહીં આવીને વસવાની કે મિલકત ખરીદવાની હિંમત કરશે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો