You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનુચ્છેદ 370 : કાશ્મીર મામલે ચીને પાકિસ્તાનનો પક્ષ લેતા ભારતે ઉઠાવ્યો ઇકોનોમિક કોરિડોરનો મુદ્દો
કાશ્મીર મામલે ચીન અને પાકિસ્તાને આપેલું સંયુક્ત નિવેદન ભારત સરકારે ફગાવી દીધું છે અને ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ''અમે ચીનના વિદેશમંત્રીની પાકિસ્તાન મુલાકાત પર કાશ્મીર અંગે આપવામાં આવેલું સંયુક્ત નિવેદન નકારી કાઢીએ છીએ. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે.''
''બીજી તરફ પાકિસ્તાન અને ચીનના સંયુક્ત પ્રોજેક્ટ કથિત ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બાબતે અમે ચીન અને પાકિસ્તાન બેઉ સામે વાંધો રજૂ કરેલો છે, જે ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને ગેરકાયદે 1947થી કબજે કરેલો છે.''
''ભારત પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં અન્ય કોઈ પણ દેશની દખલનો વિરોધ કરે છે.''
શું હતું સંયુક્ત નિવેદન?
ગઈ કાલે ચીને પાકિસ્તાન સાથે સંયુક્ત નિવેદન આપતા કહ્યું હતું કે તે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
ચીને કહ્યું છે, ''તે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ભારત તથા પાકિસ્તાન શાંતિપૂર્ણ રીતે કાશ્મીરના મુદ્દાનું સમાધાન શોધે.''
ચીનના વિદેશમંત્રી વાંગ યીની પાકિસ્તાનની બે દિવસની યાત્રાના સમાપન વખતે અપાયેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે 'આ બાબતનું સમાધાન સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અને દ્વિપક્ષી સમજૂતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની આ યાત્રા દરમિયાન પાકિસ્તાન અને ચીને જમ્મુ-કાશ્મીર બાબતે ચર્ચા કરી હતી.
પાકિસ્તાને ચીનના વિદેશમંત્રી ને જમ્મુ-કાશ્મીર અંગે પોતાની ચિંતા, વિચારો અને માનવીય મુદ્દાઓ વિશે માહિતી આપી.
આ પહેલાં, ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાન માટે સમર્થન હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પાકિસ્તાન તરફથી કાશ્મીર મુદ્દે આખરી શ્વાસ સુધી લડવાની વાત પણ કરવામાં આવી.
કાશ્મીર મુદ્દે ચીન અને પાકિસ્તાનનું વલણ
'સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ' પ્રમાણે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું કે પાકિસ્તાન અને ચીન બહુ ગાઢ મિત્રો છે જે સુખ-દુઃખમાં સાથે રહે છે.
ચીનના વિદેશમંત્રીએ પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે ઇસ્લામાબાદમાં બેઠક કરી હતી.
સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ મુજબ વાંગ યીએ કહ્યું હતું, ''ક્ષેત્રમાં ભલે કેટલા ફેરફારો થાય, ચીન પાકિસ્તાનના સાર્વભૌમત્વ, ગરિમા અને અખંડિતતાની સુરક્ષા માટે પાકિસ્તાનની પડખે ઊભું રહેશે.''
એ સિવાય તેમણે એમ પણ કહ્યું, ''ચીન પાકિસ્તાનની સરકારને રાષ્ટ્રીય સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિ મેળવવાની વાતને ટેકો આપશે તથા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં પાકિસ્તાનની વધુ રચનાત્મક ભૂમિકાનું સમર્થન કરે છે.''
જનરલ બાજવાએ કહ્યું, '' હાલ ક્ષેત્રીય અને આતંરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં જટિલ ફેરફારો થઈ રહ્યા છે અને હું આવા કઠણ સમયમાં પાકિસ્તાનને મજબૂત ટેકો આપવા માટે ચીનનો આભાર માનું છું.''
આ પહેલાં પાકિસ્તાનની વિનંતીના આધારે, ચીન જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવાના નિર્ણય અંગે ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધબારણે બેઠક બોલાવી હતી.
જોકે આ બાબતે ચીન પાકિસ્તાનના પક્ષમાં સમર્થન હાંસલ કરવામાં સફળ નહોતું થઈ શક્યું.
ગયા મહિને થયેલી બેઠકમાં ચીન-પાકિસ્તાન પોતાના ઇરાદામાં સફળ નહોતા થઈ શક્યા કારણકે મોટા ભાગના દેશોએ કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરવા અને ચીનના પક્ષનો સ્વીકાર નહોતો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની જનરલ ઍસેમ્બલીને સંબોધિત કરવાના છે.
મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ તે જ દિવસે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરવાના છે.
આ સંજોગોમાં ચીનના વિદશમંત્રીનું સંયુક્ત નિવેદન મહત્ત્વપૂર્ણ બની રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો