અજિત ડોભાલ : કાશ્મીરમાં પ્રતિબંધો પાકિસ્તાનના વર્તનને ધ્યાનમાં રાખી હઠાવાશે

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, "પાકિસ્તાનના વર્તનને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં લાદવામાં આવેલાં પ્રતિબંધને હટાવવામાં આવશે."

અજિત ડોભાલે કહ્યું, "પાકિસ્તાન કેવી રીતે વર્તી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો વિશે વિચારતા હોઈએ છીએ. આ એક ઉત્તેજક અને પ્રતિભાવની પરિસ્થિતિ છે."

"જો પાકિસ્તાન એવી રીતે વર્તે કે ઉગ્રવાદીઓને ધમકાવે અને ઘૂસણખોરી કરતા અટકાવે, જો પાકિસ્તાન તેના ટાવરો દ્રારા કાર્યકર્તાઓને સિગ્નલ મોકલવાનું બંધ કરે તો અમે પ્રતિબંધો અટકાવી શકીશું."

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું હતું કે, "જમ્મુ કાશ્મીરનો 92.5 ટકા વિસ્તાર પ્રતિબંધોમાંથી મુક્ત છે."

તેમણે વધુમાં કહ્યું હતું, "અમે પાકિસ્તાનના ઉગ્રવાદીઓથી કાશ્મીરના નાગરિકોની સુરક્ષાનો નિર્ધાર કર્યો હતો જેના કારણે અમે કાશ્મીરમાં પ્રતિબંધ લાદ્યા હતા."

"ઉગ્રવાદ જ માત્ર એક એવું હથિયાર છે જેના દ્વારા પાકિસ્તાન વેલીમાં પ્રતિકૂળ સ્થિતિ પેદા કરી શકે છે."

અજિત ડોભાલે કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરના 199 પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી માત્ર 10 જ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધનો આદેશ છે. 100 ટકા લૅન્ડલાઇન ચાલી રહી છે."

અજિત ડોભાલે દાવો કર્યો મોટા ભાગના કાશ્મીરી લોકો કલમ 370ની નાબૂદીના સમર્થનમાં છે.

તેમણે વધુમાં કહ્યું, "તેઓને આમાં સારી તકો, પોતાનું ભવિષ્ય, આર્થિક વિકાસ અને રોજગારીની તકો દેખાય છે. આમાં કેટલાંક જ દુર્જન જેવાં છે."

'સૈન્ય દ્વારા કોઈ અત્યાચાર કરવામાં આવ્યો નથી'

ભારતીય સૈન્ય દ્વારા કાશ્મીરમાં અત્યાચાર કરવામાં આવે છે તે વાતને રદિયો આપતાં તેમણે કહ્યું, "આર્મી દ્વારા આચરવામાં આવેલી એટ્રોસીટીનો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી."

"કારણ કે માત્ર જમ્મુ કાશ્મીર પોલીસ અને કેટલાક કેન્દ્રિય સુરક્ષાદળો સ્થાનિક વ્યવસ્થાને સંભાળી રહ્યા છે. ભારતીય સૈન્ય માત્ર ઉગ્રવાદીઓ સામે લડવા માટે જ છે."

'શું તમને બંગડીઓ મોકલીએ?'

અજિત ડોભાલે પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં મોકલવામાં આવતાં મેસેજ અંગે પણ વાત કરી હતી. તેમના મતે "સરહદના વિસ્તારમાં 20 કિલોમિટરની અંતરે પાકિસ્તાનના ટાવર છે."

"ત્યાંથી તેઓ સંદેશો મોકલવા પ્રયત્ન કરે છે. અમે ઇન્ટરસૅપ્ટ સાંભળ્યા છે. તે અહીં રહેલા માણસને કહેતા હતા કે 'કેટલી બધા સફરજનના ટ્રકો પસાર થઈ રહી છે, તમે તેને અટકાવી શકતા નથી? શું અમે તમને બંગડીઓ મોકલીએ?'

કાશ્મીરમાં કરવામાં આવેલી નેતાઓની અટકાયત વિશે

જમ્મુ અને કાશ્મીરમાં થયેલી સ્થાનિક નેતાઓની અટકાયત અંગે અજિત ડોભાલે કહ્યું, "કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ ઉભી ન થાય તે માટે અગમચેતીના પગલાંરૂપે તેમની અટકાયત કરવામાં આવી છે."

"જો તેઓ એકઠા થાત તો ઉગ્રવાદીઓ તેનો ફાયદો ઉઠાવત."

વધુમાં કહ્યું, "જમ્મુ અને કાશ્મીરના કોઈ પણ નેતા પર ફોજદારી અથવા તો દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી."

"જ્યાં સુધી વાતાવરણ લોકશાહીને અનુકૂળ ન સુધી તેમની અગમચેતીના પગલારૂપે તેમને અટકાયતમાં રખાશે."

તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના નેતાઓની અટકાયત કાયદાના ફ્રેમવર્કને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી અને તેઓ આ ધરપકડને કૉર્ટમાં પડકારી શકે છે.

370ની કલમ સ્પેશિયલ ભેદભાવ હતો

કલમ 370ની નાબૂદી અંગે તેમણે કહ્યું, "370ની કલમ કાશ્મીર માટે સ્પેશિયલ સ્ટેટસ ન હતું. પરંતુ સ્પેશિયલ ભેદભાવ હતો."

"આધુનિક અને આગામી સમાજના લોકો માટે અનેક કાયદાઓ છે જે કાશ્મીરના લોકોને આપવામાં આવ્યા નથી."

"શિક્ષણનો અધિકાર અને મિલકતના અધિકાર જેવા હક મળ્યા ન હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો