અમિત શાહે આ રીતે ચાલી કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાની ચાલ

    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજનીતિજ્ઞ અને પ્રશાસક તરીકે તેમની કામ કરવાની પદ્ધતિની ખૂબ ચર્ચાઓ થતી રહી છે પરંતુ એ પણ કવર જોઈને પત્રને સમજવા જેટલું અઘરું કામ છે.

પછી તે ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામ કરવાનું હોય કે પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કામ કરવાનું અને પછી ભારતના ગૃહમંત્રી તરીકે કામ કરવાનું હોય, અમિત શાહે પોતાના વ્યવહાર દ્વારા ક્યારેય એ જાહેર થવા દીધું નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે.

તેમની રાજકીય કારકિર્દીના કદાચ સૌથી મહત્ત્વના દિવસોમાં તેમના વર્તનમાં થોડું પરિવર્તન જરૂર જોવા મળ્યું છે.

સોમવારે સવારે 11 વાગ્યે તેઓ રાજ્યસભા અને દેશને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા, એ પણ કાશ્મીરની તણાવગ્રસ્ત સ્થિતિ અંગે.

જ્યારે તેઓ સંસદમાં પહોંચ્યા તો તેમની પાસે ટૉપ સિક્રેટ દસ્તાવેજો હતા.

સામાન્ય માન્યતા અને પ્રોટોકોલ મુજબ તેમાં ન કોઈ ફૉલ્ડર હતું કે ન કોઈ ફાઇલ.

અમિત શાહ કૅમેરા તરફ ફર્યા અને સ્મિત સાથે હાથ જોડી સંસદ તરફ ચાલવા લાગ્યા.

તેમને કદાચ એક અઠવાડિયાથી આ ક્ષણની રાહ હતી, જોકે, કેટલાક ભાજપના નેતાઓ કહે છે કે 300થી વધુ બેઠકો જીતીને જ્યારે તેમણે સરકાર બનાવી ત્યારથી આ ક્ષણની રાહ હતી.

ભારત પ્રશાસિત કાશ્મીર છેલ્લા એક અઠવાડિયાથી તણાવમાંથી પસાર થઈ રહ્યું છે.

તાત્કાલિક ધોરણે સૈનિકોની સંખ્યા વધારી દેવાથી ઘણા લોકોના મનમાં અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ હતી.

કાશ્મીરના સ્થાનિક લોકો પણ આવનારા દિવસો માટે અનાજ અને રાશનની વ્યવસ્થામાં લાગી ગયા હતા.

અમરનાથ યાત્રા માટે કાશ્મીરમાં હાજર હજારો તીર્થયાત્રીઓને પણ ઉગ્રવાદી હુમલાની શક્યતા વ્યક્ત કરીને પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા.

રાજ્યના નેતાઓએ પોતાની ચિંતા તો જરૂર જાહેર કરી અને કહ્યું કે ખીણમાં કંઈક એવું થઈ શકે છે જે સારું નહીં હોય.

કેટલાક નેતાઓને રવિવાર રાતથી તેમના ઘરોમાં નજરકેદ કરી દેવામાં આવ્યા.

સોમવારે સવારે જમ્મુમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો અને એ વખતે દિલ્હીમાં જમ્મુ મામલે કૅબિનેટની બેઠક શરૂ થઈ ગઈ હતી.

આ પહેલાં અમિત શાહે ભારતીય વડા પ્રધાન મોદી સાથે નાસ્તાના સમયે લગભગ એક કલાક બેઠક કરી.

અહેવાલો મુજબ આ બેઠકમાં સૌથી વધુ સમય ગૃહમંત્રી અમિત શાહ બોલતા રહ્યા અને વડા પ્રધાન સાંભળતા રહ્યા.

અમિત શાહે તેમને અનુચ્છેદ 370 બાબતે પોતાની યોજના અને તેને પાર પાડવાના આયોજન અંગે માહિતી આપી.

વડા પ્રધાનને એ સારી રીતે ખ્યાલ હતો કે શાહ છેલ્લા કેટલાક દિવસોથી કયા અભિયાનમાં જોડાયેલા હતા.

તેઓ થોડા દિવસો પહેલાં ચૂંટાયેલા ભાજપના સાંસદોની તાલીમ કાર્યશાળામાં પણ ટૂંકમાં સંબોધન કર્યા પછી દેખાયા નહોતા, જ્યારે મોદી કલાકો સુધી રોકાયા હતા.

ક્યાંક એવું લાગતું હતું કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરવાની દિશામાં મોદી અને શાહ પોતાનું કામ કરી રહ્યા હતા.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે તમે જઈને 2019નું અમારું ચૂંટણીનું ઘોષણાપત્ર જુઓ. તેમાં અમે કલમ 370ને નાબૂદ કરવાના જનસંઘના સમયથી ચાલ્યા આવતા વચનને દોહરાવ્યું છે.

અમિત શાહે 2014માં જ્યારથી પાર્ટીની કમાન સંભાળી છે ત્યારથી તેઓ આ મુદ્દે સૌથી વધુ ભાર મૂકતા આવ્યા છે.

તેની પોતાની પૃષ્ઠભૂમિ પણ છે. મોદી સરકાર 2019માં જ્યારે બહુ મોટા બહુમત સાથે સત્તા પર આવી તો ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી, અમિત શાહ પાર્ટીમાં રહેશે કે સરકારમાં સામેલ થશે.

ત્યારબાદ એ વાતે પણ અંદાજ લગાવવામાં આવતા હતા કે તેઓ નાણામંત્રી બનશે કે ગૃહમંત્રી.

વડા પ્રધાને તેમના માટે ગૃહ મંત્રાલય પસંદ કર્યું કારણ કે મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી તરીકે તેઓ બંને ગુજરાત સરકાર ચલાવી ચૂક્યા હતા.

પરંતુ કાશ્મીર અને અનુચ્છેદ 370 અંગે ભાજપની યોજના પણ એક મોટું કારણ રહ્યું હશે, જેના કારણે અમિત શાહને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી.

આ પહેલાં ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહને જમ્મુ-કાશ્મીર મુદ્દે ઘરોબો ધરાવતા નેતા માનવામાં આવતા હતા.

2014માં ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના પોતાના ઉદ્ઘાટન ભાષણમાં રાજનાથ સિંહે કહ્યું હતું, "જમ્મુ-કાશ્મીર અમારા માટે એક ગંભીર અને સંવેદનશીલ વિસ્તાર છે. જો કલમ 370થી રાજ્યનો વિકાસ થતો હોય તો તેને યથાવત રાખવામાં અમને કોઈ વાંધો નથી."

જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓ કલમ 370ને હઠાવવાની વાત કરવા લાગેલા. કારણ કે તેમના મતે આ કલમથી રાજ્યના લોકોને કોઈ મદદ મળી નહોતી.

એ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે આ યોજનાને બનાવવા અને લાગુ કરવામાં તેઓ એકલા નહોતા, તેમને ઘણા લોકોનું સમર્થન હતું. પરંતુ તેમના ટીકાકારો તેમની સરમુખત્યારશાહી અને ગેરબંધારણીય શૈલીની ટીકા કરી રહ્યા છે.

તેમના સૌથી વિશ્વાસપાત્ર લેફ્ટનન્ટ ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રહ્યા.

છેલ્લા એક મહિનામાં ડોભાલે ઘણી વખત કાશ્મીરની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

એક મોટો નિર્ણય લેતાં પહેલાં તેમણે ત્યાંની સુરક્ષાની સ્થિતિની તપાસ અને અભ્યાસ કર્યા છે.

તેમણે તાજેતરમાં જ બીવીઆર સુબ્રમણ્યમને રાજ્યના મુખ્ય સચિવ બનાવ્યા, જેથી શ્રીનગરથી નિયમિત રીતે પ્રતિભાવો મળતા રહે.

સુબ્રમણ્યમ વડા પ્રધાન કાર્યાલયમાં વરિષ્ઠ પદ પર તહેનાત હતા અને હાલના સમયમાં વડા પ્રધાન મોદીના સૌથી વિશ્વાસપાત્ર અધિકારી માનવામાં આવતા હતા.

તે ઉપરાંત આ જાહેરાત સાથે ઊભી થવાની હતી તે પરિસ્થિતિઓ માટે ગૃહસચિવ રાજીવ ગાબા અને તેમના વરિષ્ઠ અધિકારીઓ અમિત શાહ સાથે વહીવટી સ્તરે કામ કરી રહ્યા હતા.

જ્યારે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સરકારના નિર્ણયમાં કાયદાકીય પાસાની જવાબદારી સંભાળી રહ્યા હતા.

કલમ 370 દ્વારા કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાનો ફાયદો થશે કે નહીં, તે મુદ્દે ચર્ચાઓ ચાલે છે, જ્યારે સરકાર તેની કાયદાકીય સમીક્ષા માટે પણ તૈયાર છે.

આ રીતે અમિત શાહ ફરી એક વખત ભાજપ અને સરકાર બંનેમાં મોદી પછીની બીજા નંબરની વ્યક્તિ સાબિત થયા છે.

સામાન્ય રીતે એવું નથી થતું કે ભારતના વડા પ્રધાન પોતાના કૅબિનેટ મંત્રીના ભાષણને ટ્વિટર પર શૅર કરતા તેને વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી આપનાનરું ગણાવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો