You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આગ્રાની એ જેલ જ્યાં 80થી વધારે કાશ્મીરીઓ કેદ છે
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં કાળઝાળ ગરમી હતી પણ ક્યારેક-ક્યારેક પવનની લહેરથી થોડીક રાહત અનુભવાતી હતી.
પણ કાશ્મીરની ખીણ જેવી ઠંડી જગ્યાએથી આવેલા આશરે ડઝન જેટલાં સ્ત્રી-પુરુષો માટે એવું નહોતું. તેઓ ગરમીથી પરેશાન હતાં.
આગ્રાની સેન્ટ્રલ જેલના ગેટ પર રાહ જોઈને બેસેલા આ લોકો જેલની અંદર બંધ પોતાના પરિવારજનોને મળવા આવ્યા હતા.
તેમના ચહેરા પર વર્તાતું હતું કે તેઓ આ વિસ્તારથી અજાણ છે.
મીડિયાના અહેવાલો મુજબ સુરક્ષાદળો દ્વારા સંખ્યાબંધ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓ આ બાબતે ચૂપ છે.
આગ્રાની અતિસુરક્ષિત ગણાતી જેલમાં કાશ્મીરથી લાવેલા 80થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે.
જેલમાં બંધ પોતાના પરિવારના સભ્યોને મળવાની રાહ જોઈને બેસી રહેવું આ લોકો માટે દુર્ગંધ અને ગરમીને કારણે મુશ્કેલ બની રહ્યું હતું.
'4 ઑગસ્ટની રાત્રે સુરક્ષા બળો લઈ ગયા'
પોતાના શર્ટથી પરસેવો લૂછતા એક વ્યક્તિ મને કહ્યું, "બહુ ગરમી છે, હું અહીં મરી જઈશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "મારું નામ ન પૂછશો, હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ."
શ્રીનગરથી 30 કિલોમિટર દૂરના પુલવામાથી તેઓ આગ્રા પોતાના ભાઈને મળવા આવ્યા હતા.
તેમણે કહ્યું, "તેમને 4 ઑગસ્ટની રાત્રે ઉઠાવી લેવામાં આવ્યા હતા. સુરક્ષા દળોનાં બે-ત્રણ વાહનો હતાં. અમને કહ્યું નહોતું કે તેને ક્યાં લઈ જવાઈ રહ્યો છે."
તેમણે ઉમેર્યું, "મને નથી ખબર કે તેને કેમ લઈ જવામાં આવ્યો. પથ્થરમારા સાથે તેનો કોઈ સંબંધ નહોતો. તે તો ડ્રાઇવર હતો."
5 ઑગસ્ટે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
પુલવામાથી આવેલી એ વ્યક્તિએ કહ્યું, "અમે અધિકારીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેને શ્રીનગર લઈ જવામાં આવ્યો છે. ઘણા પ્રયત્નો બાદ અમને ખબર પડી કે તેને અહીં લાવવામાં આવ્યો છે."
તેમણે કહ્યું, "હું 28 ઑગસ્ટે આગ્રા આવ્યો હતો. અમને સ્થાનિક એસએસપી પાસેથી ખરાઈ માટે પત્ર લાવવાનું કહેવામાં આવ્યું હતું. હું એ પત્ર લાવવા પુલવામા પાછો ગયો હતો. અત્યાર સુધી હજારો રૂપિયા ખર્ચાઈ ગયા છે."
તેમનું કહેવું હતું, "મારો ભાઈ 28 વર્ષનો છે અને આર્ટ્સ ઍન્ડ ઍજ્યુકેશનમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી લીધી હતી પરંતુ હવે તે બધું બેકાર છે કારણકે એ જેલમાં છે."
શ્રીનગરના એક વેપારીનો પરિવાર એક ખૂણામાં રાહ જોઈને બેઠો હતો. તેમના ચેહરાઓ પરના ભાવ જાણે એવું કહી રહ્યા હતા કે તેઓ કોઈ સાથે વાત કરવા માગતા નથી.
જેલમાં બંધ એક વ્યક્તિનાં પત્નીનું માથું દુપટ્ટાથી ઢાંકેલું હતું અને તેઓ પોતાના રળતા બાળકને થાબડી રહ્યાં હતાં.
થોડી વાર બાળકને શાંત પાડવાના પ્રયત્ન કર્યા બાદ તેઓ હૉલમાંથી બહાર નીકળી ગયાં અને બહાર પાણીના માટલામાંથી બાળકની બૉટલ ભરી લાવ્યાં.
તેમની સાથે તેમનો કિશોર વયનો પુત્ર પણ હતો અને બંનેના ચેહરા પર કેટલાય પ્રશ્નો હતા.
'ક્યારેય સુરક્ષાબળો પર પથ્થર નહોતા ફેંક્યા'
કુલગામના અબ્દુલ ગની મજૂરી કરે છે અને ટ્રેનમાં મુસાફરી કરીને દિલ્હી પહોંચ્યા. દિલ્હીથી બસમાં મુસાફરી કરીને આગ્રા આવ્યા હતા. તેમનો દીકરો અને ભત્રીજો બંને જેલમાં હતા.
તેઓ કાશ્મીરથી જરૂરી પત્ર નહોતા લાવ્યા એટલે તેઓ ચિંતામાં હતા.
તેમનું કહેવું છે કે કાશ્મીરથી આગ્રાની મુસાફરી અને રોકાવવા માટે તેમણે 10 હજાર રૂપિયા ખર્ચી કાઢ્યા છે અને હજુ ઘરે પરત જવાનું બાકી છે.
તેમણે કહ્યું, "મને ખબર નહોતી કે મારે આ કાગળ લાવવાના છે. તેમને સવારે 2 વાગ્યે ઉઠાવી લેવામાં આવ્યા હતા. ત્યારે તેઓ સુઈ રહ્યા હતા. સુરક્ષાદળો ત્રણ-ચાર ગાડીઓ લઈને આવ્યાં હતાં."
"કોઈએ અમને કહ્યું નહીં કે તેમને કેમ લઈ જવાયા હતા. તેણે ક્યારેય સુરક્ષાદળો પર પથ્થર નહોતા ફેંક્યા."
થોડાક કલાકો પછી ગેટ પાર કરીને અંદર જવાનો વારો આવ્યો.
મોટા ભાગના કાશ્મીરી પરિવારો તાજાં સફરજન લઈને આવ્યાં હતાં.
તેમાંથી એક પરિવાર સફરજનની પેટી લઈને આવ્યો હતો જેથી તે લાંબો સમય સુધી ટકી રહે પરંતુ ગાર્ડે સુરક્ષાની દૃષ્ટિએ તેમને થેલામાં સફરજન મૂકવા કહ્યું.
'15 દિવસમાં પરત ફરીશ'
અબ્દુલ ગનીએ અધિકારીઓને વિનંતિ કરી જે કામ લાગી અને અધિકારીઓએ તેમને આધાર કાર્ડ દાખવીને પ્રવેશની પરવાનગી આપી હતી.
એક વરિષ્ઠ જેલ અધિકારીએ કહ્યું, "અમે વધારેમાં વધારે લોકોની વિનંતિને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આધાર બતાવશો તો અંદર જઈને મળવા દઈશું."
લગભગ એક કલાક પછી અબ્દુલ ગની બહાર આવ્યા ત્યારે તેમના ચેહરા પર સ્મિત હતું. તેઓ પોતાના પુત્ર અને ભત્રીજા સાથે લગભગ 30 મિનિટ સુધી રહ્યા.
તેમણે કહ્યું, "તે ચિંતામાં હતો. મેં તેને કહ્યું કે ઘરે બધુ બરાબર છું."
તેમણે ઉમેર્યું, "હું તેમની ભાળ લેવા માટે હેરાન-પરેશાન હતો. અલ્લાહનો આભાર છે કે હું તેને મળ્યો. હવે 15 દિવસમાં પરત ફરીશ."
બપોરે લગભગ ચાર વાગ્યા હશે અને વેટિંગ હૉલ ખાલી થઈ ચૂક્યો હતો ત્યારે અમે એક મહિલા અને એક પુરુષને ઝડપથી બહાર આવતા જોયાં હતાં.
તેઓ બારામુલાથી આવ્યાં હતાં. તેઓ ફ્લાઇટ લઈને શ્રીનગરથી દિલ્દી આવ્યાં હતાં અને દિલ્હીથી કૅબ કરીને આગ્રા આવ્યાં હતાં.
તેમણે જેલના અધિકારીઓને વિનંતિ કરી અને તેમને 20 મિનિટ સુધી મળવાનો સમય આપવામાં આવ્યો.
તારીક અહેમદ ડારના ભાઈ જેલમાં બંધ છે. તેમના ભાઈનાં ત્રણ બાળકો છે.
તારીક અહેમદે કહ્યું, "જેલ અધિકારીઓએ કહ્યું કે અમે વહેલાં આવ્યાં હોત તો અમને 40 મિનિટ સુધી મુલાકાતનો સમય મળી શક્યો હોત."
એક જેલ અધિકારીએ અમને કહ્યું કે મંગળવાર અને શુક્રવારે જ મુલાકાતીઓને મળવાનો સમય આપવામાં આવે છે, એટલે જો ચૂકી ગયા તો ચાર દિવસ સુધી રાહ જોવી પડે.
તારીકે અહેમદે કહ્યું, "મેં તેની સાથે વાત કરી. તેમનાં પત્ની, બાળકો, વૃદ્ધ માતા-પિતા બધા તેને બહુ યાદ કરે છે. તેમની માટે આ કપરો સમય છે. હવે મેં તેને જોઈ લીધો છે અને હું તેમને કહીશ કે તે બરાબર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો