'મારા પર બળાત્કાર થયો હતો અને હવે મને મારી દીકરીઓની ચિંતા થાય છે'

દક્ષિણ આફ્રિકામાં હાલનાં અઠવાડિયાઓમાં મહિલાઓ પર બળાત્કાર અને ક્રૂર રીતે હત્યાના બનાવોને કારણે ભારે આક્રોશ છે.

અહીં એક શાળાની બાળકીનું માથું કચડી નાખવામાં આવ્યું. તો કૉલેજના એક વિદ્યાર્થીને ફટકા મારીને મારી નખાયો જેના કારણે કમકમાટી ફેલાઈ હતી.

બળાત્કાર અને હત્યાઓના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. #AmINext એવા હૅશટૅગ સાથે ટ્વિટર પર કૅમ્પેન શરૂ થયું હતું.

આવા ક્રૂર અપરાધો બદલ ફાંસીની સજાની માગણી સાથે ઓનલાઈન પિટિશન શરૂ થઈ હતી, જેને 5,00,000થી વધુ લોકોએ અનુમોદન આપ્યું હતું.

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામ્ફોસાએ આ સમસ્યાને દૂર કરવા માટે શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે.

આરોપીઓનાં નામોનું રજિસ્ટર જાહેર કરી દેવું, જાતીય ગુના સામે કામ ચલાવવા માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવી અને કડક સજા સહિતનાં પગલાંની જાહેરાતો તેમણે કરી છે.

મુખ્ય નગર જૉહાનિસબર્ગમાં રહેતાં બે દીકરીઓનાં 37 વર્ષનાં માતા અને ફોટોગ્રાફર સારાહ મિડગ્લૅ આજે પણ એક દાયકા પહેલાં તેમનાં પર થયેલા બળાત્કારના આઘાતમાંથી બહાર આવી શક્યાં નથી.

તેમણે બીબીસી આફ્રિકાના વિમૅન્સ અફેર્સના રિપોર્ટર ઍસ્થર એકેલો ઓગોલા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી.

2010માં મારા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે મારા પર બળાત્કાર કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ફૂટબૉલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હતો તે વખતે આ બનાવ બન્યો હતો.

મેં હિંમત કરીને તેને છોડી દીધો, તેના 18 મહિના પહેલાં સુધી તે મારું શારીરિક અને માનસિક શોષણ કરતો રહ્યો હતો.

મેં અગાઉ પણ છોડીને જતાં રહેવાની ધમકી આપી હતી પણ હું જ્યારે ધમકી આપું ત્યારે તે મને વધારે માર મારતો હતો.

તે મને લાતો મારતો, ક્યારેક ગૂંગળાવી દેતો કે બટકા ભરી લેતો હતો. હું છોડીને જતી રહીશ તો મારી સામે જ મારી દીકરીઓ પર બળાત્કાર કરવાની ધમકી આપતો હતો.

એક વાર તેણે ઇલેક્ટ્રિક ગનથી મારા પર પ્રહાર કર્યો હતો.

હું આ ત્રાસ વિશે કોઈને નહોતી કહેતી કેમ કે મને સંકોચ થતો હતો. મને શરમ આવતી હતી કે હું સામનો કરી શકું એમ નહોતી.

હું મારા પરિવાર અને મિત્રોથી પણ અળગી થઈ ગઈ હતી કેમ કે છુટાછેડા પછી મારામાં આત્મસન્માનની સ્થિતિ સારી નહોતી.

મારા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે મને એવું પણ સમજાવી દીધું હતું કે સગા કે મિત્રોને મારી કંઈ પડી નથી.

મને એવું પણ લાગતું હતું કે તે મારાં સંતાનોને હેરાન કરશે.

આખરે મેં તેને છોડી દેવાની હિંમત કરી ત્યારે ચૂપચાપ કામ પાર પાડ્યું હતું. જોકે 10 દિવસ પછી તે મારા ઘરના દરવાજે આવીને ઊભો રહી ગયો હતો.

તેણે મને શોધી કાઢી તેના કારણે મને કેટલો આઘાત લાગ્યો તે સમજાવવું મુશ્કેલ છે.

તેણે કહ્યું કે તે છેલ્લી વાર એક મદદ માગવા આવ્યો છે. તેણે કહ્યું કે તેના કાકાની વાડી 25 કિલોમિટર જેટલી દૂર છે અને ત્યાં સુધી જવા માટે તેની પાસે પૈસા નથી.

તેણે મને કહ્યું કે હું તારી જિંદગીમાંથી કાયમ માટે ચાલ્યો જઈશ, જો તું મને મારા કાકાની વાડી સુધી મૂકી જા તો. મેં તેની વાત પર વિશ્વાસ કર્યો.

તે બળાત્કારનાં ઘણાં વર્ષો સુધી હું મારી જાતને જ કોસતી રહી હતી. તે મને સાવ જતી કરી દેશે એવું માની લેવાની મેં ભૂલ કરી લીધી હતી.

ઑગસ્ટથી બનેલા કેટલાક બનાવોને કારણે સમગ્ર દક્ષિણ આફ્રિકામાં ભારે આક્રોશ છેઃ

  • શાળામાં ભણતાં 14 વર્ષનાં કિશોરી જેનિકો માલો પર બળાત્કાર થયો. તે પછી તેમનું માથું મોટા સ્લેબથી કચડી નાખીને હત્યા કરી દેવામાં આવી. આ કિસ્સામાં હજુ કોઈની ધરપકડ થઈ નથી.
  • ફિલ્મ અને મીડિયાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહેલાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થિની 19 વર્ષનાં મવેત્યાનાને લલચાવીને પોસ્ટઑફિસના મેલરૂમમાં લઈ જવામાં આવ્યાં હતાં. તેમનાં પર બળાત્કાર કરી, ફટકા મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોસ્ટ ઑફિસના એક કર્મચારી સામે ગુનો દાખલ થયો છે.
  • કૉલેજમાં ભણતાં 19 વર્ષનાં જૅસ હેસ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. તેમના 85 વર્ષના દાદા ક્રિસ લૅટજનને ટૉઇલેટમાં બાંધીને પૂરી દેવાયા હતા. આ કિસ્સામાં હજુ કોઈની ધરપકડ થઈ નથી.
  • 25 વર્ષનાં બૉક્સર લેગાન્ડ્રે "બૅબી લી" જેનગેલ્સની તેમના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે કારમાં જ ગોળી મારીને હત્યા કરી હતી. હત્યા કરનારા પોલીસ અધિકારી હતા. તેમણે હત્યા કરીને ભાગવાની કોશિશ કરી ત્યારે કાર અકસ્માત થયો. તેમાં તેઓ ખરાબ રીતે ઘાયલ થયા અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું.
  • 30 વર્ષનાં શો-જમ્પર મૅગન ક્રિમર સાંકડી કબરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. તેમનાં ગળામાં દોરડું હતું. તેમની હત્યા માટે ત્રણ લોકો સામે ગુનો દાખલ થયો છે.
  • 32 વર્ષનાં સેલ્સકૉચ લિનેટ વૉલ્શનેકની હત્યા કરીને મૃતદેહના ટુકડા કરી દેવાયા હતા. એક ઍપાર્ટમૅન્ટના કચરાની બેગમાં તેઓ મળી આવ્યા હતા. હત્યાના શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

કારમાં અમે થોડે આગળ વધ્યાં ત્યારે મને લાગ્યું કે તેનું વર્તન બરાબર નથી. જોકે, તે ડ્રગ્સનો વ્યસની હતો તેથી નશામાં હશે એમ મને લાગેલું. (મને તેની લતની મોડી ખબર પડી હતી.)

મેં તેને કહ્યું કે હું તને વાડીના દરવાજે છોડી દઈશ અને પાછી ફરીશ.

મને હતું કે તેનું વર્તન બરાબર નથી, તે શંકા તે પછીનાં તેનાં પગલાંને કારણે સાચી પડી.

તેણે કહ્યું કે હું કહીશ ત્યારે જ તું જઈ શકીશ. એમ કહીને તેણે કારના દરવાજા લોક કરી દીધા.

અમે વાડીએ પહોંચ્યાં ત્યારે તે દોડીને મારી બાજુ આવી ગયો. મારી બાજુનો દરવાજો ખોલીને, મારા વાળ પકડીને મને ખેંચીને બહાર કાઢી. તેણે મારા માથા પર લાત મારી અને હું બેભાન થઈ ગઈ.

મને ભાન આવ્યું ત્યારે મેં જોયું કે વાડીના દૂરના એક ઓરડામાં હું હતી અને તે મારી પર હતો. તેનો કોઈ મિત્ર પણ આવ્યો હતો. મારા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પછી તેણે પણ મારા પર બળાત્કાર કર્યો.

હું ફરીથી બેભાન થઈ ગઈ. ફરીથી ભાનમાં આવી ત્યારે તેઓ બંને જતા રહ્યા હતા, પણ તેના કાકાની વાડીમાં કામ કરતી ક્લિનર ત્યાં હતી.

મારે ગર્ભાશય કઢાવી નાખવું પડ્યું હતું

તેના હાથમાં પાણીની ડોલ હતી. પોતાનાં કપડાંથી મને ઢાંકીને તે મને સાફ કરવાની કોશિશ કરી રહી હતી.

મેં તેને અટકાવીને પોલીસ અથવા ઍમ્બ્યુલન્સ માટે ફોન કરવા કહ્યું. એ બાદ ઍમ્બ્યુલન્સ આવી અને મને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી.

કમનસીબે મને ભારે ઈજાઓ થઈ હતી. તેના કારણે મારે ગર્ભાશય કઢાવી નાખવું પડ્યું હતું.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે મને ખબર પડી કે મારા પર બળાત્કાર કરનારાને જામીન મળી ગયા છે. તે શહેર છોડીને નાસી ગયો હતો. મારે નવ મહિના સુધી ડરતાંડરતાં રહેવું પડ્યું હતું.

આખરે તે ફરી પકડાયો અને તેને આઠ વર્ષની જેલની સજા થઈ હતી. 2017માં જેલમાં સાત વર્ષ થયાં ત્યારે પ્રોસ્ટેટ અને બ્લૅડરના કૅન્સરથી તેનું મોત થયું હતું.

સાચું કહું તો સાત વર્ષ પછી પ્રથમવાર મને હાશકારો થયો હતો. મેં તેના મિત્ર સામે ક્યારેય કેસ આગળ વધારવાની કોશિશ ના કરી કેમ કે હું વધુ એક કેસની સુનાવણીનો ત્રાસ સહન કરી શકું તેમ નહોતી.

મને એવાં દુઃસ્વપ્ન આવ્યાં કરતાં કે મારો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પાછો આવ્યો છે અને મારા અને મારાં સંતાનો પર હુમલો કર્યો છે.

હું એકલી રહી શકું તેમ નહોતી, તેથી મારાં માતાપિતા સાથે રહેવાં જતી રહી હતી.

તમે એકવાર સાપથી ડરી જાવ ત્યારે બધા જ સાપનો ડર લાગે. ઝેરી ન હોય તેવા સાપનો પણ ડર લાગે.

કમનસીબે મને બધા પુરુષોનો ડર લાગે છે. હું તેવું બતાવવાની કોશિશ નથી કરતી અને હવે મક્કમ રહું છું.

જોકે, મને લાગતું નથી કે પુરુષોને એ સમજાતું હોય કે તેમાંથી કેટલાક ડરામણા પણ હોય છે.

મારી દીકરીઓની સલામતી મને બહુ ચિંતા છે

વર્ષો સુધી મારે માનસિક સારવાર લેવી પડી હતી.

કેટલીક નાનપણના અત્યાચારના કારણે (બાળકી હતી ત્યારે પણ મારું શોષણ થયું હતું) અને કેટલીક સારવાર આ બળાત્કારના કારણે પણ.

બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી માતા હોય ત્યારે તેના માટે વધારે મુશ્કેલ સ્થિતિ હોય છે. તમારી દીકરીઓનું શું થશે તેની મને બહુ ચિંતા હોય છે.

મારી સાથે થયું તેવું તેમની સાથે થશે તો હું ભાંગી જઈશ.

તેથી મેં મારી દીકરીઓને શીખવ્યું છે કે હું હંમેશાં તમારું રક્ષણ કરવા માટે છું.

મારાં પર મારી દીકરીઓ ભરોસો રાખી શકે છે. તેઓ મને હંમેશાં પોતાની વાત કરી શકે છે અને હું હંમેશાં તેમની વાત માનીશ.

મારી દીકરીઓની સલામતી માટે હું બહુ જ ચિંતા કરતી થઈ ગઈ હતી. મેં તેમને ફોન લાવી આપ્યા હતા અને હું સતત તેમનાં પર નજર રાખતી હતી.

તેઓ બહાર જાય તો હું તેમની સાથે જતી. મૉલમાં તેઓ મિત્રો સાથે આંટો મારવાં જાય તો પણ હું પાછળ જતી.

આખરે હું થાકી ગઈ હતી અને ફરી મારે સારવાર લેવી પડી હતી અને આટલી બધી ચિંતામાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી.

અંગત રીતે મને નથી લાગતું કે દક્ષિણ આફ્રિકામાં સ્ત્રીઓ અને બાળકોની સુરક્ષા માટે પૂરતી કાળજી લેવાતી હોય.

સ્ત્રીઓ માટે કેવી કપરી સ્થિતિ છે તે લોકો સમજતા નથી. કમનસીબે કેટલીક મહિલાઓ જ જતું કરવાની વાત કરતી હોય છેઃ "જે થઈ ગયું તે થઈ ગયું. લોકોએ આગળ વધવું જોઈએ અને હકારાત્મક રહેવું જોઈએ."

બળાત્કાર અને હત્યાનો ભોગ બનતી સ્ત્રીઓ માટે આ કોઈ ઉકેલ નથી.

વિશ્વની સરખામણીએ દક્ષિણ આફ્રિકાની સ્થિતિ કેવી છે?

બીબીસી રિયાલિટી ચેક ટીમ

સ્ત્રીઓ પર થતી જાતીય હિંસાની સરખામણી કરવી મુશ્કેલ છે, કેમ કે જુદાજુદા દેશો ગુનાની નોંધણી જુદીજુદી રીતે કરે છે.

કેટલાક દેશોમાંથી માહિતી મળતી નથી, મળે છે ત્યાં વર્ષો જૂની હોય છે.

ઘણા દેશોમાં જાતીય હિંસાના કેસોની નોંધણી ઓછી થતી હોવાનું પણ જોવા મળ્યું છે.

સ્ત્રીઓ અને કિશોરીઓની હત્યાના આંકડા જોકે મળે છે, પણ તેમાં છેલ્લામાં છેલ્લા વર્ષ 2016ના છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકામાં હત્યાનો દર દુનિયામાં ચોથો સૌથી ઊંચો છે.

દક્ષિણ આફ્રિકામાં દર એક લાખ સ્ત્રીઓમાંથી 12.5 સ્ત્રીઓની હિંસાથી હત્યા થાય છે.

લિસોથો, જમૈકા અને હોન્ડુરાસમાં તેનાથી વધારે હત્યાઓ થાય છે. 183 દેશોના આંકડા ચકાસાયા તેમાં વૈશ્વિક સરેરાશ 2.6ની હતી.

2016માં સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશેષ પ્રતિનિધિએ દક્ષિણ આફ્રિકામાં સ્ત્રીઓ વિરુદ્ધની હિંસાનો અહેવાલ આપ્યો તેમાં જણાવાયું હતું કે નવમાંથી માત્ર એક બળાત્કારનો કિસ્સો પોલીસ સુધી પહોંચતો હતો. સ્ત્રી પર તેના સાથી મિત્રે બળાત્કાર કર્યો હોય તેવા કિસ્સામાં આનાથી પણ ઓછા પ્રમાણમાં ફરિયાદ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો