You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલમ 370 : કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયનો ચીન કેમ વિરોધ કરે છે?
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
- પદ, સમાચારોનું રિપોર્ટિંગ અને વિશ્લેષણ
ભારત સરકારે કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો પરત લઈ લીધો છે, જેનાથી ચીનનાં ભવાં ચડી ગયાં છે. ગત અઠવાડિયાથી વિવિધ નિવેદનો દ્વારા ચીન પોતાનો વિરોધ જાહેર કરી રહ્યું છે.
ગત પાંચ ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને નાબૂદ કરી નાખી હતી.
આ પછી એક કાયદો પસાર કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું હતું.
આમાંથી એક કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ છે, જેના એક ભાગ પર ચીનનું નિયંત્રણ છે અને આ આખો વિસ્તાર ચીન પોતાનો હોવાનો દાવો કરે છે.
ચીનની પ્રતિક્રિયા શું રહી છે?
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ખ્વા ચૂનયિંગે ભારતના આ નિર્ણયને લઈને આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
તેમણે કહ્યું, "સરહદ પાસેના પશ્વિમ સૅક્ટરમાં ચીનના વિસ્તાર પર ભારત દ્વારા કરાયેલા જમીનસંપાદનનો ચીન હંમેશાંથી વિરોધ કરે છે."
"આપણી આ કાયમી અને નિરંતર સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો."
ખ્વા ચૂનયિંગે આગળ કહ્યું, "પોતાના કાયદામાં ફેરફાર કરીને ભારતે ચીનના વિસ્તારના સાર્વભૌમત્વને નજરઅંદાજ કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ રીત સ્વીકાર્ય નથી અને આનો અમલ કરી શકાશે નહીં."
આ બધા વચ્ચે ભારતમાં રાષ્ટ્રવાદી નિવેદનોની સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ પગલાનું સ્વાગત કર્યું છે.
કેટલાક નેતાઓએ આશા વ્યક્ત કરી છે કે વિસ્તારનો જે ભાગ ચીન અને પાકિસ્તાનના નિયંત્રણમાં છે, તે પણ ભારતની પાસે આવી જશે.
આ નેતાઓએ એમાં ચીનના નિયંત્રણ હેઠળના લદ્દાખનો વિસ્તાર, અક્સાઈ ચીન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનો સમાવેશ કર્યો.
'ઇન્ડિયા ટુડે'એ કેન્દ્રીયમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહને ટાંકતાં લખ્યું, "200 ટકા વિશ્વાસ છે કે પીઓકે અને અક્સાઈ ચીન પણ ટૂંક સમયમાં દેશમાં ભળી જશે."
લદ્દાખને લઈને ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું, "ભારત સરકારે લદ્દાખને (જેમાં ચીનના વિસ્તારનો સમાવેશ થાય છે) કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ઘોષણા કરીને ચીનના સાર્વભૌમત્વને પડકાર ફેંક્યો છે અને સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે બંને દેશોની વચ્ચેની સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે."
કાશ્મીર મુદ્દે ખ્વા ચૂનયિંગે કહ્યું, "કાશ્મીરના મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ અને એક જેવી છે."
"આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આને લઈને સહમતિ છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીરનો મુદ્દો વર્ષોથી અટવાયેલો છે."
લદ્દાખ પર ચીનનો દાવો શું છે?
ચીન કહી રહ્યું છે કે અક્સાઈ ચીન સહિત લદ્દાખનો વિસ્તાર એવો સરહદી વિવાદનો ભાગ છે કે જે હજુ સુધી નક્કી કરી શકાયો નથી.
હાલ અક્સાઈ ચીનનો સમાવેશ ચીન પોતાના શિનજિયાંગ વિસ્તારમાં કરે છે અને આને ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.
કારણ એ છે કે તેના થકી શિનજિયાંગ અને તિબેટ વચ્ચે સૈનિકોની અવરજવર થઈ શકે છે.
ચીન શિમલા કરારને માન્યતા આપતું નથી. આ કરાર વર્ષ 1914માં તિબેટ અને ભારતના બ્રિટિશ વહીવટી તંત્રની વચ્ચે થયો હતો. જેમાં લદ્દાખને ભારતના વિસ્તાર તરીકે માન્યતા આપવામાં આવી હતી.
ચીનનું કહેવું છે કે આ સંધિ એ સમય ચીનની સરકારની સાથે કરવામાં આવી નહોતી, માટે એ માન્ય નથી.
વાંગ યીએ કહ્યું, "ભારતનું પગલું ચીનને સ્વીકાર્ય નથી અને આ વિસ્તારના સાર્વભૌમત્વ તેમજ પ્રશાસનિક અધિકાર ક્ષેત્રને લઈને ચીનની સ્થિતિમાં કોઈ પરિવર્તન નહીં આવે."
સરકારના નિયંત્રણમાં રહેલા સમાચારપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ' લખે છે, "જ્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ દાવો કરે છે કે ભારત ઉત્તર-પશ્વિમ ચીનના શિનજિયાંગ વીગર સ્વાયત્ત વિસ્તાર પર પોતાનું શાસન સ્થાપિત કરવા ઇચ્છે છે તો તે ચીનની સામે દુશ્મનનો ભાવ પેદા કરે છે."
શાંઘાઈ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ સ્ટડીઝના રિસર્ચ ફૅલો ઝાઓ ગાનચેંગને ટાંકીને અખબારે લખ્યું, "જો ભારત પોતાના અતાર્કિક દાવાઓને આગળ વધારશે અને સૈન્ય કાર્યવાહી કરીને અમને ઉશ્કેરશે તો ચીન તાકાતથી જવાબ આપશે."
ભારતનું શું કહેવું છે?
ભારતના વિદેશ મંત્રાલયે ચીનની ટીકાનો જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રાલયનું કહેવું છે, "લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવો એ ભારતનો આંતરિક મામલો છે."
ભારતના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું, "લદ્દાખના લોકોની લાંબા સમયથી માગ રહી છે કે આ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે, જેથી તે પોતાની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે."
ભારત એવું પણ કહેતું રહ્યું છે કે અક્સાઈ ચીન પર ચીનનો દાવો ગેરકાયદે છે અને એ શિમલા કરારનું ઉલ્લંઘન છે.
આ વિવાદને ચીનના નજીકના સહયોગી અને ભારતના વિરોધી પાકિસ્તાને વધારે જટિલ બનાવ્યો છે.
પાકિસ્તાને વર્ષ 1963માં ટ્રાન્સ કારાકોરમના એક ભાગને ચીનને સોંપી દીધો હતો. આ વિસ્તાર અક્સાઈ ચીનની નજીક છે. પાકિસ્તાનના એ પગલાને ભારત ગેરકાયદે ગણે છે.
લાંબા સમયથી આ મામલે ભારતનું જે વલણ રહ્યું છે તેને ફરીથી જણાવતા શાહે સંસદમાં કહ્યું, "કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. એને લઈને કોઈ શંકા નથી."
"જ્યારે જમ્મુ-કાશ્મીરની વાત કરું છું તો પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને અક્સાઈ ચીન પણ આમાં આવે છે."
ચીને શું પગલાં લીધાં છે?
ચીને જે કહ્યું કે તેના પર તે અમલ પણ કરી રહ્યું છે.
પાકિસ્તાનની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક થઈ. પાકિસ્તાનનો કાશ્મીરને લઈને ભારતની સાથે વિવાદ છે.
આ બેઠકના થોડા જ દિવસ પહેલાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર બેજિંગના પ્રવાસે હતા.
'ગ્લોબલ ટાઈમ્સ' મુજબ તેમણે સંધિની ભાષાનો ઉપયોગ કરીને કહ્યું હતુ કે, "ભારતના બંધારણમાં સંશોધન કરવાથી સાર્વભૌમત્વના નવા દાવાની સ્થિતિ નહીં બને."
"આનાથી (પાકિસ્તાન સરહદ પર) કાશ્મીર વિસ્તારમાં નિયંત્રણરેખા પર પરિવર્તન નહીં આવે અને ચીન-ભારત સરહદે કંટ્રોલ-લાઈન નહીં બદલાય."
પાકિસ્તાન લાંબા સમયથી કાશ્મીર વિવાદને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની મિટિંગમાં એ જ દિશામાં પ્રયાસ કરાયો છે. ભારત આ વિષયને આંતરરાષ્ટ્રીય મામલો બનાવવાનો વિરોધ કરે છે.
પરંતુ આ બેઠકમાં અભિપ્રાય અલગઅલગ રહ્યા હતા. અહેવાલ પ્રમાણે રશિયાએ ભારતનું સમર્થન કર્યું હતું. જ્યારે બ્રિટને આ મુદ્દે ચીનનું સમર્થન કર્યું હતું.
આ બેઠક બાદ એક જાહેર નિવેદન બહાર પાડવામાં આવે એવી ચીનની માગનું બ્રિટને સમર્થન કર્યું.
ચીન સિવાય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બાકી ચાર કાયમી સભ્યોએ ભારત અને પાકિસ્તાનને પોતાના વિવાદોનું દ્વિપક્ષી નિરાકરણ લાવવા માટે કહ્યું.
છેવટે આ બેઠક કોઈ નિવેદન જાહેર કર્યા વિના પૂર્ણ થઈ ગઈ. જોકે, ચીન અને પાકિસ્તાને બાદમાં એક નિવેદન જાહેર કર્યું.
આ પછી ભારતે પણ નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે ચીન અને પાકિસ્તાનનાં નિવેદનો સુરક્ષા પરિષદના વિચારને વ્યક્ત કરતાં નથી.
ભારતના નિવેદનનું બીજા કોઈ સભ્ય દેશે ખંડન કર્યું નથી.
પછીના દિવસોમાં મોટા ભાગના દેશોએ ભારત અને પાકિસ્તાનને કહ્યું કે કાશ્મીરને લઈને પોતાના મતભેદનો દ્વિપક્ષી વાતચીતથી નિવેડો લાવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો