મેધા પાટકર : નરેન્દ્ર મોદી નર્મદાને પાણીથી વધુ પર્યટન સમજે છે

ગુજરાતમાં સરદાર સરોવર ડૅમનું જળસ્તર 134 મીટર સુધી પહોંચી ગયું છે. તેના કારણે મધ્ય પ્રદેશના ઘણાં ગામોમાં પાણી ભરાઈ ગયાં છે.

આ ગામોમાં રહેતા લોકોના જીવનને પણ ગંભીર અસર થઈ છે. ઘણાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.

તેના વિરોધમાં સામાજિક કાર્યકર મેધા પાટકર પોતાના કેટલાક સહયોગીઓ સાથે મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના બડ્ડા ગામમાં અનિશ્ચિત કાળ માટે ઉપવાસ પર બેઠાં છે.

તેઓ ભૂખહડતાલ પર બેઠાં એ વાતને નવ દિવસ થઈ ચૂક્યા છે. તેમની સ્થિતિ હવે ખરાબ થઈ રહી છે. પરંતુ તેમનું કહેવું છે કે જ્યાં સુધી એમની માગો માનવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે.

મેધા પાટકર છેલ્લાં 34 વર્ષથી 'નર્મદા બચાવો' આંદોલન અંતર્ગત સરદાર સરોવર ડૅમ અને તેના કારણે વિસ્થાપિત થયેલા લોકોના અધિકારો માટે લડી રહ્યાં છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે બડ્ડા ગામમાં જઈને મેધા પાટકરની મુલાકાત લીધી અને તેમને પૂછ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો કહે છે કે સરદાર સરોવર ડૅમની ઊંચાઈ પરથી પાણી બરાબર વહી રહ્યું છે અને તમારે એ જોવા માટે આવવું જોઈએ, પરંતુ આપ અહીં ઉપવાસ પર બેઠાં છો, આવો વિરોધાભાસ કેમ?

મેધા: નરેન્દ્ર મોદી એક રાજનેતા છે અને અહીં આપણી જનતા રહે છે. નરેન્દ્ર મોદીનો વિકાસનો દૃષ્ટિકોણ અલગ છે. તેઓ દેશનાં પ્રાકૃતિક સંસાધનોની પરવા કરતા નથી અને પરંપરાઓ અંગે તેમને શ્રદ્ધા નથી.

તેમણે પોતાના ભાષણમાં સિંચાઈ વિશે પણ કહ્યું હતું કે આપણે સિંચાઈની બધી પરંપરાગત પદ્ધતિઓ છોડી દેવી જોઈએ. જ્યારે મહારાષ્ટ્ર જેવું રાજ્ય પણ દેશમાં મોટા-મોટા બંધ હોવા છતાં દુષ્કાળના ઘેરામાં આવી ગયું છે. અમેરિકા પણ હજાર ડૅમ તોડી ચૂક્યું છે. અહીં તેમનું વલણ પ્રવાસન તરફ વધારે છે.

તમને વું કેમ લાગ છે કે સરદાર સરોવર હવે પાણીના બદલે પર્યટનનો મુદ્દો બની ગયો છે?

તેમનાં દરેક પગલાંથી આવું અનુભવાય છે. નદીકિનારાનાં ગામોને પણ તેઓ પર્યટનસ્થળ તરીકે જુએ છે. તેમનું બધું ધ્યાન તેના પર જ છે.

તેમને પરવા નથી કે ગુજરાતના વિસ્થાપિતોનું આજ સુધી સંપૂર્ણ પુનર્વસન થયું નથી. તેમને જ્યાં વસાવવામાં આવ્યા છે, ત્યાં ઘર-ઘરથી લોકો મજૂરી કરવા માટે જાય છે. ઘણા લોકોને ખરાબ જમીન મળી છે. ઘણા લોકોને પુનર્વાસમાં પીવાના પાણીની સમસ્યા છે.

આપ 34 વર્ષથી સતત આંદોલન કરી રહ્યા છો, આ વખતના ઉપવાસના મહત્ત્વના મુદ્દા કયા છે?

પાણી ન ભરાવું જોઈએ. ગામો ડૂબી રહ્યાં છે, તૂટી રહ્યાં છે અને જમીનો ટાપુ બની રહી છે. આવું બધું થાય છે, જો આથી પાંચ મીટર પણ વધુ પાણી ભરાયું તો હાહાકાર મચી જશે. પછી પુનર્વસન કરવું પણ મુશ્કેલ થશે.

જળસ્તર 134 મીટર થવાથી મધ્ય પ્રદેશનાં કેટલાં ગામોમાં અસર થઈ છે, પાણી હજુ વધ્યું તો કેટલાં ગામોમાં અસર થશે?

હજુ પહાડી પટ્ટાનાં ગામોમાં બહુ પાણી નથી ભરાયાં. પરંતુ એ પણ પુનર્વસવાટ નથી. જે લોકો પુનર્વસનના સ્થળે ગયા છે અને જેમને ઉપર ઘર બાંધવા પડ્યાં છે તેમને પણ બીજી જગ્યા નથી મળી.

નિમાડના મેદાની વિસ્તારો છે, ત્યાં મોટાં-મોટાં સમૃદ્ધ ગામો છે, ઉપજાઉ જમીન છે, સેંકડો મંદિરો છે, હજારો પશુઓ છે, એક-એક ગામમાં હજારો વૃક્ષો છે, ત્યાં પણ લગભગ 50 થી 80 ગામોમાં અસર થઈ છે.

જો જળસ્તર 139 મીટર સુધી પહોંચી જશે તો 192 ગામડાઓ અને એક શહેરને અસર થશે.

મધ્યપ્રદેશની આ પહેલાંની સરકારે કેન્દ્ર સરકાર સાથે ઘણાં ગામો(16 હજાર પરિવાર)ને પાણીમાં જતાં બચાવવા માટે એક ખેલ કરેલો, પણ તે હવે ખોટો સાબિત થઈ રહ્યો છે.

તેમણે ગામોની સંખ્યા 176 કરી નાંખી અને એવું કહેવાનું શરૂ કરી દીધું કે બધાં ગામો ખાલી થઈ ગયાં છે અને કોઈનું પુનર્વસન બાકી નથી.

હવે સાબિત થઈ રહ્યું છે કે એ બધું ખોટું હતું. અત્યાર સુધી ગામોનાં આંકડાના હિસાબે માત્ર 32 હજાર પરિવાર અસરગ્રસ્ત હતા, એ સંખ્યા આજે 30 હજારની આસપાસ જઈ રહી છે.

સરદાર સરોવર ડૅમ પાસે રિવર રાફ્ટિંગ શરૂ થઈ રહ્યું છે. પર્યટનની બીજી પણ વસ્તુઓ શરૂ થઈ રહી છે. જો પર્યટન દ્વારા અહીંના આદિવાસીઓને રોજગાર મળતો હોય તો તેમાં શું તકલીફ છે?

આદિવાસીઓની ગ્રામસભાને પૂછીને વિકાસ થવો જોઈએ. શું તેમને એવો વિકાસ જોઈએ છે, જેમાં બહારના લોકો આવીને તેમની શાંતિ, તેમની ખેતી અને વ્યવસ્થાને સાવ બરબાદ કરી નાંખે?

તેમને જે નોકરી નવી-નવી મળી છે, ત્યાં માત્ર ત્રણ-ત્રણ મહિના માટે કામ મળે છે. કૉન્ટ્રેક્ટ લેબર વધારે હશે.

તેમની સાદી, સ્વાવલંબી અને પ્રકૃતિ આધારિત સંસ્કૃતિ કઈ રીતે બદલાશે એ પણ વિચારવું જોઈએ.

અમે એવું નથી કહેતાં કે પ્રવાસન હોવું ન જોઈએ. પરંતુ બહારની મોટી-મોટી કંપનીઓ અને કૉન્ટ્રેક્ટરને લાવવામાં આવી રહ્યા છે. તેના બદલે જો આદિવાસી ગામોની આતિથ્ય પરંપરાને પ્રોત્સાહન આપવાનું કામ થયું હોત તો વાત અલગ હતી.

તેમનો દૃષ્ટિકોણ બહુ અલગ છે જેનાથી ચિત્ર બદલાઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો