Top News: કુલભૂષણ જાધવને ભારતીય રાજદૂત ઇસ્લામાબાદમાં મળ્યા

વર્ષ 2016માં અટકાયત કરાયા બાદ પ્રથમ વખત કુલભૂષણ જાધવ સાથે ભારતના ઉચ્ચ રાજદૂતને મળવા દેવાયા છે.

બીબીસીનાં સંવાદદાતા સુમાઇલા જાફરીના જણાવ્યા અનુસાર ઇસ્લામાબાદ ખાતેના ભારતીય ડૅપ્યુટી હાઈ-કમિશનર ગૌરવ અહલુવાલીયાએ જાધવ સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી છે.

જાસૂસીના આરોપસર જાધવ પાકિસ્તાનની કેદમાં છે અને પાકિસ્તાનની સૈન્યકોર્ટે વર્ષ 2017માં તેમને મૃત્યુદંડ ફટકાર્યો હતો.

આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા પાકિસ્તાનને જાધવના કેસની સમિક્ષા કરવાનું કહેવાયા બાદ પ્રથમ વખત કોઈ ભારતીય રાજનાયકને જાધવને મળવા દેવાયા છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા જ વિયેના-કરાર અંતર્ગત જાધવને કૉન્સ્લયુલર એક્સેસ આપવા જણાવાયું હતું.

પાકિસ્તાનનો આરોપ છે કે જાધવ તેમની ધરતી પર ભાંગફોડિયા પ્રવૃતિમાં સામેલ હતા. જાધવ પર નકલી પાસપોર્ટ સાથે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો આરોપ લગાવાયો હતો.

જોકે, ભારત દ્વારા આ આરોપને ફગાવી દેતાં કહેવાયું હતું કે જાધવ ભારતીય નૅવીના પૂર્વ અધિકારી છે અને ઈરાનમાં પોતાના ધંધાર્થે ગયા હતા, જ્યાંથી પાકિસ્તાની દળોએ તેમની અટકાયત કરી હતી.

આ પહેલાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે જાધવને 'રાજકીય સંબંધો પર વિયેના કન્વેન્શન અને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિયમો તેમજ પાકિસ્તાનના કાયદા અનુસાર' રાજકીય સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 96 ટકા વરસાદ નોંધાયો છે.

'ડીએનએ'ના અહેવાલ પ્રમાણે હવે ગુરુવાર સુધીમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, એ બાદ વરસાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ ગતિ કરશે.

રવિવારે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કુતિયાણા, રાણાવાવ, માણાવદર, ઉના, ઉમરાડા, અબડાસા અને પારડીમાં 56 મીમીથી 134 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

રવિવાર સવાર સુધીમાં રાજ્યમાં લગભગ 783.47 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લાં 30 વર્ષની 816 મીમી વરસાદની સરેરાશનો 96 ટકા છે.

માલદીવમાં કાશ્મીરનો મુદ્દો ઊઠ્યો, ભારત પાકિસ્તાન આમને-સામને

માલદીવની રાજધાની માલેમાં આયોજિત ચોથી સાઉથ એશિયન સ્પીકર્સ સમિટમાં ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ.

ભારત તરફથી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ, લોકસભાના અઘ્યક્ષ ઓમ બિરલા અને પાકિસ્તાન તરફથી સેનેટર કુર્તુલઇન મર્રી તેમજ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી આ સમિટમાં હાજર હતા.

સમિટમાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અને 370નો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી. કાસિમ સૂરીએ કહ્યું, 'કાશ્મીરીઓ પર થઈ રહેલા અત્યાચારની અવગણના થવી જોઈએ નહીં.'

ત્યારે હરિવંશ સિંહે તરત કહ્યું, "અમે અહીં ભારતના આંતરિક મુદ્દાને ઉઠાવવા સામે વાંધો ઉઠાવીએ છીએ અને આ મંચના રાજકીયકરણ કરવાની કોશિશને પણ નકારીએ છીએ."

તેમને જવાબ આપતા કુર્તુલઇન મર્રીએ કહ્યું, "પાકિસ્તાન પોતે જ ઉગ્રવાદનો શિકાર છે, તમે આ પ્રકારનું નિવેદન કઈ રીતે કરી શકો. ઉગ્રવાદના કારણે અમે સૌથી વધુ લોકો ગુમાવ્યા છે."

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવવા પર પાકિસ્તાનમાં થઈ રહેલી રેલીઓ અને વિરોધ પ્રદર્શન તેમજ વડા પ્રધાન ઇમરાન ખાનના આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવવાના પ્રયત્નો વચ્ચે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં એક અહેવાલ પ્રકાશિત થયો છે.

જેના અનુસાર શનિવારે ઉત્તર અમેરિકાના હ્યુસ્ટનમાં ઇસ્લામિક સોસાયટીના વાર્ષિક સંમેલનમાં યૂએસના સેનેટર અને ડેમૉક્રેટિક પ્રેસિડેન્શિયલ કન્ટેન્ડર બર્ની સૅન્ડર્સે કહ્યું કે તેઓ કાશ્મીરની સ્થિતિથી બહુ દુખી છે.

તેમણે યૂએન જે શાંતિપૂર્ણ નિરાકરણની હિમાયત કરે છે, તે અંગે યૂએસ સરકાર ખૂલીને બોલે એ વાત પર ભાર મૂક્યો છે.

1971 પછી કોઈ ભારત આવ્યું નથી - બાંગ્લાદેશી ગૃહમંત્રી

આસામના નાણામંત્રી હિમંતા બિસ્વ સર્માએ નિવેદન આપ્યું હતું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનની અંતિમ યાદી બન્યા બાદ 'મિત્ર' બાંગ્લાદેશનો સંપર્ક સાધવામાં આવશે કે તેઓ પોતાના લોકોને પાછા બોલાવી લે.

તેના જવાબમાં બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાને દાવો કર્યો છે કે જ્યાં સુધી તેમને માહિતી છે ત્યાં સુધી 1971 પછી કોઈએ ભારતમાં સ્થાનાંતર કર્યું નથી.

ન્યૂઝ-18ના અહેવાલ મુજબ ખાને કહ્યું, "આસામમાં એનઆરસીની યાદી બની રહી છે, તેનો મને ખ્યાલ છે. તે સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે તેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી."

શનિવારે એનઆરસીની અંતિમ યાદી જાહેર થઈ છે, જેમાં લગભગ 19 લાખથી વધુ લોકો આસામના અધિકૃત ભારતીય નાગરિક તરીકે ઓળખાણ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

એનઆરસીની યાદીમાં સ્થાન મેળવવા માટે 3,30,27,661 લોકોએ અરજી કરી હતી. જેમને સ્થાન નથી મળ્યું તેમને ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સમાં અપીલ કરવા માટે 120 દિવસનો સમય મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો