સરદાર સરોવર ડૅમની ઉજવણીનો આ લોકો વિરોધ કેમ કરી રહ્યા છે?

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

સરદાર સરોવર ડૅમનું જળસ્તર પહેલી વાર 138.68 મીટરે પહોંચ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરવાની જાહેરાત પણ કરાઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયા ખાતે આયોજિત ઉજવણીમાં અને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'માં ભાગ લેશે.

'એમનો જન્મદિવસ છે અને અમારો મરણદિવસ છે. ગામો ડૂબી રહ્યાં છે ત્યારે ઉજવણી કરાય છે આ બહુ વિકૃત છે.'

આ શબ્દો નર્મદા બચાવો આંદોલનનાં મેધા પાટકરના છે.

નર્મદા બચાવો આંદોલન દ્વારા આ ઉજવણીનો વિરોધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

નર્મદા બચાવો આંદોલનના પ્રતિનિધિઓ કહે છે, "નરેન્દ્ર મોદી લાખો લોકોનાં ઘરો અને ગામોને જળસમાધિ આપીને પોતાનો જન્મદિવસ મનાવશે."

"લોકો બેઘર થઈ રહ્યા છે અને ઢોરઢાંખર મરી રહ્યાં છે, ત્યારે ગુજરાત સરકાર ઉજવણી કેવી રીતે કરી શકે?"

રાજ્યભરમાં ઉજવણીની તૈયારી

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે અમે 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના જન્મદિને સ્વાગત કરવા તૈયાર છીએ.

રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરે ઉજવણી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ધ્યાને રાખીને કેવડિયા ખાતે વિશેષ તૈયારીઓ થઈ રહી છે.

સરદાર સરોવર ડૅમને શણગારવામાં આવ્યો છે અને જિલ્લાઓમાં પણ ભવ્ય ઉજવણી થાય એ માટે રાજ્ય મંત્રીમંડળના પદાધિકારીઓને જિલ્લા વાર જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને એટલે કે 17 સપ્ટેમ્બરે 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરાશે.

તેમણે કહ્યું હતું, "138.68 મીટર પાણી ડૅમમાં પહેલી વખત ભરાયો છે. એ ખુશીમાં કેવડિયા કૉલોની ખાતે ઉજવણી કરવામાં આવશે."

સવારે 10 વાગ્યે રાજ્યભરમાં ઉજવણી થનાર છે અને એ માટે રાજ્યના મંત્રીમંડળના પદાધિકારીઓને જિલ્લાઓ પ્રમાણે જવાબદારી સોંપી દેવામાં આવી છે.

રૂપાણીએ કહ્યું હતું કે આ ઉપરાંત રાજ્યનાં વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવશે.

જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે ઉજવણીમાં સામેલ થઈ રહ્યા હશે ત્યારે મધ્યપ્રદેશના બડવાણી અને દેશના અન્ય ભાગોમાં આ ઉજવણીનો વિરોધ થઈ રહ્યો હશે.

કેમ કરાઈ રહ્યો છે વિરોધ?

એક તરફ ગુજરાતમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ મધ્ય પ્રદેશનાં અનેક ગામોમાં પાણી ભરાયેલાં છે અને હજારો ઘરો ડૂબી ગયાં છે.

સરદાર સરોવર ડૅમમાં જળસ્તર 134 મીટરે પહોંચ્યું ત્યારથી મધ્ય પ્રદેશનાં ગામોમાં પાણી ભરાયાં હતાં.

મેધા પાટકરે જણાવ્યું કે 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના બડવાણીમાં વિરોધમાં કાર્યક્રમ યોજાશે.

બડવાણી જિલ્લો મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલો છે.

આ જિલ્લો સાતપુડાનાં જંગલોથી પણ નજીક છે અને જિલ્લા પાસેથી નર્મદા નદી પસાર થાય છે.

લોકોનું પુનર્વસન ન કરાયું હોવાના મામલે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે.

નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલાં મુદિતા વિદ્રોહી કહે છે, "બડવાણીમાં દેશભરમાંથી લોકોને આહ્વાન કરીને બોલાવાયા છે અને ત્યાં રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે."

"આ ઉપરાંત જ્યાંથી લોકો બડવાણી ન જઈ શકે એ લોકો સ્થાનિક સ્તરે પોતાનાં શહેરોમાં કાર્યક્રમો યોજે એવી અપીલ કરવામાં આવી છે."

મેધા પાટકર વિરોધ કરવાનું કારણ જણાવતાં કહે છે, "અનેક ગામો સાવ ખતમ જ થઈ ગયાં છે. મૂર્તિઓ સાથે જ મંદિરો પાણીમાં ડૂબી ગયાં છે."

"રસ્તાઓ તૂટી ગયા છે અને ખેતરોમાં તૈયાર થયેલો મોલ ખતમ થઈ ગયો."

મેધા પાટકર આ ગામોની તરફેણમાં સરકાર વિરુદ્ધ ઑગસ્ટ માસના અંતમાં ઉપવાસ પર બેઠાં હતાં.

આ ઉપવાસ દરમિયાન તેમની તબિયત લથડી હતી અને પછીથી તેમણે પારણાં કર્યાં હતાં.

નર્મદા આંદોલન સાથે જોડાયેલા આનંદ મઝગાવકર જણાવે છે, "આશરે 32 હજાર પરિવારો એટલે કે દોઢ લાખ જેટલા લોકો અસરગ્રસ્ત છે."

"જળસપાટીના કારણે મધ્ય પ્રદેશનાં 192 ગામો ડૂબી જવાનાં છે. આ ગામોનાં લોકોનાં પુનર્વસનની કામગીરી થઈ નથી."

"આ સ્થિતિને કારણે અમારે વિરોધ કરવો પડી રહ્યો છે."

'પહેલાં પુનર્વસન થવું જોઈએ'

નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલાં મુદિતા વિદ્રોહી કહે છે, "મધ્ય પ્રદેશમાં 192 ગામડાંઓ પાણીમાં ડૂબેલાં છે ત્યારે ઉજવણી કરી કેવી રીતે શકાય? લાખો લોકોનાં ઘરોનો પ્રશ્ન છે."

"ગામોમાં પાણી દિવસે ને દિવસે વધી રહ્યાં છે. 192 ગામો અને નિરસપુર નામનું નગર પણ ડૂબવિસ્તારમાં છે. "

"ગુજરાતનાં ગામોને પણ સાંકળીએ તો 200થી વધારે ગામો પાણીમાં ડૂબશે."

"35 વર્ષથી સંઘર્ષ ચાલે છે છતાં યોગ્ય પુનર્વસન કરવામાં નથી આવ્યું અને સરકારે આ ગામોને ડુબાડ્યાં છે."

"અત્યારે લોકો જ્યાં રહે છે ત્યાં પીવાનાં પાણી, સેનિટેશનની કોઈ વ્યવસ્થા નથી. લોકોની આજીવિકા, શિક્ષણ બધું જ ખોરવાઈ ગયું છે."

'આ સૌનો સાથ સૌનો વિકાસ નથી'

ગુજરાતની ભાજપ સરકારનું કહેવું છે કે ડૅમનું જળસ્તર વધારીને તેમણે નર્મદા કંટ્રોલ ઑથોરિટી (NCA)ના કોઈ પણ આદેશનો ભંગ નથી કર્યો અને રાજ્ય પોતાના હિસ્સાનું પાણી મેળવીને જ રહેશે.

NCAએ ગુજરાત સરકારને સરદાર સરોવર ડૅમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપી છે, જેના કારણે તેના કેચમૅન્ટ વિસ્તારમાં સતત જળસ્તર વધી રહ્યું છે.

NCAએ વર્ષ 1979માં જળ અને વીજવહેંચણી સંદર્ભે એક ચુકાદો આપ્યો હતો જે 2024 સુધી તમામ પક્ષકાર રાજ્યોને બંધનકર્તા છે.

મુદિતા વિદ્રોહી કહે છે, "અમારો વિરોધ ડૅમમાં જળસ્તર વધારવા સામે જરા પણ નથી, પરંતુ લોકોનું યોગ્ય રીતે પુનર્વસન પહેલાં થવું જોઈએ. સરકાર એ કરે અને એ પછી ડૅમમાં જળસ્તર વધારે."

"ગુજરાત સરકાર ખેડૂતોને અને ગુજરાતની પ્રજાને પાણી આપવાનું ગાણું ગાઈને આ જે કરી રહી છે એની હકીકત શું છે એ જોવાની જરૂર છે."

મેધા પાટકર કહે છે કે હજારો લોકો બેઘર થઈ રહ્યા હોય તો આ 'સૌનો સાથ સૌનો વિકાસ' નથી.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "નરેન્દ્ર મોદીનો વિકાસનો દૃષ્ટિકોણ અલગ છે. તેઓ દેશનાં પ્રાકૃતિક સંસાધનોની દરકાર કરતા નથી અને પરંપરાઓ પર તેમને શ્રદ્ધા નથી."

"નરેન્દ્ર મોદી નર્મદાને પાણીથી વધારે પર્યટન સમજે છે. નદીકિનારાનાં ગામોને પણ તેઓ પર્યટનસ્થળ તરીકે જુએ છે. તેમનું બધું ધ્યાન તેના પર જ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો